Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > કામ-શસ્ત્ર (વાર્તા સપ્તાહ - પ્રકરણ 3)

કામ-શસ્ત્ર (વાર્તા સપ્તાહ - પ્રકરણ 3)

Published : 16 February, 2022 07:46 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘ટેન્શન મત કરો...’ આપ્ટેએ સ્કૉર્પિયોનું ગિયર બદલ્યું, ‘યે મત સોચો કી વો હાથ સે નિકલ ગયે... સુભાષની ઑફિસમાંથી કામ લાગે એવું ઘણું મળ્યું છે...’

કામ-શસ્ત્ર (વાર્તા સપ્તાહ - પ્રકરણ 3)

કામ-શસ્ત્ર (વાર્તા સપ્તાહ - પ્રકરણ 3)


‘ખટાક...’
સાઇનઅપની ઑફિસ ખોલતાં પહેલાં આપ્ટેએ લૉબીમાંથી જોઈ લીધું કે ભાથકર ક્યાં છે. એ સમયે ભાથકર ગાંધી હૉસ્પિટલના પાછળના ગેટમાંથી અંદર દાખલ થતો હતો.
ભાથકરને છોકરીની પાછળ જોઈને કામગીરી ચાલુ હોવાનો આત્મસંતોષ લઈ મનોજ આપ્ટેએ ખંડેલવાલની ઑફિસના દરવાજાને ધક્કો માર્યો. અંદરનું દૃશ્ય જોતાં જ ઇન્સ્પેક્ટર આપ્ટે સમજી ગયા કે ભાથકર અત્યારે જેની પાછળ ગયો છે એ વ્યક્તિ કોઈ ને કોઈ રીતે આ કેસ સાથે સંકળાયેલી છે. જો એ છોકરીએ હાથમાં રૂમાલ ન બાંધ્યો હોત તો ભાથકર કે આપ્ટેને શંકા ન ગઈ હોત.
યુવતીનું ઝડપભેર નીચે આવવું, આપ્ટે સાથે ટકરાવું અને આ ટક્કરને કારણે આપ્ટે-ભાથકરનું તેના હાથ પર ધ્યાન જવું.
આ બધું એકાદ મિનિટમાં બન્યું હતું. આ એક મિનિટમાં બન્નેને જુહુની હોટેલના પગથિયેથી મળેલા પુરાવા યાદ આવી ગયા હતા. આ એક અનાયાસ હતો, પણ આ અનાયાસે ભાથકર અને આપ્ટેને અલર્ટ કરી દીધા હતા.
ઇન્સ્પેક્ટર આપ્ટે ખંડેલવાલની ઑફિસમાં દાખલ થતા હતા ત્યારે કૉન્સ્ટેબલ ભાથકર છોકરીથી સલામત અંતર જાળવીને પીછો કરતો હતો. યુવતીની ચાલમાં ઝડપ હતી અને ઝડપમાં થોડો ઉત્સાહ રેલાતો હતો.
તમે જેને માટે ૬ મહિનાથી તડપતા હો તે તમને લાખ ધમપછાડા પછી પણ ન મળે અને એક દિવસ સાવ અચાનક જ તમારા હાથમાં આવી જાય ત્યારે તમારા મનમાં જેવો ઉત્સાહ આવે એવો જ ઉત્સાહ અત્યારે એ છોકરીની ચાલમાં હતો. અલબત્ત, યુવતી એ વાતથી સાવ અજાણ હતી કે તેની પાછળ સિવિલ ડ્રેસમાં એક કૉન્સ્ટેબલ આવી રહ્યો છે. તેણે પાછળ ફરીને જોયું હોત તો પણ તે ભાથકરને ઓળખી શકવાની નહોતી, કારણ કે પગથિયાં ઊતરતી વખતે તેનું ધ્યાન ઝડપથી ત્યાંથી નીકળવાની દિશામાં હતું. જ્યારે ભાથકર માટે યુવતીએ હાથમાં બાંધેલો રૂમાલ પૂરતો હતો.
યુવતી ચાલતાં-ચાલતાં ગાંધી હૉસ્પિટલના મેઇન ગેટ પાસે આવીને અટકી. ભાથકરે પણ પોતાની ઝડપ ઓછી કરી નાખી. આસપાસ નજર કર્યા પછી એકાએક યુવતી પેનિન્સુલા સેન્ટર તરફ વળી ગઈ. યુવતી જેવી દેખાતી બંધ થઈ કે તરત ભાથકર દોડીને ગાંધી હૉસ્પિટલના ગેટની બહાર નીકળી ગયો. ભાથકરની એ ઝડપ સુભાષ ખંડેલવાલની નગ્ન લાશના ભેદને ઉકેલવાની દિશા તરફ હતી.
lll
સુભાષ ખંડેલવાલની પરેલની ઑફિસ પશ્ચિમ દિશામાં ખૂલતી હતી, જેને લીધે બપોરનો સૂર્યપ્રકાશ સીધો ઑફિસમાં પ્રવેશતો હતો. સાઇનઅપનું ડોર ખોલતાની સાથે જ આપ્ટેને દેખાઈ ગયું કે ઑફિસમાં તેના પહેલાં કોઈક આવી ગયું છે.
આખી ઑફિસ વેરવિખેર પડી હતી. અરે ડેકોરેશન માટે ઑફિસમાં ગોઠવવામાં આવેલા ફ્લાવર-વોઝને પણ અંદર આવેલી વ્યક્તિએ નીચે ફેંકી દીધાં હતાં.
કચચચડ...
ઑફિસમાં દાખલ થયા કે તરત ઇન્સ્પેક્ટર આપ્ટેના પગ નીચેથી અવાજ આવ્યો. આપ્ટેએ પગ હટાવીને જોયું તો નીચે ડીવીડી પડી હતી.
આપ્ટેએ ડીવીડી ઉપાડી લીધી.
ઑફિસનું કમ્પ્યુટર-ટેબલ ખૂલેલું હતું, જેના ડ્રૉઅરમાં રહેલી સીડી-ડીવીડી અને પેન-ડ્રાઇવ અસ્તવ્યસ્ત પડ્યાં હતાં. ઑફિસમાં આવનારાએ સીડી અને ડીવીડી ચેક કરવા કમ્પ્યુટર ઑન કર્યું હતું. કમ્પ્યુટર ચાલુ કર્યા પછી એને શટડાઉન કરવાની ઉતાવળમાં એ ચાલુ કરનારાએ મેઇન સ્વિચ ચાલુ રાખી દીધી હતી, જેને લીધે મૉનિટરની ઑરેન્જ લાઇટ ઝગમગતી હતી. 
આપ્ટેએ શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢ્યો.
૯૮ર૧૧૧૩...
અચાનક આપ્ટેના હાથ અટકી ગયા. ભાથકરને ફોન કરવાનો વિચાર તેણે બદલી નાખ્યો. ક્યાંક ભાથકરના ફોનની રિંગ વાગવાથી તેને કામમાં ખલેલ પડે તો?
ઇન્સ્પેક્ટર આપ્ટેને ખબર નહોતી કે જો તેણે ભાથકરને ફોન કર્યો હોત તો કામમાં પડેલી ખલેલ અટકી ગઈ હોત.
lll
ભાથકર જાણતો નહોતો કે અત્યારે તે જેમ કોઈનો પીછો કરી રહ્યો હતો એવી જ રીતે તેની પાછળ પણ કોઈ આવતું હતું. જો આપ્ટેએ ભાથકરને ફોન કરી દીધો હોત તો ભાથકર વાત કરવાના બહાને આજુબાજુમાં નજર કરી શક્યો હોત, પણ આપ્ટેએ ફોન કરવાનું ટાળ્યું અને ભાથકર પણ તેની આજુબાજુના વાતાવરણને સૂંઘવાનું વીસરી ગયો.
ખંડેલવાલની ઑફિસના પગથિયે સામે મળેલી છોકરી ગાંધી હૉસ્પિટલના ગેટની બહાર નીકળીને પેનિન્સુલા સેન્ટર તરફ વળી કે તરત ભાથકર દોડીને બહાર આવી ગયો. એ સમયે એકસાથે ત્રણ ઘટના બની. પાંચ-દસ સેકન્ડ માટે ભાથકરને પેલી છોકરી ક્યાંય દેખાઈ નહીં. યુવતી દેખાઈ નહીં એટલે ભાથકર વ્યાકુળ થઈને ચારે તરફ જોવા લાગ્યો. ભાથકર હજી કંઈ સમજે એ પહેલાં પાછળથી ભાથકરના માથા પર કોઈકે જોરથી ફટકો માર્યો. એકાએક આવેલા આ ફટકાથી ભાથકરની આંખ સામે અંધકાર છવાઈ ગયો. અલબત્ત, ઘા કરનારો પોતાના કામમાં બહુ હોશિયાર નહીં હોય એવું તેના ફટકા પરથી લાગતું હતું.
માથા પર થયેલા ઘાથી સ્વાભાવિકપણે ભાથકર પાછળની તરફ ઝૂક્યો.
એ જ સમયે ગાંધી હૉસ્પિટલના ગેટની બાજુમાં આવેલા ખાંચામાંથી પેલી છોકરી બહાર આવી જે ભાથકરે જોયું. ભાથકરને માથામાં સણકા ઊપડતા હતા, તેની આંખ સામે આખું તારામંડળ ઝૂમતું હતું છતાં ભાથકરે આંખો ખુલ્લી રાખવાની કોશિશ કરી, પણ આંખ સામે છવાતા ધુમ્મસની સાથે તેને દૃશ્ય ધૂંધળું દેખાતું હતું. તે જેનો પીછો કરતો હતો એ છોકરી દોડીને રોડની સામેની સાઇડ પર પાર્ક થયેલી કારમાં બેસી ગઈ, તો તેની બાજુમાં એક છોકરો પણ આવીને ગોઠવાઈ ગયો. 
એ છોકરો કંઈક બોલ્યો, પણ તેના શબ્દો ભાથકરના કાન પકડી શક્યા નહીં. ભાથકર નીચે ફસડાઈ પડ્યો. તેણે તરત ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો. 
‘સર, ગેટ કે સામને...’
ભાથકરની આંખો બંધ થઈ ગઈ.
lll
ઍરકન્ડિશન રૂમનું કુશાંદે વાતાવરણ આપ્ટેના દિમાગમાં રહેલા ઉકળાટને રાહત આપી નહોતું શક્યું. પાંચ મિનિટ પહેલાં જ પૂરી થયેલી સુભાષ ખંડેલવાલની બધી ફિલ્મો જોયા પછી મનોજ આપ્ટેની માનસિક હાલત અસ્થિર હતી.
સુભાષ ખંડેલવાલ શું હતો, કયા કારણસર તેનું મર્ડર થયું અને અને કોણ-કોણ તેનું મર્ડર કરી શકે એ હવે આપ્ટે સામે એકદમ સ્પષ્ટ હતું.
આપ્ટેએ ઊભા થઈને બારીનો પડદો સહેજ હટાવ્યો.
ઢળતા સૂરજની કેસરી રોશની જાણે અંદર આવવાની રાહ જોતી હોય એમ બારીનો પડદો ખૂલતાં જ રૂમમાં પ્રવેશી ગઈ.
આપ્ટેએ સર્વિસ બેલ વગાડી.
‘જી સર...’ લાઇન પર સુકેતુ હતો. 
‘સુકેતુ, એક અચ્છીશી ચાય પીની હૈ.’
‘અભી ભેજતા હૂં સર...’
‘ચાય કે સાથ તૂમ ભી રૂમ મેં આના.’
‘જી...’ 
સુકેતુ ઊભો થઈને કાઉન્ટરની બહાર આવ્યો.
lll
મંગળવારે ભાથકરે ગાંધી હૉસ્પિટલથી ફોન કર્યો ત્યારે ઇન્સ્પેક્ટર આપ્ટે ખંડેલવાલની ઑફિસમાંથી સીડી અને ડીવીડી ભેગી કરતા હતા. ખંડેલવાલ હતો પબ્લિક રિલેશન્સ ઑફિસર પણ તેની ઑફિસમાં પડેલી ડીવીડી-સીડીનો જથ્થો જોઈને કોઈને પણ એવું લાગે કે તે ફિલ્મ-પ્રોડ્યુસર હશે.
‘હા, ભાથકર...’ સ્ક્રીન પર ભાથકરનો નંબર જોઈને આપ્ટેએ ફોન ઊંચક્યો, ‘બોલ...’
‘સર, ગેટ કે સામને...’
‘હેલો, હેલો...’ 
મોબાઇલના લાઉડસ્પીકરમાંથી ભાથકરનો અવાજ આવતો બંધ થઈ ગયો. જોકે ભાથકરનો જ અવાજ નહોતો આવતો. તેની આજુબાજુમાંથી આવતાં વાહનોનો અવાજ મોબાઇલ પર ઝિલાતો હતો.
‘હેલો ભાથકર...’
ઇન્સ્પેક્ટર આપ્ટે સુભાષની ઑફિસમાંથી ઉતાવળા પગલે બહાર આવ્યા. આપ્ટેની સ્કૉર્પિયો નીચે જ હતી. તેણે સ્કૉર્પિયો રિવર્સ લીધી.
અગાઉ આપ્ટે અનેક વાર આ પ્રકારની કટોકટી જોઈ ચૂક્યા હતા એટલે તેમની ઝડપમાં ડરની છાંટ નહોતી, પણ હા, પોતાના સાથીને આવેલા સંકટને જલદીથી ટાળવાની ઉતાવળ એમાંથી ચોક્કસ દેખાતી હતી.
મનોજ આપ્ટે જ્યારે ગાંધી હૉસ્પિટલના મેઇન ગેટ પર પહોંચ્યા ત્યારે પેલી છોકરી તો રવાના થઈ ગઈ હતી, પણ ભાથકર હજીયે પોતાનું માથુ દબાવીને નીચે બેઠો હતો. ભાથકરની આજુબાજુમાં આઠ-દસ માણસો ભેગા થઈ ગયા હતા.
‘ક્યા હુઆ?’ 
આપ્ટેએ સ્કૉર્પિયો ચાલુ જ રહેવા દીધી હતી.
‘પીછે સે કોઈ...’ 
ભાથકરના શબ્દો તૂટતા હતા. માથાની પાછળના ભાગમાં તેને જબરદસ્ત વેદના થતી હતી તો આંખ સામે હજીયે અંધકાર છવાયેલો હતો. 
‘લો હાથ પકડો.’ આપ્ટેએ ભાથકરને કહ્યું તો ખરું, પણ પછી પોતે જ તેનો હાથ પકડી લીધો, ‘કિસીને યહાં કુછ દેખા...’
‘...(ગાળ)’ 
કોઈએ જવાબ આપ્યો નહીં એટલે આપ્ટેના મોઢેથી ગાળ સરી પડી. મુંબઈની આ જ ખાસિયત હતી. નજારો જોવા આખું ગામ ભેગું થશે, પણ એ વર્ણવવાની વાત આવે ત્યારે દરેકેદરેક મૂક-બધિરની અવસ્થામાં મુકાઈ જશે.
આપ્ટે ભાથકરને લઈને સ્કૉર્પિયોમાં ગોઠવાયા.
‘ટેન્શન મત કરો...’ આપ્ટેએ સ્કૉર્પિયોનું ગિયર બદલ્યું, ‘યે મત સોચો કી વો હાથ સે નિકલ ગયે... સુભાષની ઑફિસમાંથી કામ લાગે એવું ઘણું 
મળ્યું છે...’
- ‘અરે, મેં પણ મોટા ભાગનું કામ પૂરું કર્યું છે..’
ભાથકરને કંઈક આવું જ કહેવું હતું, પણ મારની વેદનાને કારણે તે કંઈ બોલી શકતો નહોતો. માથામાં જે ફટકારવામાં આવ્યું હતું એ નક્કર સાધન હતું. ભાથકરને હવે છેક ડોકની પાછળના ભાગ સુધી સણકા બોલતા હતા.
‘દેખ, ગાંધી હૉસ્પિટલ કે બાહર હી હમ ખડે થે પર મૈં નહીં ચાહતા થા કિ વહાં પે કુછ હો...’ 
આપ્ટેએ ઇન્કમ-ટૅક્સ ઑફિસના સર્કલ પાસે સ્કૉર્પિયો ઊભી રાખી, જ્યાં સ્કૉર્પિયો ઊભી રહી એની બરાબર સામે જ ડૉક્ટરનું ક્લિનિક હતું.
આપ્ટેની સ્કૉર્પિયો ક્લિનિક પાસે ઊભી રહી ત્યારે એની બાજુમાંથી મારુતિનું નવું મૉડલ સ્વિફટ-વાયર પસાર થયું.
‘યે કાર અચ્છી હૈ.’ 
આપ્ટેના હાથમાં ભાથકરનો હાથ હતો, પણ તેની નજર કાર પર હતી. આપ્ટેને ક્યાં ખબર હતી કે તે જેને શોધી રહ્યો છે એ આરોપીઓ એ જ કારમાં પસાર થઈ રહ્યા છે.
lll
‘આવો સુકેતુ...’
ભાથકરને ઘરે મૂકીને આપ્ટે સીધા હોટેલ પર આવ્યા અને હોટેલના મૅનેજરને રૂમ નંબર ૦૧૩ ખોલી આપવાની સૂચના આપી. આપ્ટે રૂમમાં બેસીને સુભાષની ઑફિસમાંથી મળેલી ડીવીડી અને સીડી જોવા માગતા હતા.
ડીવીડી-સીડી અને પેન-ડ્રાઇવ જોવાની પ્રક્રિયા લગભગ ચારેક 
કલાક ચાલી.
છેક ચાર કલાક સુધી આપ્ટેએ હોટેલમાં કોઈને બોલાવ્યા નહોતા.
‘સુકેતુ, મેં સાંભળ્યું કે તને ભવિષ્ય જોતાં આવડે છે?’ 
સુકેતુ રૂમમાં આવ્યો એટલે આપ્ટે બારી પાસેથી હટીને સુકેતુ સામે આવ્યા. 
‘ના સર, એવું નથી.’ સુકેતુના અવાજમાં સહજતા હતી, ‘એ તો મને ચીડવે છે.’ 
‘કોણ...’
‘મારા કલીગ...’ સુકેતુએ ખુલાસો કર્યો.
‘હંઅઅઅ...’ ઇન્સ્પેક્ટર આપ્ટે ધીમે-ધીમે મૂળ વાત પર આવતા ગયા, ‘એ સિવાય બીજું કોણ-કોણ છે જે તને ચીડવે છે?’
‘ના, ના... બીજું તો કોઈ નથી.’
‘નહીં સુકેતુ, બરાબર યાદ કરી લે. તારા કલીગ સિવાય પણ કેટલાક તને ચીડવે છે.’
‘ના સર...’ ચહેરા પર પથરાતા જતા ડરને અટકાવીને સુકેતુએ કહ્યું, ‘ખરેખર, બીજું તો કોઈ નથી.’ 
‘નિશા તને વેતાલ નથી કહેતી...’
સુકેતુના પગ નીચેથી ધરતી ખસવા લાગી.
‘પલ્લવી પણ તને નિશાની જેમ વેતાલ કહે છેને?’
સુકેતુ હાથ જોડીને નીચે બેસી ગયો. 
સુકેતુની આંખોમાં આંસુ હતાં અને ચહેરા પર ભય.


વધુ આવતી કાલે


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2022 07:46 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK