કરણને ઢસડીને ગીતાંજલિની લાશ પાસે લાવ્યા પછી મારી રિવૉલ્વર કરણના લમણે ધરીને એક ગોળી ચલાવી દીધી
ઇલસ્ટ્રેશન
અમારા મસૂરીના હિલ સ્ટેશન પર રાતનું ધુમ્મસ ઘેરાઈ ચૂક્યું હતું. અહીંના પૉશ વિસ્તારમાં આવેલા કરોડપતિ બિઝનેસમૅન રણજિત તનેજાના બંગલાની મોંઘી ક્લાસિક ઍન્ટિક ઘડિયાળમાં વારાફરતી અગિયારના ટકોરા વાગ્યા.
‘શંકા બહુ બૂરી ચીજ હોય છે.’ મિસિસ તનેજાના શબ્દો મારા દિમાગમાં ગુંજી રહ્યા હતા.
ADVERTISEMENT
મેં સોફા પરથી ઊભા થઈને સિગારેટ સળગાવી. ‘મિસિસ તનેજા, તમારી કહાણી તો બડી ઇન્ટરેસ્ટિંગ છે. એમાંથી સચ્ચાઈ કેટલી અને બનાવટ કેટલી એ તો ખબર પડી જ જશે, પણ મને એ કહો...’
મેં સિગારેટનો ધુમાડો ડ્રૉઇંગ રૂમની સીલિંગ તરફ કાઢતાં પૂછ્યું : ‘તમને કયા હિસાબે ખાતરી હતી કે કરણ મલ્હોત્રા તમારા આ શકની ફાલતુ જાળમાં ફસાઈ જશે?’
આવો સવાલ પૂછવા પાછળ મારો એક ચોક્કસ હેતુ હતો, જેની કદાચ દમયંતી તનેજાને ખબર જ નહોતી!
મારો સવાલ સાંભળતાં જ એ બાઈની આંખમાં નવો ચમકારો આવ્યો.
‘ઇન્સ્પેક્ટર ધારીવાલ, તમે મને કહો, જ્યારે તમે પોલીસ-સ્ટેશનથી અહીં આવ્યા ત્યારે તમને તો અંદાજ હતોને કે અહીં રાતના સાડાઅગિયાર કે બાર પણ વાગી શકે?’
‘હાસ્તો, પોલીસની નોકરી છે. કેમ?’
‘એટલે તમે તમારી વાઇફને ફોન પણ કર્યો હશે કે ડિયર, આજે મોડું થશે, રાઇટ?’
‘અમારે ડિયર-બિયર એવું નથી હોતું. અમને બે બાળકો છે.’
દમયંતી તનેજાએ તેની ઊંડી ધારદાર આંખો વડે મને ચૅલેન્જ આપતી નજરો નાખીને મને કહ્યું :
‘અત્યારે તમે તમારી વાઇફને ફોન લગાડોને? જુઓ, શું થાય છે...’
‘વૉટ નૉન્સેન્સ! તમને શું લાગે છે મારી વાઇફ બેવફા છે?’
‘ફોન તો લગાડો.’
દમયંતીની ચૅલેન્જ સ્વીકારીને મેં મારી વાઇફને ફોન લગાડ્યો. રિંગ જઈ રહી હતી. નો-રિપ્લાય આવી રહ્યો હતો...
મેં બીજી વાર રિંગ મારી... ફરી એ જ નો રિપ્લાય!
ત્રીજી વાર... અને ચોથી વારે સળંગ દસ રિંગ ગયા પછી અચાનક મારી પત્નીએ ફોન ઉપાડ્યો : ‘હલો શું થયું? કેમ વારંવાર ફોન કરો છો?’
મને લાગ્યું કે તેના અવાજમાં થોડી હાંફ હતી. જાણે તેણે ઝડપથી દોડી આવીને ફોન ઉપાડ્યો હોય. મેં પૂછ્યું :
‘કેમ ફોન ઉપાડતાં આટલી વાર લાગી?’
‘એ તો...’ મારી પત્ની બોલી. ‘કોઈ કુરિયરવાળો આવ્યો હતો.’
‘કુરિયર? અત્યારે? રાત્રે અગિયાર વાગ્યે?’
‘હા, મને પણ એ જ થયું! જોકે આખું ઍડ્રેસ જ ખોટું હતું. છતાં તે મારી સાથે રકઝક કરતો રહ્યો કે મૅડમ, આ પાર્સલ તમારું જ છે, લેતાં કેમ નથી? નામ તો તમારું જ છે જયવંત ધારીવાલ. મેં કહ્યું કે ઍડ્રેસ અલગ છે, પણ તે માનતો જ નહોતો.’
‘ક્યાં છે એ? ફોન આપ એને...’
‘એ? એ તો ગયો!’
‘અચ્છા?’
આખી વાત મને વિચિત્ર લાગી રહી હતી. રાતના અગિયાર વાગ્યે વળી કયો કુરિયરવાળો આવ્યો હોય? ક્યાંક મારી પત્ની... કેમ કે બન્ને બાળકો તો રાત્રે દસ વાગ્યે જ ઊંઘી જાય છે, એ પણ ઉપરની રૂમમાં... અને પત્નીને ખબર હતી કે મને આજે મોડું થવાનું છે.
‘શું વિચારમાં પડી ગયા ઇન્સ્પેક્ટર સાહેબ?’ દમયંતી મારી દશા જોઈને મજા લઈ રહી હતી. તે ફરી વાર બહુ ભેદી રીતે બોલી :
‘શક... મારા સાહેબ, શક બહુ બૂરી બલા હોય છે.’
હું છંછેડાઈ ગયો. ‘તમને શું લાગે છે, મારી વાઇફ મારી સાથે...’
‘તમારી સાથે નહીં, કોઈની પણ સાથે! શક... શક... શક !’ તે હસવા લાગી. ‘આ તમારી શંકાના સંજોગો પણ મેં જ ઊભા કર્યા હતા!’
હું ચોંકી ગયો!
‘યસ, ઇન્સ્પેક્ટર ધારીવાલ! કુરિયર લઈને તમારા ઘરે પહોંચનાર મારો જ માણસ હતો! એ તમારા ઘરની બહાર ક્યારનો ઊભો હતો. મેં તમને જે ઘડીએ ચૅલેન્જ આપી, એ જ ઘડીએ મેં તેને મારા મોબાઇલથી મેસેજ કરી દીધો હતો કે જા, જઈને ડોરબેલ વગાડ!’
હું છક્કડ ખાઈ ગયો. કઈ જાતની સ્ત્રી હતી આ?
મિસિસ તનેજાએ મને બેસી જવાનો ઇશારો કરતાં કહ્યું, ‘રેકૉર્ડિંગ શરૂ કરીએ?’
lll
રેસ્ટોરાંના ટેલિફોન-બૂથમાંથી ફોન કર્યા પછી બરાબર દસ જ સેકન્ડમાં રિંગ આવી. મેં વાગવા દીધી. દસેક રિંગ વાગી પછી મેં ફોન ઉપાડીને પાછો મૂકી દીધો. બીજી વાર રિંગ આવી. બીજી વાર પણ મેં એ જ કર્યું. ત્રીજી વાર રિંગ ન આવી.
હવે હું સમજી ગઈ કે કરણ મલ્હોત્રા ‘પ્રાર્થના’ કૉટેજ હાઉસ આવવા નીકળી ગયો હશે.
હું કૉટેજની અંદર સંતાઈને રાહ જોતી રહી. બરાબર અડધા કલાક પછી મને કારની હેડલાઇટો ઝબૂકતી દેખાઈ. એક કાર આવીને ગેટ પાસે ઊભી રહી. અંદરથી કરણ જ ઊતર્યો.
તે હાંફળોફાંફળો અંદર આવ્યો. મેં ફાર્મહાઉસની મેઇન સ્વિચ બંધ કરી રાખી હતી એટલે અંદર ભયંકર અંધકાર હતો.
કરણ એ અંધકારમાં ધીમે-ધીમે ડગલાં ભરતો આગળ વધી રહ્યો હતો. હું તેની પાછળ ગઈ. અંધારું એટલું ગાઢ હતું કે મને પણ ખ્યાલ નહોતો આવતો કે કરણ ક્યાં હશે? પણ તેણે એક લાઇટર સળગાવ્યું. મેં આ તક ઝડપી લીધી.
તેની પાછળ જઈને મેં એક લોખંડના દસ્તા (ખાંડણિયા) વડે માથાના પાછલા ભાગમાં પ્રહાર કર્યો.
કરણે ચીસ પાડી પણ તે બેહોશ થઈને ઢળી પડ્યો.
હું તરત જ બહાર દોડીને આવી અને મેઇન સ્વિચ ઑન કરી. ફાર્મહાઉસની લાઇટો ચાલુ થઈ ગઈ પણ મેં ફટાફટ એક પછી એક સ્વિચો દબાવી લાઇટો બંધ કરી દીધી. માત્ર એક જ લૅમ્પનો પ્રકાશ પૂરતો હતો.
હવે
મારે કરણ મલ્હોત્રાનાં કપડાં ઉતારવાનાં હતાં!
તમને થશે કે આ હું શું કરી રહી હતી? પણ મારા મનમાં બહુ ચોક્કસ પ્લાન હતો. મેં કરણનો કોટ અને શર્ટ ઉતારી નાખ્યાં. બનિયાન રહેવા દીધું. એ જ રીતે બૂટ કાઢ્યા પછી તેનું પૅન્ટ પણ અલગ કરી દીધું.
આટલું કરતાં-કરતાં તો મને પસીનો-પસીનો થઈ ગયો, કારણ કે કરણ પૂરો છ ફીટનો કદાવર બાંધાનો પુરુષ હતો.
છેવટે કરણને ઢસડીને ગીતાંજલિની લાશ પાસે લાવ્યા પછી મેં મારી રિવૉલ્વર કરણના લમણે ધરી અને આંખો મીંચીને એક ગોળી ચલાવી દીધી.
કરણની ખોપરી ફાટી ગઈ હતી.
મેં ઝડપથી રિવૉલ્વરને રૂમાલ વડે સાફ કરીને કરણના હાથમાં પકડાવી દીધી. છ-સાત ડગલાં પાછળ ખસીને મેં આખું દૃશ્ય જોયું. મને થયું કે વાહ, આ પર્ફેક્ટ દૃશ્ય છે. કોઈ પણ વ્યક્તિ આ બે લાશોને આ રીતે જુએ તો એમ જ માની લે કે કરણ અને ગીતાંજલિને શારીરિક સંબંધો હશે, બન્ને અહીં અવારનવાર મળતાં હશે, પરંતુ આજે બન્ને વચ્ચે કંઈ મોટી તકરાર થઈ હશે જેમાં કરણે પહેલાં ગીતાંજલિને ગોળી મારી દીધી હશે અને પછી હતાશાને કારણે પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હશે.
પર્ફેક્ટ. પણ હજી એક કામ બાકી હતું.
મેં સાચવીને ગીતાંજલિના પર્સમાંથી તેનો મોબાઇલ કાઢ્યો. અને રૂમાલ વડે પકડીને તેના પર મારી ફિન્ગરપ્રિન્ટ્સ ન પડે એ રીતે રણજિતને એક મેસેજ ટાઇપ કર્યો :
‘રણજિત, હું ‘પ્રાર્થના’ પર તારી રાહ જોઈ રહી છું. જલદી આવ નહીંતર હું કંઈક કરી બેસીશ.’
એકદમ પર્ફેક્ટ મેસેજ. આ વાંચતાંની સાથે મારા પતિ રણજિતની શું હાલત થાય? રણજિતનો મોબાઇલ નંબર જોડીને મેં આ મેસેજ મોકલી આપ્યો.
બસ, હવે મારે કંઈ કરવાનું નહોતું.
ફાર્મહાઉસની કમ્પાઉન્ડ વૉલની બહાર મૂકેલી મારી કારને રિવર્સમાં કાઢતાં મેં આખું દૃશ્ય દૂરથી જોયું. ગેટની બહાર એક તરફ ગીતાંજલિની કાર છે, બીજી તરફ કરણની કાર છે અને અંદર ફાર્મહાઉસમાં બે લાશો પડી છે.
હું સીધી ઘેર પાછી આવી ગઈ. મેં મારું ડિનર શાંતિથી એકલાં બેઠાં-બેઠાં પૂરું કર્યું. પછી નિરાંતે ટીવી ચાલુ કરીને સોફા પર બેઠી.
રણજિત એક કલાક પછી જ્યારે ઘરમાં દાખલ થયો ત્યારે તેની દશા જોવા જેવી હતી. તેનો ચહેરો સાવ સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. આંખો જાણે કાચની હોય એવી નિર્જીવ લાગતી હતી અને આખું શરીર જાણે નિચોવાઈ ગયું હોય એવું લાગતું હતું.
આવતાંની સાથે તે સોફા પર ફસડાઈ પડ્યો. મેં પૂછ્યું, ‘શું થયું રણજિત? યુ લુક હૉરિબલ.`
તેનું ગળું પણ સુકાઈ ગયું હતું. તે માંડ-માંડ બોલ્યો, ‘દમયંતી... ગીતાંજલિને કોઈએ મારી નાખી છે!’
‘ગીતાંજલિ? કોણ ગીતાંજલિ?’ મેં એકદમ ભોળા થઈને પૂછ્યું.
રણજિતની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ! તે શું કહે? ગીતાંજલિ કોણ અને તેને કોઈએ મારી નાખી હોય તેમાં પોતાને આટલોબધો આઘાત શા માટે લાગે? બિચારો સાવ બઘવાઈ ગયો હતો.
અને મને મજા પડી રહી હતી.
(ક્રમશઃ)

