આ ચર્ચા તમારા માટે મહત્ત્વની નહોતી અને છતાંય તમે વાતો કરતા હતા. છેલ્લા ત્રણ મહિનાથી. ના, છેલ્લા ત્રણ મહિના, સોળ દિવસ અને ચૌદ કલાકથી.
મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૧)
‘તું હજુ પણ ફોન નીચે મૂકે છે?’
અજિતે ફરી એ જ સવાલ પૂછ્યો. જવાબ નહીં મળવાની ખાતરી હોવા છતાં.
તમે ત્રાંસી આંખે અજિત સામે જોઈ લીધું. અજિતની આંખો તમારા પર જ હતી.
તમે જાણે કંઈ જાણતા ન હો એમ ટિફિન ખોલવા માંડ્યા.
‘તું શું લાવ્યો છે?’
તમે ટિફિનનાં બન્ને ખાનાં સહેજ અજિત તરફ લંબાવીને એ બન્ને દેખાડ્યાં.
‘તને પૂછું છું...’ અજિત અકળાયો, ‘તું હજુય ઘરે જઈ રિસીવર નીચે
મૂકે છેને?’
હા.
જવાબ તમારા હોઠ પર હતો પણ આ શિવાજી મહારાજનું ભાષણ સાંભળવું ન પડે એટલે તમે જવાબ પરોઠાની સાથે ચાવી ગયા.
‘યાર, શું કામ આવું કરે છે...’ અજિતે તમારો ખભો પકડ્યો, ‘હવે તો આ બધામાંથી બહાર આવ. એશાને મરી ગયાને...’
તમારી નજર અજિતના ચહેરા પર સ્થિર થઈ.
તમારી આંખોમાં રહેલો ગુસ્સો અજિત પારખી શકતો હતો. ગુસ્સાનો એ તાપ અજિતથી સહન થયો નહીં એટલે વાત અધૂરી છોડી તે નીચું જોઈ ગયો.
અજિતની નીચી નજર જોઈ તમને પણ અફસોસ થયો. એ બિચારાનો શું વાંક... એ જ કે, તે તમને તમને ખુશ જોવા માગે છે. તમને તમારા અજિત સાથેના વર્તનથી ખરેખર અફસોસ થયો.
‘તું ટિફિનમાં શું લાવ્યો છે?’
ફરીથી એ જ પ્રશ્ન, વાતનો સેતુ બંધાય એવા ભાવ સાથે. અજિતે ચૂપચાપ ટિફિન ખોલવા માંડ્યું.
એશા...
ADVERTISEMENT
એશાના દેહાંતને ત્રીજો મહિનો ચાલતો હતો.
ત્રણ મહિના અને સોળ દિવસ.
તમારું ધ્યાન એકાએક ઘડિયાળ પર ગયું.
કૅન્ટીનની ઘડિયાળમાં બપોરે ૨ વાગી ને ૨૦ મિનિટ થઈ હતી.
આજથી બરાબર ૩ મહિના, ૧૬ દિવસ અને ૧૪ કલાક પહેલાં એશાને તમે પહેલી વાર મળ્યા. પહેલી વાર અને છેલ્લી વાર પણ.
‘તું શું લાવ્યો છે ટિફિનમાં?’
તમે ફરી અજિતને પૂછ્યું. મનમાં જ ઉદ્ભવી રહેલા ગમગીન વાતાવરણને બદલવાના હેતુથી અને હૈયાને બીજી દિશામાં વાળવાના ભાવથી.
અજિતે ટિફિન તમારી તરફ લંબાવ્યું.
રોટલી અને ભીંડાનું શાક અને...
‘આ શું છે?’
આ ચર્ચા તમારા માટે મહત્ત્વની નહોતી અને છતાંય તમે વાતો કરતા હતા. છેલ્લા ત્રણ મહિનાથી. ના, છેલ્લા ત્રણ મહિના, સોળ દિવસ અને ચૌદ કલાકથી.
તમારું આ જ હવે રૂટીન હતું.
ત્રણ મહિના પહેલાંના રૂટીન અને આજના આ રૂટીનમાં ખાસ કોઈ ફરક નહોતો આવ્યો. સિવાય એક, પહેલાં તમને કામ વિનાની વાતોથી ચીડ ચડતી અને હવે તમે જ નાડી-નેફા વિનાની વાતોમાં રચ્યાપચ્યા રહો છો.
lll
‘તારે બહાર આવવું પડશે, દોસ્ત...’
હજુ ગયા અઠવાડિયે જ અજિત તમને ઘરે લઈ ગયો હતો. જમવાના બહાને અને સમજાવટના ઇરાદે.
અજિત અકળાયો હતો.
‘છેલ્લા કેટલા વખતથી તારી આ હા સાંભળ્યા કરું છું. કોઈની યાદ ન આવે એવું હું નથી કહેતો પણ એ યાદને દબાવતાં પણ માણસે શીખવું પડે.’
અજિતના આ તર્ક સાથે તમે ક્યાં અસહમત હતા, પણ આ યાદ, સાલ્લી...
એ તમારો કેડો મૂકતી નહોતી.
‘મા કે બાપ મરી જાય ત્યારે શરૂઆતના કલાકોમાં એવું લાગે કે તમે એકલા સુનામી વચ્ચે ફસાયા છો, પણ પછી સમય પસાર થતો જાય એમ-એમ બધું શાંત પડી જાય.’
‘સમય પસાર થતો જાય એમ...’
તમે અજિતના જ શબ્દો પકડ્યા.
‘હા...’ અજિત તમારા પર ગુસ્સો હતો, ‘આ વાત મા-બાપ પૂરતી જ લાગુ પડે.’
અજિતની વાત સાચી હતી.
એશા ક્યાં તમારી મા હતી.
અરે, તમારે તેની સાથે નહાવા કે નિચોવવાના પણ ક્યાં કોઈ સંબંધ
હતો અને છતાં, તમે ત્રણ મહિનાથી ઉદાસ હતા.
ત્રણ મહિનાથી નહીં, ત્રણ મહિના, સોળ દિવસ અને ચૌદ કલાકથી.
‘તમે ગુજરાતીઓ આવા વેવલાવેડામાંથી જ ઊંચા નથી આવતા.’
નીચે ડ્રૉપ કરવા અજિત આવ્યો ત્યારે તેણે તમને કહ્યું હતું અને તમે કહ્યું હતું,
‘અજિત અમુક સંબંધોને હંમેશાં જાળવી રાખવાના હોય.’
‘એ બધું ચોપડીઓમાં હોય દેવદાસ.’
અજિતે ઉપર જોયું. વાઇફ ગૅલેરીમાંથી જોતી નથી એની ખાતરી કર્યા પછી તેણે સિગારેટ સળગાવી.
‘જો આમ જ રહ્યું તો તારી દેવદાસનો ફાયદો સંજય ભણશાળીને જ થાય...’
lll
તમે ફ્લૅટનો દરવાજો ખોલ્યો.
બંધ ફ્લૅટની ખુશબૂ જોશભેર તમારી તરફ ધસી આવી. આજે ચોથો દિવસ હતો, ઘરમાં ઝાડુ-પોતું કર્યા વિનાનો.
એઠાં વાસણ તો સાફ કરવા
પડતાં. એની દરરોજ સાંજે તમને જરૂર પડતી એટલે.
તમે ફ્લૅટમાં દાખલ થયા.
એક સમયે આ ઘરથી તમને ભારોભાર ત્રાસ છૂટતો. ઑફિસથી નીકળીને ક્યાં જવું એ આગલી રાતે જ તમે નક્કી કરી લેતા. ઘરે સમયસર આવવાનું કોઈ કારણ તમારી પાસે નહોતું. તમે એકલતા વચ્ચે રહેતા અને એકાએક તમારી એ એકલતાને એકાંતમાં બદલાવી દેનારું કોઈ તમારી જિંદગીમાં પ્રવેશ્યું.
રૉન્ગ નંબર થકી તમે એશાને ઓળખતા થયા હતા.
એશા સાથેની તમારી એ ઓળખાણ સાવ અનાયાસે થઈ હતી.
એક સાંજે તમારી લૅન્ડલાઇન પર રૉન્ગ નંબર આવ્યો અને એ રૉન્ગ નંબર થકી તમે એશાને ઓળખતા થયા.
ઉત્સાહના ઘૂઘવાતા સમુદ્ર જેવી એશા.
ધીમે-ધીમે એશા સાથે વાતો કરવાની તમને આદત પડવા માંડી. આ આદત ક્યારે જરૂરિયાત બની ગઈ એ તમને પણ નહોતું સમજાયું.
‘આદત અને જરૂરિયાત વચ્ચે એક વિષમતા છે.’ વર્ષ પહેલાં ભાડલા ગયા ત્યારે બાપુજીએ તમને કહ્યું હતું, ‘આદતને અટકાવી શકાય, પણ જરૂરિયાત વિના રહી ન શકાય. આદત જે સમયે જરૂરિયાત બને એ સમયે માણસે દુખી થવાની માનસિક તૈયારી કેળવવા માંડવી જોઈએ.’
તમે ધીમાં પગલે સોફા પાસે આવ્યા.
જે રીતે બ્યુટિફુલ છોકરીઓની આસપાસ છોકરાઓ મંડરાતા હોય એ રીતે માખીઓ ટિપાઈ પર ઢોળાયેલી ચાની ઉપર ઘૂમરી ખાતી હતી.
કોણ જાણે કેટલા દિવસથી ટિપાઈ સાફ નહોતી કરી.
પાસે પડેલું ન્યુઝપેપર હાથમાં લઈ તમે જોરથી માખીઓ ઉપર ઘુમાવ્યું. બધી માખીઓ ઊડી, એકસાથે.
તમે માખીઓની ખુશી છીનવી લીધી હતી. તમારા ચહેરા પર સહેજ સ્મિત આવ્યું.
કુદરત પણ આ જ રીતે માણસની ખુશી છીનવીને મજા લેતી હશેને?
મનમાં વિચાર ઝળકી ગયો અને એ વિચાર આગળ વધ્યો.
તમારા નસીબમાં કોઈ સ્ત્રી-સુખ નથી.
મુંબઈમાં નવાસવા હતા ત્યારે ચોપાટી બેસતા એક જયોતિષીને
તમે હાથ બતાવ્યો હતો. પચાસ રૂપિયાની દક્ષિણામાં.
‘તમારા નસીબમાં સ્ત્રી-સુખ નથી.’
‘નસીબદારને જ આવા યોગ મળે.’
તમે પોરસાયા. ખુશ પણ થયા. કૉલેજ સમયે પણ ફ્રેન્ડ્સ તમને બ્રહ્મચારી જ કહેતા.
‘આ ડૉ. પ્રકાશ કોઠારીનો પેશન્ટ છે.’
સૌથી વધુ જેની સાથે બનતું એ એલ્વિસ બધા વચ્ચે જ કહેતો. તમને આ મજાક સામે વાંધો નહોતો. હોય પણ શું કામ? તમે પોતે માનતા કે સ્ત્રીઓથી દૂર રહેવા મળે એનાથી મોટું સુખ બીજું કોઈ ન હોય. તમે કહેતા પણ ખરા, સ્ત્રીઓથી દૂર રહેવાના એકમાત્ર મુદ્દે તમને સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓની ઈર્ષ્યા આવે છે. જોકે આ બધી કૉલેજ સમયની વાત હતી. એ પછી જૂનાગઢના સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુની સેક્સ-સીડી ફરતી થઈ એટલે તમે આ દાખલો આપવાનું બંધ કરી દીધું હતું.
પછી તમે મુંબઈ આવ્યા અને મુંબઈ આવ્યા પછી વર્ષો પછી તમને એશા મળી.
એશા મળી?
મળી કહેવાય કે એશા સાંભળી કહેવાય?
તમે ઊભા થઈ વૉકમૅન ચાલુ કર્યું.
મારી આંખમાં, વહેલી સવારસમું તું પડતી
ને ઘેરાતી રાત મને યાદ છે,
ઘેરાતી રાત તને યાદ છે?
એશા તમારી જીવનમાં આવી વહેલી સવાર બનીને, પણ ગઈ ઘેરાતી રાતની જેમ. તમારી નજર અનાયાસે ટેલિફોન તરફ ગઈ.
કદાચ, ફરી વાર એ રણકી ઊઠે એવી આશા સાથે.
ના, તમારી આશા ઠગારી હતી. એશા નહોતી, હવે તે ફોન પણ કરવાની નહોતી.
રૉન્ગ નંબરથી એશા સાથે થયેલી દોસ્તી દોઢેક મહિનો રહી. આ સમય દરમ્યાન તમે ક્યારેય એશાને મળવા આવવાનો આગ્રહ કર્યો નહીં અને ન તો તેણે એ વાત ઉચ્ચારી.
એક રાતે તમને ફોન આવ્યો અને તમે ગાંધી હૉસ્પિટલે એશાને મળવા ગયા.
એશાને મળવા?
હા, તમે એશાને મળવા ગયા, પણ તમે મળ્યા એશાના મૃતદેહને.
સૂરજ વિનાના અને છાયડા વિનાના, ધૂમતડકા સુસવાટે હવે રાતના લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતનામુંબઈના રસ્તા પર થતો અકસ્માત મુંબઈગરા માટે સહેજ પણ નવીન નહોતો. સગી આંખે એશાનો અકસ્માત જોનારા માટે એ એક ઘટના માત્ર હતી, પણ તમારા માટે એશાનું મૃત્યુ જીવનભરની યાતના હતી. એશા તમને ફોન કરવા હૉસ્પિટલની બહાર આવતી હતી અને એ જ સમયે ટૅક્સી-ડ્રાઇવરે એશાને હડફેટે લઈ લીધી.
ટેક્સી-ડ્રાઇવરે એ સમયે માત્ર એશાને નહીં, તમને પણ હડફેટે લીધા હતા. તમે આંખો મીંચી દીધી.
ફરીથી એ ભીંજાવાનું કામ ન કરે એટલે.
આવેલું સમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે.
તમને ઊભા થઈને વૉકમૅન બંધ કરવાની ઇચ્છા થઈ આવી, પણ ના, તમારી હિંમત ચાલી નહીં. ગુજરાતી ગીતો એશાને ફેવરિટ જો હતાં...
જો તમે ઊભા થયા હોત તો તમારું ધ્યાન ટિપાઈ નીચે પડેલા કવર તરફ ગયું હોત.
lll
લેટર કોણે લખ્યો હશે?
આખી રાત તમને આ વિચારે જંપવા નહોતા દીધા.
આમ પણ એશાના મોત પછી તમે શાંતિથી સૂઈ નહોતા શક્યા, પણ આજની વાત જુદી હતી. શરૂઆતમાં તો તમે આ ઘટનાને કેન્દ્રમાં રાખીને ઊંઘ ગણકારી નહીં પણ પછી તમે ડૉક્ટરને મળી ઊંઘની ગોળી લેવાનું શરૂ કર્યું,
પણ એની કોઈ અસર થઈ નહીં એટલે તમે જિંદગીને સ્વૈચ્છિક કરી નાખી.
ઊંઘ આવે તો સૂવાનું, ન આવે તો ચિંતા નહીં કરવાની.
લેટર કોણે લખ્યો હશે?
સાંજે ઘરે પાછા આવ્યા પછી છેક દોઢક કલાકે તમને કવર મળ્યું.
જમતાં-જમતાં એકાએક તમારું ધ્યાન ટિપાઈના પાયા તરફ ગયું, ત્યાં બંધ કવર હતું. તમે એ ઉપાડી લીધું. હાથ લૂછ્યા વિના જ તમે એ ખોલ્યું. કવરની બૅક પર એ મોકલનારે નામ નહોતું લખ્યું.
કોણ હશે?
તમે કવર ખોલ્યું. અંદર નોટબુકનાં બે પાનાંનો લેટર નીકળ્યો, જે વાંચવા તમારે હાથ ધોવા ઊભું થવું પડે એમ હોવાથી તમે કાગળ સોફા પર મૂકી દીધો. આજે તમે ભાખરી અને સેવ-ટમેટાંનું શાક બનાવ્યું હતું. સેવ-ટમેટાંનું શાક અઠવાડિયામાં બે-ત્રણ વાર તમારા મેનુમાં આવી જાય. બનાવવામાં સરળ અને ઝાઝી કડાકૂટ પણ નહીં.
ભાખરીના ટુકડામાં શાક ભરીને તમે મોંમાં ઓર્યો. ટુકડામાં આવી ગયેલી વધારાની ગ્રેવી તમારા હોઠના ખૂણામાંથી બહાર આવવાનું શરૂ થયું. તમે આજુબાજુમાં જોયું, પણ નૅપ્કિન નહોતો દેખાયો. તમે તકિયાથી હોઠ સાફ કરી લીધા.
‘તમે નાના બાળક જેવા છો.’
એક વાર એશાએ તમને કહ્યું હતું. આદતની વાત ચાલતી હતી ત્યારે. તમે હસ્યા હતા. તમારા એ સ્માઇલને યાદ કરી તમને અત્યારે પણ હસવું આવી ગયું હતું.
એશા...
એકાએક તમને લાગ્યું કે તમે હજુ હમણાં જ આ નામ વાંચ્યું. ક્યાંક, હજુ હમણાં જ, પણ ક્યાં?
હા, પેલા કાગળમાં. ક્યાં ગયો એ?
વધુ આવતી કાલે


