સુંદરી ઊભી થઈ ત્યાં જ તેનું ધ્યાન હરભમ પર ગયું અને સુંદરીના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ
ઇલસ્ટ્રેશન
‘હંમ... હું શું કહું તમને?’ મનોજે નાનજી સામે જોયું, ‘તમને જ્યાંથી દેખાડવું હોય ત્યાંથી. મને કોઈ વાંધો નથી.’
‘તો હાલો, ઉપરથી જ ચાલુ કરી...’ નાનજીએ પગ ઉપાડ્યા, ‘ઉપરથી જ ચાલુ કરીએ. ઉપરથી નીચે આવતા જાય ને પછી શાંતિથી આપણે ભંડકિયું જોઈ...’
ADVERTISEMENT
‘ઍઝ યુ સે મિસ્ટર નાન જી...’
સીડી ચડતાં-ચડતાં જ નાનજીએ સુંદરીને રાડ પાડી,
‘સુંદરી, જમવામાં એક જણનું વધારે બનાવજે... મે’માન ઘરે જમશે.’
lll
‘ના બેન, એવું નથી... આમ તો મોટાને મળવા કોઈ આવે નઈ, પણ એ જાહેરખબર દે ત્યારે થોડાક લોકો આવે, પણ મોટા કોઈ દિવસ વધારે જમવાનું બનાવવાનું કહે નહીં... તને તો ખબર છે, મોટાનો સીધો હિસાબ છે, કોઈનું ખાવું નહીં ને કોઈને ખવરાવવું નહીં.’
સુંદરીના કાને ફોન હતો અને સુંદરી કિચનમાં કામ કરતી હતી. નવરાશની પળમાં સુંદરી એક જ કામ કરે, પોતાની બહેન સાથે વાત. બીજા સાથે વાત કરવી હોય તો પણ નાનજી મોટાની મનાઈ હતી એટલે કોઈ સાથે વાત થઈ શકતી નહીં.
‘મોટા અત્યારે તો ઘર દેખાડવા ગયા છે. જોને હમણાં જ અવાજ કરીને કહ્યું કે એક જણનું જમવાનું વધારે બનાવજે...’
દરવાજે આવીને ઊભા રહી ગયેલા હરભમની નજર સુંદરી પર હતી. જોકે સુંદરીનું ધ્યાન તેના પર નહોતું. તે તો ફોન પર વાત કરવામાં મશગૂલ હતી.
‘બેન, તને વાતો આવડે. તેં હજી મોટાને જમતા નથી જોયા. આ ઉંમરે પણ આરામથી ૧૫-૨૦ રોટલી ખાઈ જાય ને હરભમને તો રોકવો પડે. તે તો આરામથી ૩૦-૪૦ રોટલી ખાઈ જાય. એમાં હવે પાછી એકની રસોઈ વધારે બનાવવાની...’
સુંદરી ઊભી થઈ ત્યાં જ તેનું ધ્યાન હરભમ પર ગયું અને સુંદરીના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ. હરભમ કિચનમાં આવ્યો અને અંદર આવીને તેણે સુંદરીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો. સુંદરી કંઈ રીઍક્ટ કરે એ પહેલાં હરભમે મોબાઇલ-સ્ક્રીન પર નજર કરી અને જાણે ખાતરી કરવી હોય એમ તેણે મોબાઇલ સુંદરીના હાથમાં પાછો મૂકી દીધો. સુંદરી કંઈ કહે કે એ પહેલાં હરભમે પોતાના ગળા પર અંગૂઠો મૂક્યો અને ઇશારો કરીને સુંદરીને સમજાવ્યું કે ગળું કાપતાં વાર નહીં લાગે.
સુંદરી ધ્રૂજી ગઈ અને એ ધ્રુજારીની જ જાણે રાહ જોવાતી હોય એમ બહારથી નાનજી મોટાનો અવાજ આવ્યો, ‘અલ્યા, કોઈ શેઠને પાણી-બાણી પાશે કે નહીં...’
હરભમ સીધો પાણિયારે ગયો અને પાણીના બે ગ્લાસ ભરી તે બહાર નીકળી ગયો. હરભમ બહાર ગયો અને સુંદરીના સુન્ન થઈ ગયેલા શરીરમાં જીવ આવ્યો. તેણે તરત ફોન કાને રાખ્યો અને બહેનને કહી દીધું, ‘હું... હું પછી વાત કરું. મોટા આવી ગ્યા લાગે છે.’
lll
‘ઘર કેટલું જૂનું હશે?’
મનોજે સવાલ કર્યો અને નાનજી મોટા હસી પડ્યા.
‘ઍન્ટિકનું સર્ટિફિકેટ લેવાનું છે તારે?’
‘અરે ના, એમ જ પૂછું છું...’
‘જેની નિસ્બત ન હોય એની વાત જ શું કામ કરવી હેં!’ નાનજીએ દાંત ખોતરતાં જવાબ દીધો, ‘હજી તમારે ભંડકિયું જોવાનું છેને? કે પછી એમાં રસ નથી...’
‘અરે ના, મારે બધેબધું જોવું પડશે. યુ સી, મારાથી ક્લાયન્ટનો વિશ્વાસ તોડી ન શકાય... બધું ધ્યાન દેવું પડે.’
‘તે દેને અલ્યા ધ્યાન, મારા કે સુંદરીના બાપાનું કાંય જાતું નથી.’ જાણે ખટારો શરૂ થયો હોય એમ નાનજી હસ્યા અને પછી અચાનક સિરિયસ થઈ ગયા, ‘તું નાળિયેર ગણવાનો કે પછી એમાં થોડુંક આઘું-પાછું હાલશે?’
‘હંમ... સાચું કહું, એ બધું જોવામાં મને રસ નથી. મારે ઘર જોવું છે. બરાબર ઘર ચેક કરું પછી આપણે ડીલ કરી શકીશું.’
‘એમ?! ભાવ સામે તને વાંધો નથીને લ્યા?’
‘ઘર ગમ્યું તો બિલકુલ નહીં...’
‘બધાય ક્યે છે કે હું વધારે પૈસા માગું છું તોયે તું માલ ખરીદવાનો?’
‘જો મને ગમ્યું તો...’ નાનજીની સહેજ નજીક આવતાં મનોજે કહ્યું, ‘મિસ્ટર નાનજી, હું મારી ગટ-ફીલમાં માનું છું. તમે કંઈ એમ ને એમ તો વધારે પૈસા માગતા નહીં હો. આ ઘરમાં, આ ઘરની જમીનમાં કંઈક એવું હશે જેણે તમને લાભ કરાવ્યો હશે. એવું હોય તો જ માણસ વધારે પૈસા માગે. કહે છેને પેલું, લકી જગ્યા...’
‘લકી એટલે એવું લકી કે આંયથી તમે દરિયા પર હડી કાઢો એટલે એયને સીધા પાકિસ્તાન જઈને ઊભા ર્યો... વચ્ચે બીજું કાંય આવે જ નહીં.’
‘રાઇટ...’ મનોજને હવે નાનજીમાં રસ પડ્યો હતો, ‘નાનજી, તમે કઈ જ્ઞાતિના?’
‘બાવા... અમે બાવા. તને કાંય વાંધો નથીને?’
મનોજ સહેજ મૂંઝાયો,
‘ના રે, મને એમાં શું વાંધો હોય?’
‘માતાજીની આડી હોય કે બાવાની જગ્યા ન લેવી?’ નાનજીએ ઝડપભેર પૂછ્યું, ‘લે હું તો એમ જ બોલી ગ્યો, મારે પૂછવું જોઈને... તમે માતાજીમાં માનો કે પિતાજીમાં?’
‘બધામાં... જે સપોર્ટ કરે, આગળ વધારે એ બધામાં...’ મનોજે શાંતચિત્તે જવાબ આપ્યો, ‘સાચું કહું તો હું તો પૈસામાં માનું. પૈસાથી મોટો બીજો કોઈ ભગવાન નથી.’
‘સાવ સાચી વાત, થા ઊભો.’ નાનજી પણ ઊભા થઈ ગયા હતા, ‘થા આગળ એટલે ભંડકિયું દેખાડું ને પછી સોદા કરીને છૂટા પડીએ, હાલ...’
‘ચાલો...’
મનોજ આગળ થયો અને નાનજીનો અવાજ તેની પીઠ પર અથડાયો.
‘એક મિનિટ...’ મનોજના પગ અટકી ગયા, ‘આંયા આવ્યો છો તો ભરેલા હાથે આવ્યો છો કે પછી રૂપિયા હજી લેવા જાવાના છે?’
‘અફકોર્સ... પેમેન્ટ વિના હું કેવી રીતે આવવાનો?’ મનોજે કહ્યું, ‘જો બધું બરાબર આગળ વધ્યું તો હું અત્યારે તમને પાંચ કરોડ આપીશ... અને તમે નક્કી કરો એટલે ડૉક્યુમેન્ટ કરીને એ દિવસે પંદર કરોડ...’
‘વેપારી મા’ણા હોં...’ નાનજીના મોઢા પર સ્મિત આવી ગયું, ‘હાલ, હવે દેખાડી દઉં તને ભંડકિયું...’
lll
‘સહેજ વાસ મારે છે, પણ ભાઈ, અમે ત્રણ જણા. અમારે આની કાંઈ જરૂર-બરૂર હોય નહીં એટલે માંડ વરસના વચ્ચે દા’ડે સફાઈ થાય.’
ભંડકિયામાં લાઇટ કરતાં નાનજીએ મનોજ સામે જોયું. મનોજની નજર ભંડકિયામાં ફરતી હતી. થોડો માલ હતો જે વેરવિખેર પડ્યો હતો તો એક ખૂણામાં લાકડાની એક પેટી પડી હતી. મનોજ ધીમી ચાલે એ પેટી પાસે ગયો અને પેટી પર તેણે હાથ ફેરવ્યો.
‘ના બોલું એની પે’લા તો હાથ ફેરવી નાખ્યોને?!’ નાનજીએ ખભા પરથી નૅપ્કિન ઉતારીને મનોજને આપ્યો, ‘ખોટી જગ્યાએ હાથ ફેરવો તો આવા હાલ થાય...’
‘આ પેટી?’ મનોજનું ધ્યાન હજી પણ પેટી પર હતું, ‘કોઈ સાફ પણ નથી કરતું.’
‘ના ભાઈ ના... એવો ટાઇમ કોની પાસે છે?’
‘હંમ...’
મનોજે પહેલાં નાનજી સામે અને પછી આખા ભંડકિયામાં નજર ફેરવી.
‘મારી સાઇડથી ડીલ ડન...’
‘તો હાલો ઉપર... પાછી એકાદ ચા ઠઠારીને પછી ભેગા રોટલા ખાઈ...’
lll
‘ડોબી છો સાવ...’ નાનજીનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો, ‘મૂરખીના પેટની...’
ચા લઈને આવેલી સુંદરીના હાથથી મનોજ પર થોડી ચા ઢોળાઈ હતી અને મનોજ ઊભો થઈ ગયો હતો. ગરમાગરમ ચાને લીધે સ્વાભાવિક રીતે તેને સાથળ પણ જબરદસ્ત ચચરાટ થતો હતો.
‘જા હવે, લઈ જા અંદર અને કપડાં બદલાવી દે...’ સુંદરી જડની જેમ ઊભી રહી એટલે નાનજીએ સુંદરીને ધક્કો માર્યો, ‘કીધુંને જા...’
‘એની જરૂર નથી...’
‘શું જરૂર નથી?’ તાબોટા
પાડવાની સ્ટાઇલ કરતાં નાનજી મોટાએ કહ્યું, ‘વચ્ચેવાળા નથીને? વચ્ચેવાળા હો ને અમારી આ સુંદરીમાં રસ ન પડે તો સમજાય...’
‘અરે ના, બિલકુલ નહીં...’
‘તો જાવ, લઈ જાવ.’ નાનજીએ સુંદરી સામે જોઈને દાંત ભીંસ્યા, ‘ભૂલ કરી છે તો હવે સજા પણ ભોગવે...’
મનોજ કંઈ બોલે એ પહેલાં સુંદરી જ તેનો હાથ પકડીને બેઠકખંડના છેવાડે આવેલી રૂમ તરફ લઈ ગઈ. મનોજનું ધ્યાન હજી પણ ઢોળાયેલી ચા પર હતું. અત્યારે તેને બળતરા પણ થતી હતી. સાથળ પર અને માનસપટ પર પણ.
lll
‘તમે, તમે કંઈ નહીં બોલો... પ્લીઝ... નાનજી મને મારી નાખશે.’
‘અરે પણ, મને આમ નહીં ફાવે...’ મનોજે સુંદરીનો હાથ ઘૂંટણ પરથી હટાવતાં કહ્યું, ‘હું, હું મારી રીતે પૅન્ટ ચેન્જ કરી લઈશ.’
‘ના, નાનજીએ કીધું એટલે મારે કરવું પડે. પ્લીઝ...’ સુંદરીએ મનોજને બે હાથ જોડ્યા, ‘મારા જીવનો સવાલ છે... મને કરવા દો.’
મનોજ કાંઈ કહે એ પહેલાં જ તેના કાને નાનજીનો અવાજ આવ્યો.
lll
‘એ મન્યા, રોક મા એને... કરવા દે.’
‘નાનજી તમે દરવાજે ઊભા છો?’
‘ઊભો છું પણ અંદરનું કાંય જોતો નથી...’ નાનજીના ચહેરા પર વિકૃત સ્માઇલ હતું, ‘તું તારે લાગેલો રહે... કર મજા. તારા પછી મારી મજા ચાલુ થાશે... કર મજા.’
‘નાનજી, તમે... તમે... ખરેખર વિકૃત છો.’
નાનજી મોટા દરવાજેથી દૂર થયા, પણ તેના હોઠ ફફડવા માંડ્યા હતા,
‘મારી વિકૃતિ હજી તેં ક્યાં જોઈ છે બેટમજી. રાત પડવા દે, પછી તને દેખાડું મારી વિકૃતિ... સુંદરી આવે એટલી વાર.’
lll
‘એલી હવે જમવાનું દઈશ કે પછી આમ જ બેઠા રઈ?!’ નાનજી મોટાએ સામે બેઠેલા મનોજ સામે જોયું, ‘શું છે, તમને તો ભૂખ-બૂખ નહીં હોય કાં?’
‘મેં તો પહેલાં પણ કહ્યું કે મારે મોડું થાય છે, નીકળવું છે...’ મનોજે ઘડિયાળમાં જોયું, ‘૯ વાગી ગયા મિસ્ટર નાનજી, મારે હજી છેક પુણે પહોંચવાનું છે...’
‘પહોંચાશે... ક્યાં રસ્તો કોઈ ખાઈ જાવાનું છે?’ નાનજીએ ફરી એ જ દિશામાં વાત ફેરવી જેના પર મનોજ વાત કરવા નહોતો માગતો, ‘થ્યું શું અંદર, કપડાં જાતે બદલાવ્યાં કે પછી મારી સુંદરીએ પહેરાવી દીધાં?’
‘નાનજી, તમે વધારે પડતી છૂટ લો છો.’
‘તો શું થઈ ગ્યું, બેય જણા મરદ છીએ. આવી વાતું આપણી વચ્ચે ન થાય તો કોની સાથે થાય?’
‘એ... એ મને નથી ખબર, પણ હા, મને એટલી ખબર છે કે મને મોડું થાય છે.’
‘શરમાઈ ગ્યાને?! હેંને?!’ નાનજી મોટાના ચહેરા પર સ્માઇલ આવી ગઈ, ‘આમાં શરમાવાનું થોડું હોય... તારા જેવડી ઉંમર હતી ત્યારે તો હું બબ્બેને ફેરવતો, કેટલીને? બબ્બેને.’
‘નાઉ સ્ટૉપ મિસ્ટર નાનજી.’
મનોજ ઊભો તો થઈ ગયો, પણ પછી બીજી જ સેકન્ડે બેસી પણ ગયો. નાનજી મોટાની ધોતી તેણે પહેરી હતી, જે ઢીલી બાંધી હોવાથી કમરેથી સરકવા માંડી હતી.
‘તમે જલદી જમવાની તૈયારી કરો એટલે હું નીકળું.’
‘સોદો?’
‘મેં તમને પહેલાં જ કહી દીધું, હું સોદા માટે તૈયાર છું.’
‘તો આપો પાંચ કરોડ ઍડ્વાન્સ...’
‘મેં તમને કહ્યું કે એ ગાડીમાં પડ્યા છે...’
‘ઓહ...’ નાનજીએ કહ્યું, ‘ચાવી દ્યો એટલે અમારો હરભમ જઈને ગાડીમાંથી રૂપિયા કાઢી આવે...’
મનોજે જેવી ચાવી આપી કે નાનજીએ હરભમને સૂચના આપી દીધી,
‘સુંદરીને મળીને તું પૈસા કાઢવા જા...’
lll
હરભમ કિચનમાં દાખલ થયો અને સુંદરીની હાલત જોઈને તે સ્તબ્ધ થઈ ગયો.
(ક્રમશ:)

