સોનમને શોધવી જરૂરી છે, જો સોનમ મળી તો આખો કેસ એકઝાટકે સૉલ્વ થઈ જશે
ઇલસ્ટ્રેશન
‘અમારી વહુ અમને પાછી લાવી આપો... તમે જે કહેશો એ પૈસા ચૂકવવા અમે રાજી છીએ, પણ બસ, અમને અમારા દીકરાની અંતિમ યાદગીરી એવી વહુ પાછી લાવી આપો...’
રંજનબહેનનું રુદન ભલભલા ચમરબંધીની આંખમાં પાણી લાવી દે એ સ્તરનું હતું. રાજા કોટેચાની હત્યાની ખબર મીડિયાએ તરત જ ઉપાડી લીધી હતી. ડેડ-બૉડીના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી, જેમાં ગરબડિયા અક્ષરોમાં એવું લખાયેલું હતું કે કોઈએ પણ અમને શોધવાની કોશિશ કરવી નહીં, જો કોશિશ કરશો તો અમે સોનમને મારી નાખીશું. અમારી ડિમાન્ડ અમે તો જ કહેવડાવીશું જો પોલીસમાંથી કેસ પાછો ખેંચી લેવામાં આવે.
ADVERTISEMENT
‘તમારે અમારા વતી જ હવે કામ કરવાનું છે. તમે ભૂલી જાઓ કે તમે પોલીસ છો. બસ, અમે કેસ પાછો ખેંચીએ છીએ. અમને ફોન આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. ફોન આવી જાય, અમે પૈસા આપી દઈએ, અમારી વહુ પાછી આવી જાય. એનાથી આગળ અમને કાંઈ નથી જોઈતું.’
‘ડાહ્યાભાઈ, આ રીતે કોઈ ખંડણી મગાવે નહીં. તમે કેમ સમજતા નથી. આ કોઈ બીજી જ ચાલ છે.’
‘એ જે હોય એ... અમારા ઘરની વ્યક્તિ છેને, અમે કેસ નથી કરવા માગતા.’ ડાહ્યાભાઈએ સોમચંદને બદલે હવે કમિશનર સામે નજર કરી, ‘અમારી ઇચ્છા અને અમારી ઇચ્છા વિરુદ્ધ જઈને તમે કેસની તપાસ ન કરી શકો. તમે કહેતા હો તો હું હોમ મિનિસ્ટ્રીમાં વાત કરી લઉં.’
‘હોમ મિનિસ્ટર પણ તમારું કાંઈ નહીં સાંભળે...’ કમિશનરને બદલે જવાબ સોમચંદે જ આપ્યો, ‘આ ક્રાઇમ-કેસ છે. કોઈ પૈસા લઈને ભાગી ગયું હોય તો તમે તમારી ઇચ્છા રાખી શકો, આ કેસમાં મર્ડર થયું છે ને તમારી પુત્રવધૂ હજી ગાયબ છે. તમે થોડી ધીરજ રાખો, અમને અમારું કામ કરવા દો.’
‘આ દોઢડાહ્યાને કહી દો સાહેબ, તે મારી સાથે લપ ન કરે.’ ડાહ્યાભાઈ તોછડાઈ પર આવી ગયા હતા, ‘મારે શું કરવું ને શું ન કરવું એ તારે નથી જોવાનું. તારે એટલું જ કરવાનું છે કે હવે કામ નથી કરવાનું. મેં જ તને રાખ્યો’તોને કામ પર. હવે તને તારી આખી ફી આપીને કામ પરથી રળતો કરું છું.’
ડાહ્યાભાઈ કોટેચાએ ફરી કમિશનર સામે જોયું.
‘તમારે હવે કોઈ કામ નથી કરવાનું. અમારે માટે અમારી વહુ મહત્ત્વની છે. એ આવી જાય પછી આપણે જે કરવું હશે એ કરીશું, પણ અત્યારે નહીં...’
lll
‘હું વાત માનવાનો નથી...’ કમિશનરના ફેસ પર આવી ગયેલું સ્માઇલ જોઈને સોમચંદમાં આત્મવિશ્વાસ ઉમેરાયો, ‘સર, આ માણસને ભાન નથી કે તે શું કરાવી રહ્યો છે. સોનમને શોધવી જરૂરી છે. જો સોનમ મળી તો આખો કેસ એકઝાટકે સૉલ્વ થઈ જશે.’
‘સોનમ ત્યારે જ મળશે જ્યારે કોટેચા તેને પૈસા ચૂકવશે.’
‘કોને પૈસા ચૂકવશે?’ સોમચંદે આંગળીના વેઢા પર ગણતરી શરૂ કરી, ‘ક્યારે ચૂકવશે, કેટલા ચૂકવશે ને કેવી રીતે ચૂકવશે?’
‘એને માટે તો ફોનની રાહ જોવાની છેને?’
‘ઍગ્રી સર, પણ મને એક વાત કહેશો કે રાજાની હત્યા શું કામ કરવામાં આવી?’
‘ડાહ્યાભાઈએ પોલીસમાં ફરિયાદ કરી એટલે...’
‘સર, પોલીસમાં ફરિયાદ થઈ છે એ વાત ક્યાંય લીક થઈ જ નથી.’ સોમચંદની આંખોમાં ચમક હતી, ‘તમે જુઓ, કોટેચા-ફૅમિલીની સાઇડથી એક પણ સ્ટોરી આવી નથી. સ્ટોરી શું આવી... માથેરાનમાંથી એક કપલ ગુમ થયું. આ સ્ટોરી પણ ક્યાંથી બહાર આવી, હોટેલ-મૅનેજમેન્ટની સાઇડ પરથી. બસ, એ પછી તો માત્ર શોધખોળ ચાલે છે. રાજા અને સોનમને લઈ જનારાઓને ખબર પડી જ નથી કે ડાહ્યાભાઈએ તેના દીકરા અને પુત્રવધૂ માટે આખું મુંબઈ માથે લઈ લીધું છે.’
‘તું કહેવા શું માગે છે?’
‘એ જ કે આ કેસ ભેદી છે અને એ ભેદ ઉકેલવા માટે પણ કેસ ચાલુ રાખવો જરૂરી છે. આમ પણ આ ક્રાઇમ-કેસ છે એટલે કોઈ કેસ બંધ કરી શકવાનું નથી. ઑલરેડી ડેડ-બૉડી મળ્યું છે, એનું પોસ્ટમૉર્ટમ થયું છે એટલે હૉસ્પિટલમાં એની એન્ટ્રી છે. કેટકેટલી જગ્યાએથી તમે એ એન્ટ્રીઓ કઢાવશો?’
‘જો સોમચંદ, તું જે કહે છે એ કાંઈ મોટી વાત નથી. એન્ટ્રી કઢાવ્યા વિના પણ ઇન્ક્વાયરી બંધ કરી દેવામાં આવે તો વાત પૂરી થઈ જાય, પણ...’ કમિશનરે સોમચંદ સામે જોયું, ‘તને લાગતું હોય કે આ કેસમાં ઇન્ક્વાયરી કરવી જોઈએ તો એક રસ્તો છે. ઑફિશ્યલ ઇન્ક્વાયરી બંધ કરીએ, તું તારા એન્ડથી કામ ચાલુ રાખ.’
‘પૉસિબલ નથી સર.’ ડિટેક્ટિવ સોમચંદના ફેસ પર લાચારી હતી, ‘સર, કેસ જે પ્રકારનો છે એ જોતાં મોટી ટીમ જોઈશે. હા, તમે કહેતા હો તો ઑન-પેપર કશું ન લઈએ પણ કેસ માટે સ્ટાફ તો વાપરવો પડશે.’
‘એ તો જરા અઘરું છે... સ્ટાફ ડ્યુટી પર આવે તો એણે પોતાની ડ્યુટી કરવી પડે. એ કેવી રીતે આ અનઑફિશ્યલ કામ પર લાગે.’
‘એ મારા પર છોડી દો... જો
તમે પરમિટ કરતા હશો તો આ કામ થઈ જશે.’
‘હંમ...’ સહેજ વિચારીને કમિશનરે સોમચંદ સામે જોયું, ‘પછી કેસમાં કંઈ ન નીકળ્યું તો...’
‘ગટ-ફીલમાં તમે માનો છો?’ સામેથી હા આવી એટલે સોમચંદે વાત પૂરી કરી, ‘બસ, તો સમજી જાઓ કે આ કેસમાં જે છે એ બહુ મોટું છે. સામાન્ય માણસના મનમાં પણ ન આવે એ લેવલનું...’
‘ઓકે, ત્રણ દિવસ... ત્રણ દિવસમાં મને રિઝલ્ટ જોઈએ.’
‘ડન, શુક્રવાર બપોર સુધીમાં તમારા હાથમાં રિઝલ્ટ હશે.’ સોમચંદે ફરી વાત યાદ દેવડાવી દીધી, ‘કન્ડિશન સાથે, મારે સ્ટાફનો ઉપયોગ કરવાનો.’
‘વિથ કન્ડિશન, પોલીસ-સ્ટેશનમાં ક્યાંય એની એન્ટ્રી ન હોવી જોઈએ.’
‘પ્રૉમિસ...’
lll
સોમચંદને ડ્રૉપ કર્યાના અડધા કલાકમાં જ મુંબઈના પોલીસ-કમિશનરના ચહેરા પર સ્માઇલ આવી ગયું હતું.
માત્ર ૩૦ મિનિટમાં મુંબઈ અને માથેરાન પોલીસના ૨૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓ રજા પર ઊતરી ગયા હતા અને પોલીસ-પલટનમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જે કર્મચારીઓએ રજા લીધી હતી એ તમામની સિક-લીવ હતી. તમામની બીમારી પણ ગંભીર દર્શાવવામાં આવી હતી, જેથી એ રજાઓ કૅન્સલ પણ થઈ શકે એમ નહોતી. મજાની વાત એ હતી કે મૂકવામાં આવેલી એ તમામ રજાઓ શુક્રવાર બપોર સુધીની હતી.
‘ડફોળ છે બધા...’ વાઇફ સામે જોઈને કમિશનર બોલ્યા હતા, ‘હાર્ટ અને કિડની જેવી બીમારી દેખાડીને આ બધા એવું દર્શાવે છે કે મંગળવારે અમને રજા આપો, શુક્રવાર સુધીમાં અમે પર્ફેક્ટ અને ફિટ બૉડી સાથે ફરી ડ્યુટી પર આવી જઈશું.’
lll
‘સૌથી પહેલી વાત... શૉર્ટ નોટિસમાં અહીં પહોંચવા માટે થૅન્ક્સ.’
બપોરના અઢી વાગ્યા હતા અને વેસ્ટર્ન હાઇવે પર ગોરેગામ પાસે આવેલા મૅગ્નમ બૅન્ક્વેટમાં પોલીસ-કર્મચારીઓ ભેગા થયા હતા. હૉલની કૅપેસિટી ૨૦૦ની હતી પણ પોલીસ-કર્મચારીઓ વધારે હતા એટલે બેસવાની જગ્યા ઘટી તો કેટલાક પોલીસ-કર્મચારીઓ સાઇડમાં હારબંધ ઊભા રહી ગયા હતા તો કેટલાક બે લાઇનની વચ્ચેની ખાલી જગ્યામાં જમીન પર બેસી ગયા હતા.
‘ટૂંકમાં તમને કેસ કહું તો રાજા કોટેચા અને તેની વાઇફ સોનમ કોટેચા કિડનૅપ થયાં છે. રાજાનું ડેડ-બૉડી ગઈ કાલે માથેરાનની ખાઈમાંથી મળ્યું, પણ કિડનૅપર સોનમને લઈને નીકળી ગયા છે. કોટેચા-ફૅમિલીનું કહેવું છે કે આ ઇન્વેસ્ટિગેશન ન થવું જોઈએ... અને આપણે આ ઇન્વેસ્ટિગેશન પૂરું કરવાનું છે.’ સોમચંદે બધાની સામે જોતાં કહ્યું, ‘શુક્રવાર બપોર પહેલાં... આ ઇન્વેસ્ટિગેશનમાં હરિસિંહ મારી સાથે રહેશે. આ થઈ પહેલી વાત. હવે બીજી વાત... આપણે કુલ પાંચ ટીમ બનાવવાની છે. પાંચેપાંચ ટીમે લાઇટનિંગ સ્પીડ સાથે કામ કરવું પડશે. અહીં જેઓ આવ્યા છે એમાંથી કેટલાકની ખાસિયત મને ખબર છે તો મોટા ભાગની ખૂબીઓ વિશે હું માહિતગાર નથી. એટલે ટીમ વિશે વાત કર્યા પછી તમારે જ સામેથી કહેવાનું છે કે તમે કઈ ટીમ માટે બેસ્ટ છો.’
‘સર, આ ઇન્વેસ્ટિગેશનને એક નામ આપી દઈએ...’
‘ઑપરેશન હનીમૂન...’ ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘નામ તો મારા મનમાં બીજું પણ એક છે, પરંતુ એ આખો કેસ સૉલ્વ થઈ જાય પછી આપીશું. અત્યારે... ઑપરેશન હનીમૂન.’
‘ટીમ પહેલી...’ હરિસિંહના શબ્દોને ઝીલીને સોમચંદે વાત આગળ વધારી, ‘જે ટાઇમલાઇન બનાવશે.’
‘જરા ક્લિયર કરશો...’
હરિસિંહે એવી રીતે પ્રશ્ન પૂછ્યો જાણે તે સામે બેઠેલા ૨૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતો હોય.
‘ટાઇમલાઇન ટીમનું કામ શું હશે?’
‘એક જ કામ, એણે આખી ટાઇમલાઇન બનાવવાની છે.’
સોમચંદે બોર્ડ પર લખવાનું શરૂ કર્યું અને વાઇટ બોર્ડ પર સોમચંદના અક્ષર ચમકવા માંડ્યા...
‘રાજા અને સોનમ મુંબઈથી રવાના થયાં ત્યારથી લઈને બન્ને ગુમ થયાં કે પછી કિડનૅપ થયાં એની સંપૂર્ણ ટાઇમલાઇન લઈ આવવાનું કામ આ ટીમનું રહેશે. રાજા-સોનમ ક્યાં ગયાં, ક્યારે ગયાં, ત્યાંથી પાછાં ક્યારે આવ્યાં, જતી વખતે રસ્તામાં તેઓ કોને મળ્યાં, મળ્યા પછી તેમણે શું કર્યું એ બધેબધી વિગત મને આ ટીમ પાસેથી જોઈએ.’ સોમચંદ હવે પોલીસ-કર્મચારીઓ સામે ફર્યા, ‘નાનામાં નાની અને ઝીણામાં ઝીણી વિગત એ લોકોએ લાવવાની છે. ઇઝ ધૅટ ક્લિયર?’
‘યસ સર...’
૨૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓના અવાજથી આખો હૉલ ગુંજી ઊઠ્યો.
‘સેકન્ડ ટીમ...’ હરિસિંહે ફરી બધાનું પ્રતિનિધિત્વ કર્યું, ‘એ ટીમે શું કરવાનું છે?’
‘CCTV કૅમેરા...’ સોમચંદે ફરી બોર્ડ પર લખ્યું, ‘બીજી ટીમે એ તમામ CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરવાનાં છે જેની અન્ડરમાંથી રાજા અને સોનમ પસાર થયાં છે. રાજા અને સોનમ તેમના ઘરેથી રવાના થયાં એટલે ત્યાંથી લઈને માથેરાનમાં એ લોકો જ્યાં રોકાયાં એ જગ્યા સુધીમાં આવતા તમામ CCTV કૅમેરા અને રાજા-સોનમ ગુમ થયાં એ દિવસ સુધીના તમામ કૅમેરા...’
સોમચંદ ફરી ટીમ સામે ફર્યા.
‘આ જે બીજી ટીમ હશે એનું કામ હળવું કરવું હોય અને આપણી પાસે ફોર્સ વધારે હોય તો આપણે એને બે ભાગમાં વહેંચી નાખીશું. ટીમનો એક ભાગ મુંબઈમાં કામ કરશે તો બીજો ભાગ મુંબઈ-માથેરાન હાઇવે અને માથેરાનમાં કામ કરશે. માથેરાનનાં વિઝ્યુઅલ્સ મહત્ત્વનાં છે એવું જો તમારા મનમાં હોય તો એક વાત કહી દઉં, આ કિડનૅપનું પ્લાનિંગ માથેરાન ગયા પછી નથી થયું. એનું પ્લાનિંગ, અહીં મુંબઈથી જ થયું છે એટલે મુંબઈમાં પણ ચીવટપૂર્વક કામ કરવું પડશે અને મુંબઈમાં આપણે રાજા-સોનમ સિવાય પણ બીજા એરિયા પર ફોકસ રાખવું પડશે.’
‘ઓકે સર...’ હરિસિંહે તરત જ પૂછ્યું, ‘સર, ત્રીજી ટીમ...’
‘ત્રીજી ટીમ...’ બોર્ડ પર લખતાં પહેલાં સોમચંદે સામે બેઠેલા-ઊભેલા પોલીસ-કર્મચારીઓ સામે જોયું, ‘આ વાત ચાલુ છે ત્યારે તમે તમારી રીતે જ નક્કી કરજો કે તમારે કઈ ટીમ સાથે જવું છે. તમારા કૉન્ટૅક્ટ્સ અને તમારી એક્સપર્ટીઝ આ કેસને વહેલી તકે સૉલ્વ કરવાનું કામ કરશે એટલે એ મુજબ તમે પણ મનમાં ક્લૅરિટી લાવજો.’
સોમચંદ વાઇટ બોર્ડ તરફ ફર્યા અને બોલવાની સાથોસાથ તેમણે લખવાનું શરૂ કર્યું.
‘ત્રીજી ટીમ કામ કરશે મોબાઇલ સર્વેલન્સનું.’ સોમચંદ લખતા ગયા, ‘જેમાં આપણે રાજા અને સોનમના કૉલ્સ અને સોશ્યલ મીડિયા ચૅટ ચેક કરવાની છે તો સાથોસાથ શંકાસ્પદ લાગે એ કૉલ્સની બીજી ડિટેઇલ્સ પણ લેતા જવાની છે.’
સોમચંદ હવે પોલીસ-કર્મચારીઓ સામે ફર્યા.
‘આ કામ આપણે મુંબઈમાંથી જ કરવાનું છે અને એ પ્રમાણમાં સરળ છે એટલે આપણે આ ટીમ પર એક વધારાની જવાબદારી મૂકીશું અને એ છે CCTV ચેક કરનારી ટીમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળે તો તેની ડિટેઇલ કાઢી લાવવાનું. એ ડિટેઇલ લાઇટનિંગ સ્પીડ સાથે લાવવાની રહેશે... અને એ ડિટેઇલ આવી ગયા પછી એ તમામ ડિટેઇલ હરિસિંહ સાથે શૅર કરવાની રહેશે. હરિસિંહે...’
સોમચંદને આગળ બોલતા તેમના મોબાઇલે જ રોક્યા.
સ્ક્રીન પર કૉલ કરનારનું નામ વાંચીને સોમચંદની આંખોમાં ચમક આવી ગઈ.
(ક્રમશ:)

