Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > શૂન્યમાંથી સર્જન આને કહેવાય

શૂન્યમાંથી સર્જન આને કહેવાય

Published : 04 February, 2026 01:43 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

સાયનમાં રહેતાં પચાસ વર્ષનાં રીના ગાલાને મળો

બૉડી-ડીટૉક્સ માટે હેલ્ધી ડાયટની સમજ આપી રહેલાં રીનાબહેન (ડાબે); રીનાબહેને હેલ્થ-વેલનેસને લઈને સ્કૂલમાં પણ સેમિનાર યોજ્યો છે (જમણે)

બૉડી-ડીટૉક્સ માટે હેલ્ધી ડાયટની સમજ આપી રહેલાં રીનાબહેન (ડાબે); રીનાબહેને હેલ્થ-વેલનેસને લઈને સ્કૂલમાં પણ સેમિનાર યોજ્યો છે (જમણે)


યોગ-ઇન્સ્ટ્રક્ટર ઍન્ડ ન્યુટ્રિશનિસ્ટ, હેલ્થ ઍન્ડ લાઇફસ્ટાઇલ કોચ, કૉઝમિક કોચ, વેઇટ-મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને આ‌ૅથર... આ ઓળખ છે સાયનમાં રહેતાં પચાસ વર્ષનાં રીના ગાલાની. એક સમય એ‍વો હતો કે સંજોગવશ તેમને ઍડ્વાન્સ સ્ટડી કે જૉબ કરવાની તક નહોતી મળી, પણ એમ છતાં કરીઅરવુમન બનવાની તીવ્ર ઇચ્છાના બળે તેઓ બધાં જ બંધનો તોડીને જીવનમાં આજે આ મુકામ સુધી પહોંચ્યાં છે...

મારે તો ઘણું ભણવું હતું, આગળ વધવું હતું પણ લગ્ન થઈ જતાં ઘરની અને સંતાનોની જવાબદારીમાં એવી ગૂંચવાઈ ગઈ કે પોતાના માટે સમય જ ન કાઢી શકી. ઘણી મહિલાઓના મોઢેથી આવી ફરિયાદો સાંભળવા મળતી હોય છે. તેમના માટે રીના ગાલાનું જીવન પ્રેરણાદાયી બની શકે છે. તેમનું જીવન જોતાં સમજાશે કે જીવનમાં આગળ વધવું હોય તો માણસ ગમે તે રીતે આગળ વધીને જ રહે છે. એ લોકો રસ્તામાં મુશ્કેલીઓ આવે તો એના પર દોષ ઢોળીને બેસી રહેવાને બદલે આગળ માર્ગ કેમ કાઢવો એ વિચારતા રહે છે. જીવનમાં જે ધાર્યું હોય એ કરવા માટે ‘બહાના’ની નહીં, પણ એક ‘બર્નિંગ ડિઝાયર’ની જરૂર હોય છે. રીના ગાલાનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે.  



શરૂઆતનો સંઘર્ષ


રીનાબહેને કમ્યુનિટી રિસોર્સ મૅનેજમેન્ટમાં BSc કરેલું છે. જોકે આ વિષયમાં ગ્રૅજ્યુએશન તેમણે પોતાના સાસરે જઈને પૂર્ણ કર્યું છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘બારમું ધોરણ પૂર્ણ થયું ત્યાં મારી સગાઈ કરાવી દેવામાં આવી હતી. હજી તો BScનું માંડ એક વર્ષ પૂરું થયું ત્યાં મારાં લગ્ન થઈ ગયેલાં. સાસરિયાંમાં મારી ફૅમિલીમાં સાસુ-સસરા, દેરાણી, જેઠ-જેઠાણી, તેમનાં બાળકો બધાં જ મળીને કુલ ૧૦ સભ્યો રહેતા. પરિવાર મોટો એટલે ઘરકામ તો હોય જ. એમ છતાં એ મૅનેજ કરતાં-કરતાં મેં મારું ગ્રૅજ્યુએશન પૂરું કર્યું. મારી એક્ઝામ નજીક આવે ત્યારે હું પિયર જઈ શકું એ માટે થઈને વચ્ચે હું ક્યારેય પિયર ન જાઉં. પરીક્ષા નજીક આવે ત્યારે જ પિયરે જાઉં એટલે મને સ્ટડી કરવાનો સમય મળે. છેલ્લી ઘડીએ વાંચીને પણ મેં ફાઇનલ યરમાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે. આગળ મને હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટમાં માસ્ટર્સ કરવું હતું. મને સારી જૉબ મળે એ માટે એ ભણવું જરૂરી હતું. જોકે પરિસ્થિતિ એ‍વી આવી કે મારું આગળ ભણવાનું શક્ય ન બન્યું.’

રીનાબહેનના આ સંઘર્ષની હજી તો શરૂઆત હતી. તેમને આગળ રસ્તો દેખાઈ રહ્યો નહોતો કે કરવું શું. લગ્નનાં ચાર વર્ષ પછી તેમના મોટા દીકરા નિકેતનો જન્મ થયો. એનાં બે વર્ષ બાદ નાનો દીકરો વર્ષિલ આવ્યો. જોકે આ બધા વચ્ચે પણ કરીઅરવુમન બનવાના પોતાના સપનાને રીનાબહેન ભૂલ્યાં નહોતાં. આ વિશે વધુ વાત કરતાં તેઓ કહે છે, ‘સમય સાથે બાળકો મોટાં થયાં. સ્કૂલ જતાં થયાં. મેં મારાં બન્ને બાળકોને ભણાવતાં-ભણાવતાં ઘરે જ બીજાં બાળકોનાં ટ્યુશન લેવાનું શરૂ કર્યું. જોકે એ પણ એક વર્ષથી વધારે સમય સુધી હું લઈ શકી નહીં. દરમિયાન મને અલી ચાઇલ્ડહુડ કૅર ઍન્ડ એજ્યુકેશન (ECCE)ના કોર્સ વિશે ખબર પડી. એ કરો તો તમે શિક્ષક તરીકે શાળામાં ભણાવી શકો. મને એમ કે હું આ કોર્સ કરીને મારાં બાળકોની શાળામાં જ શિક્ષિકા તરીકે કામે લાગી જાઉં તો કોઈ વાંધો નહીં આવે. જોકે કોઈ સંજોગવશ હું એ કોર્સ કરી શકી નહીં અને વાત ત્યાં જ અટકી ગઈ. મને સતત નિષ્ફળતા મળી રહી હતી, પણ મનમાં કંઈક કરવાની તીવ્ર ઇચ્છા સતત પ્રબળ બની રહી હતી. એટલે મને જે પણ શીખવાની તક મળતી એ હું શીખી લેતી. કોને ખબર કઈ વસ્તુ ક્યારે કામ આવી જાય?’


જર્નીની શરૂઆત

આગળ જઈને રીનાબહેન હેલ્થ અને વેલનેસમાં કઈ રીતે આવ્યાં એ વિશે વાત કરતાં કહે છે, ‘અમારા ઘરની બાજુમાં જ યોગ ક્લાસિસ શરૂ થયેલા જ્યાં અઠવાડિયામાં એક વાર જવાનું રહેતું. જોકે સંજોગો અને પરિસ્થિતિ એ‍વાં હતાં કે ત્યાં જવાનું મારું અનિયમિત થઈ ગયું. એટલે યોગમાં શુદ્ધિક્રિયા, પંચક્રિયા, પ્રાણાયામ અને મુદ્રા શીખતાં-શીખતાં મને ૧૦ વર્ષ લાગી ગયાં. લગ્નનાં ૧૭ વર્ષ પછી હું, મારા હસબન્ડ અને બન્ને સંતાનો અમે અલગ થયાં. એટલે મારી જવાબદારીઓ પણ ઓછી થઈ. દરિમયાન મને એમવે ડિસ્ટ્રિબ્યુટર તરીકે કામ કરવાની તક મળી. મેં કંપનીની ન્યુટ્રિશન, બ્યુટી જેવી પ્રોડક્ટ્સ વેચવાનું શરૂ કર્યું અને અન્ય લોકોને પણ એમાં ડિસ્ટ્રિબ્યુટર તરીકે જોડવાનું શરૂ કર્યું. આગળ જતાં મને એમવેની હેલ્થ અને સપ્લિમેન્ટ બ્રૅન્ડ ન્યુટ્રિલાઇટ તરફથી ન્યુટ્રિશનનો કોર્સ કરવાની તક મળી. મેં ન્યુટ્રિશનમાં બેઝિક, ઍડ્વાન્સ અને માસ્ટર્સના કોર્સ કર્યા. આગળ જઈને હું કૉઝમિક કોચિંગ, સ્પિરિચ્યુઅલ હીલિંગ શીખી.’

સફળતા

રીનાબહેન અત્યારે યોગ ઇન્સ્ટ્રક્ટર ઍન્ડ ન્યુટ્રિશનિસ્ટ, હેલ્થ ઍન્ડ લાઇફસ્ટાઇલ કોચ, કૉઝમિક કોચ, વેઇટ-મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરીને અનેક લોકોની હેલ્થ અને વેલનેસને સુધારવામાં મદદ કરી રહ્યાં છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારી પાસે લંગ-કૅન્સર, બ્રેસ્ટ-કૅન્સર, PCOD, ઓબેસિટી, થાઇરૉઇડ, ઇન્ફર્ટિલિટી, કૉલેસ્ટરોલ, સ્લીપ ઍપ્નીઆની સમસ્યા ધરાવતા ક્લાયન્ટ્સ આવે છે. હું ઍડિક્શન્સ, બિઝનેસ ચૅલેન્જિસ, રિલેશનશિપ્સની સમસ્યા લઈને આવ‍તા ક્લાયન્ટ્સને પણ મદદ કરું છું. એ સિવાય હું કૉલેજ, હૉસ્પિટલ, સ્કૂલ, સોસાયટી વગેરે જગ્યાએ વેબિનાર લઉં છું. મેં ‘કુદરતી સ્વાસ્થ્યનો જૈન માર્ગ’ નામનું ગુજરાતીમાં અને ‘ધ જૈન વે ટુ નૅચરલ હેલ્થ’ નામે પુસ્તક લખ્યું છે. મારી બીજી ઈ-બુક ‘નેચર ડઝન્ટ ગિવ, નેચર રિટર્ન્સ’ છે. લિખેગા ઇન્ડિયા મિશન હેઠળ એક જ દિવસમાં ૭૭૪ ઈ-બુક્સ પબ્લિશ થવાનો વર્લ્ડ રેકૉર્ડ અને એશિયા બુક ઑફ રેકૉર્ડ બન્યો હતો. આ ઈ-બુક્સમાં મારી બુક ‘નેચર ડઝન્ટ ગિવ, નેચર રિટર્ન્સ’ પણ છે. મારું સપનું ભવિષ્યમાં પોતાનું વેલનેસ સેન્ટર ખોલવાનું છે.’

જીવનમાં આટલા સંઘર્ષો પછી પણ રીનાબહેન તેમના જીવનને ખૂબ જ સકારાત્મકતા સાથે જુએ છે. તેઓ કહે છે, ‘હું તો ભગવાનનો આભાર માનું છું કે મારા જીવનમાં એટલો સંઘર્ષ આવ્યો. નહીંતર આજે જે મુકામ પર છું ત્યાં ન હોત. જો મને હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટમાં માસ્ટર કરવા મળ્યું હોત તો કદાચ કૉર્પોરેટમાં જૉબ કરતી હોત અથવા તો ટીચરનો કોર્સ કર્યો હોત તો સ્કૂલમાં જૉબ કરતી હોત. ભગવાને મને એટલી સમર્થ બનાવી કે હું મારા થકી બીજાને તેમનું જીવન અને સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરી શકું.’

આવી રીતે જિવાય

રીનાબહેન ફક્ત બીજાને જ્ઞાન નથી આપતાં, પોતે પણ એને ફૉલો કરે છે. પોતાની દિનચર્યા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મેં કોરોનાની બન્ને વૅક્સિન નથી લીધી. મારા ઘરે તમને એક પણ ગોળી કે સિરપ નહીં મળે. અમારા ફૅમિલી-ડૉક્ટર પણ નથી. મારી સવારની શરૂઆત ધ્યાન અને બ્રીધિંગથી થાય. પૉઝિટિવ અફર્મેશન કરું. એટલે કે એવાં સકારાત્મક વાક્યો અને વિધાનોનો ઉપયોગ કરું જે અર્ધજાગ્રત મનમાંથી નકારાત્મકતા દૂર કરી આત્મવિશ્વાસ વધારે. હું સ્થાનકવાસી જૈન છું એટલે મારા ઘરે મૂર્તિ નથી. હું વિન્ડો પાસે જઈને આકાશ સામે જોઈ મારે જે પણ મંત્રો, શ્લોક બોલવાના હોય એ બોલું. એ પછી એક કલાક યોગ અથવા મસલ્સ-ટ્રેઇનિંગ કરું. એ પછી મારા જે ગોલ્સ હોય એને રીડ કરું. એ પછી મેડિટેશન કરું. એ પછી બ્રેકફાસ્ટ કરું. એમાં મેથીવાળા ગરમ પાણીમાં હળદર-મરી નાખી પાણી પીઉં. પછી ગ્રીન જૂસ પીઉં. એક કેળું ખાઉં અને થોડાં ડ્રાયફ્રૂટ્સ, નટ્સ, સીડ્સ ખાઉં. એમાં જ પેટ ફુલ થઈ જાય. ઘરની મેઇડ્સ આવે તો તેમની સાથે થોડુંઘણું કામ કરું. એ પછી મારી ક્લાયન્ટ્સ સાથેની મીટિંગ હોય. સાડાબાર સુધીમાં લંચ કરી લઉં. એમાં બાજરી કે નાચણીની રોટલી, એક વાટકો ભરીને સૅલડ, શાક, ચોખા અને કીન્વા, ઘાટી દાળ હોય. બપોરના સમયે થોડી ઊંઘ લઉં. સ્નૅક્સમાં કોઈ એક ફ્રૂટ ખાઈ લઉં. એ પછી મારા યોગ-ક્લાસ હોય. સાંજે છ વાગ્યા સુધીમાં હું મારું ડિનર કરી લઉં. એમાં ચિલ્લા કે પછી ચણા-દહીં-વેજિટેબલ્સનું મિક્સ સૅલડ ખાઉં. એમ છતાં લાગે કે પૂરતું પ્રોટીન નથી લીધું તો પ્રોટીન પાઉડર પી લઉં. હું કૅલ્શિયમ, મલ્ટિવિટામિન્સનાં સપ્લિમેન્ટ્સ પણ લઉં છું, કારણ કે મને ભવિષ્યમાં પણ ઍલોપથીની દવાઓ નથી લેવી. અત્યારે હું છ અલગ-અલગ પ્રકારના કોર્સ સ્ટડી કરી રહી છું તો એ સ્ટડી કરું. દિવસ દરમિયાન એક વાર હું સોશ્યલ મીડિયા પર થોડો સમય પસાર કરું. અમારા ઘરે ટીવી પણ નથી. રાત્રે દસ-સાડાદસ સુધીમાં હું સૂઈ જાઉં.’

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 01:43 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK