Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મનમોહન દેસાઈની ફિલ્મોમાં પ્રેક્ષકો હકીકત નહીં, અમિતાભ બચ્ચનની હીરોગીરી જોવા આવતા

મનમોહન દેસાઈની ફિલ્મોમાં પ્રેક્ષકો હકીકત નહીં, અમિતાભ બચ્ચનની હીરોગીરી જોવા આવતા

27 May, 2023 03:31 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

સાથે મળી બંનેએ ‘પરવરિશ’, ‘સુહાગ’, ‘અમર અકબર ઍન્થની’, ‘નસીબ’, ‘મર્દ’, ‘કૂલી’ જેવી લોકપ્રિય ફિલ્મો આપી

અમિતાભ બચ્ચન, મનમોહન દેસાઈ

અમિતાભ બચ્ચન, મનમોહન દેસાઈ


The relationship between an actor and a director is like a love story between a man and a woman. I’m sure, sometimes I’m the woman.

- Gerard Depardieu [French Actor]



કલાકાર અને દિગ્દર્શક વચ્ચે પ્રેમકહાણીનાં બે પાત્રો જેવો  તાલમેલ હોય એ  સફળતા માટે જરૂરી હોય છે. ક્યારેક કલાકાર પોતાનો અહમ્ છોડીને તો ક્યારેક દિગ્દર્શક પોતાની સર્વોપરિતા છોડીને એક્બીજાના દૃષ્ટિકોણનું સન્માન કરે છે ત્યારે એ કૃતિ યાદગાર બની જાય  છે. સમય જતાં બંનેનું વ્યક્તિત્વ એકમેકનું પૂરક બનીને સફળતાનો પર્યાય બની જાય છે. 


આવી જ એક જોડી હતી અમિતાભ બચ્ચન અને મનમહન દેસાઈની. સાથે મળી બંનેએ   ‘પરવરિશ’, ‘સુહાગ’, ‘અમર અકબર ઍન્થની’, ‘નસીબ’, ‘મર્દ’, ‘કૂલી’ જેવી લોકપ્રિય ફિલ્મો આપી. વર્ષો પહેલાં મનગમતા ડિરેક્ટર મનમોહન દેસાઈના ટેરેસ ફ્લૅટમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચન કહે છે, ‘તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે. મારે શું પહેરવાનું છે, શું બોલવાનું છે, કેવી રીતે બોલવાનું છે, કેવો  અભિનય કરવાનો છે; દરેક ચીજ  તે ઝીણવટથી સમજાવે એટલે આપણને કોઈ ચિંતા જ ન હોય. તેમના મનમાં કોઈ કન્ફ્યુઝન ન  હોય. જે લોકો એમ કહે છે કે તેમની ફિલ્મોમાં કોઈ લૉજિક નથી હોતું તેઓ મનજીને જાણતા નથી. તેમનું ઑડિયન્સ ‘કૉમન મૅન’ છે જેની આશા, અપેક્ષા, સપનાં અને ફૅન્ટસીની વાત ફિલ્મોમાં આવે છે. તેમનું મિડલ ક્લાસ બૅકગ્રાઉન્ડ તેમની ફિલ્મોમાં સતત દેખાયા કરે. પોતાના જીવનની સચ્ચાઈઓને આબેહૂબ પડદા પર રજૂ કરીને તે ઑડિયન્સને પોતાનું કરી લે છે. તેમને પોતાના કામ પર એટલો ભરોસો છે કે ભૂલેચૂકે કોઈ દલીલ કરે કે આવી વાહિયાત વાતો કોઈને ગળે નહીં ઊતરે તો તે એટલું જ કહે કે મનમોહન દેસાઈની ફિલ્મમાં પ્રેક્ષકો આવી તિકડમબાજી જોવા જ આવે છે.

‘તેમની સાથેની મારી પહેલી મુલાકાત મને બરાબર યાદ છે. મારા ઘરની બહાર તેમની એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. એમાંના એક કલાકારને મળવા હું બહાર નીકળ્યો તો મને હડસેલીને ત્યાંથી બહાર કાઢ્યો. તેમને કોઈ ડિસ્ટર્બન્સ જોઈતું નહોતું. એટલી તીવ્રતાથી પોતાના કામમાં ઇન્વૉલ્વ થઈ જાય કે જરા પણ આઘુંપાછું ચલાવી ન લે. જો ગરબડ થાય તો તેમનું મગજ ફરે.


‘અમર અકબર ઍન્થની’માં મેં તેમની ‘બમ્બૈયા ઇંગ્લિશ’ બોલીની કૉપી કરી છે. એ દિવસોમાં મનજી મને ઍન્થનીભાઈ કહીને જ બોલાવતા. દારૂ પીને હું કાચમાં જોઈને દવા લગાડું છું એ  દૃશ્યનો પૂરો આઇડિયા તેમનો હતો. સામાન્ય રીતે તેમની રજા વિના તમે એક આંગળી પણ ઊંચી ન કરી શકો સિવાય કે તમે કોઈ સારો વિકલ્પ આપો. આ દૃશ્યનું શૂટિંગ થયું ત્યારે તે આર. કે. સ્ટુડિયોમાં ‘ધર્મવીર’નું શૂટિંગ કરતા હતા એટલે સેટ પર હાજર નહોતા. મને નવાઈ લાગી કે તેમણે મને ‘ટોટલ ફ્રીડમ’ આપી. કઈ રીતે દૃશ્ય શૂટ કરવું છે એની ચર્ચા કર્યા બાદ તેમણે મારા પર  પૂરો ભરોસો મૂક્યો.

‘તેમની દરેક ફિલ્મ મારી ફેવરિટ છે. કૉમેડી રોલ આપીને તેમણે મારી સિરિયસ હીરોની ઇમેજ તોડવામાં મદદ કરી. મનજી ખૂબ નિખાલસ છે. એક દિવસ મને કહે, ‘હું તને ફિલ્મમાં લેવાની કદી ના નહીં પાડું. હા, જો તારે ના કહેવી હોય તો તને છૂટ છે.’

મેહબૂબ ખાન, બિમલ રૉય, રાજ કપૂર, દેવ આનંદ જેવા ફિલ્મમેકર્સે ગુણવત્તાસભર લોકપ્રિય સફળ ફિલ્મો બનાવી. જોકે તેમની અમુક ‘માસ્ટરપીસ’ કહેવાતી ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ઊંધે માથે પછડાઈ. આમ પણ જે લોકપ્રિય છે એ સઘળું ઉચ્ચ કક્ષાનું હોય એ શક્ય જ નથી. મનમોહન દેસાઈ આ બાબત એકદમ ક્લિયર હતા. તેમનું લક્ષ્ય યેન કેન પ્રકારેણ કેવળ પ્રેક્ષકોનું મનોરંજન કરાવવાનું જ હતું.  

વિવેચકોના આરોપોના જવાબ આપતાં તેઓ કહે છે, ‘મારી ફિલ્મોમાં લૉજિક નથી હોતું એમ કહેનારાઓને હું કહું છું કે અશક્ય લાગતી વાતો જ્યારે શક્ય બને ત્યારે આપણે એને ચમત્કાર કહીએ છીએ. મારી માને હૉસ્પિટલમાં દાખલ કરી ત્યારે ડૉક્ટરે કહ્યું કે આના જીવવાની કોઈ આશા નથી. પણ ચમત્કાર થયો અને તે બીજાં ૨૦ વર્ષ જીવી. અમિતાભ બચ્ચન આવો બીજો ચમત્કાર છે. ત્યારે પણ ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા. માનતા માનીએ અને આંખ પાછી આવે, કૅન્સરનો રોગ મટી જાય, અસાધ્ય રોગમાંથી છુટકારો મળે; આવા અનેક પ્રસંગો આપણી જાણમાં આવે છે. આ દરેક પાછળ કયું લૉજિક કામ કરે છે એનો કોઈ જવાબ નથી મળતો. બસ, હું આ જ લૉજિક પર મારી ફિલ્મોમાં કામ કરું છું. મારી ફિલ્મો ‘ક્લાસ’ માટે નહીં, ‘માસ’ (Maas) માટે છે. મારું ઑડિયન્સ અમિતાભ બચ્ચનને ‘હીરોગીરી’ કરતો જોવા આવે છે.’

મનમોહન દેસાઈની ફિલ્મોની ટીકા કરતાં વિવેચકોએ એ વાતને જાણીબૂઝીને નજરઅંદાઝ કરી છે કે તેમની ફિલ્મોને લોકો અનેક વાર જોતા. કેવળ ભારતના નહીં, વિદેશના પ્રેક્ષકો આ ફિલ્મોના દીવાના હતા. અંગ્રેજ યુવતી રોઝી થોમસ ‘અમર અકબર ઍન્થની’ પર લટ્ટુ હતી. તે હિન્દી ફિલ્મો પર પીએચડી કરતી હતી. પોતાના થીસિસમાં તે લખે છે, ‘ફિલ્મના એક દૃશ્યમાં ત્રણ સગા ભાઈ ખાટલા નાખીને બાજુ-બાજુમાં સુએ છે અને નજીકમાં સૂતેલી પોતાની માને એકસાથે ડાઇરેક્ટ લોહી આપે છે. દુનિયા જાણે છે કે મેડિકલ દૃષ્ટિએ આ શક્ય નથી. પરંતુ લોહીના સંબંધ વિશે, ખાસ કરીને માતા અને સંતાનોના દિવ્ય, મંગળ પ્રેમ વિશે ભારતીયોની જે દૃઢ ભાવના છે એની દુનિયાને ખબર નથી. સંતાનોનું લોહી માને અને માનું લોહી સંતાનોને ચાલવું જ જોઈએ, એ તેમની  ફક્ત ભાવના જ નહીં, અટલ શ્રદ્ધા છે. તમે તેમને વૈજ્ઞાનિક કારણો સમજાવવા જશો તો કહેશે કે તમારું શાસ્ત્ર ખોટું છે, અધૂરું છે. લોહીનો આ અતૂટ સંબંધ જેમને સમજાતો નથી કે સમજવાની ઇચ્છા નથી તેને હિન્દી ફિલ્મો શું ચીજ છે એ કદી નહીં સમજાય.’

રોઝી થોમસની વાત આપણને સારી રીતે સમજાય છે. આપણને એટલે મનોરંજન માટે ટળવળતા ૭૦ અને ૮૦ના દશકના પ્રેક્ષકોને. ત્રણ ભાઈઓનું લોહી એક જ બૉટલમાં ભેગું કરીને માને ચડાવાય ત્યારે મેડિકલ સાયન્સની ‘ઐસી કી તૈસી’ કરીને મનમોહન દેસાઈ એ પુરવાર કરે છે કે પ્રેક્ષકો માટે તો આ દૃશ્ય ‘માં કે ખૂન કા કર્ઝ ચુકાને કી બાત હૈ’. વધારામાં બૅકગ્રાઉન્ડમાં મોહમ્મદ રફીના દર્દીલા સ્વરમાં ગીત વાગતું હોય છે.

માં સિર્ફ નાતા નહીં, યે કુછ ઔર ભી હૈ

માં સે બિછડકે ભી યે ન ટૂટ જાતા હૈ

યે સચ હૈ કોઈ કહાની નહીં

ખૂન ખૂન હોતા હૈ કોઈ પાની નહીં

મનમોહન દેસાઈની કમાલ જુઓ કે આ જ સમયે ફિલ્મનાં ક્રેડિટ ટાઇટલ પડદા પર દેખાતાં હોય છે. એટલા માટે જ આ દૃશ્ય હાસ્યાસ્પદ નહીં પણ મ્યુઝિક, ઇમોશન અને એક્સપેક્ટેશનના ‘ત્રિવેણી તડકા’ મારેલી સ્વાદિષ્ટ રસોઈ બની પ્રેક્ષકોને હકીકતની દુનિયા ભુલાવીને સપનાના આકાશ તરફ લઈ જાય છે. આમ પણ અમિતાભ બચ્ચન સાથે વિનોદ ખન્ના અને રિશી કપૂર એકસાથે પડદા પર હોય ત્યારે લોહીનો રંગ લાલને બદલે પીળો હોતને તો પણ એની નોંધ કોઈએ ન લીધી હોત.

કૉની હાહમ નામની ફ્રેન્ચ યુવતી વિશ્વભરના સિનેમા પર રિસર્ચ કરે છે. તેણે ફિલ્મ ફેસ્ટિવલમાં ‘અમર અકબર ઍન્થની’ જોઈ અને તે ભારતીય ફિલ્મો, ખાસ કરીને મનમોહન દેસાઈની ફિલ્મોના પ્રેમમાં પડી. તેમની ફિલ્મોથી પ્રભાવિત થઈને ૨૦૦૫માં તેણે એક પુસ્તક લખ્યું, ‘મનમોહન દેસાઈ ઃ એન્ચૅન્ટમેન્ટ ઑફ માઇન્ડ’. પુસ્તકની પ્રસ્તાવના ખૂબ જ રસપ્રદ છે. મનમોહન દેસાઈની કાર્યશૈલીનું એક જ વાક્યમાં સમાપન કરતાં તે કહે છે, ‘તેમની પાસે શેક્સપિયરની કૉમેડી, એલ્વિસ પ્રેસ્લેનું સંગીત અને વેસ્ટર્ન ફિલ્મોની સ્ટ્રીટ-ફાઇટની ભેળપૂરી બનાવવાની ફાવટ હતી.’    

મસાલા ફિલ્મોના જનક મનમોહન દેસાઈ બીજા સર્જકોને વખોડતા નથી, પણ વખાણ કરતાં કહે છે, ‘ન્યુ વેવ ફિલ્મ્સ અથવા આર્ટ ફિલ્મોને હું માન આપું છું. ‘તમસ’ મને ખૂબ ગમી. મેં પેટ ભરીને જાહેરમાં એનાં વખાણ કર્યાં છે. ગોવિંદ નિહલાની આજનો ઉત્તમ ડિરેક્ટર છે. વિદેશના બિલી વાઇલ્ડર અને ડેવિડ લીન મને ગમે છે, પરંતુ સ્ટીવન સ્પીલબર્ગ મારો ફેવરિટ છે. સાયન્સ ફિલ્મોમાં પણ સંવેદનાનું ઉત્તમ મિશ્રણ કરીને તે ફિલ્મો બનાવે છે એ કમાલની વાત છે. ‘ET’માં પરગ્રહવાસી અને બાળકની મૈત્રીની વાત છે. ‘Empire and the Sun’માં તો મારા જેવી ‘Lost and found’ની ફૉર્મ્યુલા છે. મારી પાસે એટલા પૈસા નથી. જો મને ત્યાંનાં ટેક્નિશ્યન્સ, સાધનો અને સ્પેશિયલ ઇફેક્ટ્સના કલાકારો સાથે કામ કરવા મળે તો હું તેમની બરોબરીની ફિલ્મો બનાવી શકું. મને ત્રણ ફિલ્મ બનાવવાનો મોકો મળવો જોઈએ. હું ચૅલેન્જ આપું છું કે બે ફિલ્મો એવી બનાવીશ કે એ લોકો પણ યાદ કરશે.’

મનમોહન દેસાઈની ફિલ્મોમાં માનવામાં ન આવે એવી અસંગત ઘટના, જેને તેઓ ચમત્કાર કહેતા એવો એક પ્રસંગ થોડા દિવસો પહેલાં બન્યો. હજી મનમોહન દેસાઈનો પ્રથમ લેખ ‘મિડ-ડે’ને મોકલી આપ્યો હતો પણ પબ્લિશ નહોતો થયો. મને એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો. કહે, ‘તમારી કલમ અને ‘કૉલમ’નો ચાહક છું. હું ઇન્ડસ્ટ્રીનો માણસ છું પણ તમારી શૈલીમાં જે કિસ્સાઓ જાણવા મળે છે એ મારા માટે પણ નવા છે. હું મનમોહન દેસાઈનો મોટો ચાહક છું અને તેમને નજીકથી જાણું છું. મને ખાતરી છે તમારી પાસે અનેક કિસ્સા હશે. તેમના વિશે લખોને.’

‘કાગનું બેસવું અને ડાળનું પડવું’ એ કહેવત સાચી કે પછી આ ઘટનાને નાનો અમથો ચમત્કાર કહેવો એ તમારે નક્કી કરવાનું છે. એ વ્યક્તિ કોણ હતી? તેમની સાથે બીજી શું વાતો થઈ? એ વિગતવાર આવતા શનિવારે.

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2023 03:31 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK