બ્રહ્માજીએ સૃષ્ટિની રચના તો કરી પણ એ રચનાને આગળ કેમ વધારવી એવો પ્રશ્ન પણ પેદા થયો. જાત-જાતની અને ભાત-ભાતની પ્રજાતિઓ શી રીતે બ્રહ્માંડમાં ટકી રહે? બ્રહ્માજીએ આનું નિરાકરણ કર્યું? બ્રહ્માજીએ પોતે જે સંતાનો પેદા કર્યાં હતાં એ માનસ પુત્રો હતા.
નરસિંહ મહેતા
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ નરસિંહ મહેતાએ પાંચસો વર્ષ પહેલાં આ વાત આપણને કહી છે તો ખરી ને આ વાત એક બ્રહ્મવાક્ય તરીકે આપણે માનીએ છીએ પણ ખરા. નરસિંહે આપણને આ વાત કહી એ પહેલાં સેંકડો વર્ષોથી આ બ્રહ્માંડ તો હતું જ. ને આ બ્રહ્માંડનું સર્જન પેલા શ્રી હરિએ જ કર્યું હતું તો પછી સવાલ એ થાય છે કે શ્રી હરિએ એકલાએ જ આ સૃષ્ટિનું સર્જન કર્યું હશે? તેની સહાયમાં કોઈ હશે ખરું? એકલા હાથે કશુંક નવું-નવું બનાવી શકાય ખરું પણ બનાવી લીધા પછી નવસર્જન પણ કરવું, પેઢી દર પેઢી આની આ સૃષ્ટિ આવી ને આવી જ વધતી રહે આ કામ એકલા હાથે થાય? પછી ભલેને શ્રી હરિ હોય!
બ્રહ્માજીએ સૃષ્ટિની રચના તો કરી પણ એ રચનાને આગળ કેમ વધારવી એવો પ્રશ્ન પણ પેદા થયો. જાત-જાતની અને ભાત-ભાતની પ્રજાતિઓ શી રીતે બ્રહ્માંડમાં ટકી રહે? બ્રહ્માજીએ આનું નિરાકરણ કર્યું? બ્રહ્માજીએ પોતે જે સંતાનો પેદા કર્યાં હતાં એ માનસ પુત્રો હતા. તેમને કોઈની સહાયની જરૂર નહોતી. આ દસ પુત્રો પૈકી એક મનુ હતા. પિતા બ્રહ્માએ મનુને નવસર્જનનું પોતાનું કામ સોંપ્યું. મનુ બ્રહ્માની જેમ એકલા હાથે કરી શકે એમ હતો જ નહીં એટલે સૃષ્ટિના પારંપરિક સર્જનમાં મનુની મદદમાં ભગવાન બ્રહ્માએ એક સ્ત્રીનું પણ માનસ સર્જન કર્યું. આ સ્ત્રી એટલે શતરૂપા. શતરૂપા અને મનુ આ બન્નેને બ્રહ્માજીએ આદેશ આપ્યો, ‘હવે આ સૃષ્ટિ તમારે આગળ વધારવાની છે અને આ વધારવાની પ્રક્રિયા માટે તમને હું કામ નામની વિભાવના દર્શાવું છું.’ આ કામ એટલે મૈથુન. મૈથુનની સૃષ્ટિનો આરંભ આ રીતે મનુ અને શતરૂપાએ શરૂ કર્યો. અહીં મનુ આદ્ય પિતા અને શતરૂપા આદ્ય માતા છે.
ADVERTISEMENT
નવરાત્રિ મહોત્સવ અને આદ્ય માતા
આર્ય પરંપરામાં નવરાત્રિ ઉત્સવની એક વિશેષતા છે. આ પરંપરામાં માતાઓ તો છે જ પણ વર્ષના નવ દિવસ આ માતાઓનું આપણા જીવનમાં એક વિશેષ સ્થાન છે. દુનિયાની કોઈ સંસ્કૃતિએ, કોઈ સમાજે, કોઈ પરંપરાએ માતાનું વિશેષ સ્થાન પોતાની વચ્ચે જાળવ્યું નથી. પશ્ચિમી સંસ્કૃતિએ બાઇબલમાં આપણને જે કથા કહી છે તદનુસાર પરમાત્માએ પુરુષનું સર્જન કર્યું અને પછી પુરુષના એકલવાસથી કંટાળીને તેના માટે એક સ્ત્રી એટલે કે પુરુષના જીવનમાં એક એકલતા સાલતી હતી એને દૂર કરવા એક સાધન આપ્યું. અહીં સ્ત્રી એક પુરુષ માટેનું સાધન બની ગઈ. પરિણામે પૂર્વની સંસ્કૃતિમાં સ્ત્રીનું જે સ્થાન અધ્યાત્મ પરંપરામાં રહ્યું એ પશ્ચિમમાં ન રહ્યું. એનો અર્થ એવો નથી કે પૂર્વના દેશોમાં આપણે સ્ત્રીનું ખૂબ સન્માન જાળવ્યું છે. માણસ આખરે માણસ છે. આ માણસમાં એ જે પુરુષ છે એ પણ આખરે તો પુરુષ જ છે. એનું પરિણામ એ આવ્યું છે કે આદ્ય માતાનું સ્થાન જળવાયું પણ વ્યવહાર જળવાયો નહીં. આપણે નવરાત્રિના આ નવે દિવસોમાં માતાનું જે વિશેષ પૂજન કરીએ છીએ એ માતા શતરૂપા નથી પણ પાર્વતી છે. શતરૂપા માનવીય ધોરણોથી ઉપર રહેલાં છે. માણસે માતૃપૂજન કરવું હોય ત્યારે શતરૂપા નહીં પણ પાર્વતીજીને પૂજા સ્થાને મૂકવાં જોઈએ. નવરાત્રિના નવ દિવસો અને પછી પણ આગળ-પાછળના દિવસોમાં જે માતૃપૂજન થાય છે એ દેવી પાર્વતીજીનો જ એક અંશ છે.
વ્યવહારમાં બન્યું છે એવું કે પાર્વતીજીના આ એક અંશ સુધી પોતાનું મસ્તક નહીં નમાવી શકતી પ્રજાએ પોતપોતાની સગવડ ખાતર ઠેર-ઠેર કુળદેવીઓને આમંત્રિત કર્યાં. હિન્દુસ્તાનમાં ભાગ્યે જ એવો કોઈ સમાજ હશે કે જે જૂથને પોતાની આગવી કહી શકાય એવી કોઈ દેવી ન હોય. પેઢીઓ વીતી જાય અને બીજું બધું જ ભુલાઈ જાય, સમગ્ર સમાજ બદલાઈ જાય છતાં દેશ-વિદેશમાં વસતો આ સમાજ પોતાની કુળદેવીને ભૂલતો નથી. ચોક્કસ પ્રસંગ અનુસાર આ કુળદેવી સમક્ષ આ સમાજના ભલભલા વૈજ્ઞાનિકો સુધ્ધાં પહોંચી જાય છે. કોઈક અવાવરું ને સાવ એકલદોકલ અવસ્થામાં કોઈક સિંદૂરિયો નાનો પથ્થર રાખ્યો હોય અને આ પથ્થરનું પૂજન કરવા દૂર-દૂરથી લોકો આવે છે. તેમને મન આજે પણ આ સિંદૂરિયો પથ્થર નથી પણ કુળદેવી માતા છે અને આ કુળદેવીના એક છેડે માતા પાર્વતી આશીર્વચન આપે છે અને એ માતા પાર્વતી એટલે બ્રહ્માજીની માનસ પુત્રી શતરૂપા. આમ પેલો સિંદૂરિયો પથ્થર હજારો-લાખો વર્ષની યાત્રાઓ કરીને આદ્ય માતા શતરૂપા સુધી પહોંચે છે. અને માતાથી વિશેષ તો બીજું શું હોઈ શકે?
જય જગદંબે, જય જગદંબે
આદ્ય માતા શતરૂપા આજે ભુલાઈ ગઈ છે. હવે આજે એને એક પર્વ અથવા તો મહોત્સવ બનાવી દેવામાં આવ્યો છે. એમાં રહેલી આધ્યાત્મિકતા, જનેતા તરફનો ભક્તિભાવ ક્યાં ઓગળી ગયો છે એ કોઈ જાણતું નથી. આજે હજારો અને લાખો રૂપિયાની લેવડદેવડ માતાજીની ગરબીની એક પંક્તિ સાથે થાય છે. આ પંક્તિ પૂરી ત્રણ મિનિટ પણ ચાલતી નથી અને એ ત્રણ મિનિટથી કલાકો સુધી માતા સિવાય ત્યાં બીજું બધું હોય છે. માતાના નામ સાથે આધ્યાત્મિકતા જળવાય. પાર્વતીથી શતરૂપા સુધીની ધર્મકથા સ્મરણમાં સરવળે એવી વ્યવસ્થા આમાં ક્યાંક સેળભેળ થવી જોઈએ. દેશના ગામડે-ગામડે, ચૌરે અને ચૌટે, શહેરોની સોસાયટીઓના પ્રાંગણમાં સૂર્યાસ્તનો સમય થાય ત્યારે આપણા કાને એક ધ્વનિનો ગુંજારવ થાય - જય અંબે, જય અંબે. અને આ ગુંજારવ સાથે જ આપણા અંતરમાં ક્યાંક ઊંડે-ઊંડે ધરબાયેલો ભક્તિભાવ આપણને એક ક્ષણમાં આદ્ય માતા શતરૂપા સુધી પહોંચાડી જાય એનાથી વિશેષ વિરાટ બ્રહ્મત્વ બીજું કયું હોઈ શકે?


