‘મિડ-ડે’નાં પલ્લવી આચાર્યએ આ મહાકાવ્યના ગુજરાતી અનુવાદક ડૉ. વિજય પંડ્યા સાથે કરેલી ગહન વાતો અહીં પ્રસ્તુત છે
ડૉ. વિજય પંડ્યા
મૂળ વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિનો ગુજરાતી અનુવાદ આજે સંવિત્તિ સંસ્થા દ્વારા કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના સહયોગથી થનારા કાર્યક્રમમાં મોરારીબાપુના હસ્તે લોકાર્પણ થવાનો છે ત્યારે ‘મિડ-ડે’નાં પલ્લવી આચાર્યએ આ મહાકાવ્યના ગુજરાતી અનુવાદક ડૉ. વિજય પંડ્યા સાથે કરેલી ગહન વાતો અહીં પ્રસ્તુત છે
ભારતીય સંસ્કૃતિનાં બે મહાન આદિ કાવ્યોમાંનું એક વાલ્મીકિ ઋષિ રચિત રામાયણ હજારો વર્ષ પૂર્વે લખાયું હતું એટલે એની મૂળ કૉપી સ્વાભાવિક છે કે ઉપલબ્ધ ન હોય, પણ એની સમીક્ષિત કૉપી દુનિયામાં સૌપ્રથમ વાર ગુજરાતના વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ તૈયાર કરી અને એનો ગુજરાતીમાં અનુવાદ દેશમાં સૌપ્રથમ વાર અમદાવાદમાં રહેતા ડૉ. વિજય પંડ્યાએ કર્યો જેના સાતે કાંડ મળીને ૧૮,૭૬૬ શ્લોક છે. સાતમાંથી પુસ્તકરૂપે પ્રકાશિત ત્રણ કાંડ બાલકાંડ, અયોધ્યાકાંડ અને સુંદરકાંડનું આજે સંત શિરોમણિ પૂ. મોરારીબાપુના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે. મહાકાવ્યનું આ મહાન કાર્ય ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવની ઘડી છે. કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES)ની ઇન્ટરનૅશનલ સ્કૂલના વિશાળ પ્રાંગણમાં આજે સાંજે કળા, સાહિત્ય, સંગીત, સંસ્કૃતિ અને જ્ઞાન-વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે કામ કરતી સંસ્થા સંવિત્તિ દ્વારા KESના સહયોગમાં વાલ્મીકિ વંદનાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે આજે આપણે મળીએ ૧૭ વર્ષની મહેનતથી આ ઐતિહાસિક કાર્યને પાર પાડનારા સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રાચ્યવિદ્યાવિદ (ઇન્ડોલૉજિસ્ટ) અમદાવાદના ૮૦ વર્ષના ડૉ. વિજય પંડ્યાને.
ADVERTISEMENT
સમીક્ષિત આવૃત્તિ એટલે શું?
ઋષિ વાલ્મીકિનું રામાયણ કે જે રામકથા આપણે જાણીએ છીએ એ ત્રણ હજાર વર્ષ પ્રાચીન છે. ઈસવી સન પૂર્વે ૮૦૦માં એ લખાયું હતું. એટલું જ નહીં, એ પહેલાં આ સ્વરૂપમાં આવતાં પણ એને વરસો લાગી ગયાં હશે. એ સમયે આ ગ્રંથ ભોજપત્ર (તાડપત્ર) પર લખાયો હતો જેની કોઈ જ પ્રત આજે ઉપલબ્ધ નથી. ન મળે એ સ્વાભાવિક છે, પરંતુ એ પછીના સમયમાં એની ઘણી નકલો થઈ. હવે થયું એવું કે આ નક્લોમાં વાલ્મીકિએ ન લખી હોય એવી ઘણીબધી વાતો અને પ્રસંગો પ્રવેશતાં ગયાં.
મૂળ વાલ્મીકિ રામાયણને વિવિધ સંશોધનો, તથ્યો, હજારથી વધુ હસ્તપ્રતો અને આધારોનો અભ્યાસ કરીને ગૌરીપ્રસાદ ઝાલા, ડોલરરાય માંકડ, ગોવિંદપ્રસાદ ભટ્ટ, વૈદ્ય પી. એલ. અને ઉમાકાન્ત શાહ સહિતના સંસ્કૃતના વિદ્વાનોની મંડળી દ્વારા બનેલી એક સમિતિએ રામાયણમાં મૂળ વસ્તુ સિવાયની જે બાબતો અને પ્રસંગો ઘૂસી ગયાં હતાં એ દૂર કર્યાં અને મૂળ રામાયણના પ્રસંગોને ઉમેરી જે કૉપી બનાવી એ છે રામાયણની સમીક્ષિત આવૃત્તિ. આ કૉપી બનાવવાનું કામ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એક સંસ્થા પ્રાચ્ય વિદ્યામંદિર (ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ)એ કર્યું. જુદા-જુદા વિદ્વાનોને સાતેય કાંડનું કામ સોંપવામાં આવ્યું જેમણે ૧૯૫૧માં આ કામ શરૂ કર્યું અને ૧૯૭૫માં ૨૫ વર્ષની આકરી મહેનત કરીને પૂરું કર્યું. વિશ્વમાં રામાયણની સમીક્ષિત કૉપી ગુજરાતમાં તૈયાર થઈ છે એ ગુજરાત માટે ગર્વની વાત છે.
શું વાલ્મીકિ રામાયણ અલગ છે?
વાલ્મીકિ રામાયણ મૂળ રામાયણ છે અને એની જ સમીક્ષિત આવૃત્તિ થઈ છે. લોકો આજે જે રામકથા જાણે છે એ તુલસીદાસજીના રામાયણની છે અને હવે તો રામાનંદ સાગરની રામાયણ સિરિયલના આધારે જાણે છે. વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસના રામાયણમાં ઘણો ફરક છે. તુલસીદાસનું રામાયણ લોકપ્રિય છે અને રામાયણની સમીક્ષિત આવૃત્તિ શાસ્ત્રીય છે. લોકપ્રિયતા અને શાસ્ત્રીયતા જુદી-જુદી બાબત છે. આજે જો વાલ્મીકિનું મૂળ રામાયણ હાથ લાગી જાય તો એ આ સમીક્ષિત આવૃત્તિ જેવું જ હોય. આ કૉપી શાસ્ત્રીય, સાયન્ટિફિક, વૈજ્ઞાનિક તથ્યો સાથેની હોય છે.
મૂળ વાલ્મીકિ રામાયણમાં કેવા ફેરફારો થયા?
તુલસીદાસ સહિતના લોકપ્રિય રામાયણમાં લક્ષ્મણરેખાની વાત છે કે લક્ષ્મણે પર્ણકુટિ આગળ એક રેખા દોરી સીતામાતાને એનાથી બહાર ન જવા કહ્યું હતું. બીજું, રામે ધોબીના કહેવાથી સીતાનો ત્યાગ કર્યો હતો. આવા કેટલાક પ્રસંગો વાલ્મીકિ રામાયણમાં નથી, પછીથી ઉમેરાયા હતા. એ જ રીતે ચિત્રકૂટ પર્વત છોડીને રામ, સીતા અને લક્ષ્મણ દંડકારણ્યમાં આવે છે. અહીં સીતા રામને કારણ વિના રાક્ષસોના વધની ક્રૂરતા ન કરવા કહે છે. બીજું, સરભંગ ઋષિના આશ્રમમાં મળવા આવેલા ઇન્દ્ર રામને જોઈને જતા રહે છે, કારણ આ રામાયણમાં રામને ભગવાન તરીકે નહીં પણ માણસ તરીકે પેશ કરાયા છે. તેમનું દેવત્વ અહીં ઢંકાયેલું છે. રામ મનુષ્ય તરીકે જ વર્તે છે. આ રામાયણમાં રામ કહે છે કે હું દશરથનો પુત્ર મનુષ્ય રામ છું. સમીક્ષિત કૉપીનો આ સૌથી મોટો ફરક છે. રામાયણની સમીક્ષિત આવૃત્તિ સંસ્કૃત ભાષામાં છે, જ્યારે તુલસીદાસ સહિતનું રામાયણ અવધિ અને બીજી પ્રાદેશિક ભાષાઓમાં છે.
આવડા મોટા ગ્રંથનો અનુવાદ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
ગુજરાત યુનિવર્સિટીમાં હું ભણાવતો હતો ત્યારે ૨૦૦૩-’૦૪માં સિલેબસમાં સુંદરકાંડ હતો. હવે થયું એવું કે આ અભ્યાસ માટે ક્યાંયથી કોઈ જ મટીરીયલ પ્રાપ્ત નહોતું તેથી મેં રામાયણની જે સમીક્ષિત કૉપી હતી એમાંથી સુંદરકાંડનો અનુવાદ વિદ્યાર્થીઓ માટે કર્યો. આ દરમિયાન મને ખ્યાલ આવ્યો કે બીજા પણ કોઈ જ કાંડનો અનુવાદ ક્યાંય નથી, કોઈ ભાષામાં નથી. વિશ્વની પણ કોઈ જ ભાષામાં એ નથી. આમ મેં સાતે કાંડનો અનુવાદ ગુજરાતીમાં કરવાનું નક્કી કર્યું અને ૨૦૦૪માં કામ શરૂ કર્યું. સુંદરકાંડ પછી બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ અને યુદ્ધકાંડનો અનુવાદ કર્યો. ૨૦૨૦માં આ કામ પૂરું કર્યું છે, પણ હજી કંઈ ને કંઈ સુધારા-વધારા ચાલતા રહે છે. કુલ ૧૮,૭૬૬ શ્લોક છે અને દરેક શ્લોકની બે લાઇન છે. એકલા હાથે આ કામ થયું છે. દરેક કાંડમાં સંસ્કૃત ટેક્સ્ટ સાથે અનુવાદ અને દરેકની પ્રસ્તાવના છે. ભગવાને જ આ કામ મારી પાસે કરાવ્યું છે.
પડકારો કેવા હતા?
આજે પણ રોજ સાડાત્રણથી ચાર વાગ્યે ઊઠીને હું કામ કરું છું. બેથી ત્રણ કલાક કામ કરીને પછી સૂઈ જાઉં અને દિવસ દરમ્યાન જે સમય મળે એમાં પાછું કામ કરું. વહેલી સવારે કામમાં ડિસ્ટર્બન્સ ઓછું હોય. એક વાર હું બહુ જ માંદો પડ્યો. મારા નાકમાંથી સતત પાણી દદડ્યા કરે. મને થયું કે કોરોના થઈ ગયો, પણ ભગવાને બચાવી લીધો. દરેક વખતે રામચંદ્ર બચાવે, ભાઈ, તારે આ કામ કરવાનું છે!બધું જ મેં જાતે પેપર પર લખ્યું છે, ડિક્ટેટ કરતાં કે ટાઇપ કરતાં મને નથી ફાવતું. હું જાતે લખું ત્યારે હું એમાં ઓતપ્રોત થઈ શકું છું.
શ્લોક અને મૂળ છંદ તમે એવા જ રાખ્યા કે બદલાવ કર્યો?
આ મહાકાવ્ય ત્રણથી ચાર હજાર વર્ષ પહેલાંનું છે. એ સમયની ભાષા, વાતાવરણ, રીત-રિવાજ બધું જુદું હોય. હવે આને ગુજરાતીમાં ઉતારતી વખતે ઘણી વાર એવું થાય કે શબ્દો જ ન મળે. વધુ તકલીફ એ પડી કે યુદ્ધકાંડમાં વપરાયેલાં શસ્ત્રોનાં નામ આવે છે એ આજે કયા નામથી ઓળખાતાં હશે? એ કાલ્પનિક છે કે સાચે હશે? જેમ કે શક્તિપ્રપાત છે. આજે શક્તિ એટલે તાકાત, પણ આ શક્તિ શસ્ત્રને શું નામ આપવું? તેથી કેટલાકનું નામ મેં જેમનું તેમ રાખ્યું.
અનુવાદ પણ મેં સમશ્લોકી નથી કર્યો, કારણ કે એમ કરવામાં તમારે તમારું કંઈક ઉમેરવું પડે. અનુષ્ટુપ છંદમાં શ્લોક હોય તો મેં એ છંદમાં નથી કર્યો, કારણ કે છંદ બેસાડવા શબ્દો ઉમેરવા પડે. તેથી મેં અનુવાદ ગદ્યમાં કર્યો છે. મારી જાતનું પ્રક્ષેપણ મારે નહોતું કરવું. મારે વાલ્મીકિને પ્રસ્તુત કરવા છે. બીજું, સંસ્કૃત સમાસપ્રધાન ભાષા છે, ગુજરાતી નથી. જેમ કે તપ:સ્વાધ્યાયનિરત જે રામાયણનો પહેલો જ શબ્દ છે એટલે કે તપ અને સ્વાધ્યાયમાં જે રત એટલે કે તલ્લીન છે તે વાલ્મીકિ. અનુવાદ ગદ્યમાં કરું ત્યારે એ છૂટું પાડી શકાય. શ્લોકમાં એમ ન થઈ શકે.
રામાયણ સાથે આટલો લાંબો સમય રહેવાથી જીવનમાં કોઈ બદલાવ આવ્યો?
રામાયણના અભ્યાસથી હું વધુ સંવેદનશીલ બન્યો. આ એવું મહાન કાવ્ય છે કે એ હૃદયને અસર કર્યા વિના ન રહે. એમાં જે માનવીય મૂલ્યો છતાં થાય છે એ એવાં અદભુત છે કે માનવને માનવીય બનવા પ્રેરે. આ કાર્યથી હું વધુ અંતર્મુખી બન્યો. હું અને મારી લાઇબ્રેરી જ મારું જીવન બની ગયાં.
બાપુએ શું કહ્યું?
એક તો લોકો પુસ્તકો વાંચતા નથી. વાલ્મીકિ રામાયણમાં શું છે એનું લોકોને કુતૂહલ છે, પણ સંસ્કૃતમાં હોવાથી બધા નથી વાંચી શકતા એટલે પ્રકાશિત ત્રણે કાંડ જોઈને બાપુ અત્યંત પ્રસન્ન થયા. તેમણે ત્યાં જ તાત્કાલિક મારું સન્માન કર્યું.
હવે શું કરવાનું આયોજન છે?
રામ સાથે સંકળાયેલી ઘણી કૃતિઓ છે. એમાંનું એક નાટક હનુમનન નાટકમ્ છે જે ૧૪ અંકનું છે. એનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો છું.
શું છે રામાયણ?
વાલ્મીકિ રામાયણ આદિ - સૌપ્રથમ રચાયેલું કાવ્ય - મહાકાવ્ય છે. કાવ્યની શરૂઆત જ વાલ્મીકિથી થઈ. મૈથુનમાં રત ક્રૌંચ પક્ષીને એક પારધિથી વીંધાતું જોઈને વાલ્મીકિના મુખમાંથી જે શ્લોક સરી પડ્યો ત્યાંથી કવિતાનો પ્રારંભ થયો. વાલ્મીકિ રામાયણ ધર્મગ્રંથ છે, કુટુંબકથા છે, આર્ય અને આર્ય નહીં એવા જુદા અભિગમ ધરાવતી બે સંસ્કૃતિની કથા છે. એક પ્રતીકાત્મક કથા અને સૌથી ઉપર એ કાવ્યકૃતિ છે.
ગુજરાત અને ગુજરાતી માટે ગૌરવ કેમ?
દેશની કોઈ પણ ભાષામાં આ સમીક્ષિત આવૃત્તિનો અનુવાદ નથી થયો. ગુજરાતી ભાષા માટે આ બહુ મહત્ત્વનું છે. એકમાત્ર અંગ્રેજી ભાષામાં એનો અનુવાદ અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના ગોલ્ડમૅન અને પાંચ સાથીઓએ મળીને ૨૦૧૭માં કર્યો છે.
અંગત-સંગત
વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિનો ગુજરાતીમાં અનુવાદ કરનારા પ્રખર વિદ્વાન ડૉ. વિજય પંડ્યા પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના કાકણપુર ગામના છે. તેઓ લિટરેચરમાં ડૉક્ટરેટ (ડીલિટ) છે. વેદાંતમાં પીએચડી થયા છે. તેમનાં ૬૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે. સંસ્કૃતમાં તેમના સેવાકાર્ય માટે દેશનો સર્વોચ્ચ અવૉર્ડ રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો છે. આ ઉપરાંત વાલ્મીકિ, બ્રહ્મર્ષિ સહિતના અનેક અવૉર્ડવિજેતા છે. તેઓ પ્રાચ્યવિદ્યાવિદ છે. મુંબઈમાં અભ્યાસ દરમ્યાન સુરેશ જોશી અને મણિલાલ નભુભાઈને મળી હતી એ દક્ષિણા ફેલોશિપ તેમને મળી હતી. વેદાંતમાં હાઇએસ્ટ માર્ક્સ માટે એસ. આર. ભંડારકર પ્રાઇઝ મળ્યું હતું . વિજયભાઈ પત્ની જયાબહેન, દીકરો સંવેદન અને તેની મૅનેજમેન્ટનું ભણતી દીકરી નેતિ સાથે અમદાવાદમાં રહે છે. દીકરી ઝરમર સંસ્કૃત ભણી છે અને હાલ ઑસ્ટ્રેલિયામાં રહે છે.

