રાજેશ ખન્ના પાછળ યુવતીઓની દીવાનગીના અઢળક કિસ્સાઓ જાણીતા છે, પણ આજે તેઓ સુપરસ્ટાર બન્યા એ પહેલાંની જિંદગીની ઓછી જાણીતી, પરંતુ રોચક ઘટનાઓ શૅર કરવી છે
રાજેશ ખન્ના
થોડા સમય પહેલાં રાજેશ ખન્નાની યાદમાં એક કાર્યક્રમનું આયોજન થયું હતું. અમારી સીટ્સની પાછળ ત્રણ આધેડ વયની સ્ત્રીઓ જે રીતે ‘ઊહ’ અને ‘આહ’ સાથે રાજેશ ખન્નાને યાદ કરતી હતી એ સાંભળીને એક વસ્તુ સાબિત થઈ કે દાદીની ઉંમરે પહોંચ્યા બાદ પણ તેમના પર સુપરસ્ટારના રોમૅન્ટિક કરિશ્માનો જાદુ બરકરાર હતો. રાજેશ ખન્ના પાછળ યુવતીઓની દીવાનગીના અઢળક કિસ્સાઓ જાણીતા છે, પણ આજે તેઓ સુપરસ્ટાર બન્યા એ પહેલાંની જિંદગીની ઓછી જાણીતી, પરંતુ રોચક ઘટનાઓ શૅર કરવી છે.
તેમનું અસલી નામ જતીન ખન્ના. તેમના દાદા ૧૯૩૫માં લાહોરથી મુંબઈ આવ્યા. સાથે ત્રણ પુત્રો મુન્નીલાલ, ચુનીલાલ અને નંદલાલનો પરિવાર પણ હતો. ગિરગામ ખાતે સરસ્વતી નિવાસમાં આ સંયુક્ત કુટુંબ હળીમળીને રહેતું હતું. તેઓ રેલવેના મોટા કૉન્ટ્રૅક્ટર હતા. ૧૯૪૨માં નાનો પુત્ર નંદલાલ ધંધાના વિકાસાર્થે અમ્રિતસર ગયો અને ત્યાં ૧૯૪૨ની ૨૯ ડિસેમ્બરે જતીન ખન્નાનો જન્મ થયો.
ADVERTISEMENT
સૌથી મોટા મુન્નીલાલને ત્રણ પુત્રીઓ હતી, જ્યારે સૌથી નાના નંદલાલને ચાર પુત્રી અને બે પુત્ર હતાં. ચુનીલાલને કોઈ સંતાન નહોતું. દાદાનાં નવ
પૌત્ર-પૌત્રીમાં જતીન સૌથી નાનો અને સૌનો લાડકો. પ્રેમથી સૌ તેને ‘કાકા’ કહેતા. એ દિવસોમાં સંયુક્ત પરિવારમાં એવી પ્રથા હતી કે કોઈ ભાઈને સંતાન ન હોય તો બીજા ભાઈના બાળકને ગોદ લઈ લે એટલે નંદલાલ અને ચંદ્રાણી દેવીના સંતાન જતીનને ચુનીલાલ ખન્ના અને લીલાવતીએ દત્તક લીધો અને જતીન મુંબઈ આવ્યો.
બાળક જતીનનો ઉછેર ખૂબ લાડકોડમાં થયો. તે પાંચ રૂપિયા માગે તો દસ મળે. લીલાવતી નોકરચાકરને કહેતાં કે જતીન જેમ કહે એમ કરવાનું. જતીનને જ્યાં સુધી સૂવું હોય ત્યાં સુધી સૂવા દેવાનો. કોઈ તેને ખલેલ ન પહોંચાડી શકે. વર્ષો બાદ એક ઇન્ટરવ્યુમાં એકરાર કરતાં રાજેશ ખન્નાએ કહ્યું હતું કે મેરી તો પરવરિશ હી ગલત હુઈ થી.
જતીનને ગિરગામની સેન્ટ સેબૅસ્ટિયન ગોઅન હાઈ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો, પણ તેને ભણવામાં રસ નહોતો. સ્કૂલમાં મરાઠી ફરજિયાત પણ એ ફાવે નહીં એટલે સ્કૂલે જવું હોય તો જાય. જ્યારે જાય ત્યારે નવાં કપડાં નવી સ્ટાઇલથી પહેરીને જાય. નાનપણથી ડ્રામેટિક્સનો શોખ. સ્ટેજનું ખૂબ જ વળગણ એટલે ઇતર પ્રવૃત્તિઓમાં વધારે રસ લે. એ દિવસોમાં જતીનની મુલાકાત રવિ કપૂર (જિતેન્દ્ર) સાથે થઈ અને બન્ને મિત્રો બન્યા.
સંગીતકાર આણંદજીભાઈ સાથેની મુલાકાતોમાં તેમણે રાજેશ ખન્નાને યાદ કરતાં કહ્યું હતું કે ‘જતીન ઘણી વાર અમારી ઠાકુરદ્વારની કરિયાણાની દુકાને આવે. તે એકદમ ફિલ્મી સ્ટાઇલમાં કપડાં પહેરે અને ગૉગલ્સ ચડાવીને આવે. અમે કહીએ કે તું તો એકદમ હીરો લાગે છે, તો તે કહે કે હા, મારે હીરો બનવું છે. એ દિવસોમાં પણ તેની ટિપિકલ ફિલ્મી સ્ટાઇલ અને મૅનરિઝમ હતાં.’
૧૭ વર્ષના જતીનની ઇચ્છા હતી કે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં જઈ આર્ટ્સની ડિગ્રી લેવી, પરંતુ ત્યાં ઍડ્મિશન ન મળ્યું એટલે વાડિયા કૉલેજમાં દાખલ થયા. પુણેમાં સરસ્વતી નિવાસના જૂના પાડોશી રમેશ ભાટલેકરના ઘરે રહેતા, પરંતુ બે વર્ષ બાદ મુંબઈની ખૂબ યાદ આવી એટલે મુંબઈની કે. સી. કૉલેજમાં ઍડ્મિશન લીધું. નાનપણનો મિત્ર રવિ કપૂર સિદ્ધાર્થ કૉલેજમાં ભણતો. રવિને પણ ઍક્ટિંગનો ચસકો લાગ્યો એટલે તેમની મૈત્રી ગાઢ બની. ખબર પડે કે નાટકનો ડિરેક્ટર નવા ચહેરા શોધે છે એટલે ઑડિશન આપવા બન્ને સાથે જાય.
થોડા સમય બાદ રવિ કપૂર થાકીને પિતાના ઇમિટેશન જ્વેલરીના ધંધામાં જોડાઈ ગયો (પાછળથી તેનું નસીબ ખૂલ્યું અને આપણને અભિનેતા જિતેન્દ્ર મળ્યા, પણ એ વાત ફરી કોઈ વાર). જતીનને અભિનય સિવાય બીજી કોઈ વાતમાં રસ નહોતો. સામાન્ય રીતે સંઘર્ષ કરતા કલાકારો ઑડિશન આપવા જાય ત્યારે ટ્રેન કે બસમાં જાય, ખિસ્સામાં પૈસાની તંગી હોય. જોકે જતીનને હજારો રૂપિયા પૉકેટ-મની તરીકે મળતા. તે પોતાની સ્પોર્ટ્સ કારમાં બેસીને ઇન્ટરવ્યુ આપવા જાય. તેને જોઈ દરેકને ઈર્ષ્યા થાય. જોકે સૌને એમ જ લાગતું કે અમીર બાપનો છેલબટાઉ દીકરો છે, ટાઇમપાસ કરવા આવે છે. તે લોકોને ખબર નહોતી કે જતીન અભિનયની બાબતમાં ઘણો હોનહાર હતો. ઍક્ટિંગ તેનું પૅશન હતું અને એના જ બલબૂતા પર તેને ધીમે-ધીમે નાટકોમાં કામ મળવા લાગ્યું.
એ દિવસોમાં નાટકોમાં નગણ્ય પુરસ્કાર મળતો, પરંતુ જતીન માટે એ રકમ લાખ રૂપિયા બરાબર હતી. યુવાન જતીનને અભિનયને જ પોતાની કારકિર્દી બનાવવી હતી, જ્યારે પરિવારનો આગ્રહ હતો કે હવે તેણે ધંધામાં જોડાઈ જવું જોઈએ; હા, ફાજલ સમયમાં નાટકો કરવાં હોય તો કરી શકે, પરંતુ જતીને ઇનકાર કર્યો. અંતે પિતાએ અલ્ટિમેટમ આપ્યું. ‘અમે પાંચ વર્ષ તને સપોર્ટ કરીશું. જો ત્યાં સુધીમાં તું નામ ન કમાઈ શકે તો તારે બિઝનેસમાં જોડાઈ જવું પડશે.’
એ દિવસોમાં જતીનને મૉરલ સપોર્ટ આપવા તેનાં માતાપિતા નાટકો જોવા આવતાં. આઇ. એન. ટી.ના વી. કે. શર્મા જે પોતે નાટકો લખતા અને દિગ્દર્શન કરતા તેમને જતીનની ટૅલન્ટ પર ભરોસો હતો. રાજેશ ખન્ના તેમને ગુરુ માનતા. એ દિવસોમાં ચર્ચગેટની હોટેલ ગેલૉર્ડમાં ફિલ્મી દુનિયાના લોકોની મીટિંગ થતી એટલે ઇચ્છુક
યુવાનો-યુવતીઓ હોટેલની બહાર આંટાફેરા મારતાં કે કોઈની નજરે ચડી જઈએ તો કામ મળે. જતીન પણ તેમાંનો એક હતો. એક દિવસ રાજ કપૂરને જોયા તો પોતાનો ફોટો આપીને કહ્યું કે મારે પણ ફિલ્મોમાં કામ કરવું છે.
વી. એસ. થાપા નાટકની દુનિયાનું મોટું નામ. એક દિવસ તેમણે નવા નાટકની સ્ક્રિપ્ટ ડિસ્કસ કરવા જતીનને ગેલૉર્ડમાં બોલાવ્યો. હોટેલના એક ટેબલ પર એક સુંદર યુવતી કોઈની રાહ જોતી હતી. જતીન તેની ખૂબસૂરતીથી એટલો અંજાઈ ગયો કે તેના ચહેરા પરથી નજર ન હટે. થોડી વારમાં થાપા આવ્યા અને પેલી યુવતી સાથે ઓળખાણ કરાવતાં કહ્યું, ‘આ તારા નાટકની હિરોઇન છે અંજુ મહેન્દ્રુ.’ આ હતી બન્નેની પ્રથમ મુલાકાત. ત્યારે જતીનને ખબર નહોતી કે ભવિષ્યમાં અંજુ તેના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બનવાની છે.
કેવા સંજોગોમાં જતીનનું રૂપાંતર રાજેશ ખન્નામાં થયું એ વાત આવતા રવિવારે.
(લેજન્ડરી ફિલ્મી હસ્તીઓ સાથે અંતરંગ સંબંધો ધરાવતા રજની મહેતા સંગીતમર્મી, ફિલ્મ હિસ્ટોરિયન અને સાહિત્યપ્રેમી છે.)

