Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શિકારી ખુદ યહાં... (પ્રકરણ ૩)

શિકારી ખુદ યહાં... (પ્રકરણ ૩)

14 December, 2022 02:11 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘શરૂઆતમાં મને એવું લાગતું નહોતું પણ મેં તેની સાથે વાત કરી એ પછી તેનામાં એ ચેન્જ આવ્યો હોય એવું મને લાગતું હતું’

શિકારી ખુદ યહાં... (પ્રકરણ ૩)

વાર્તા-સપ્તાહ

શિકારી ખુદ યહાં... (પ્રકરણ ૩)


જલદી જવું અને જલદી પૈસાદાર થવું.
મનોજની લાઇફના આ બે જ ગોલ એ દિવસ પછી રહ્યા હતા અને મનોજ એ કામ પર ઝડપથી લાગી પણ ગયો. 
મનોજના દિમાગમાં ચાલતી ખટપટમાં એક વાત ઊતરી ગઈ હતી કે પરસેવો પાડીને જીવન ગુજારી શકાય, કરોડપતિ ન થવાય. કરોડપતિ થવા માટે ટીકે શેઠ જેવાને બાટલીમાં ઉતારવા જરૂરી છે. જો ટીકે શેઠ રીઝે તો પૈસાદાર થવાય અને ધારો કે એવું ન બને તો ટીકે શેઠ પાસેથી પૈસા પડાવી લેવામાં આવે તો પૈસાદાર થવાય. 
ચોવીસે કલાક અને સાતેય દિવસ મનોજના મનમાં આ એક જ વિચાર ચાલતો હતો. મનોજ બહુ સહજ રીતે એક વાત સમજી ગયો હતો કે સુલેમાન છે ત્યાં સુધી ટીકે શેઠની નજીક જવું અઘરું છે અને સુલેમાન પણ ટીકે શેઠને છૂટા પડવા નહોતો દેતો. લાંબો સમય વિચાર્યા પછી મનમાં એક વાત સ્પષ્ટ થઈ કે સુલેમાનને ફોડવો જરૂરી છે. જો સુલેમાન વાત માની જાય અને ટીકે શેઠની રોજની કૅશ માત્ર પણ જો લઈ લેવામાં આવે તો પણ ન્યાલ થઈ જવાય.

જ્વેલરી શો-રૂમમાં કુલ દસ કર્મચારીઓ હતા. આ દસમાં એક મનોજ પણ અને સુલેમાન શો-રૂમનો મૅનેજર. શો-રૂમમાં જ ટીકે શેઠની ચેમ્બર હતી, જેમાં તે દિવસે તો ભાગ્યે જ દેખાતા પણ હા, બીકેસીની ઑફિસેથી નીકળીને તે મોટા ભાગે શો-રૂમ પર આવતા. શો-રૂમ પાસે જ તેમનું ઘર હતું એટલે ઘરે જતી વખતે તે શો-રૂમ પર આવી જતા. શો-રૂમ પર આવ્યા પછી ટીકે શેઠનો એક જ નિયમ હોય.
આવીને સીધા ચેમ્બરમાં જવાનું. બે જ મિનિટમાં સુલેમાનને બોલાવવો. સુલમાન અંદર જાય એટલે વીસેક મિનિટ તે બન્ને વાતો કરે અને પછી સુલેમાન કૅશ લઈને બૅન્કે ભરવા જાય, જ્યારે શેઠ પોતાના ઘરે જવા રવાના થાય.
શો-રૂમના ટાઇમિંગ સવારે દસથી રાતના દસ સુધીના હતા, પણ ટીકે શેઠની લાગવગના કારણે અડધા શટર સાથે પણ શો-રૂમ રાતે અગિયાર સુધી ચાલુ રહેતો અને અંદર બધા કર્મચારીઓ પોતપોતાનું કામ કરતા. 
સુલેમાન બૅન્કથી પાછો ન આવે ત્યાં સુધી સ્ટાફની કોઈ વ્યક્તિ ઘરે જઈ શકતી નહીં. સુલેમાન આવે, બૅન્કમાં જમા કરાવી હોય એ રકમની રિસીપ્ટ ફાઇલ કરે એ પછી સૌ કોઈની ઑફિશ્યલ છુટ્ટી થતી.



સુલેમાનનો આ નિયમ વર્ષોથી હતો અને ત્રણ વર્ષથી મનોજ પોતે પણ જોતો હતો. સુલેમાન ક્યારેય રજા પણ નહોતો લેતો. બૅન્ક હૉલિડે હોય એ સમયે પણ તેણે આવવાનું રહેતું, કારણ કે એ સમયે કૅશ શો-રૂમ પર જ રહેતી.
lll
‘સર, થોડા સમયથી સુલેમાન વિચિત્ર રીતે વર્તતો હતો...’ 
‘તું તારી વાત કરને...’ પંડિતે પહેલાં લાફો માર્યો હતો અને પછી સંભળાવ્યું, ‘સુલેમાનને તેં કેમ...’
પંડિત આગળ બોલે એ પહેલાં સોમચંદ વચ્ચે આવ્યા.
‘પંડિત, કહેવા દે તેને... તે જે કંઈ કહે છે એ બહુ જરૂરી છે.’ 
પંડિત આર્ગ્યુમેન્ટ કરે એ પહેલાં સોમચંદે પોતાનો મોબાઇલ ફોન પંડિતની આંખ સામે ધરી દીધો અને મોબાઇલ પર દેખાતા બ્રેકિંગ ન્યુઝે ઇન્સ્પેક્ટર ચંદ્રકાન્ત પંડિતની આંખો મોટી કરી નાખી.


‘સુલેમાનનું તું શું કહેતો હતો...’
‘એ જ કે તે થોડા સમયથી વિચિત્ર વર્તતો હતો...’ 
મનોજે વાત શરૂ કરી. બોલવામાં હવે તેને પેલા લાફાની અસર દેખાતી હતી. પેઇન થવા માંડ્યું હતું પણ વાત કર્યા વિના પણ છૂટકો નહોતો.
‘શરૂઆતમાં મને એવું લાગતું નહોતું પણ મેં તેની સાથે વાત કરી એ પછી તેનામાં એ ચેન્જ આવ્યો હોય એવું મને લાગતું હતું.’
‘તેં શું વાત કરી તેની સાથે...’ સોમચંદે મનોજના ખભા પર હાથ મૂક્યો, ‘જો મને દરેક વાક્યે સવાલ પૂછવા ગમતા નથી એટલે જે કંઈ હોય એ ફટાફટ કહે નહીં તો તને બચાવવા માટે હું પણ આ પંડિતને રોકીશ નહીં...’
મનોજે સહેજ થૂંક ગળે ઉતાર્યું અને પોતાની વાત શરૂ કરી.
‘શો-રૂમનું બધું કામ અને કૅશ સુલેમાનના હાથમાં હતું એટલે મને થયું કે સુલેમાનને જો સાથે લઈ લીધો હોય તો કામ આસાન થઈ જાય.’
lll

‘હું ઘણા લાંબા સમયથી ટ્રાય કરતો હતો કે સુલેમાનને મારા મનની વાત પહોંચાડું, પણ સુલેમાન મને ચાન્સ નહોતો આપતો. મારી સાથે વાત કરવા પણ બેસે નહીં, પણ અનાયાસે એક દિવસ તેને બહુ માથું દુખતું હતું એટલે મેં તેને હેડ મસાજ કરી આપ્યો. સુલેમાનને રાહત થઈ અને ધીમે-ધીમે તે મારી નજીક આવવાનો શરૂ થયો.’ મનોજે સહેજ પૉઝ લીધો, પણ ચંદ્રકાન્ત દાંત કચકચાવતો પોતાની જગ્યાએથી ઊભો થયો કે તરત જ પોપટની જેમ ફરી શરૂ થઈ ગયો, ‘એક દિવસે મેં ચાન્સ લઈને સુલેમાનને પૂછ્યું કે સર, આ બધી કૅશ હોય એ કૅશનો હિસાબ તો કોઈ રાખતું નથી તો ક્યારેક એમાંથી થોડા પૈસા ઓછા નીકળે તો...’
lll


સુલેમાને કતરાતી નજરે મનોજ સામે જોયું.
‘જો એવું થાય અને મારી ભૂલ હોય તો હું જીવ આપી દઉં...’
‘ભૂલ તમારી ન હોય તો...’
હિંમત કરીને મનોજે કહ્યું કે તરત જ સુલેમાને દાંત કચકચાવ્યા.
‘તો જેની ભૂલ હોય તેને ચીરી નાખું...’
‘પણ શેઠના પૈસા માટે એવું જોખમ...’ 
મહામુશ્કેલીએ મનોજે વાત આગળ વધારવાની કોશિશ કરી. પ્રયાસ પડતો મૂકવાનો કોઈ અર્થ નહોતો સરવાનો.
‘પૈસા શેઠના છે, પણ વફાદારી તો મારી છેને...’ સુલેમાનની આંખોમાં ભારોભાર પ્રામાણિકતા ઝળકતી હતી, ‘જીવીશ ત્યાં સુધી શેઠ માટેની વફાદારી મારી આવી જ રહેશે.’
lll

‘મને સમજાઈ ગયું કે સુલેમાનને સાથે લેવામાં કોઈ માલ નથી એટલે પછી મેં પોતે જ વિચારવાનું શરૂ કર્યું કે હવે હું કેવી રીતે આગળ વધું.’ મનોજે વાત કન્ટિન્યુ કરી, ‘મને થયું કે મારે જાતે અને એકલાએ જ આ કામ કરવું પડશે એટલે મેં સુલેમાન પર નજર રાખવાની શરૂ કરી. સુલેમાન બૅન્કમાં કૅશ ભરવા માટે રવાના થાય એટલે હું કોઈ પણ બહાનું કાઢીને બહાર નીકળી તેની પાછળ જાઉં. મને પહેલા જ દિવસે અણસાર મળ્યો કે હું આ કામ એકલો કરી શકીશ...’
‘કેવી રીતે લાગ્યું?’
‘સુલેમાન મેઇન રોડનો ઉપયોગ કરવાને બદલે અમારા બિલ્ડિંગની પાછળની ગલી વાપરતો હતો. એ ગલી ઍક્ચ્યુઅલી બૅન્ક તરફનો શૉર્ટ-કટ હતો, પણ ગલી અંધારી હતી અને સાંજે છ પછી મોટા ભાગે એનો ઉપયોગ કોઈ ખાનદાન માણસ કરતો નહીં.’ મનોજે પંડિત સામે જોયું, ‘તમને ખબર હશે, એ ગલીમાં મોટા ભાગે ગંજેરી અને ચરસીઓ જ મળે અને નશો કરે, પણ સુલેમાન નિયમિત રીતે એ જ ગલી વાપરતો અને ત્યાંથી જ સીધો બૅન્ક જતો. મને થયું કે જો સુલેમાન પોતાના રૂટીનમાં આ ગલીનો ઉપયોગ કરવાનો ચાલુ રાખે તો એ જ્યારે કૅશ લઈને જતો હોય ત્યારે તેને રોકતાં, તેની પાસેથી કૅશ લઈ લેતાં મને કોઈ રોકી શકે નહીં...’
lll

મનોજે પોતાનું કામ શરૂ કરી દીધું. તે એકધારો પંદરેક દિવસ સુધી સુલેમાનની પાછળ ફર્યો. સુલેમાન જ્યારે પણ બૅન્કમાં કૅશ ભરવા માટે નીકળે ત્યારે તે કોઈના કોઈ બહાને બહાર નીકળી, સુલેમાનની પાછળ છેક ગલીના નાકા સુધી જાય અને પછી દોડતો ફરી પોતાની જગ્યા પર આવી જાય.
સુલેમાનનો કાયમનો રૂટ આ જ છે એની ખાતરી કરી લીધા પછી મનોજે નવી દિશામાં નજર ફેરવવાનું શરૂ કર્યું અને રોજની કૅશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
lll

‘જો મારા હાથમાં પરચૂરણ અમાઉન્ટ આવવાની હોય તો પછી એનો કોઈ અર્થ નથી સરતો એટલે મેં નક્કી કર્યું કે જ્યારે હૅવી કાઉન્ટર હોય ત્યારે જ સુલેમાનને કાબૂમાં લેવો અને મને એ દિવસ પણ જલદી મળી ગયો.’ શ્વાસ લેવા માટે સહેજ અટકેલા મનોજને તરસ લાગી હતી, પણ પાણી માગવાની તેનામાં હિંમત નહોતી, ‘હું દરરોજનું કાઉન્ટર ચેક કરતો ગયો, પણ ખબર નહીં કેમ, મેં જ્યારથી સુલેમાનને હાથમાં લેવાનો વિચાર કર્યો એ સમયથી શો-રૂમના બિઝનેસમાં સતત ઘસારો દેખાતો હતો. મને મનમાં હતું એવું કાઉન્ટર આવતું નહોતું અને એટલે જ હું મારું કામ ટાળતો રહ્યો, જેનો મને મોટો ફાયદો એ થયો કે હું ઍક્શન-પ્લાન પર વધારે વિચારી શક્યો.’

lllઆ પણ વાંચો: મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૧)

મનોજે દરેક વાત પર ધ્યાન આપ્યું, તેના મનમાં એટલું ક્લિયર હતું કે કૅશ લઈને સુલેમાન સિવાય કોઈ જતું નથી એટલે સુલેમાનને જ કબજામાં લેવાનો છે. તેને એ પણ ખબર હતી કે સુલેમાનને તે સીધી રીતે તો કાબૂમાં લઈ શકે એમ છે નહીં એટલે તેના પર હુમલો જ કરવો પડે અને એ પણ તેની પીઠ પાછળથી.
ગલીમાં પડી રહેતી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ડસ્ટબિનનો ઉપયોગ સંતાવા માટે થઈ શકે છે એ મનોજે નોટિસ કરી લીધું તો સાથોસાથ મનોજે એ પણ નોટિસ કરી લીધું કે આ ડસ્ટબિન વીકમાં એક જ દિવસ કૉર્પોરેશન ખાલી કરવા આવે છે. નિયમિત ગલી પર નજર રાખતાં તેને એ દિવસની પણ ખબર પડી ગઈ કે કયા દિવસે ડસ્ટબિન ખાલી કરવામાં આવે છે. એ દિવસ ગુરુવાર હતો.

ગુરુવારે સવારે ડસ્ટબિન ખાલી થઈ એટલે મનોજે એ ડસ્ટબિનમાં ઓછામાં ઓછો કચરો જમા થતો હોય એવી જગ્યાએ હથોડો મૂકી દીધો, જેનો ઉપયોગ તે સુલેમાન માટે કરવાનો હતો. હુમલો કરવાનો દિવસ નજીક આવ્યો એટલે મનોજે એક ખાલી થેલો પણ લઈ આવીને શો-રૂમ પર મૂકી દીધો, જે થેલો તે હુમલો કરવાના દિવસે પેલી ડસ્ટબિનમાં મૂકી આવવાનો હતો.
હવે વાત રહી, એ ગલીમાં રહેલી એકમાત્ર લાઇટ અને સીસીટીવી કૅમેરાની.
મનોજને અહીં સ્કૂલના દિવસોમાં રમાતી લૉન્ગ થ્રોની રમતનો અનુભવ કામ લાગ્યો.
પંદરેક ફુટ ઊંચાઈ પર રહેલા સીસીટીવી કૅમેરામાં કશું ઝડપાય નહીં એવું કરવા માટે મનોજે ઘરે જ પ્રૅક્ટિસ ચાલુ કરી દીધી અને પંદર ફુટની ઊંચાઈ પર મોટો ખીલો જડીને એના પર ટુવાલને કેવી રીતે પહોંચાડી શકાય એની ટ્રેઇનિંગ લેવા માંડી. મનોજને એમાં ખાસ વાર ન લાગી એટલે મનોજ ટુવાલ લઈને ઑફિસે પણ આવવા માંડ્યો.
રાતે બધા શો-રૂમ પરથી નીકળે એટલે મનોજ બધાને દેખાડવા સ્ટેશન સુધી જાય ખરો, પણ પછી ત્યાંથી પાછો આવીને પેલી ગલીમાં ટુવાલને સીસીટીવી સુધી પહોંચાડવાની પ્રૅક્ટિસ કરે. અહીં પણ મનોજનાં નસીબ જોર કરતાં હતાં. ચારેક દિવસમાં તો મનોજ એવો એક્સપર્ટ થઈ ગયો કે તે પહેલા જ ઝાટકે સીસીટીવી કૅમેરા પર ટુવાલ ગોઠવતો થઈ ગયો અને એ પણ અવ્વલ દરજ્જાના માસ્ટરની જેમ.
lll

ઇન્સ્પેક્ટર ચંદ્રકાન્ત પંડિતની આંખ સામે સીસીટીવી કૅમેરા પર ટીંગાતો ટુવાલ આવી ગયો. ઘટનાસ્થળેથી મળેલા ટુવાલ પરથી તેણે એવું અનુમાન લગાવ્યું હતું કે આ કામ કોઈ હાર્ડકોર ક્રિમિનલ જ કરી શકે, પણ મનોજની કબૂલાત પછી તેને પોતાના પર શરમ આવી હતી.
આ નવી પેઢી પણ ઉસ્તાદ થતી 
જાય છે...
મનમાં આવી ગયેલા વિચારને દૂર કરવા માટે પંડિતે મનોજનો જ ઉપયોગ કર્યો અને તેને ગંદી ગાળ ભાંડી.
‘એ ક્યારે તું ઢાંકી આવ્યો...’

lllઆ પણ વાંચો: શિકારી ખુદ યહાં... (પ્રકરણ ૧)

દિવસ તો મનોજ માટે નક્કી હતો નહીં એટલે મનોજે બૅગમાં જ ટુવાલ ભરી રાખ્યો અને બૅગ પોતાના કાઉન્ટરની નીચે સાચવી રાખી. જો તે એ બૅગને વધારે સમય શો-રૂમમાં રાખે તો શંકા જાય અને જ્વૅલરી શૉપમાં આવો અંગત સામાન રાખવાની આમ પણ મનાઈ હોય, પણ પોતે સુલેમાનની નજીક આવી ગયો હતો એટલે મનોજને થોડી છૂટછાટ મળતી. આ છૂટછાટમાં વધારો કરવો પડે એવો દિવસ આવ્યો પણ નહીં.
સોમવારે બપોરે ઇન્દોરથી આવેલી પાર્ટીએ કૅશ પેમેન્ટ સાથે સત્તર લાખનાં ઑર્નામેન્ટ્સ ખરીદ્યાં અને મનોજનું દિમાગ કામે લાગી ગયું. તેને સમજાઈ ગયું કે આજના આ દિવસનો જો ઉપયોગ કર્યો નહીં તો પોતાના જેવું મૂર્ખ કોઈ નહીં.
પોતાના ફ્રેન્ડને બૅગ આપી આવે એવું બહાનું કાઢી મનોજ બપોરે ચાર વાગ્યે બૅગ લઈને નીકળી ગયો અને પેલી ડસ્ટબિનમાં એ સંતાડી આવ્યો. તેને ખબર હતી કે આજના દિવસે સત્તર લાખમાંથી તો તે જવાનો નથી, પણ તેને એ નહોતી ખબર કે આજના આ દિવસ પછી તેણે બબ્બે મર્ડરનો આરોપ પણ સહન કરવાનો આવવાનો છે!

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2022 02:11 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK