આ મર્ડરને પૈસા માટેનું મર્ડર દેખાડવાની કોશિશ થાય છે, પણ હકીકતમાં કંઈક જુદું છું
ઇલસ્ટ્રેશન
‘માંડીને વાત કરશો તો જ સમજાશે કે બન્યું શું?’ ડિટેક્ટિવ સોમચંદે ચાનો કપ હાથમાં લીધો, ‘તમે જેટલું બોલ્યા એમાં એક જ વાત ક્લિયર થઈ કે તમારો દીકરો અને તેની વાઇફ બે જણ ગુમ થયાં છે...’
‘તમારે જાણવું છે શું સર?’
ADVERTISEMENT
‘ગુમ થવાનું કારણ, જે તમારી વાતમાંથી જ મળશે...’ સોમચંદે ચાનો ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો, ‘પહેલેથી વાત કરો અને મનમાંથી એ બીક કાઢી નાખો કે મોડું થશે તો ખોટું થઈ જશે. એવું કંઈ નથી થવાનું...’
‘કેટલા દિવસથી તે બન્ને ગુમ છે?’
સોમચંદે કૉન્સ્ટેબલ હરિસિંહ સામે જોયું અને હરિસિંહે જવાબ આપ્યો, ‘૩ દિવસથી...’
સોમચંદે ફરીથી સામે બેઠેલા આધેડ વયના દંપતી સામે જોયું.
‘૩ દિવસમાં કંઈ નથી થયું એટલે હવે કંઈ થવાનું નથી... ડોન્ટ વરી. મને વાત કરો અને કંઈ છુપાવ્યા વિના વાત કરો.’
‘સાહેબ, મારું નામ ડાહ્યાભાઈ, ડાહ્યાભાઈ કોટેચા. આ મારી વાઇફ રંજનબેન.’
સાલ્લું ખરું કહેવાય. ગુજરાતીઓ પોતાની વાઇફની ઓળખાણ આપતી વખતે પણ નામ પાછળ ‘બેન’ લગાડે.
ફેસ પર આવી ગયેલા સ્માઇલને દબાવતાં સોમચંદે વાત પર ફોકસ કર્યું.
‘અમારે એક દીકરો છે રાજા.’ ડાહ્યાભાઈએ વાત આગળ વધારી, ‘ગયા મહિને રાજાનાં મૅરેજ સોનમ નામની અમારા સમાજની છોકરી સાથે કર્યાં. બન્ને આ મહિને ફૉરેન ફરવા જવાનાં હતાં, પણ સોનમની ફૅમિલીમાં પ્રૉબ્લેમ થયો એટલે એ લોકોએ હનીમૂન ટાળી દીધું. અમે એ લોકોને પરાણે ફરવા મોકલ્યા એટલે બન્ને બુધવારે માથેરાન ગયાં. ૩ દિવસ માથેરાન રોકાવાનાં હતાં અને પછી ગમે નહીં તો પાછાં આવવાનાં હતાં. ગુરુવાર સુધી તે બન્ને સંપર્કમાં હતાં અને એ પછી બેમાંથી કોઈનો કૉન્ટૅક્ટ થતો નથી.’
‘હં... ૩ દિવસમાં કોઈએ કંઈ માગ્યું નથીને?’
‘ના સાહેબ, પણ અમને ફોન આવી ગયો કે તમારાં દીકરો-વહુ અમારી પાસે છે.’
‘હં... ફોન કોણે કર્યો હતો?’
‘નામ તો કહ્યું નહીં; પણ હા, નંબર છે અમારી પાસે.’
ડાહ્યાભાઈ મોબાઇલમાં ચેક કરવા લાગ્યા, પણ સોમચંદે તેમને રોક્યા.
‘એ નંબર સ્વિચ્ડ-ઑફ છે...’ ડાહ્યાભાઈની આંખોમાં અચરજ જોઈને સોમચંદે વાત આગળ વધારી, ‘તમે હરિસિંહને નંબર આપી દેજો. આપણને કદાચ કામ લાગી જાય.’
હરિસિંહે નંબર લખી લીધો કે તરત સોમચંદે વાત આગળ વધારતાં પૂછ્યું, ‘આ સોનમ સાથે રાજાનાં મૅરેજ કેવી રીતે થયાં?’
‘રાજા અમારો અમારા કહ્યામાં. અમે તેને છોકરી દેખાડી, તે લોકોએ વાત કરી અને પછી એક વીકમાં રાજાએ અમને કહી દીધું કે મને છોકરી ગમે છે.’
‘રાઇટ... સોનમે પણ તરત હા પાડી દીધી.’
‘હા સાહેબ...’
ડાહ્યાભાઈ કંઈ આગળ કહે એ પહેલાં રંજનબહેન બોલ્યાં...
‘સાહેબ, છોકરી બહુ ડાહી છે. નસીબદાર હોય તેને જ આવી વહુ મળે.’
‘કેટલા વખતથી તમે છોકરીને ઓળખો?’ સોમચંદે જવાબ પણ આપી દીધો, ‘વધીને ૩ મહિનાને? ૩ મહિનાના સંબંધોમાં તમે છેક નસીબ સુધી પહોંચી ગયાં! સારું કહેવાય.’
સોમચંદના શબ્દોમાં રહેલો કટાક્ષ ડાહ્યાભાઈ અને રંજનબહેનને સમજાયો નહીં. જોકે અત્યારે તેમની અવસ્થા એ સમજવાની હતી પણ નહીં.
‘સાહેબ, કાંયક કરો. અમારાં છોકરાંવ બહાર ગુંડા પાસે એકલાં છે. તે લોકોને જે જોઈતું હોય એ આપણે દઈએ પણ છોકરાંવને છોડાવો.’
‘તમે ટેન્શન નહીં કરો, બધું પ્રૉપર થશે... બસ, મને એ લોકોના ફોટોગ્રાફ્સ અને બીજી જે વિગતો જોઈએ છે એ આપી દેજો.’ સોમચંદે કહ્યું, ‘મને જે જોઈએ છે એ વિગત હરિસિંહ તમારી પાસેથી લઈ લેશે.’
સોમચંદ ઊભા થઈ ચેમ્બરની બહાર નીકળ્યા અને તેની પીઠ પર રંજનબહેનનો દબાયેલો અવાજ અથડાયો : ‘જો બધું આ હવાલદાર કરવાનો હોય તો પછી આ સાહેબની આટલી રાહ જોતાં શું કામ બેઠાં? ખોટો સમય બગાડ્યો.’
‘ઑપરેશનનાં બધાં કામો અસિસ્ટન્ટ જ કરે મૅડમ. બસ, કાપો ક્યાં મૂકવાનો ને કેટલો મૂકવાનો એ જ ડૉક્ટર નક્કી કરે અને એટલે જ તે ડૉક્ટર કહેવાય...’
રંજનબહેન અને ડાહ્યાભાઈને આ વાત સમજાતાં પાંચ દિવસ નીકળી જવાના હતા.
lll
‘હરિ, પોલીસ ડિપાર્ટમેન્ટે શું-શું કરી લીધું એની તપાસ કરી લે...’
‘માથેરાન પોલીસ પાસેથી ડીટેલ મગાવી લીધી.’ હરિસિંહે કહ્યું, ‘મને લાગે છે સર કે એક વખત તમારે ત્યાં જઈ આવવું જોઈએ.’
‘હં... તમારે નહીં આપણે...’ સોમચંદે ઘડિયાળમાં જોયું, ‘આપણે હમણાં જઈએ છીએ. આ કેસમાં તું મારી સાથે રહીશ.’
‘પછી અહીં...’
‘તારા સાહેબની ચિંતા કરવાની જરૂર નથી.’ સોમચંદે ચોખવટ કરી, ‘ડાહ્યાભાઈ મોટી પહોંચવાળા છે. તેણે કમિશનરને પણ કૉન્ટૅક્ટ કરી લીધો છે અને ગુજરાતમાં પણ પૉલિકિટલ કનેક્શન લગાડીને પ્રેશર કરાવ્યું છે. તારા સાહેબને હું કહી દઉં છું, તું સાથે રહે. આપણે સાથે કામ કરીએ.’
lll
‘સાહેબ, તમને શું લાગે છે?’
‘આ જ પ્રશ્ન હું તને પૂછું તો...’ સોમચંદે રાજાનો ફોટો જોતાં સવાલ કર્યો, ‘તને શું લાગે છે?’
‘ખબર નથી પડતી. આપણે ત્યાં હજી સુધી આ પ્રકારની ગૅન્ગ ઍક્ટિવ થઈ હોય એવું તો દેખાતું નથી. એક ચાન્સ મને લાગે છે. ડાહ્યાભાઈને કોઈની સાથે ફાઇનૅન્સને લગતો પ્રશ્ન હોય અને એને લીધે આ થયું હોય.’
‘હં... બીજો ચાન્સ?’
‘છોકરાને કોઈની સાથે લફરું હોય અને એને લીધે...’
‘એવું તો છોકરીના કેસમાં પણ બનેને?’ સાંભળેલી વાતને ઉતારી પાડવાની દૃષ્ટિએ કહેવાયેલી વાત પર સોમચંદ જ અલર્ટ થયા, ‘હરિ, આપણે આ બન્ને થિયરી પર કામ કરવું જોઈએ. છોકરાનું બૅકગ્રાઉન્ડ પણ જાણીએ અને છોકરીનું પણ... એના માટે તું...’
એ જ સમયે હરિસિંહના મોબાઇલની રિંગ વાગી અને હરિસિંહે મોબાઇલની સ્ક્રીન પર નંબર જોયો.
‘સાહેબ, માથેરાનથી ફોન છે.’
‘લે, કેસ માટે જ ફોન હશે...’
‘હેલો...’
હરિસિંહે ફોન સ્પીકર પર જ રિસીવ કર્યો અને સામેથી અવાજ આવ્યો...
‘રાજા કા બૉડી મિલ ગયા હૈ...’
‘ઔર લડકી?’
સવાલ સોમચંદે પૂછ્યો હતો.
‘ઉસકા કોઈ પતા નહીં ચલા, પર લગતા હૈ પૈસે કા મામલા હૈ...’
‘સુનો...’ સોમચંદે ઇન્સ્ટ્રક્શન આપી, ‘અત્યારે ને અત્યારે બધા પોલીસસ્ટાફને હાજર કરો. અમે કર્જત પહોંચી ગયા છીએ. ત્યાં પહોંચીએ એટલી વાર...’
lll
‘રાજાના બૉડીનો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ...’
માથેરાનની તળેટીના પોલીસ-સ્ટેશનમાં બેઠેલા સોમચંદે સવાલ પૂછવાનું અને હરિસિંહે જવાબ નોંધવાનું શરૂ કર્યું.
‘બૉડી પર ચાર ઘા દેખાય છે. એક ઘા પાછળથી થયો છે, બીજા બે ઘા આગળથી થયા છે અને ચોથો ઘા... પૉસિબલ છે કે સૌથી છેલ્લે થયેલો એ ચોથો ઘા એ જ સમયે પાછળથી થયો છે જ્યારે ફ્રન્ટમાંથી અટૅક કરવામાં આવ્યો હતો.’ ફોટોગ્રાફ્સ ટેબલ પર મૂક્યા પછી એક કૉન્સ્ટેબલે કહ્યું, ‘આ જે ચોથો ઘા માથામાં થયો છે એમાંથી બ્લીડિંગ વધારે થયું હોવાના ચાન્સિસ છે અને એ જ કદાચ મોતનું કારણ છે.’
‘બૉડી પરથી કંઈ ગુમ થયું હોય એવું...’
‘પોસ્ટમૉર્ટમ રિપોર્ટ માટે બૉડી મોકલી ત્યારે બૉડી પર ચેઇન અને વીંટી અકબંધ હતી. આ ઉપરાંત રિસ્ટવૉચ પણ હાથમાં હતી.’
સોમચંદે રિસ્ટવૉચ દેખાતી હતી એ ફોટો હાથમાં લીધો.
રાજાના હાથમાં રોલેક્સની રિસ્ટવૉચ હતી. જે છોકરો મર્સિડીઝ વાપરતો હોય તે છોકરો રોલેક્સની ફર્સ્ટ કૉપી તો ન જ પહેરતો હોય. નાખી દેતાં ૧૫-૧૭ લાખ રૂપિયાની એ કાંડા-ઘડિયાળ હતી.
‘સ્પૉટ પર ઝપાઝપીનાં નિશાન...’
‘સૉરી સર, પણ બૉડી સ્પૉટ પરથી નહોતું મળ્યું... ’ ઇન્સ્પેક્ટર સંજય સોલંકીએ કહ્યું, ‘મર્ડર પછી બૉડી ખીણમાં ફેંકી દેવામાં આવ્યું હતું. અમે ત્રણ દિવસથી બૉડી શોધતા હતા એમાં આજે એ મળ્યું.’
‘હં... જે જગ્યાએથી બૉડી મળ્યું એ જગ્યાએ જવું હોય તો...’
‘શ્યૉર સર જઈએ, પણ ટ્રેકિંગ કરતા જવું પડશે.’
‘વાંધો નહીં, ચાલો જઈએ...’ સોમચંદે ઊભા થતાં કહ્યું, ‘આપણે પ્રયાસ કરીએ કે ઓછામાં ઓછા સમયમાં એ સ્પૉટ પર પહોંચીએ.’
‘પાક્કું સર...’
lll
‘આ જગ્યા હતી જ્યાં એ લાશ હતી...’ તૂટવાની અણીએ આવી ગયેલા ઝાડને દેખાડતાં ઇન્સ્પેક્ટર સોલંકીએ કહ્યું, ‘લાશને નીચે ઉતારતાં પહેલાં ફોટોગ્રાફી કરી લીધી અને એ પછી લાશને નીચે ઉતારી.’
સોમચંદ ઝાડની નજીક ગયા અને જે ડાળ પર લાશ લટકતી હતી એ ડાળને તેણે ધ્યાનથી જોઈ. પછી તેણે હાથ લંબાવ્યો કે બીજી જ સેકન્ડે હરિસિંહે તેના હાથમાં રબરનાં મોજાં મૂકી દીધાં. હરિસિંહની ચપળતા અને કુનેહથી સોમચંદ ખુશ થયા, પણ અત્યારે તારીફ કરવાનો સમય નહોતો. સાંજ પડવાની શરૂઆત થઈ ગઈ હતી અને આકાશમાં એકઠાં થવા માંડેલાં વાદળાં કહેતાં હતાં કે એ કોઈ પણ સમયે વરસી પડવાનાં છે.
હૅન્ડ-ગ્લવ્ઝ પહેરીને સોમચંદે ડાળીનો આગળનો ભાગ પકડ્યો અને ડાળી સહેજ હલાવી. ડાળી હલી તો ખરી, પણ એની ચાલ કુદરતી નહોતી.
સોમચંદે ડાળીનો અંદરનો છેડો ચકાસ્યો અને ઇન્સ્પેક્ટર સોલંકીને બોલાવ્યા.
‘સોલંકી, લાશ ફેંકવામાં નથી આવી... ગોઠવવામાં આવી છે.’ સોમચંદે અંદરના છેડા તરફ ઇશારો કરતાં વાત આગળ વધારી, ‘જો ડાળીને લોખંડના તારથી બાંધી છે. બાંધ્યા પછી તારની ઉપર બીજી પાનવાળી ડાળી એવી રીતે રાખવામાં આવી છે કે તાર કોઈને દેખાય નહીં.’
સોમચંદે આજુબાજુમાં નજર કરી.
‘હરિસિંહ, મર્ડર આટલામાં જ ક્યાંક થયું હશે... તું એક કામ કર. ટીમ સાથે જો, કદાચ કોઈ ક્લુ મળી જાય.’
હરિસિંહ ત્રણ પોલીસમેન સાથે રવાના થયો એટલે સોમચંદે એ વિસ્તારમાં ફરવાનું શરૂ કર્યું. લાશ મળી હતી એ જગ્યાએથી લગભગ પચાસેક ફુટ દૂર સોમચંદને નાસ્તાનું ખાલી પૅકેટ મળ્યું. સોમચંદે પૅકેટ ઊંચકીને એના પરનું નામ વાંચ્યું ઃ ગાર્ડન નમકીન.
રૅપરની પાછળની સાઇડ સોમચંદે ચેક કરી. પાછળ લખવામાં આવેલા એક્સપાયરી મન્થમાં જુલાઈ લખ્યું હતું. સોમચંદે એ ખાલી રૅપર ઇન્સ્પેક્ટર સોલંકીને આપ્યું.
‘ઇન્સ્પેક્ટર, એક વાત યાદ રાખવી. જે દેખાડવામાં આવે એ ક્યારેય જોવું નહીં. આ મર્ડરને પૈસા માટેનું મર્ડર દેખાડવાની કોશિશ થાય છે, પણ હકીકતમાં કંઈક જુદું છું.’ જમીન પર પડેલું બૉક્સ ઉપાડતાં સોમચંદે ઇન્સ્પેક્ટર સામે જોયું, ‘આ બૉક્સ પણ હમણાં ફેંકાયેલું છે. નહીં તો સનલાઇટને કારણે એનું પ્રિન્ટિંગ આછું થઈ ગયું હોત...’
ઇન્સ્પેક્ટર સોલંકીએ કહ્યું કર્યું અને સોમચંદની વાત તે માની ગયા.
‘તપાસ કરો કે આ અહીં કોણ વેચે છે? કારણ કે આ બ્રૅન્ડ સામાન્ય રીતે મોટા સેન્ટરમાં જ મળતી હોય છે.’
ઇન્સ્પેક્ટર કંઈ આગળ બોલે એ પહેલાં જ સોમચંદે કહી દીધું...
‘આ કૉન્ડોમનું જે બૉક્સ છે એનો ઉપયોગ પણ અહીં ક્યાંક થયો હોવો જોઈએ.’
ઇન્સ્પેક્ટર સંજય સોલંકીના માથા પર પરસેવો વળવા માંડ્યો હતો. આ પ્રકારે કચરો ફેંદવાનું કામ તેણે અગાઉ ક્યારેય કર્યું નહોતું. આજે તેને સમજાતું હતું કે એક કાબેલ ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર બનવા માટે તેણે શું-શું કરવું પડે એમ છે!
(ક્રમશ:)

