તારી વાત શું સાંભળવાની લે... તું કોણ? નાનજીએ મનોજને દરવાજા તરફ ધક્કો માર્યો
ઇલસ્ટ્રેશન
‘મિસ્ટર નાનજી મોટાનું ઘર...’ ન્યુઝપેપર હાથમાં લઈને મનોજ વૈદ્યએ દુકાનદારને પૂછ્યું, ‘આટલામાં જ ક્યાંક છે કે પછી...’
‘અહીંથી સીધા જવાનું...’ દુકાનદારે ગાડી સામે જોયું, ‘ગાડી ત્યાં સુધી નહીં જાય એટલે આગળ પાર્ક કરી દેજો.’
ADVERTISEMENT
‘અરે, એ પણ પૂછવાનું છે...’ મનોજે પૂછ્યું, ‘આટલામાં ક્યાંય પંક્ચરવાળાની દુકાન છે?’
‘ના સાહેબ, એ તો આગળ હતી. હવે એકેય દુકાન નહીં આવે...’ દુકાનદારે ચોખવટ કરવાની સાથે માહિતી પણ આપી, ‘તમે તેને ફોન કરશો તો તે આવીને ટાયર લઈ જશે અને પછી આવીને ફિટ પણ કરી દેશે.’
‘ગુડ આઇડિયા...’ મનોજે મોબાઇલ હાથમાં લીધો, ‘હું ગાડી અહીં રહેવા દઉં તો ચાલશેને?’
‘હા, હા... વાંધો નહીં.’ દુકાનદારે મનોજ વૈદ્યને કહી દીધું, ‘બને એટલા ઝડપથી આવજો. શું છે અહીંના છોકરાઓ તોફાની છે. તેઓ ગાડી ઉપર ચડીને ઠેકડા મારે અને પછી એ લોકોને ભગાડવામાં મારે આંખે થવું પડે...’
‘હા, નાનજી મોટાને મળીને હમણાં આવું છું.’ મનોજ વાત કરવા ઊભો રહ્યો, ‘આમ તે માણસ કેવો?’
‘આંટા વિનાનો...’ દુકાનદારે શબ્દો ચોર્યા વિના જ કહી દીધું, ‘લાંબી લપ કર્યા વિના કામથી કામ પતાવીને નીકળી જજો. નહીં તો મગજ ખાઈ જશે.’
‘હં...’
‘તમારે એનું શું કામ પડ્યું?’
‘આજે તેમણે ઍડ આપી છેને, જગ્યા વેચવા માટે...’
‘ખોટી ઍડ આપે છે, લોહી પીવા... અહીં ભાવ જ નથી ચાલતો એવો ભાવ માગે તો ક્યાંથી તેની પ્રૉપર્ટી વેચાવાની?’ દુકાનદારે ગુસ્સો કાઢ્યો, ‘કોણ જાણે શું કામ આવી ખોટી ઍડ આપ્યા કરે છે આ માણસ, અમને આજ સુધી સમજાયું નથી.’
‘તેની મરજી...’ મનોજે ચોખવટ કરી, ‘મને તો મારા ક્લાયન્ટે કહ્યું એટલે હું પ્રૉપર્ટી જોવા આવી ગયો.’
‘જોઈ આવો.’
‘ઘરમાં બીજું કોણ-કોણ છે?’ મનોજ વૈદ્યએ ચોખવટ કરી, ‘નાનજી મોટાનાં વાઇફ કે પછી બીજું કોઈ...’
‘અરે ભાઈ, કોઈને ખબર જ નથી કે આ માણસનું કોણ છે?’ દુકાનદારને પણ વાતમાં રસ પડ્યો હતો, ‘ઘરમાં એક નોકરાણી છે. કદાચ નોકરાણી છે એવું અમને લાગે છે, પણ છે નાની ને ફૂટડી... બીજો એક માણસ છે, તે પણ કદાચ તેનો માણસ જ છે. શું નામ તેનું... શું નામ...’
‘કુલ ૩ લોકો છે એમને?’
‘હા બસ, બીજું તો કોઈ અમે જોયું નથી.’
‘હં...’
મનોજ વૈદ્યએ દુકાનદારને હાથ ઊંચો કર્યો અને ત્યાંથી નીકળી ગયો. જોકે પીઠ પાછળ દુકાનદારનો અવાજ આવ્યો, જેનો અનુભવ તેને નાનજીના ઘર સુધી પહોંચતાં થઈ ગયો હતો.
‘એ ઘરની આજુબાજુમાં કૂતરા બહુ છે, ધ્યાન રાખજો.’
lll
‘મકાન જોવા આવ્યા...’ અંદર આવી હરભમે કહ્યું, ‘એકલા છે...’
‘લઈ આવ, લઈ આવ...’
નાનજી મોટાના ચહેરા પર ચમક આવી ગઈ. ચમક પણ અને ખુન્નસ પણ. નાનજીએ હરભમ સામે જોયું. હરભમ હજી ઊભો હતો.
‘જા જલદી, શું હજી ઊભો છે?’ નાનજી અકળાયા, ‘સાવ ડોબો છે. મહેમાનને બહાર ઊભા રખાય...’
હરભમના પગમાં તેજી આવી અને એ જ સમયે ઘરની બહારથી કૂતરાનો ભસવાનો અવાજ પણ આવ્યો.
નાનજીએ ઘરમાંથી જ રાડ પાડી.
‘એ મારો એક પાણો એટલે ભાગે...’
lll
‘કૂતરા બહુ ભસ્યા કાં?’
‘હા, શેરીના કૂતરાઓ તો એવા જ હોયને...’
‘ના, આવા ન હોય. આ જરાક વધારે હરામી કૂતરા છે.’ નાનજીએ કહ્યું, ‘રોજેરોજ એમને બિસ્કિટ ખવડાવું છું. તમે સમજો, મારો જમવાનો ખર્ચો થાયને મહિને એટલો ખર્ચો આ કૂતરાવને ખવડાવવામાં કરું છું ને તોય મારા ગટીડા હું નીકળું ત્યારે મનેય ભસે.’
‘હં...’
મનોજનું ધ્યાન બંગલામાં ફરતું હતું. એ આંખો જાણે કે બંગલાના ફોટો પાડતી હોય એવું લાગતું હતું. નાનજીએ તરત જ કહ્યું, ‘બેસોને, ઘર ક્યાંય નથી ભાગી જવાનું... મારું જ છે ને કોઈ લ્યે નહીં ત્યાં સુધી મારું જ રહેવાનું...’
‘અફકોર્સ...’ મનોજની નજર હજી પણ ઘરમાં ફરતી હતી, ‘અહીં આવવાનો રસ્તો બહુ ખરાબ છે. મારી ગાડીમાં પંક્ચર પડ્યું...’
‘લે, બોવ કયરી...’ નાનજીના ચહેરા પર અચરજ હતું, ‘આજ સુધી મારે તો કોઈ દિવસ એવું નથી થ્યું હોં... સડસડાટ ગાડી નીકળી જાય ને એયને ફડફડાટ ગાડી અંદર આવી જાય...’
‘તમે આ ઘર શું કામ વેચવા માગો છો?’
‘કહુંને, તમે પૂછો એ બધેબધી વાતનો જવાબ દઈશ, પણ પહેલાં મારી વાતનો જવાબ તમે દ્યો...’ નાનજીએ પૂછ્યું, ‘તમારે આ ઘર શું કામ લેવું છે?’
‘મારે?!’ મનોજની આંખો પહોળી થઈ, ‘મારે નથી ખરીદવું... મિસ્ટર નાનજી મોટા, આ ઘર હું મારા ક્લાયન્ટ માટે જોવા આવ્યો છું.’
‘એક મિનિટ... તમારા આ ક્લાયન્ટ-ભાઈ કોણ છે?’ નાનજીએ ખુલાસો કર્યો, ‘પેલા-પરથમ તો વાત એ કે તે ભાઈ છે કે બેન?’
‘ભાઈ છે...’
‘હં... તો તે ભાઈ પોતે કેમ પધાર્યા નહીં?’ જવાબ મળે એ પહેલાં જ નાનજીએ દલીલ કરી, ‘શું છે, લગન હોય તેણે જાનમાં સૌથી આગળ ચાલવાનું હોય. આ ભાઈ તો બીજાને લગનમાં મોકલે છે. એવું થોડું ચાલે. એક કામ કરો...’
નાનજીએ દરવાજા તરફ જોઈને રાડ પાડી.
‘હરભમ... એ હરભમ...’ નાનજીએ બીજી રાડ કિચન તરફ જોઈને પાડી, ‘એય, કંઈ ચા-બા નથી લઈ આવવાની. અંદર જ રે’જે તું...’
મનોજ માટે નાનજીનું આ વર્તન વિચિત્ર હતું. તે કંઈ કહે, બોલે કે વર્તે એ પહેલાં તો નાનજી ઊભો થયો અને તેણે મનોજનો હાથ પકડી લીધો.
‘હાલો ત્યારે, નીકળો આંયથી... સીધેસીધા બા’ર જાવ.’
‘મિસ્ટર નાનજી...’
‘મિસ્ટર નાનજી ગ્યો ચૂલામાં...’ નાનજીએ હજી પણ મનોજનો હાથ પકડી રાખ્યો હતો, ‘હાલ, નીકળ... પારકાની લપની પૂજા નો હોય. હાલ, નીકળ...’
‘મારી વાત તો સાંભળ...’
‘તારી વાત શું સાંભળવાની લે... તું કોણ?’ નાનજીએ મનોજને દરવાજા તરફ ધક્કો માર્યો, ‘દલાલ, કોણ, તો દલાલ. તારી મારે શું જરૂર... હાલ નીકળ.’
‘અરે નાનજી, તમે મારી વાત સાંભળો...’ નાનજી બીજો ધક્કો મારે એ પહેલાં મનોજે તેને રોક્યા, ‘હું દલાલ નથી. તમે મારી વાત સાંભળો...’
‘તે તો કીધું, તું તારા કો’ક ક્લાયન્ટ માટે જોવા આયવો છો...’ નાનજીને હવે મનોજમાં કોઈ રસ નહોતો, ‘હું તમને બધાયને ઓળખું છું. આંયા મારી પ્રૉપર્ટી જોવાની, પછી બહાર જઈને ઘરાક ગોતવાનો... નીકળ હાલ બા’ર...’
‘નાનજી, નાનજી તમે મારી વાત સાંભળો...’
બેઠકખંડમાં શરૂ થયેલા દેકારા સાંભળીને હરભમ અંદર આવી ગયો હતો. નાનજીએ હરભમની સામે જોયું.
‘જો તો, આ ડોબો મને કહે છે કે મારી વાત સાંભળો.’ નાનજીએ મનોજ સામે જોયું, ‘તારા જેવા લુખ્ખાની વાત હું સાંભળું... હું?! તું ક્યાં ને હું ક્યાં... જા, છટક.’
‘તમે ભાઈ, મને સાંભળો...’ મનોજે હરભમની હેલ્પ લીધી, ‘હું દલાલ નથી. તમારા શેઠને કહો, મારી વાત તો સાંભળે...’
હરભમને જાણે કે કાન જ ન હોય એ રીતે તેણે જવાબના બદલામાં મનોજને દરવાજા તરફ ધક્કો માર્યો.
‘હં... આમ હોય. કાઢ તેને બા’ર.’
હરભમ કામે લાગી ગયો એ જોઈને નાનજી મોટાએ મનોજને હાથ અડાડવાનો બંધ કર્યો અને જીભ ચાલુ કરી.
‘લખું છું કે દલાલે ડાચું દેખાડવું નહીં ને તોય મારો ગટીડો ઢેકા ઉલાળતો આવી ગ્યો લોહી પીવા...’ નાનજીએ હરભમને કહ્યું, ‘કાઢ બા’ર...’
વાઉવ... વાઉવ... વાઉવ...
બહારથી ક્યારનો કૂતરાઓનો ભસવાનો અવાજ આવતો હતો, પણ હવે એક અવાજ સાવ નજીક આવી ગયો અને એ અવાજે નાનજીની કમાન છટકાવી.
‘નવરીનાવ, તમને રોજ ખવડાવું છું, રોજેરોજ ને તોય અહીં આવીને ભસો છો... મારી સામે ભસો છો...’
મનોજ કંઈ સમજે કે હરભમ કંઈ કરે એ પહેલાં જ ચિત્તા જેવી ઝડપ સાથે નાનજી મોટાએ દરવાજાની પાસે પડેલી કુહાડી ઉપાડી અને અવાજની દિશામાં ફેંકી.
ઓંઓંઓં...
ફેંકાયેલી કુહાડીએ એનું કામ કર્યું અને ભફાંગ કરતાં ભસતું કૂતરું જમીન પર પડ્યું.
‘સાલ્લાવને ખાવું છે આપણું ને પછી આપણી સામે જ ભસવું છે... આજે એકને ઉપર મોકલ્યો. હવે જો, રોજેરોજ એક ઉપર જાય છે કે નહીં...’
કૂતરાને મારીને જાણે કે સાંત્વના મળી હોય એમ નાનજી શાંત થઈ ગયા. તેણે મનોજના ખભે હાથ રાખ્યો અને મનોજને લઈને તે ફરી સોફા તરફ આવ્યા.
‘ક્યે છે પાડોશી કૂતરા જેવા હોવા જોઈ... વફાદાર, પ્રામાણિક, ભાઈબંધ રાખે એવા; પણ આ જો... આવા પાડોશી હોય?’ નાનજીએ પાછળની તરફ હાથ કર્યો, ‘આવા પાડોશીને તો ઉકેલી નાખવા જોઈ. ભલે જાય સીધા ઉપર...’
‘પર્ફેક્ટ્લી ઍગ્રી વિથ યુ મિસ્ટર નાનજી...’
મનોજ હવે નાનજી સાથે બહારના ભાગમાં આવી ગયો હતો. બન્નેની સામે કૂતરાનો મૃતદેહ પડ્યો હતો. એના પેટની બરાબર વચ્ચે કુહાડી લાગી હતી, જે હજી પણ શરીરમાં જ હતી અને એમાંથી લોહી નીકળતું હતું.
‘આવા કૂતરાઓને તો જીવતા જ ન મુકાય... મારી જ નાખવા જોઈએ.’
‘હં... મારા જેવા વિચાર છે. આવ અંદર, ચા પીને જા.’
થોડી વાર પહેલાં નાનજી મોટા જે મનોજ વૈદ્યને ધક્કા મારીને કાઢતો હતો એ જ માણસ હવે મનોજને લઈને બેઠકખંડમાં આવ્યો.
‘સુંદરી, એયને મસ્તીના દૂધવાળી ચા પીવડાવ અમને બેયને...’
lll
‘તો વાલીડા, પેલા મોઢામાંથી ફટાયને...’ નાનજીએ કપમાં રહેલો ચાનો છેલ્લો ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો, ‘મને તો થ્યું કે તું દલાલ છે...’
‘ના, હું દલાલ નથી. મારું આ કામ છે. દુબઈમાં મારી પાર્ટી રહે છે. મારે તેના વતી ઘર જોવાનું, સારું લાગે તો તેની પરમિશનની રાહ પણ નહીં જોવાની... ખરીદી લેવાનું અને પાર્ટીને જાણ કરી દેવાની...’ મનોજે ચોખવટ કરી, ‘મને બધેબધી છૂટ...’
‘છૂટ લેતા ને છૂટ દેતા લોકો મને બોવ ગમે...’ ચાના ખાલી કપ લેવા આવેલી સુંદરીની પીઠ પર ધબ્બો મારતાં નાનજીએ કહ્યું, ‘સાચુંને સુંદરી?’
સુંદરી કપ લઈને રવાના થઈ એટલે નાનજીએ મનોજ સામે જોયું.
‘પહેલાં વાત પૈસાની કરી લઈએ?’
‘એ તો તમે તમારી ઍડ્વર્ટાઇઝમેન્ટમાં લખી જ છેને?’ મનોજે તરત સ્પષ્ટતા કરી, ‘એમાં કોઈ ચેન્જ કર્યો છે?’
‘ના રે... બાપુ બોલ્યા ન ફરે. લખ્યું એટલે પત્યું. મારે એ જ રકમ લેવાની થાય છે ને એમાં એકેય રૂપિયાની બાંધછોડ કરવાની થાતી નથી.’
‘ઍગ્રી...’ મનોજે ફરી ઘર પર નજર કરી, ‘એક વાર પ્રૉપર્ટી જોઈ લઈએ?’
‘હાલો, માલ તો જોવો પડેને....’ નાનજીએ મનોજ સામે જોયું, ‘ક્યાંથી શરૂ કરવું છે? ઉપરથી કે પછી ભંડકિયાથી?’
મનોજનો જવાબ આવનારા કલાકોનું ભાવિ નક્કી કરવાનો હતો.
(ક્રમશ:)

