માઝગાવના નવાબ ટૅન્ક રોડ પર આવેલા આ મંદિરમાં પ્રવેશતાં જ તમે જાણે ચીનની તડકતી, ભડકતી દુનિયામાં પહોંચી ગયા હો એવું લાગે છે. બહારથી એકદમ બ્રાઇટ રેડ રંગના અને અંદરથી બ્રાઇટ યલો-રેડનું કૉમ્બિનેશન ધરાવતા આ મંદિરમાં ચાઇનીઝ દેવતા ક્વાન કુંગ બિરાજે છે
આ ડબ્બામાંની સ્ટિક્સને હલાવીને કોઈ એક સળી નીચે પાડવાની. એ સળી પર જે નંબર લખ્યો હોય એ નંબરની ચિઠ્ઠી (જમણે) લગાવેલા બોર્ડ પરથી લેશો એમાં તમારું ભવિષ્ય લખેલું હશે.
ગયા અઠવાડિયે ચાઇનીઝ સંસ્કૃતિ મુજબ નવું વર્ષ બેઠું. નવા વર્ષના પહેલા પંદર દિવસ ચીન, સિંગાપોર, બ્રુનેઇ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર અને થાઇલૅન્ડ જેવા દેશોમાં ચાઇનીઝ ન્યુ યરની ઉજવણી થાય છે. મુંબઈમાં ચાઇનીઝ ન્યુ યરની ઉજવણી ૨૮ જાન્યુઆરીની રાતે ધામધૂમથી ડૉકયાર્ડની એક ગલીમાં થઈ. રાતે બાર વાગતાં જ ચાઇનીઝ સ્ટાઇલમાં ઢોલ, નગારાં અને પિપૂડીઓના સંગીત પર ડ્રૅગન-ડાન્સ પણ થયો. ડૉકયાર્ડ સ્ટેશનથી ચાલીને જઈએ તો જસ્ટ ૫૦૦ મીટરના અંતરે આવેલી આ ગલી ચાઇનાટાઉન તરીકે ઓળખાતી આવી છે. એનું કારણ છે લગભગ ૧૯૦૦ની સાલમાં અહીં ચીનીઓનું ટચુકડું વિશ્વ વસતું હતું. હવે તો મોટા ભાગના ચાઇનીઝ લોકો મહાલક્ષ્મી, બોરીવલી, વસઈ, મીરા રોડ અને નાલાસોપારા જેવા વિસ્તારોમાં શિફ્ટ થઈ ગયા છે પણ હજીયે ચાઇના ટાઉનનું અતિ મહત્ત્વનું અંગ એવું મંદિર રહી ગયું છે. ડૉકયાર્ડના નવાબ ટૅન્ક રોડ પર એક સાંકડી ગલીમાં બે માળનું એક મકાન છે. આમ તો એ આલ્બર્ટ થામ નામના ભાઈના પૂર્વજોનું રેસિડન્સ હતું, જેને લગભગ ૧૦૫ વર્ષ પહેલાં ચાઇનીઝ દેવતા ક્વાન કુંગના મંદિરમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગલીમાં અડોઅડ આવેલાં ગીચ ઘરોની વચ્ચે લાલચટક રંગનું મંદિર દૂરથી જ ઊડીને આંખે વળગે એવું છે. જૂના જમાનામાં આપણે ત્યાં જેમ ડેલાની આડશ હોય એવા દરવાજાને ક્રૉસ કરીને અંદર જઈએ તો જાણે એક પળમાં જુદા વિશ્વમાં આવી ગયા હોઈએ એવું લાગે. ચાઇનીઝ દેવી ગુઆન ગૉન્ગનું સુંદર કોતરેલું સ્ટૅચ્યુ છે જેની આસપાસ ટ્રેડિશનલ ચાઇનીઝ વિન્ડ ચાઇમ, પેપર લૅન્ટર્ન્સની સજાવટ છે અને દીવાલો પર ચાઇનીઝ કૅલિગ્રાફીમાં મંદિરના ઇતિહાસ વિશે લખેલું છે. આ દેવીને ચાઇનીઝ ન્યાયની દેવી કહેવાય છે. આ નાનકડા ઓરડાની બાજુની પરસાળમાંથી ઉપર જવાનો રસ્તો છે. સીડીઓ ચડીને બીજા માળે પહોંચો એટલે ક્વાન કુંગનું મંદિર આવે. ચાઇનીઝ કલ્ચર મુજબનાં નાનાં-નાનાં ઑર્નામેન્ટ્સ અને સિમ્બૉલ્સની સજાવટ ચોતરફ થયેલી છે.
મંદિરનો ઇતિહાસ
૧૯૫૦થી ૧૯૬૦ની સાલ દરમ્યાન માઝગાવ બંદર પાસે ઘણા ચાઇનીઝ લોકો આવીને વસેલા. દરિયાઈ માર્ગે આવેલા ચાઇનીઝ વેપારી, દરિયાખેડુઓની કમ્યુનિટીને એ વખતે સી યપ કૂન કમ્યુનિટી કહેવામાં આવી હતી. દક્ષિણ ચીનથી ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરવા આવેલા આ ચીની ભાઈબંધુઓ માઝગાવમાં સ્થાયી થયા અને જ્યાં આ કમ્યુનિટી રહેતી હતી એ વિસ્તારને ચાઇના ટાઉન નામે બોલાવવામાં આવતો. અલબત્ત, ૧૯૬૨માં થયેલી સિનો-ઇન્ડિયન વૉર દરમ્યાન મોટા ભાગના ચીનીઓ મુંબઈ છોડીને જતા રહ્યા. જે ગણ્યાગાંઠ્યા ચીની પરિવારો ડૉકયાર્ડમાં રહી ગયા તેમણે પોતાના ગ્રુપના લોકાને સધિયારો મળે અને સાથે બેસીને એકબીજાને ધંધાવેપારમાં મદદ થઈ શકે એ માટે એક જગ્યાએ મળવાનું શરૂ કર્યું. એ જગ્યાને કોઈનીયે બૂરી નજરથી બચાવવા માટે ત્યાં સાઉથ ચીનના કલ્ચરમાં પાવરફુલ, પરાક્રમી, ન્યાય અને પરમકૃપાળુ દેવની પ્રતિકૃતિ માનવામાં આવે છે એ ક્વાંગ કુંગ દેવતાની સ્થાપના કરીને ત્યાં મંદિર બનાવ્યું. ૧૯૧૯માં ક્વાન કુંગ ટેમ્પલની સ્થાપના થઈ એ પછીથી વર્ષો સુધી દર ચાઇનીઝ ન્યુ યર અને મૂન ફેસ્ટિવલ એમ બે ઉત્સવો ઘણા ધામધૂમથી મનાવવામાં આવતા.
ચાર્મ ઘટી ગયો
વર્ષો સુધી આલ્બર્ટ થામ તેમનાં મમ્મી સાથે આ મંદિરના પહેલા માળે રહેતા હતા અને તેઓ જ એની દેખભાળ કરતા હતા. છેલ્લાં સાત-આઠ વર્ષથી મંદિરની દેખભાળ અને સેવાપૂજાનું કામ જિતુભાઈ પરમાર નામના એક ગુજરાતી ભાઈ સંભાળે છે. જિતુભાઈ કહે છે, ‘પહેલાં આ ગલીમાં ઘણા ચાઇનીઝ લોકો રહેતા હતા, પણ હવે લગભગ કોઈ જ નથી. મોટા ભાગના લોકો મહાલક્ષ્મી, બોરીવલી, વસઈ, મીરા રોડ અને નાલાસોપારા જેવા વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ ગયા છે. કોરોના પછી આ મંદિરમાં લોકોનો આવરોજાવરો બહુ ઘટી ગયો છે, પરંતુ હજીયે ન્યુ યર અને મૂન ફેસ્ટિવલ દરમ્યાન ચાઇનીઝ મૂળના લોકો અહીં ભેગા થાય છે.’
ચાઇનીઝ ન્યુ યરને કારણે અત્યારે મંદિરમાં સારીએવી ચહલપહલ હતી. મૂળ ચીની, પરંતુ જન્મથી જ મુંબઈમાં રહેતા કેટલાય પરિવારો અહીં નિયમિત આવે છે. એમાંથી વિન્ગ ટોન્ગ થામ નામના ભાઈ કહે છે, ‘અમારા માટે આ મંદિર પૂર્વજોના કલ્ચરની જાળવણી સમાન છે. આ મંદિર હોવા ઉપરાંત કમ્યુનિટી કનેક્ટનું બહુ જ મોટું માધ્યમ છે. કંઈ નહીં તો વર્ષે એક વાર આ ટેમ્પલમાં લોકો પોતાનું ભવિષ્ય જાણવા માટે પણ આવે જ.’
આ વર્ષે ચાઇનીઝ ન્યુ યરની ઉજવણી વખતે ડ્રૅગન-ડાન્સ.
ભવિષ્યવાણીમાં વધુ રસ
આ મંદિરમાં અનોખી રીતે ભવિષ્યવાણી કરવામાં આવે છે. ચાઇનીઝ સંસ્કૃતિ મુજબ ચોક્કસ નંબર સાથે શુકન-અપશુકન સંકળાયેલાં હોય છે. એનો સઘન અભ્યાસ કરીને ૧થી ૧૦૦ નંબરનાં કાર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે. આ વર્ષે વ્યક્તિગત રીતે કયો નંબર જીવન પર પ્રભાવિત રહેશે એ જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. દરેક નંબર મુજબ એક બોર્ડ પર ઑલરેડી ભવિષ્ય ટિંગાયેલું છે. તમારો નંબર કયો છે એ નક્કી કરવાની પણ ખાસ પદ્ધતિ છે. ક્વાન કુંગ દેવતાનાં ચરણોમાં વિવિધ નંબર લખેલી સ્ટિકનો ડબ્બો પડ્યો હોય છે. ગૉડની સામે લાઇનમાં બે-ત્રણ તકિયા મૂકેલા હોય છે એની પર ઊંધા પગે એટલે કે આપણા વજ્રાસનમાં બેસીને સ્ટિકના ડબ્બામાંથી ધીમે-ધીમે કરીને સળીઓ નીચે પાડવાની. જો એકસાથે બહુબધી પડી જાય તો ફરીથી બધી સ્ટિક ડબ્બામાં મૂકીને ફરીથી ખણકાવવાની. જ્યારે એક જ સ્ટિક પડે ત્યાં સુધી આ ક્રિયા કરવાની. જે એક સ્ટિક પડી હશે એની પર ચાઇનીઝ અને ઇંગ્લિશ ભાષામાં નંબર લખ્યો હશે. એ નંબર તમારા આ વર્ષની ભવિષ્યની આગાહી કરશે. આ ભવિષ્યવાણીને કારણે આ મંદિરમાં યુવાનો ખૂબ મોટી માત્રામાં આવે છે. અમે જ્યારે ક્વાન કુંગ ટેમ્પલમાં ગયા ત્યારે ચાઇનીઝ મૂળના દર્શનાર્થીઓને બદલે યંગસ્ટર્સની સંખ્યા વધુ હતી.
મંદિરમાં પગે લાગવાની પ્રક્રિયા શું છે?
ચાઇનીઝ સંસ્કૃતિ મુજબ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરનાં દેવીને માથું ટેકવી આવવાનું. તમારી કોઈ ખાસ ઇચ્છા હોય તો એક કોરો કાગળ હાથમાં રાખીને નમસ્કાર કરતા હો એમ વચ્ચે રાખવાનો અને મનમાં જ તમારી વિશ માગવાની. એ પછી મૂર્તિની પાસે પ્રગટાવેલા દીવાની જ્યોતમાં એ કાગળ બાળીને એક ખાસ કુંજા જેવું મૂકેલું છે એમાં નાખી દેવાનો.
બીજા માળના ક્વાન કુંગ દેવતાના મંદિરમાં પ્રવેશીને ત્રણ વાર ઘંટ અને ત્રણ વાર નગારું વગાડીને પ્રવેશવાનું. એ પછી એક કાગળમાં લપેટેલી નવ અગરબત્તી અને બે લાલ રંગની નાની મીણબત્તીઓને પ્રગટાવીને ત્યાં અલગ-અલગ જગ્યાએ મૂકવાની.
મંદિરમાં પ્રસાદ તરીકે લોકો બિસ્કિટ, ચૉકલેટ, કેક, કરંજી અને શક્કરપારા જેવી સ્વીટ્સ ચડાવે છે.
જો તમારે ભવિષ્ય જાણવું હોય તો આગળ કહ્યું એમ સ્ટિકનો ડબ્બો લઈને તમારો ડેસ્ટિની નંબર કાઢવાનો.
ધારો કે તમારા ભવિષ્યની આગાહીમાં તમને કંઈક ન ગમતું લાગે અથવા તો તમે કંઈક જુદું થાય એમ ઇચ્છતા હો તો જે કાગળમાં તમને અગરબત્તી આપેલી એ ફરી હાથમાં લઈને દેવતા સામે વિશ મનમાં રટવાની અને દીવાથી એ કાગળ સંપૂર્ણપણે બાળીને પાસેના વાસણમાં મૂકી દેવાની.

