તમને શું લાગે છે, હું તમારી ગંધાતી વાસ મારતી પોલીસ-કસ્ટડીથી પણ બદતર જેલમાં જઈશ?
ઇલસ્ટ્રેશન
અમે ચારેય જણ સ્તબ્ધ હતા!
હું, એટલે કે ઇન્સ્પેક્ટર ધારીવાલ, અમારી મહિલા કૉન્સ્ટેબલ રાધિકા, અમારો ફોટોગ્રાફર રાજુ અને થોડા સમય પહેલાં આવી પહોંચેલો ફિન્ગરપ્રિન્ટ એક્સપર્ટ વિજય થાપા.
ADVERTISEMENT
જ્યારે દમયંતી તનેજા એમ બોલી કે તેના પતિ રણજિત તનેજાની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ ત્યારે હકકીતમાં અમારા ચારેય જણની એ જ હાલત હતી.
કેમ કે આ સનસનાટીભર્યા ડબલ મર્ડરનો કેસ અમે સૉલ્વ કરીને એની ફાઇલ ક્યારની બંધ કરી ચૂક્યાં હતાં!
એક મહિના પહેલાં આખા મસૂરી ટાઉનમાં હાહાકાર મચાવી દેનારા આ કેસનું ઇન્વેસ્ટિગેશન મારા સિનિયર ઑફિસર ઇન્સ્પેક્ટર રઘુબીર સાન્યાલે કર્યું હતું.
‘તમે લોકો આમ પૂતળાં કેમ બની ગયાં છો?’ મિસિસ તનેજાના પાતળા હોઠ પર વિચિત્ર સ્માઇલ હતું.
‘આ... આ મર્ડર તમે કર્યાં હતાં?’ હું હજી આશ્ચર્યમાં હતો.
‘તમે પોલીસવાળા...’ તે કડવું હસી. ‘મેં પહેલાં જ કહ્યું કે તમે લોકો હંમેશાં સરકમ-સ્ટેન્શિયલ એવિડન્સ શોધો છો.’
આ બાઈ જાણી જોઈને આવો જ ઉચ્ચાર કરતી હતી... ‘સરકમ-સ્ટેન્શિયલ.’
તે આગળ બોલી : ‘તમારા હિસાબે તો આ ક્લિયર કટ કેસ હતોને? કે ગીતાંજલિ ઐયર અને કરણ મલ્હોત્રા વચ્ચે અંગત સંબંધો હતા. એ બન્ને જણ મારા હસબન્ડના ‘પ્રાર્થના’ કૉટેજ પર વારંવાર મળતાં જ હશે કેમ કે મારો રણજિત એ બન્ને વચ્ચેની કૉમન લિન્ક હતો. રણજિત કામિયાને લાયન્સ ક્લબને કારણે ઓળખતો હતો અને કરણ મલ્હોત્રા મારા હસબન્ડની કંપનીમાં જોડાવા માગતો હતો.’
‘યસ, અમારો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ હજી પણ એમ જ માને છે.’
‘તમે શા માટે એવું માની લીધું?’ દમયંતી તનેજાનું હસવું મને અકળાવી રહ્યું હતું. ‘કેમ કે બન્ને જણનાં વસ્ત્રો પૂરેપૂરાં પહેરેલાં નહોતાં, બસ? એટલા ઉપરથી તમે અનુમાન લગાવી લીધું કે આ બન્ને અહીં સેક્સ માણવા જ આવ્યાં હશે.’
‘એક મિનિટ.’ મેં કહ્યું. ‘ત્યાં તમારી ફિન્ગરપ્રિન્ટ્સ ક્યાંય નહોતી એટલું જ નહીં, ત્યાં ગીતાંજલિ અને કરણની કાર પડી હતી પણ તમારી કારનાં ટાયરોની કોઈ નિશાની...’
‘મૌસમ, ઇન્સ્પેક્ટર મૌસમ!’ તે હવે ખૂલીને હસી રહી હતી. ‘તમે ભૂલી ગયા કે એ રાત્રે મોડેથી વરસાદ પડ્યો હતો. મારી કારનાં ટાયરની નિશાની તો છોડો, કરણ અને ગીતાંજલિનાં ટાયરની નિશાની પણ ક્યાં હતી?’
‘હા, પણ અમારા સાન્યાલ સાહેબે CCTV ફુટેજ પણ ચેક કર્યાં હતાં.’
‘અચ્છા?’ તે ઊભી થઈને ખડખડાટ હસવા લાગી. ‘ઇન્સ્પેક્ટર સાહેબ, આ મસૂરીના ધુમ્મસમાં જ્યાં નરી આંખે પણ દસ ફીટ દૂર શું છે એની ખબર પડતી નથી ત્યાં તમારા ધુમ્મસ બાઝી ગયેલા CCTV કૅમેરાઓમાં શું ધૂળ દેખાયું હશે? તમે એ ન ભૂલો કે આ બે મર્ડર કરવા માટે મેં છ-છ મહિના સુધી કંઈ અમસ્તી રાહ નહોતી જોઈ!’
પોલીસ-ડિપાર્ટમેન્ટનું અપમાન અમારે ચારેય જણે મૂંગા મોઢે સાંભળી લેવા સિવાય છૂટકો નહોતો.
ઘડિયાળમાં બાર વાગ્યાના ટકોરા પડવાનું શરૂ થયું. મેં કહ્યું : ‘ચાલો, હવે રહસ્ય તો ખૂલી જ ગયું છે તો તમારું બાકીનું કન્ફેશન રેકૉર્ડ કરવાની ફૉર્માલિટી પતાવી દઈએ?’
‘ફૉર્માલિટી? કેમ, તમારે એ નથી જાણવું કે મેં મારા હસબન્ડને શા માટે મારી નાખ્યો?’
હાસ્તો, અમારે જાણવું જ હતું. મેં મોબાઇલમાં રેકૉર્ડિંગ શરૂ કર્યું...
lll
રણજિતની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ! તે શું કહે? ગીતાંજલિ કોણ અને તેને કોઈએ મારી નાખી હોય એમાં પોતાને આટલો બધો આઘાત શા માટે લાગે?
છતાં મારે તેની પાસે આખી કબૂલાત એ રીતે કરાવવી હતી કે રણજિતને છેવટે હું માફ કરી શકું અને જિંદગીભર તે મારી માફીનો ઉપકાર ન ભૂલી શકે. એટલે મેં જ ફરી પૂછ્યું :
‘કોણ ગીતાંજલિ? પેલી તમારી લાયન્સ ક્લબમાં મેમ્બર છે એ ગીતાંજલિ ઐયર?’
‘હા, ગીતાંજલિ ઐયર.’ રણજિતે ગળે થૂંક ઉતાર્યું. ‘દમયંતી, ગીતાંજલિની લાશ આપણા કૉટેજ હાઉસમાં પડી છે. મને સમજાતું નથી કે કરણ મલ્હોત્રા ત્યાં શું કરતો હતો?’
મને મનોમન ખૂબ જ મજા પડી રહી હતી.
મેં કહ્યું, ‘રણજિત, મારે એ નથી પૂછવું કે ગીતાંજલિ ઐયર આપણા ફાર્મહાઉસમાં આ ટાઇમે શું કરતી હતી. મારે એ પણ નથી પૂછવું કે કરણ મલ્હોત્રા જો તમને મળવા આવવાનો હતો તો તે ગીતાંજલિ સાથે ત્યાં ફાર્મહાઉસમાં શું કરતો હતો? સૌથી અગત્યનો સવાલ અત્યારે એ છે કે જ્યારે પોલીસને આખી વાતની ખબર પડશે ત્યારે તું શું જવાબ આપીશ?’
મેં જોયું કે રણજિત મારી આ વાતથી રીતસરનો ફફડી ગયો હતો.
તેના ધ્રૂજી રહેલા હાથને મારા બન્ને હાથમાં પકડી લેતાં કહ્યું, ‘ડોન્ટ વરી રણજિત. તારે પોલીસ આગળ માત્ર એવો જ દેખાવ કરવાનો કે તું કંઈ જાણતો જ નથી. તારે સતત એક જ વાતનું રટણ કર્યા કરવાનું કે રાતના સાડાઆઠથી છેક સવાર લગી હું મારા ઘરમાં મારી પત્ની સાથે જ હતો. બરાબર છે?’
રણજિત મારી સામે જોતો રહ્યો. મેં તેનો ખભો હચમચાવીને ફરી પૂછ્યું, ‘તું મારી સાથે જ હતો. બરાબર છેને?’
‘હેં?’ જાણે તે ઝબકીને જાગ્યો હોય એમ બોલ્યો. મેં તેનો ચહેરો પકડીને તેની આંખોમાં આંખો પરોવીને કહ્યું, ‘રણજિત જસ્ટ ફર્ગેટ એવરીથિંગ. બસ, એક જ વાત યાદ રાખ કે તું અહીં જ હતો અને છેક સવાર સુધી મારી સાથે હતો. બરાબર છે? બરાબર છેને?’
ત્રણ-ત્રણ વાર મેં આમ પૂછ્યું ત્યારે તેણે માથું હલાવીને કહ્યું, ‘રાઇટ. યુ આર રાઇટ, દમયંતી.’
બસ, હું મારો જંગ જીતી ગઈ હતી!
હવે પોલીસને જે થિયરીઓ લડાવવી હોય એ લડાવે. જેને ખૂની સાબિત કરવો હોય તેને કરે, પણ રણજિત મારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલી શકે.
છ-સાત દિવસ સુધી આ ડબલ મર્ડરનું પ્રકરણ ગાજતું રહ્યું. આખા શહેરમાં જબરદસ્ત ચકચાર હતી. બધાને મારા પતિ રણજિત તનેજા પર જ શંકા હતી, પણ હું મારી વાતમાં અડીખમ હતી : ‘મારા પતિ મારી સાથે જ હતા. એક મિનિટ માટે તે બંગલો છોડીને બહાર ગયા નથી બસ.’
પોલીસ માથાં પછાડીને થાકી ગઈ પણ રણજિતને મેં ઘરની બહાર નીકળવા જ નહોતો દીધો. હા, પોલીસ-સ્ટેશને બોલવીને એ લોકો રણજિતનું અલગથી બયાન લેવા માગતા હતા, પણ હું ત્યાં રણજિતની સાથે ને સાથે ગઈ. તેના પડછાયાની જેમ તેને ચોંટી રહી.
આખરે લગભગ મહિના પછી છેક આજે રણજીતે ફરી ઑફિસમાં જવાનું શરૂ કર્યું. મને બરાબર યાદ છે. મેં ખાસ રણજિતને ભાવતું ભોજન મારા રસોઇયા પાસે બનાવડાવ્યું હતું. રણજિતે એ પેટ ભરીને ખાધું હતું. જતી વખતે તેણે મને ગાલ ઉપર હળવું ચુંબન કરીને મારી પીઠ થપથપાવી હતી.
હું સાતમા આસમાને ઊડી રહી હતી, પણ...
પણ સાંજે ઇન્સ્પેક્ટર સાન્યાલનો ફોન આવ્યો. ફોનમાં તે એટલું જ બોલ્યા કે ‘તમારા પતિ અહીં અમારી સામે ઊભા છે. તે કહે છે કે ખૂનના સમયે તે તમારી સાથે નહીં પણ મિસિસ કામિયા મલ્હોત્રા એટલે કે કરણની પત્ની સાથે હતા.’
lll
આ સાંભળતાં જ હું ચોંકી ગયો!
‘યુ મીન, તમારા હસબન્ડ રણજીત તનેજા અને કામિયા મલ્હોત્રા વચ્ચે ...’
‘યસ! તેમની વચ્ચે એ જ સંબંધો હતા જે રણજિતને ગીતાંજલિ સાથે હતા અને એટલે જ તે કરણ મલ્હોત્રાને પેલી બાજુ અમારા ‘પ્રાર્થના’ કૉટેજ પર મીટિંગના બહાને વારંવાર બોલાવતો હતો અને આ બાજુ એ જ વખતે તે કામિયા સાથે – તમારી પોલીસની ભાષામાં શું કહેવાય, ‘રંગરેલિયાં’ મનાવતો હતો. જોકે મેં તો અંધારામાં જ તીર માર્યું હતું. પણ...’
મેં તરત જ મોબાઇલમાં રેકૉર્ડિંગ શરૂ કર્યું...
lll
ઇન્સ્પેક્ટર સાન્યાલ આગળ પણ કંઈક બોલ્યા, પણ મને કંઈ જ સંભળાયું નહીં.
મારું માથું ભમી ગયું. રણજિત કામિયા સાથે હતો? અને એ વાત તેણે મારી આગળ છુપાવી? અને હવે છેક આટલા દિવસ પછી પોલીસને જઈને શા માટે કહી?
એનો મતલબ તો એમ જ થયો ને કે હું રણજિતને ગમે એટલી કોશિશ કરીને બચાવી લઉં છતાં તે છેવટે તો મારી પક્કડમાંથી છૂટીને કામિયા પાસે જ જશેને?
આ તો ગીતાંજલિ ગઈ અને કામિયા આવી! મારું આખું શરીર જાણે આગથી ધખી રહ્યું હોય એમ તપી રહ્યું હતું.
આખરે જ્યારે રણજિત ઘેર આવ્યો કે તરત મેં તેની છાતી સામે રિવૉલ્વર ધરીને શૂટ કરી નાખ્યો.
પછી જ્યારે મારા દિલની આગ કંઈક શાંત પડી ત્યારે મેં તમને ફોન જોડીને કહ્યું કે ‘ઇન્સ્પેક્ટર સાહેબ, મેં ત્રણ ખૂન કર્યાં છે. તમે અહીં આવો, મારે કબૂલાતનામું લખાવવું છે...’
lll
મેં રેકૉર્ડિંગ બંધ કર્યું. રાતના સાડાબાર વાગી ચૂક્યા હતા. બહારનું ધુમ્મસ ધીરે-ધીરે હવે આ બંગલાની વિશાળ બારીઓમાંથી અંદર આવી રહ્યું હતું...
મેં કહ્યું, ‘આ બારીઓ બંધ કરાવો મૅડમ, નહીંતર ધુમ્મસ આખા બંગલામાં ફરી વળશે.’
જવાબમાં મિસિસ તનેજા બોલ્યાં, ‘ના, ધુમ્મસને અંદર આવવા દો... આ મારી છેલ્લી ઇચ્છા છે.’
‘છેલ્લી ઇચ્છા? હું કંઈ સમજ્યો નહીં.’
‘તમને શું લાગે છે, હું તમારી ગંધાતી વાસ મારતી પોલીસ-કસ્ટડીથી પણ બદતર જેલમાં જઈશ? તમને શું લાગે છે, હું તમારી આ હાથકડી પહેરીને તમારી સાથે આવીશ? તો તમારી ભૂલ થાય છે.’
એમ કહેતાંની સાથે દમયંતી તનેજાએ ટિપોય પર પડેલી રિવૉલ્વર ઉઠાવીને પોતાના લમણા પર ગોળી મારી દીધી!
અમે સ્તબ્ધ હતાં! ધુમ્મસ ધીમે-ધીમે આખા બંગલામાં પથરાઈ રહ્યું હતું.
(સમાપ્ત)

