જે સ્ટૉક્સના ભાવ સતત વધી રહ્યા હોય એમાં રોકાણ કરીને આ ફન્ડ એકંદર બજાર કરતાં વધુ સારું વળતર મેળવી આપવાનો ઉદ્દેશ રાખતાં હોય છે
પ્રતીકાત્મક તસવીર
મ્યુચ્યુઅલ ફન્ડમાં મોમેન્ટમ ફન્ડ નામની શ્રેણી છે. જે સ્ટૉક્સના ભાવ સતત વધી રહ્યા હોય એમાં આ ફન્ડ્સ રોકાણ કરતાં હોય છે. એની પાછળનો સિદ્ધાંત બિહેવિયરલ ફાઇનૅન્સમાંથી લેવામાં આવ્યો છે. જે સ્ટૉક્સના ભાવ સતત વધી રહ્યા હોય એમાં રોકાણ કરીને આ ફન્ડ એકંદર બજાર કરતાં વધુ સારું વળતર મેળવી આપવાનો ઉદ્દેશ રાખતાં હોય છે. મુખ્યત્વે નિશ્ચિત સમયગાળો, જેમ કે ત્રણથી બાર મહિનામાં ભાવની ગતિશીલતા દર્શાવતા હોય એવા સ્ટૉક્સ શોધી કાઢવા માટે તેઓ ક્વૉન્ટિટેટિવ સ્ટ્રૅટેજીનો ઉપયોગ કરતાં હોય છે. તેઓ અનેક ક્ષેત્રો પર લક્ષ આપતાં હોય છે અને પ્રવર્તમાન વલણના આધારે પોર્ટફોલિયોમાં ફેરફારો કરતાં હોય છે.
મોમેન્ટમ ફન્ડમાં રોકાણ કરવાના ફાયદા
ADVERTISEMENT
- અત્યાર સુધીમાં જોવામાં આવ્યું છે કે મોમેન્ટમ ફન્ડ માર્કેટ કરતાં વધુ વળતર આપે છે. ખાસ કરીને તેજીના બજારમાં આવું બનતું આવ્યું છે. બજાર ઊંચે ચડી રહ્યું હોય ત્યારે તેજીના મોજા પર સવાર થઈને વધુ વળતર મેળવવામાં આવતું હોય છે.
- આ ફન્ડ સેમી-ઍક્ટિવલી મૅનેજ્ડ શ્રેણીમાં આવે છે અને એમાં ફન્ડ-મૅનેજર પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને વધુ વળતર મેળવી આપવાનો પ્રયત્ન કરતા હોય છે. આ ફન્ડ પૂર્વનિર્ધારિત પરિબળો અથવા નિયમોના આધારે અલગ-અલગ ઇન્ડેક્સને ટ્રૅક પણ કરે છે. આ રીતે એક્સચેન્જો પણ નવા વલણનો લાભ લેવા માટે ઇન્ડેક્સ રચે છે અને એમાં સમયાંતરે આવશ્યક ફેરફાર પણ કરે છે.
- મોમેન્ટમ ફન્ડ અલગ-અલગ ક્ષેત્રોના સ્ટૉક્સ ધરાવતાં હોવાથી આપોઆપ ડાઇવર્સિફિકેશન થઈ જાય છે અને એને લીધે જોખમ ઘટી જાય છે.
- આ ફન્ડનું સંચાલન પ્રોફેશનલ ફન્ડ-મૅનેજરો કરતા હોય છે, જેઓ ઊંચું વળતર આપી શકે એવા સ્ટૉક્સ શોધવા માટે વિવિધ અદ્યતન સ્ટ્રૅટેજી અપનાવે છે. ટેક્નૉલૉજીમાં થયેલી પ્રગતિને લીધે એક્સચેન્જો જટિલ સ્ટ્રૅટેજીને ઓછા ખર્ચે પોતાના કામકાજમાં સમાવી લેવા સમર્થ બન્યાં છે.
રોકાણકારો માટેની ખાસ બાબતો
- મોમેન્ટમ ફન્ડ ઊંચું વળતર આપી શકે છે એવી સંભાવના લલચામણી છે, પરંતુ જેમાં વળતર વધારે એમાં જોખમ પણ વધારે એ સિદ્ધાંત અહીં લાગુ પડે છે. આથી રોકાણકારોએ ધ્યાનમાં રાખવું કે બજાર ઘટી રહ્યું હોય એવા સમયે આવા ફન્ડમાં મોટું નુકસાન થયાના દાખલા છે. મંદીના બજારમાં બાજી ઘણી ઝડપથી પલટાઈ શકે છે.
- આ ફન્ડ જે સ્ટ્રૅટેજી પર આધારિત છે એમાં રોકાણકારોની લાગણીઓ તથા બજારની એકંદર ચાલ એ બન્ને બાબતો પર મોટો મદાર રાખવામાં આવ્યો હોય છે. આ પરિબળો ચંચળ હોય છે. આથી અનિશ્ચિતતાના સમયમાં સ્ટૉક્સની ગતિશીલતા કેટલી ટકી શકશે એ એક મોટો સવાલ હોય છે.
- મોમેન્ટમ ફન્ડ ટૂંકા ગાળામાં સારું વળતર આપે એ શક્ય છે, પરંતુ એની લાંબા ગાળાની કામગીરી વિશે હજી પણ સવાલ છે. રોકાણકારોએ પોતાની જોખમ ખમવાની ક્ષમતા અને રોકાણનો સમયગાળો એ બન્ને બાબતોને ધ્યાનમાં રાખીને જ આવા ફન્ડમાં રોકાણ કરવું.

