નામ આપણને ગમે કે ન ગમે, આપણે રાખવું જ પડે છે. જોકે એને બદલવાની કાનૂની પ્રક્રિયા છે ખરી પણ મોટા ભાગે કોઈ નામ બદલતું નથી. નટુભાઈ નટુભાઈ જ રહે છે અને ઝમકુબહેન ઝમકુબહેન જ રહે છે.
શેક્સપિયર
તમારું નામ તમે તો નથી પાડ્યું. તમે ગમે તે નામે ઓળખાતા હો પણ એ એક શબ્દ એવો છે કે જે જન્મતાંવેંત કે કદાચ જન્મ્યા પહેલાં જ તમને વળગી ચૂક્યો હોય છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બીજું કંઈ પણ તમારી સાથે રહે કે ન રહે, આ શબ્દ તમારી સાથે જ રહેવાનો છે.
શેક્સપિયરના નામથી તો કોઈ અપરિચિત હોય જ નહીં. શેક્સપિયરનું એક વાક્ય ખૂબ જાણીતું છે. શેક્સપિયરે એવું કહ્યું છે કે નામ સાથે શું લેવાદેવા છે? ગુલાબને તમે ગુલાબ સિવાય બીજા કોઈ પણ નામથી ઓળખો તો પણ એની સુગંધ તો એની એ જ રહેવાની છે. નામ બદલવાથી સુગંધ જતી નથી રહેવાની. આ વાત તો સાચી પણ ગુલાબને બીજા કોઈ પણ શબ્દથી ઓળખાવવું તમને ગમશે ખરું? એ જ રીતે તમારું નામ જે કંઈ હોય, પણ એ સિવાયના બીજા કોઈ નામથી કોઈ તમને ઓળખે તો તરત જ તમે સુધારો સૂચવી દેશો કે મારું નામ આ નથી, પેલું છે.
ADVERTISEMENT
દૂરની વાત જવા દો. થોડાં વર્ષો પહેલાં આપણા વડીલો આપણું નામ પાડતા ત્યારે ગોર દેવતા પાસેથી આપણી રાશિ કઢાવી લેતા. મેષ રાશિ હોય તો અ.લ.ઈ., મીન રાશિ હોય તો દ.ચ.ઝ.થ., ઋષભ હોય તો બ.વ.ઉ. અને સિંહ હોય તો મ.ટ. આમ તમારા નામ માટે તમારા જન્મ સાથે જ બે કે ચાર અક્ષર નક્કી થઈ જાય. વડીલો એનાથી આગળ-પાછળ જાય નહીં અને ક્યારેક જવું પડે તો પણ એનાં વિધિવિધાન કરાવવાં પડે. વડીલોએ તમારું નામ પાડવાનો અધિકાર તમારાં ફોઈને આપ્યો હતો. નામ તમે ગમે તે નક્કી કરો, પણ એ નામનો યશ-અપયશ ફોઈના નામે જાય. ઓળી ઝોળી પીપળ પાન, ફોઈએ પાડ્યું ફલાણું નામ... ચાલો હવે તમે ફલાણા ભાઈ કે બહેન થઈ ગયા. તમારા નામનો જે શબ્દ હતો એ શબ્દને કંઈક અર્થ હતો. નામ કરુણાશંકર હોય કે અંબાશંકર, એ પછી સુરેન્દ્ર અને મહેન્દ્ર આવ્યા. આ દરેક નામ સાથે ચોક્કસ અર્થ રહેતો. નામ અર્થ વગરનું હોતું નહીં. આ સમય કોણ જાણે કેમ ક્યારે અલોપ થઈ ગયો અને હવે પેલી પચીસીનાં યુગલો પોતાના પહેલા સંતાનને કિયારે, હરારે કે ફરારે આવું નામાભિધાન કરતા થઈ ગયા. આ કિયારેનાં માતા-પિતાને મેં જ્યારે પૂછ્યું કે આ શબ્દનો શું અર્થ થાય ત્યારે તેમણે મને સમજાવ્યું કે રશિયન ભાષામાં આને ફૂલ કહેવાય છે. રશિયન કિયારેને ગુજરાતમાં લાવવા બદલ આ માતાપિતાને સલામ કરવી જોઈએ કે નહીં એવો પ્રશ્ન મારા મનમાં જાગ્યો હતો ખરો, પણ હવે દસમાંથી લગભગ છ કે સાત નામ આ કિયારે કે હરારે જ છે. સાઠ કે સિત્તેર વર્ષ પછી આ કિયારે દાદા કે હરારે ડોશી બોલવામાં કેવું લાગતું હશે એનો અંદાજ કરવો મુશ્કેલ છે. એવું બને કે સિત્તેર વર્ષ પછી આ કિયારે અને હરારે પણ કોઈ ચોક્કસ અર્થ વગરના થઈ ગયા હશે.
નામને અર્થની જરૂર ખરી?
આજે તામિલનાડુના મુખ્ય પ્રધાનનું નામ સ્ટૅલિન છે. આ નામ તેમનાં માતાપિતાએ પચાસ, સાઠ કે સિત્તેર વર્ષ પહેલાં જ આપ્યું હશે. આપણે જાણીએ છીએ કે સ્ટૅલિન નામ એક માનવભક્ષી રશિયન રાજકારણીનું હતું. આ રશિયન રાજકારણીએ ત્રીસ વર્ષ સુધી રશિયા ઉપર અત્યંત ક્રૂર રાજ્ય ભોગવ્યું હતું. આપણે કોઈ આપણા સંતાનને રાવણ, કંસ કે હિરણ્યકશ્યપ એવું નામ નથી આપતા. આ સ્ટૅલિન નામધારી એ સમયનું બાળક આજે ચીફ મિનિસ્ટર છે. એ જ રીતે કરુણાશંકર કાંઈ કરુણાના અવતાર નથી હોતા. સંવેદનહીન ક્રૂર પણ હોઈ શકે છે. એટલે નામ અને અર્થ વચ્ચેનો સંબંધ તૂટી જ ગયો છે પણ આ સંબંધ યથાવત રહે એ જરૂર અપેક્ષા રાખીએ છીએ. તૈમુર નામ આપણા દેશનો ઇતિહાસ જાણનારા કોઈ પણ માણસને નહીં ગમે. તૈમુરે દેશ પર આક્રમણ કર્યું અને હજારો હિન્દીઓની અકારણ કતલ કરી નાખી હતી. આમ છતાં તૈમુર નામ આપણે સ્વીકાર્યું છે. આપણા પટૌડી નવાબ અને શર્મિલા ટાગોરના પરિવારે પોતાના પિંડદાન માટે પોતાના પરિવારમાં જે સંતાન પેદા થયું એનું નામ તૈમુર રાખ્યું છે.
હમણાં એક અખબારી અહેવાલ પ્રમાણે એવું વાંચવામાં આવ્યું કે ન્યુ ઝીલૅન્ડમાં હિટલરનું નામ ભારે તિરસ્કૃત નામ છે. ન્યુ ઝીલૅન્ડમાં જો કોઈ પોતાના સંતાનનું નામ રજિસ્ટ્રી કરાવવા જાય તો હિટલર નામને કાઢી નાખવામાં આવે છે. આ સરકારી આદેશ છે. એ જ પ્રમાણે કેટલાક દેશોમાં અમુક ચોક્કસ નામનો સ્વીકાર કે અસ્વીકાર એક આદેશ બની ગયો છે. કેટલાંક વિદેશી નામો આપણે અખબારમાં જોઈએ છીએ પણ આ નામોનો ઉચ્ચાર સહેલાઈથી કરી શકાતો નથી. હમણાં કોઈક પ્રાઇમ મિનિસ્ટરનું તેમના ફોટો નીચે આડત્રીસ મૂળાક્ષરો જેવડું નામ આ લખનારના વાંચવામાં આવ્યું હતું. આ આડત્રીસ અક્ષરોને એકી સાથે વાંચી પણ શકાતા નહોતા. છતાં એ પ્રાઇમ મિનિસ્ટર હતા અને તેમના દેશના લોકો કદાચ આ નામનો જયજયકાર પણ કરતા હશે. ભગવાન જાણે...
મામદો ઝીણાસાહેબ કેવી રીતે બન્યો?
મહમદઅલી ઝીણા આ નામ કાને પડતાંવેંત આપણા મોઢામાં કડવાશ ઊભરાય છે. ખરેખર તો મહમદ શબ્દને ઇસ્લામના સ્થાપક પરમ પવિત્ર ગણાતા મહમદ પયગંબર સાથે સંબંધ છે એમ છતાં આ શબ્દ કાને પડતાંવેંત આપણા લોહીની ગતિ ઊલટી ફરવા માંડે છે. આમ છતાં આ નામ આ દેશમાં કરોડો નાગરિકોએ સ્વીકાર્યું. ઝીણા તરીકે ઓળખાયેલો આ માણસ ઝીણા નામધારી નથી. ઝીણાના પિતા પૂજાભાઈ હિન્દુ હતા. વ્યવસાયે માછીમાર હતા. કદમાં નીચા અને પ્રમાણમાં દૂબળા પાતળા હતા. આમ હોવાથી ઘરમાં સહુ તેમને ઝીણિયો કહેતા. આ ઝીણિયો શબ્દ તેમને માટે નામ બની ગયું. આ ઝીણિયાના દીકરા મહમદઅલીએ પોતાના નામ સાથે ઝીણા શબ્દ અટક તરીકે વળગાડી દીધો. મહમદઅલીની અટક ઠક્કર હતી પણ એ ઠક્કર અદૃશ્ય થઈ ગઈ. મહમદઅલી નામ પણ અલોપ થઈ ગયું અને પેલો ઝીણો શબ્દ વળગાડની જેમ વળગી રહ્યો.
ઇંગ્લૅન્ડના રાજાના નામમાં છઠ્ઠો જ્યૉર્જ કે આઠમો એડવર્ડ એવા સંખ્યા સૂચક શબ્દો પણ હોય છે. એનું કારણ એ છે કે ઇંગ્લૅન્ડના શાહી કુટુંબમાં નામોની એક ચોક્કસ યાદી છે અને એ યાદી પ્રમાણે જ ત્યાં બાળકનું નામાભિધાન થાય છે. એમ હોવાથી જ્યૉર્જ, એડવર્ડ આ બધાં નામ સંખ્યાવાચક થયાં છે.
નામ આપણને ગમે કે ન ગમે, આપણે રાખવું જ પડે છે. જોકે એને બદલવાની કાનૂની પ્રક્રિયા છે ખરી પણ મોટા ભાગે કોઈ નામ બદલતું નથી. નટુભાઈ નટુભાઈ જ રહે છે અને ઝમકુબહેન ઝમકુબહેન જ રહે છે.


