બચાવ-કામગીરીમાં નડતા વાહનનો રજિસ્ટ્રેશન નંબર સાથે ફોટો પાડીને ફરિયાદ કરવાનો આદેશ
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કડક ચેતવણી આપી છે કે જો શહેરમાં ગેરકાયદે પાર્કિંગ ફાયર-બ્રિગેડની કામગીરીમાં અથવા બચાવ-કામગીરીમાં નડતરરૂપ બનશે તો પાર્ક કરેલા વાહનના માલિક પર પોલીસ-કાર્યવાહી થશે. કાર્યવાહીમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાનો પણ સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ એક મીટિંગ દરમ્યાન વાહનમાલિકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રસ્તાની બાજુમાં પાર્ક કરેલાં વાહનોને કારણે ફાયર-ટેન્ડરોને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની ફરિયાદના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
નવા નિર્દેશ મુજબ જો ગેરકાયદે પાર્કિંગને કારણે ફાયર-ટેન્ડરને મુશ્કેલી થશે તો સંબંધિત ફાયર-ઑફિસર આ વાહનનો રજિસ્ટ્રેશન-નંબર સાથે ફોટો પાડશે અને FIR નોંધવા માટે પોલીસ-સ્ટેશનને તેમ જ કાર્યવાહી માટે ટ્રાફિક-પોલીસ અને સંબંધિત વૉર્ડ-ઑફિસને મોકલવામાં આવશે.


