Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સોશ્યલ મીડિયા કા સહી ઇસ્તમાલ કોઈ સીખે ઇનસે

સોશ્યલ મીડિયા કા સહી ઇસ્તમાલ કોઈ સીખે ઇનસે

Published : 19 October, 2025 01:51 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

રીલ્સ બનાવીને અપલોડ કર્યા પછી ટૂંકા ગાળામાં એનાં સુખદ પરિણામ જોવા મળ્યાં એની વાત કરતાં રિપિન ગામીત કહે છે, ‘રીલ્સ બનાવીને અપલોડ કર્યા બાદ અત્યાર સુધીમાં ૧૧ લાખથી ‍વધુ વ્યુ આવ્યા છે. આટલા લોકોએ રીલ્સ જોઈ અને શૅર કરી છે.

ચિખલદા ગામના સરપંચ રિપિન ગામીત, રિપિન ગામીતે મયંક ગામીતને ફૉર્મ ભરીને જમા કરાવી આપ્યું હતું.

ચિખલદા ગામના સરપંચ રિપિન ગામીત, રિપિન ગામીતે મયંક ગામીતને ફૉર્મ ભરીને જમા કરાવી આપ્યું હતું.


આદિવાસી પટ્ટામાં ગ્રામીણ પ્રજા સુધી સરકારી યોજનાની માહિતી પહોંચાડવા માટે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર એક-બે મિનિટના વિડિયો અપલોડ કરે છે ચિખલદા ગામના યુવા સરપંચ રિપિન ગામીત. કઈ યોજના માટે ક્યાં અરજી કરવાની, કયા ડૉક્યુમેન્ટ અપલોડ કરવા, છેલ્લી તારીખ ક્યારે છે, અરજીમાં શું ધ્યાન રાખવું એની ઝીણવટભરી માહિતીને કારણે માત્ર તેમના ગામ કે તાપી જિલ્લામાં જ નહીં; ગુજરાતભરમાંથી તેમના ૧૧ લાખથી વધુ ફૉલોઅર્સ થઈ ગયા છે

આજકાલ સોશ્યલ મીડિયાનું ચલણ વધી ગયું છે ત્યારે એનો સદુપયોગ કરીને લોકોને ઉપયોગી બનવા સાથે તેમના જીવનમાં બદલાવ લાવવા સહિતનાં સારાં કાર્યો થઈ શકે છે એનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ગામ ચિખલદામાં જોઈ શકાય છે જ્યાં ગામના યુવા સરપંચ રિપિન ગામીતે રીલ્સથી એવી તો કમાલ કરી બતાવી કે માત્ર તેમના ગામ કે તાપી જિલ્લો જ નહીં, ગુજરાતભરમાંથી તેમના પર ફોન આવી રહ્યા છે અને લોકો તેમની પાસેથી ઉપયોગી માહિતી મેળવી રહ્યા છે.  



તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલા ચિખલદા ગામના સરપંચ રિપિન ગામીતને લોકો સરકારી યોજનાઓ વિશે પૂછપરછ કરતા હોય છે. એટલે સરપંચને થયું કે લોકોને સરળતાથી માહિતી મળી રહે એ માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરું. આમ વિચારીને રિપિન ગામીતે એક પછી એક સરકારી યોજનાઓની એક-બે મિનિટની રીલ્સ બનાવીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી. બન્યું એવું કે આદિવાસી પટ્ટામાં ગ્રામીણ પ્રજા સુધી સરકારી યોજનાની માહિતી રીલ્સ દ્વારા શીરાની જેમ ગળે ઊતરવા લાગી. સરપંચનો આ સ્તુત્ય પ્રયાસ એવો રંગ લાવ્યો કે આ રીલ્સ જોઈને માત્ર તેમના ગામ કે તાપી જિલ્લો જ નહીં, સમગ્ર ગુજરાતમાંથી માહિતી મેળવવા માટે તેમના પર મેસેજ અને ફોન કૉલ્સ આવી રહ્યા છે, લોકો પંચાયત ઑફિસમાં કે તેમના ઘરે આવીને રૂબરૂ મળી રહ્યા છે અને રિપિન ગામીત બધાને માર્ગદર્શન પણ આપી રહ્યા છે તેમ જ લોકો લાભાન્વિત પણ થયા છે. પોણાબે મહિનામાં ઇન્ટસ્ટાગ્રામ અને યુટ્યુબ પર એક–બે મિનિટના ૨૫ જેટલા વિડિયો અપલોડ કરીને અત્યાર સુધીમાં ૧૧ લાખથી વધુ લોકો સુધી પહોંચ્યા છે. 


રિપિન ગામીતે અપલોડ કરેલી રીલ્સ અને એને મળેલા વ્યુઝ.


યોજનાઓથી અવગત

કેવી રીતે રીલ્સની જર્ની શરૂ કરી એના વિશે વાત કરતાં રિપિન ગામીત ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા ગામના તેમ જ આસપાસના ગામના લોકો ઘણી વખત સરકારી યોજનાઓ વિશે પૂછપરછ કરતા હતા એટલે મને થયું કે લોકોમાં સરકારી યોજનાની માહિતીનો અભાવ છે તો યોજનાઓ વિશે નાની રીલ્સ બનાવીને એ વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરું તો ઘર-ઘર સુધી માહિતી પહોંચી શકે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એટલા માટે અનુકૂળ આવે કેમ કે આજે કોઈના પણ ઘરમાં એક મોબાઇલ ફોન તો હોય જ. બીજું એ કે માહિતી આપવાથી લોકોનું ભલું થાય. આદિવાસી પટ્ટામાં ખાસ્સા લોકોને માહિતીની ખબર જ નથી હોતી કે અરજી કેવી રીતે કરવી, ડૉક્યુમેન્ટ કયા અટૅચ કરવા એ સહિતની માહિતીની મોટા ભાગે ખબર નથી હોતી એટલે થયું કે આ બધી માહિતી સોશ્યલ મીડિયા દ્વારા આપી શકાય. એમ વિચારીને જુદી-જુદી સરકારી યોજનાઓની એક-બે મિનિટની રીલ્સ બનાવી અને એ વિડિયો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા. ૩૦ જુલાઈના પહેલો વિડિયો બનાવ્યો હતો એ દિવસથી અત્યાર સુધીમાં આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, પેન્શન યોજના, દિવ્યાંગ સહાય યોજના, શિક્ષણ સહાય યોજના, પશુપાલન – ખેતી સહિતની જુદી-જુદી સરકારી યોજનાની ૨૫ રીલ્સ બનાવીને અપલોડ કરી છે.’  

પર્સનલી પણ જવાબો આપે 

રીલ્સ બનાવીને અપલોડ કર્યા પછી ટૂંકા ગાળામાં એનાં સુખદ પરિણામ જોવા મળ્યાં એની વાત કરતાં રિપિન ગામીત કહે છે, ‘રીલ્સ બનાવીને અપલોડ કર્યા બાદ અત્યાર સુધીમાં ૧૧ લાખથી ‍વધુ વ્યુ આવ્યા છે. આટલા લોકોએ રીલ્સ જોઈ અને શૅર કરી છે. લોકોએ રીલ્સ જોઈ એટલું જ નહીં, માહિતી મેળવવા માટે લોકો મને મળવા આવે છે તેમ જ મારા પર લોકોના મેસેજ અને ફોન કૉલ્સ આવી રહ્યા છે. તાપી જિલ્લા ઉપરાંત કચ્છ, પોરબંદર, બનાસકાંઠા, ભરૂચ, વાંસદા, નેત્રંગ સહિત ગુજરાતભરમાંથી ફોન અને મેસેજ આવી રહ્યા છે અને લોકો પૂછે છે કે આ યોજનામાં કેવી રીતે અરજી કરવી, અરજી ક્યાં કરવાની, એમાં કયા ડૉક્યુમેન્ટ જોઈએ, કેટલા સમયમાં અરજી કરવાની એ સહિતની માહિતી પૂછી રહ્યા છે અને તેમને જવાબ આપું છું. સોશ્યલ મીડિયા મજબૂત પ્લૅટફૉર્મ છે અને એના થ્રૂ તમે મૅક્સિમમ લોકો સુધી પહોંચી શકો છો પણ એનો ઉપયોગ સારી રીતે થવો જોઈએ.’ 

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરકુવા ગામે રહેતા મયંક ગામીતે રિપિન ગામીતની રીલ્સ જોઈ અને તેમને થયું કે હું પણ રિપિનભાઈ પાસેથી માહિતી મેળવું એટલે ફોન કરીને તેમને રૂબરૂ મળીને યોજના વિશે જાણકારી મેળવીને ફૉર્મ ભર્યું એ વિશે વાત કરતાં મયંક ગામીત ‘મિડ-ડે’ને કહે છે, ‘હું દિવ્યાંગ છું અને રિપિનભાઈની રીલ્સમાં તેના વિશે જાણ્યું હતું એટલે મને થયું કે પૂરી માહિતી મેળવવા માટે તેમને મળું, પણ મારી પાસે તેમનો નંબર નહોતો એટલે મારા ગામમાં તેમને ઓળખતા ભાઈ પાસેથી નંબર મેળવીને ફોન કર્યો હતો. રિપિનભાઈએ મને ફોન પર પેન્શન યોજના વિશે સમજાવીને અરજી કરવા માટે ડૉક્યુમેન્ટ સાથે વ્યારામાં આવેલા જિલ્લા સેવા સદનમાં બોલાવ્યો હતો અને ગઈ ૧૦ સપ્ટેમ્બરના અમે મળ્યા હતા અને તેમણે મને અરજી કરાવી છે. રિપિનભાઈ લોકો માટે ઘણું સારુ કામ કરી રહ્યા છે. યોજનાઓ વિશે સારી માહિતી પૂરી પાડે છે જે અમારા સહિતના લોકો માટે ઉપયોગી બની રહે છે.’  

રિપિન ગામીતની આવાસ યોજના રીલને ૨.૮૫ લાખ લોકોએ, બાજપાઈ બૅન્કેબલ યોજનાની રીલને ૧.૭૬ લાખ લોકોએ અને વ્યક્તિગત આવાસ યોજનાની રીલને ૧.૩૮ લાખ લોકોએ જોઈ છે. રિપિન ગામીતના આ રચનાત્મક કાર્યથી લોકો તેમને રીલ સરપંચ તરીકે ઓળખવા લાગ્યા છે. આ રીલ સરપંચે અપલોડ કરેલી રીલ્સને તમે ઇન્સ્ટાગ્રામ પર @ripin_g અકાઉન્ટ પર જોઈ શકો છો. 

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2025 01:51 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK