Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 36

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 36

22 December, 2019 03:22 PM IST | Mumbai
Dr. Hardik Nikunj Yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 36

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક...

ભૂલથી વૈકુંઠ  સુધી પહોંચી ગયેલો સંજય નામનો સામાન્ય માણસ ઈશ્વરને ચૅલેન્જ આપીને પૃથ્વી પર રહેવા બોલાવે છે. તેની શરત છે કે ઈશ્વર તેની સાથે સામાન્ય માણસ બનીને રહે અને કોઈ પણ ચમત્કાર કર્યા વગર આ જગતમાં એક સામાન્ય માણસે કેવી રીતે રહેવું એ શીખવાડે. ઈશ્વર તેની ચૅલેન્જ સ્વીકારી લક્ષ્મીજી સાથે ઈશ્વરભાઈ ગગનવાસી નામ ધારણ કરીને આવે છે. એવી અનેકાનેક પરિસ્થિતિઓ ઊભી થાય છે જેમાંથી નીકળવાનો માર્ગ ઈશ્વર સંજયને શીખવાડે છે. સંજય અર્જુન જેવા ભાવથી આધુનિક ગીતા ભણી રહ્યો છે. ઈશ્વરની આ શીખવાડવાની રીતને તે ઈશ્વરોલૉજી કહે છે. હજી હમણાં જ રાતે એક સપનામાં ઈશ્વર તેને સમજાવે છે કે તમે જેને બહાર શોધો છો તે હું તમારી અંદર જ છું.



હવે આગળ...


‘મારું પણ આવું જ છે. હું એ જ છું જે તમે છો, પણ તમારી અંદર મને શોધવાનું છોડીને બહાર શોધો છો.’

વેદોમાં કહેલાં મહાવાક્યોમાંથી એક અત્યારે ઈશ્વરની સાવ સહજ રીતે કહેલી વાતમાં તેને સંભળાયું...


 ‘ત્વં બ્રહ્માસ્મિ...’

તરત જ બે હાથ જોડીને સોફા પર તેમની સામે બેસતી વખતે તેણે કહ્યું, ‘પણ બૉસ, જો તમે અંદર જ છો અને તમે એ જ છો જે હું છું તો પછી મારામાં એ સમજણ કેમ નથી જે તમારામાં છે? અને હું તો કહું છું કે તમે જો માણસની અંદર જ હો તો કોઈ માણસ ખરાબ કર્મો અને ખોટાં કામ કરે જ કેમ?’

ભગવાન સોફાના પાછળના ભાગ પર એક હાથ ટેકવીને સંજય બેઠો હતો એ તરફ વળ્યા અને દરેક વખતની જેવું સુંદર સ્મિત આપ્યું.

સંજયે તરત જ ટકોર કરી, ‘આ જ તકલીફ છે તમારી બૉસ, જયારે માણસ તમારા જવાબની રાહ જોતો હોય ત્યારે તમે શું કરશો એની ખબર જ ન પડે અને જ્યારે માણસે વિચાર્યું પણ ન હોય ત્યાં તમે કંઈક ને કંઈક મદદ આપો. તમને આમ કરવામાં મજા આવે છે કે પછી ખરેખર તમારો સ્વભાવ જ આવો છે?’

અચાનક જ ઈશ્વરનો અવાજ મોટો થયો, જાણે તેઓ કોઈકને સંભળાવવા બોલતા હોય,

‘જો સંજય તને તો ખબર જ છેને કે હું કોણ છું અને ક્યાંથી આવું છું? મારાથી પાવરફુલ અને પૈસાદાર તેં આજ સુધી કોઈને જોયો છે? અને જેની જોડે પૈસો અને પાવર હોય તેને આ બધા પ્રશ્ન કરીને શું ફાયદો? જો તું એટલું ધ્યાન રાખ કે હું લક્ષ્મી સાથે અહીં છું અને હું અહીં તારા ઘરે લક્ષ્મી સાથે રહ્યો છું એની બીજા કોઈને આ જગતમાં ખબર નથી, કારણ કે જો કોઈને ખબર પડી જાય કે હું તારા ઘરમાં છું અને એ પણ તને ખબર છે કે કોની સાથે તો-તો લોચો જ પડી જાયને? એટલે તું ધીમેથી બોલ, દીવાલને પણ કાન હોય છે. કોઈએ સાંભળવું ન જોઈએ. રહી વાત તારા પ્રશ્નોની તો હું કંઈ દર વખતે તારા પ્રશ્નોના જવાબ આપવા બંધાયેલો નથી. જા જઈને સૂઈ જા.’

ઈશ્વરના અચાનક બદલાયેલા સ્વરૂપને જોઈને સંજયને આશ્ચર્ય થયું. પોતાના પ્રશ્નનો જવાબ આપવાની જગ્યાએ આટલા અભિમાનમાં ઈશ્વરને બોલતા જોઈ તેને નવાઈ લાગી. આવા રૂપની તો કલ્પના પણ તેણે કરી નહોતી, પણ ઈશ્વરના ચહેરા પરનો તોછડો ગુસ્સો જોઈને તે કશું જ બોલ્યા વગર રૂમમાં અંદર ગયો.

વળી પાછું મોહક સ્મિત મુખ પર લાવતા ઈશ્વરની નજર રૂમમાં અંદર જતા સંજય પર હતી, પણ તેમનું ધ્યાન પાછળની બારીની બહાર હતું.

સંજયના ઘરની પાછળની બારીની બહારથી છજા પર ચડીને ઉપરના માળની બારીનો નકૂચો તોડવાનો પ્રયત્ન કરતો રઘલો બારીની બહાર લટકેલો હતો. છજાની પાળી પર સંતાયેલો રઘલો અચાનક આવેલા અવાજને કારણે એકદમ શાંતિથી જરાય અવાજ ન થાય એમ સંતાઈને બેસી ગયો હતો. તેનું સંપૂર્ણ ધ્યાન અંદર થઈ રહેલી વાતો પર હતું.

સાંભળેલી વાત પર તેને વિશ્વાસ થતો નહોતો. એક સામાન્ય માણસના ઘરમાં કોઈ ખૂબ પૈસાદાર અને પાવરફુલ માણસ છુપાયેલો છે એ વાત કોઈને ખબર નથી અને અંદર વાત કરી રહેલા બન્નેનો પ્રયત્ન છે કે આ વાતની કોઈને ખબર પડવી પણ ન જોઈએ.

છજા પર સહેજ પણ હાલ્યાચાલ્યા વગર બેસી રહેલા રઘલાના મનમાં ઘરેથી ચોરી કરવા નીકળતાં પહેલાં કરેલો દીવો અને પ્રાર્થના યાદ આવી...

‘હે મારા કાળિયા ઠાકર, ઓંય ચોરી કરી કરીને થાક્યો છું બાપ, હાચુ કંવ. ગમતુંય નથ, પણ કરું હું? આ ચાર ચાર લોકોનાં પેટ ભરવાનાં સે... અને જો ચોરી તો તુંય કરતો હતો એટલે હું કરું એમાં કંઈ નવઈ નથ. તને ભૂખ લાગતી તો તું માખણ ચોરી કરતો. મને લાગે તંઈ હું પૈસાની કરુંસું,  પણ બાપ... ઓ મારા બાપ... એક કામ કરને... એક મોટો હાથ મરાય એવી કઈ હગવડ કરી આપને, કે તંઈ પછી આ ચોરી છોડીને હારા માણહ બની જઉં. જો મારે હારા રસ્તે ચડવું છે. મેં તારી આગડ અરજ પણ કરી, હવે તારે વિચારવાનું કે તું હારા માણહોની જ મદદ કરે કે પછી કોઈ ખરાબને હારા બનવું હોય તેનેય મદદ કરે. જય હો કા‌ળિયા ઠાકરની જય હો.’

રઘલાના મનમાં ઘરે કરેલી પ્રાર્થના શબ્દ સહ યાદ આવી... ‘મનમાં થયું કે ભગવાને આજે મારી પ્રાર્થના બરોબર સાંભળી છે. બીજું નહીં તો શું? આજે કોઈ મોટા બંગલામાં ચોરી કરવાનું છોડીને આ નાનકડા ઘરમાં આવવાનું મન કેમ થયું? એનો મતલબ એ જ કે ભગવાન ઇચ્છતા હતા કે હું અહીં આવું અને કોઈ પૈસાદાર માણસ આ ઘરમાં છુપાયેલો છે એ જાણું.’

મનોમન ભગવાનનો પાડ માનતો રઘલો ચોરી કર્યા વગર જ ઊતરી ગયો. ઘરે પહોંચતા સુધીમાં અનેકાનેક પ્લાન તેના મગજમાં રમવા માંડ્યા હતા.

આ તરફ ઈશ્વર રઘલા અને સંજય બન્નેની હાલત પર હસી રહ્યા હતા. બીજી તરફ સંજય ભગવાનના અચાનક બદલાયેલા સ્વભાવથી મૂંઝાયેલો પથારીમાં આળોટી રહ્યો હતો.

બીજા દિવસે સવારથી રઘલો સંજયના ઘરની આસપાસ ફરવા માંડ્યો. તેણે જોયું કે અચાનક એક પ્રભાવશાળી માણસ ગૅલરીમાં કોઈની જોડે ફોન પર વાત કરી રહ્યો હતો, પણ વાત કરતાં-કરતાં આજુબાજુમાં નજર નાખી રહ્યો હતો એટલે એ પેલો સંતાયેલો માણસ હશે એમ રઘલાને ખ્યાલ આવ્યો. થોડી જ વારમાં ગઈ કાલે જ્યાં તે સંતાયો હતો એ ઘરની પાછળની ગલીમાં એક ખૂબ જ મોંઘી કાળા કલરની ગાડી આવી. ઈશ્વરે એ ગાડી તરફ ઇશારો કર્યો. ઇશારો કરતી વખતે કોઈ જોતું નથી એનું ધ્યાન રાખવાની ઍક્ટિંગ પણ કરી. સામેની દુકાનની પાછળ સંતાયેલો રઘલો તેમની દરેક હરકતને ધ્યાનથી જોઈ રહ્યો હતો. ભગવાન નીચે આવ્યા. પેલી ગાડી તરફ દબાતા પગલે ગયા અને એમાં દરવાજો ખોલીને બેઠા. રઘલાને ઇંતેજારી થઈ. ગાડી ત્યાં જ ઊભી રહી અને કશે ગઈ નહીં. લગભગ ૨૦ મિનિટ પછી ઈશ્વર એ ગાડીમાંથી બહાર નીકળ્યા અને આ વખતે તેમના હાથમાં એક બૅગ હતી.

જાણે એ બૅગમાં કોઈ ખૂબ જ કીમતી વસ્તુ હોય એમ છાતી પાસે દબાવીને કોઈ જોઈ ન જાય એમ સિફતથી ભગવાન પાછા ઘરમાં

ઘૂસી ગયા.

રઘલાને ગઈ કાલે રમણકાકા બીડીનું ઠૂંઠું ફૂંકતાં-ફૂંકતાં કહી રહ્યા હતા એ વાત યાદ આવી...

‘કો’ક બહુ મોટો માણહ છે જે સરકાર અને બૅન્કોનું કરી નાખીને કરોડો રૂપિયા લઈને કશે સંતાઈ ગયો છે. સરકાર અને પોલીસ તેને શોધે છે. કો’ક કહે છે કે વિદેશ નાસી ગયો છે, પણ મારું તો માનવું છે કે ઓંય, અહીં જ કો’ક જગ્યાએ સંતાયો હશે મારો રોયો...’

રઘલાને થયું કે માન ન માન આ મોટો માણસ એ જ છે એટલે તો કો’કને કહેતો હતો કે કોઈને ખબર ન પડવી જોઈએ કે પોતે અહીં રહે છે.

આ વાતે રઘલામાં એક અજીબનો ઉત્સાહ જગાવ્યો. મનોમન કાળિયા ઠાકરનો આભાર માન્યો. લૉટરી લાગી જ ગઈ હોય એમ તે હરખાયો. બસ હવે જરૂર હતી એક ખાસ પ્લાનિંગની જેથી એ માણસને કિડનૅપ કરી શકાય.

સૌપ્રથમ તો તેણે સંજય વિશે અને તેના ઘર વિશે નાનામાં નાની માહિતી મેળવવાની શરૂઆત કરી. આ માટે તેને ઘરની સામે આવેલી સાઇકલની દુકાનવાળા ચંદુ ચરકટની દોસ્તી કામમાં આવી. ચંદુએ માહિતી આપી...

‘આ સંજય માણસ બહુ સારો, પણ તડ ને ફડ કહી દેનારો ખરો. થોડા વખત પહેલાં જ મોતના મુખમાંથી અચાનક જ બહાર આવ્યો અને એ દિવસથી કો’ક ભાઈ અને બહેન તેના ઘરે રહેવા આવ્યાં છે. સંજય અને તેની પત્ની કહે છે કે આ બન્ને જણ તેમનાં દૂરનાં સગાં છે જે ગામડેથી આવ્યાં છે. એ ભાઈનું નામ ઈશ્વરભાઈ ગગનવાસી છે અને તેમની પત્નીનું નામ પદ્‍મજા ગગનવાસી છે. મોટા ભાગે પદ્‍મજાબહેન સંજયની પત્ની સાથે ઘરે જ રહે છે. બહાર તો જરાય દેખાતાં નથી, પણ આ ઈશ્વરભાઈ જ્યારે જુઓ ત્યારે સંજયની સાથે-સાથે જ સ્કૂટર લઈને ફરતા હોય છે. તેમના આવ્યા પછી સંજય પણ કામ પર જતો નથી. આ છેલ્લા કેટલાય દિવસથી કોઈ કામધંધો કર્યા વગર આ બન્ને ભાઈઓ ફર્યા કરે છે. ગમે ત્યારે આવે છે અને ગમે ત્યારે જાય છે.’

રઘલાને ખાતરી થઈ કે માન ન માન આ છે કોઈ ગોટાળો જ. પેલી રાતે સાંભળેલી વાત... ઈશ્વરની ગાડીમાંથી બૅગ છુપાવીને લઈ આવવાની મહેનત અને ચંદુ ચરકટની આપેલી માહિતી એ દરેક વસ્તુઓ એ વાત તરફ આંગળી કરી રહી હતી કે સંજયના ઘરમાં રહેતો માણસ કોઈ સામાન્ય માણસ નથી.

આ દરેક શંકાની ઉપર સૌથી વધારે અગત્યની વાત હતી કે જે દિવસે કાળિયા ઠાકરને દીવો કરીને મોટો હાથ મારવામાં મદદ કરવાની પ્રાર્થના કરી હતી એ જ રાતે આ માણસની વાત સાંભળી હતી એટલે રઘલાને વિશ્વાસ હતો કે ભગવાન તેની જોડે જ છે અને તેમણે જ આ રસ્તો બતાવ્યો છે.

રઘલો એ જ ઠાકર પર ભરોસો રાખીને જીવનનો સૌથી મોટો દાવ ખેલવા હવે અધીરો બન્યો. પ્લાન ગોઠવાયો અને કાળિયા ઠાકરના એ ભક્તે કાનજીને કિડનૅપ કરવાની તૈયારી પૂરી કરી.

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2019 03:22 PM IST | Mumbai | Dr. Hardik Nikunj Yagnik

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK