અમિતાભ બચ્ચન સાથે કૌન બનેગા કરોડપતિ શોથી લઈને યુનાઇટેડ નેશન્સના અધિવેશન સુધી ડંકો વગાડી આવનારાં આ સરપંચે કઈ રીતે લોકોના દિલ પર રાજ કરીને ગ્રામસેવા કરી છે એની સફર જાણીએ
હૉકીની ટ્રેઇનિંગમાં રોજ છોકરીઓ સાથે ગ્રાઉન્ડમાં નીરુ યાદવ હોય જ હોય.
એક સ્ત્રી ધારે તો કંઈ પણ કરી શકે છે એ વાત માત્ર શહેરની અને સુવિધાઓ વચ્ચે ઊછરેલી સ્ત્રીઓ પૂરતી જ સીમિત નથી. હરિયાણામાં જન્મેલાં નીરુ યાદવે લગ્ન પછી રાજસ્થાનના એક ગામને પોતાની કર્મભૂમિ બનાવીને મહિલાઓના સશક્તીકરણ થકી ગામની કાયાપલટ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
એક સ્ત્રી થકી જ પરિવાર બને છે અને પરિવાર થકી ઘર. ઘરોનો સમૂહ જ સમાજ બનાવે છે અને સમાજ થકી આપનો દેશ. એનો સીધો અર્થ એ થાય કે ઘર હોય, સમાજ હોય કે દેશ, મહિલાઓનું યોગદાન દરેક જગ્યાએ છે. સ્ત્રીની ક્ષમતાને અવગણીને સમાજ કે દેશના વિકાસની કલ્પના કે વિચાર પણ અસ્થાને છે. એમાં પણ આજના આધુનિક સમયમાં તો મહિલા જમીનથી લઈને ચાંદ સુધીની સફરમાં અર્થાત્ દરેક ક્ષેત્રે પુરુષો સાથે ખભેખભા મિલાવીને પોતાની ઉપયોગિતા અને ક્ષમતા સાબિત કરી રહી છે. એક સામાન્ય માન્યતા એવી છે કે ગામડાની મહિલાઓની સરખામણીએ શહેરમાં રહેતી મહિલાઓએ ઓછી કઠણાઈઓનો સામનો કરવો પડે છે જેનું એક કારણ એ છે કે શહેરની મહિલાઓ પાસે સંસાધનો અને સુવિધાઓની ભરમાર હોય છે, જ્યારે ગામડામાં કે નાના કસબામાં રહેતી મહિલાઓને એટલી સુવિધા નથી હોતી અને કદાચ આ જ કારણથી શહેરની મહિલા સામે ગામડાની મહિલા પાછળ રહી જતી હોય છે.
ADVERTISEMENT
જોકે આ બધી જ માન્યતાઓ અને ધારણાઓને નીરુ યાદવ એટલે કે ‘હૉકીવાલી સરપંચ’એ ખોટી પાડી દેખાડી છે. આ મહિલાની કહાણી આપણને એ સમજાવે છે કે મક્કમતાથી નક્કી થયેલો નિર્ધાર કોઈ પણ લક્ષ્ય પૂર્ણ કરી દેખાડે છે. આજે આખા દેશમાં નીરુ યાદવ હૉકીવાલી સરપંચ તરીકે મશહૂર છે. બદલાતા ભારતમાં સશક્ત નારીની ભૂમિકા શું છે એ નીરુ યાદવ દ્વારા વિદિત થતું હોય એમ લાગે છે. રાજસ્થાનનો ઝુંઝુનૂ જિલ્લો અને એ જિલ્લાની લાંબી અહીર તહસીલ. આ લાંબી અહીર તહસીલ એટલે એમ સમજો કે જાણે નીરુ યાદવની કર્મભૂમિ! કોણ છે નીરુ યાદવ? લાંબી અહીર ગ્રામપંચાયતનાં સરપંચ કઈ રીતે બન્યાં અને તેમને કેમ કહેવાય છે હૉકીવાલી સરપંચ? તો એના જવાબ માટે એક નાનકડી કહાણી જણાવવી પડે.
કોણ છે નીરુ યાદવ?
મૂળ હરિયાણાનાં નિવાસી નીરુ યાદવનું બાળપણ તો હરિયાણામાં જ વીત્યું. આમેય આપણે જાણીએ છીએ કે આલા દરજ્જાના ઍથ્લીટ્સથી લઈને બૉક્સર, પહેલવાન અને ખેલાડીઓ ભારતને આપવામાં હરિયાણા રાજ્યનું ખૂબ મોટું યોગદાન છે. ક્યારેક તો એવું થાય કે કદાચ ખેલનાં બીજ જેટલાં હરિયાણાની ધરતીમાં ધરબાયેલાં છે એટલાં બીજે ક્યાંય નહીં હોય. એવા હરિયાણાની નીરુ જ્યારે સ્કૂલમાં ભણતાં હતાં ત્યારથી જ તેમને હૉકી નામના સ્પોર્ટ્સ સાથે જબરદસ્ત લગાવ હતો, પરંતુ પોતે એ ખેલની માઇલસ્ટોન ખેલાડી ન બની શક્યાનો અફસોસ તેમને એ તબક્કા સુધી લઈ આવ્યો કે તેમનું નામ જ હૉકીવાલી સરપંચ પડી ગયું.
સાયન્સ સ્ટ્રીમ સાથે ભણતર કરીને નીરુએ સાયન્સમાં માસ્ટર્સ કર્યું અને ત્યાર બાદ MEdની પણ ડિગ્રી મેળવી. કહેવાય છે કે ભણતરની કોઈ ઉંમર કે કોઈ સીમા નથી હોતી. માસ્ટર્સ કર્યા પછી પણ નીરુની ભણતરની ભૂખ ઓછી નહોતી થઈ એટલે તેમણે PhD પણ કર્યું અને બન્યાં ડૉ. નીરુ યાદવ. રાજસ્થાનમાં રહેતા એન્જિનિયરસાહેબ અશોક યાદવ સાથે તેમનાં લગ્ન થયાં અને હરિયાણાનું હીર રાજસ્થાન આવી ગયું. નાનકડું ગામડું અને મહત્તમ વસ્તી ખેતી પર નભનારી. ઝુંઝુનૂ જેવા મોટા ગામડામાં સ્ત્રીઓ પર ભણતરનો પ્રભાવ હજીયે એટલો નહોતો કે જેટલું નીરુ ભણ્યાં હતાં એટલું ભણવાનું તો ક્યારેય કોઈ વિચારી પણ શકે. જોકે નીરુને ભલીભાંતિ ખબર હતી કે પોતાના ભણતરનો સદુપયોગ કઈ રીતે કરવો. લગ્ન પછી તરત તેમણે પોતાના ગામમાં સમાજસેવા અને ઉન્નતિ માટે કામ કરવાનું શરૂ કર્યું.
ગામનાં વિકાસ કાર્યોમાં નીરુ યાદવે વધુ ને વધુ બહેનોને સહભાગી બનાવી છે.
એવામાં નીરુ સાથે તેમના પતિને વિચાર આવ્યો કે સમાજ માટે ખરેખર જો કશુંક માતબર કરવું હોય તો સરકારની વ્યવસ્થામાં દાખલ થવું પડશે. ૨૦૨૦માં તેમણે ગ્રામપંચાયતની ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો. ગ્રામવાસીઓ તો આમેય નીરુ, તેમના આશય અને તેમની કામગીરીથી માહિતગાર હતા જ. ચૂંટણીમાં મતદાન કરવાનો મોકો આવ્યો ત્યારે બધા ગ્રામવાસીઓએ એનો પડઘો નીરુને ભારી સંખ્યામાં વોટ આપીને પાડ્યો. મોટા માર્જિન સાથે નીરુ ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિજયી થયાં અને ઝુંઝુનૂ જિલ્લાના લાંબી અહીર ગામનાં પહેલાં મહિલા સરપંચ તરીકે નીરુ યાદવ ચૂંટાઈ આવ્યાં.
તો પછી હૉકીવાલી સરપંચ કોણ છે?
સરપંચ તરીકે ચૂંટાઈ આવતાંની સાથે જ સૌથી પહેલું કામ નીરુએ વાસ્તવિકતાને ખોટી પાડવાનું કર્યું. પોતાનાં સામાજિક કાર્યો દરમ્યાન નીરુ યાદવે નોંધ્યું-જોયું હતું કે ગામડાંઓમાં સામાન્ય રીતે સ્ત્રીઓનાં અને એમાંય છોકરીઓનાં કોઈ સપનાં હોઈ શકે, તેમની પણ કોઈ ઇચ્છા કે લક્ષ્ય હોઈ શકે એવું કોઈ વિચારતું નહોતું. એટલું જ નહીં, છોકરીઓને ખાસ કોઈ સપોર્ટ પણ કરતું નહોતું. એવામાં નીરુને ખબર પડી કે તેમના ગામમાં પણ કેટલીક એવી છોકરીઓ છે જે હૉકીમાં રસ ધરાવે છે અને તેમને હૉકી રમવાનો મોકો મળે તો તેઓ ઉત્સાહથી રમવા તૈયાર છે.
કુછ અધૂરી ખ્વાહિશેં થી બચપન મેં...! નીરુને પણ પોતાનું બાળપણ યાદ આવ્યું જ્યારે તેઓ હૉકી રમવા માગતાં હતાં. હૉકી એ દૃષ્ટિએ પણ તેમના દિલની નજીકનો ખેલ હતો. એક ઉત્કૃષ્ટ લીડરમાં જે મૂળભૂત ગુણ હોવો જરૂરી છે એ છે દૂરંદેશી. નીરુ જાણતાં હતાં કે તેમના ગામની છોકરીઓને હૉકી રમવાની ઇચ્છા છે અને તેઓ સપોર્ટ કરશે તો એટલામાત્રથી વાત પૂરી નથી થઈ જવાની. એ માટે મા-બાપ કે વડીલોને મનાવવાં પડશે, ગામની માનસિકતા બદલવી પડશે. સામાન્ય રીતે આપણો રમવાનો સમય કયો હોય છે? સવારના અથવા સાંજે, ખરુંને? જ્યારે અહીં તો સૌથી મોટો પ્રશ્ન જ અહીંથી શરૂ થતો હતો. બીજાં હજારો ગામડાં અને શહેરોની જેમ જ લાંબી અહીરના લોકોનાં ઘરોમાં પણ એવી આશા રખાતી હતી કે ઘરની છોકરી ઘરકામમાં મદદ કરે, રસોઈ બનાવવાથી લઈને સાફ-સફાઈ, ઝાડુ-કચરો-કપડાં વગેરે કામો શીખે. એમાં પણ વળી લાંબી અહીર તો મોટા ભાગની ખેડૂતવસ્તી ધરાવતું ગામ. એમાં વળી રમતગમત આવે એટલે સ્વાભાવિક છે કે એમાં છોકરાઓ પણ હોવાના જ. તો પોતાના ઘરની દીકરી અજાણ્યા છોકરાઓ સાથે રમશે, તેમની સાથે-સામે દોડ-કૂદ કરશે એ વિચારમાત્રથી જ ઘરમાંથી ‘ના’ આવી જવાની હતી એ સ્વાભાવિક હતું. નીરુએ આ બીડું ઝડપ્યું અને ઘરે-ઘરે જઈને અંગત મુલાકાતો દ્વારા વાતચીત કરવા માંડી.
સૌથી પહેલી દલીલ એ આવી કે ‘અમારે ઘરની દીકરીને રમાડીને શું કરવું છે? તે તો વાવણી-લણણી કરશે. ખેતરમાં પાક ઊભો છે એની કાપણી કોણ કરશે? કોઈ જરૂર નથી.’
ત્યારે આત્મવિશ્વાસપૂર્વક નીરુનો જવાબ હતો કે ‘મને કહો કે તમે આખી જિંદગી વાવણી-લણણી અને ચૂલો-ચોકો કરીને શું કર્યું? દીકરીની ઉંમર નાની છે અને તેને મોકો મળી રહ્યો છે તો શું કામ તેને રોકવી જોઈએ? શું તમે પણ એ ચાહો છો કે તમારી દીકરી પણ તમારી જેમ આખી જિંદગી માત્ર આ જ ઢસરડા કરતી રહે?’
હાથમાં હૉકી, પણ જરૂર મેદાનની
ઘરની દરેક વ્યક્તિને સમજાવીને દીકરીઓને રમવા દેવા માટે મંજૂરી તો મેળવી, પણ એ મંજૂરી મળી એક શરતે. મોટા ભાગનાં મા-બાપે શરત મૂકી કે સરપંચસાહેબ, તમે ખાતરી આપો કે અમારી છોરી રમવા જાય ત્યારે તમે તેની સાથે હશો અને તમે તેમને સમય આપશો. નીરુએ આ શરતને હુકમ તરીકે માથે ચડાવી લીધી અને શરૂ થયો એક નવો દોર કપરા નિર્ણયો લેવાનો. સૌથી પહેલો નિર્ણય નીરુ યાદવે પોતાની હકની આવક જતી કરવાનો કર્યો. જી હા, સરપંચ તરીકે જે પગાર મળતો હતો એ આખો પગાર કાયમ માટે તેમણે દીકરીઓની હૉકીને આપી દેવા નિર્ધાર્યું. ત્યાર બાદ જેમ-તેમ હૉકી રમવા માટેનું મેદાન બનાવવામાં આવ્યું અને સરકારના માથે ભાર ન નાખતાં પોતાના ખર્ચે એક હૉકી કોચને પણ રિક્રૂટ કરવામાં આવ્યા. આટલા બધા નિર્ણયો પણ હજી જાણે ઓછા હતા તે નીરુએ એ ખેલાડીઓને કહ્યું કે તમારી સાથે પ્રૅક્ટિસમાં હું પણ રોજ સવારે ગ્રાઉન્ડ પર આવીશ. બસ, એ દિવસથી નીરુ યાદવે પોતાના મૂળ નામની ઓળખ ખોઈ દીધી અને તેમને નવું લાડકું નામ મળ્યું ‘હૉકીવાલી સરપંચ.’
આજે પણ નીરુ દરરોજ સવારે ચૂક્યા વિના છોકરીઓની એ હૉકી ટીમ સાથે પ્રૅક્ટિસ કરવા મેદાન પર હાજર રહે છે. શુભ ઉદ્દેશ અને સાચા દિલથી થઈ રહેલી મહેનતનું પરિણામ એ આવ્યું છે કે નીરુ યાદવ ઉર્ફે હૉકીવાલી સરપંચની એ હૉકી ટીમ ગ્રામીણ ઑલિમ્પિક્સમાં બ્લૉક લેવલ સુધી વિજેતા થઈ ચૂકેલી ટીમ છે. ત્યાર બાદ સ્ટેટ લેવલ સુધી પણ આગામની હૉકી ટીમની ખેલાડીઓ રમવા ગઈ અને હવે તેમનું લક્ષ્ય છે કે નૅશનલ લેવલ પર રમવાનું. એ માટે નીરુ અને તેમની હૉકીની પ્લેયર્સ જબરદસ્ત તૈયારીઓ પણ કરી રહી છે.
ઓળખાણ અનોખી, કામ અનોખાં
એકમાત્ર હૉકી જ લક્ષ્ય નથી નીરુનું. પોતાના ગામને એક આદર્શ ગામ કઈ રીતે બનાવાય એ માટેના બધા પ્રયાસો આ હૉકીવાલી સરપંચ કરતી હોય છે. બસ, ફરક માત્ર એટલો છે કે તેમના વિચારો અને કાર્યો અનોખાં હોય છે. નીરુ યાદવે જોયું કે રોજિંદી જિંદગીમાં અને પ્રસંગો દરમ્યાન પણ ગામમાં અનેક રીતે બગાડ થાય છે અને સાથે પ્રદૂષણ પણ. બગાડ એટલે ખાવાની ચીજવસ્તુઓનો અને પ્લાસ્ટિક વગેરેનો. તો ઉપાય તરીકે નીરુએ બે વિકલ્પો ઊભા કર્યા : એક, બર્તન બૅન્ક અને બીજો, રીસાઇક્લિંગ!
કહાણી કંઈક એવી છે કે નીરુ યાદવ એ સમયે નવાં-નવાં સરપંચ બન્યાં હતાં. ગામમાં એક ગાય ખૂબ બીમાર હોવાની તેમને જાણ થઈ અને તેમણે તરત ડૉક્ટર સાથે વાતચીત કરીને ઇલાજ માટે દોડાદોડી કરવા માંડી. એ બીમાર ગાયનું ઑપરેશન કરવામાં આવ્યું અને પરિણામ આઘાતજનક હતું. ગાયના પેટ અને પાચનતંત્રમાં જબરદસ્ત ઇન્ફેક્શન લાગી ગયું હતું, કારણ કે એ ભૂખી ગાય મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ખાઈ ગઈ હતી. એના પેટમાંથી પ્લાસ્ટિકનો મોટો જથ્થો કાઢવામાં આવ્યો છતાં એ ગાય બચી ન શકી. મૃત્યુ પામેલી એ ગાયની હાલત જોઈને નીરુબહેને નક્કી કર્યું કે ગામની હવા-જમીનમાંથી દરેક પ્રકારના પ્રદૂષણને નાબૂદ કરવું જરૂરી છે. આખા ગામને ભેગું કરીને નીરુએ નિર્ણય કર્યો કે આપણે આપણા ગામને પ્લાસ્ટિકમુક્ત કરવું છે. એ માટે તેમણે બે મોટાં પગલાં લીધાં.
નીરુ યાદવ ટ્રૅક્ટર ચલાવીને પુરુષોની ખેતીની સમસ્યાઓ પણ સૂલઝાવે છે અને ગામનાં બાળકોના ભણતરમાં પણ સહભાગી થાય છે.

લાંબી અહીર ગ્રામપંચાયત દ્વારા એક બર્તન બૅન્ક શરૂ કરવામાં આવી અને જૂના ડ્રેસિસ, શર્ટ્સ, પૅન્ટ્સમાંથી થેલીઓ બનાવવાનું કામ ગામની મહિલાઓને શીખવવાનું શરૂ કરવામાં આવ્યું, જેથી આખા ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી શકાય. આજે પરિણામ એ છે કે નીરુ યાદવ પોતાની બર્તન બૅન્કમાં આઠથી દસ હજાર વાસણોની જોડી ધરાવે છે અને આખા ગામમાં કોઈ પણ પ્રસંગ હોય તો એ વાસણો મફતના ભાડાએ ભાડે અપાય છે. જી હા, મફતનું ભાડું. અર્થાત્, જેમને વપરાશ પછી એ વાસણોનું યથાશક્તિ ભાડું આપવું હોય તે આપી શકે અને ન આપી શકે તો પણ વાંધો નથી. આમ પોતાના ગામની જ મહિલાઓને કપડામાંથી થેલીઓ અને બૅગ્સ બનાવવાનું શીખવવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ તો બંધ થયો જ, સાથે જ તેમને રોજગાર પણ મળતો થયો.
કૌન બનેગા કરોડપતિ અને UN

હૉકીવાલી સરપંચ અમિતાભ બચ્ચનને ‘કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૫’માં મળી હતી. એને કારણે નીરુ યાદવને આખો દેશ ઓળખતો થયો હતો અને તેમની કામગીરીની વાતો સાંભળીને અમિતજી પણ એટલા અભિભૂત થઈ ગયા હતા કે તેમણે કહ્યું હતું કે આખા દેશને નીરુ યાદવ જેવાં દૂરંદેશી મહિલા લીડર માટે ગર્વ છે અને તેમની અનોખી કામગીરી અને યોગદાન પ્રભાવિત કરનારાં છે.

૨૦૨૩માં ભારતનાં આ સરપંચને યુનાઇટેડ નેશન્સ તરફથી યુનાઇટેડ નેશન્સ અધિવેશનમાં જવાનું આમંત્રણ મળ્યું અને ત્યાં તેમને મહિલા સશક્તીકરણ અને મહિલાઓના યોગદાન વિશે વ્યાખ્યાન આપવાનું થયું. ભારત શું છે અને એની ઓળખાણ શું છે એ વિશેના સંસ્કૃત શ્લોક સાથે પોતાના વક્તવ્યની શરૂઆત કરીને નીરુ યાદવે UNOના એ કાર્યક્રમમાં હાજર તમામને અભિભૂત કરી મૂક્યા હતા. એમાં તેમણે કહ્યું હતું કે અમારા ભારતમાં મહિલાઓને નેતૃત્વના સંસ્કાર અને જવાબદારી બાળપણથી જ પરિવાર દ્વારા મળતી હોય છે, કારણ કે ભારત એક સહકુટુંબ પરિવાર-વ્યવસ્થામાં રહેનારો દેશ છે અને દરેક પરિવારને એકઠો રાખવાનું અને એનું નેતૃત્વ કરવાનું કામ મહિલા જ કરતી હોય છે. આટલા ઉમદા વિચારો એક અનોખા લીડરના જ હોઈ શકે.
મહિલા સશક્તીકરણનો નિર્ધાર
નીરુ યાદવ પોતે સતત એ ધ્યાન આપે છે કે ગામની કોઈ પણ દીકરી સ્કૂલિંગ પછી આગળ ભણવા માગતી હોય તો તેનો અભ્યાસ ટ્રાન્સપોર્ટેશનના અભાવ કે તકલીફને કારણે, આર્થિક અગવડને કારણે અટકે નહીં. આ હૉકીવાલી સરપંચ હવે એ નિર્ધાર લઈને બેઠાં છે કે ઝુંઝુનૂના લાંબી અહીર અને એની આસપાસનાં ગામોમાં કોઈ પણ નિરક્ષર ન રહેવું જોઈએ. એટલું જ નહીં, તેમણે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત પોતાની પંચાયતમાંથી ૧૫ દીકરીઓને જયપુરમાં મફત ટ્રેઇનિંગ પણ અપાવડાવી. આ બધી જ દીકરીઓ આજે નોકરી કરી રહી છે. આટલું ઓછું હોય એમ નીરુ યાદવે એ પણ નિશ્ચિત કર્યું છે કે તેમના ગામની દીકરી અને દીકરાઓ કમ્પ્યુટરના શિક્ષણમાં પણ પાછળ ન રહે અને એટલે પોતાના ગામમાં કમ્પ્યુટર ક્લાસિસ પણ શરૂ કરાવ્યા.
સામાન્ય રીતે ભણેલી-ગણેલી છોકરીઓ ગામથી શહેર તરફ પ્રયાણ કરતી હોય છે, પરંતુ નીરુ યાદવ આ દેશની એવી દીકરી છે જેણે માસ્ટર્સ અને PhD કર્યું હોવા છતાં શહેરથી ગામ તરફ પ્રયાણ કર્યું. તેમની આ સફર અને નિર્ણય કેટલાં અનોખાં છે, તેઓ કેટલાં જબરદસ્ત ટૅલન્ટેડ અને દૂરંદેશી નેતા છે એ વાતની અનેક સાબિતીઓ નીરુ હમણાં સુધી આપી ચૂક્યાં છે. આ દેશનાં ગામો અને શહેરોને એક નવી દિશા આપી શકનારાં હૉકીવાલા સરપંચ, દેશને ખરેખર જ તમારા પર ગર્વ છે.
