Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ફૉરેન જતા યંગસ્ટર્સને કિચનનું અને કુકિંગનું મૅનેજમેન્ટ શીખવે છે આ લેડી

ફૉરેન જતા યંગસ્ટર્સને કિચનનું અને કુકિંગનું મૅનેજમેન્ટ શીખવે છે આ લેડી

Published : 20 February, 2025 02:31 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

માનવું છે કે રસોઈ બનાવવાનું કામ તો ફક્ત પાંચ પર્સન્ટ છે, ૯૫ ટકા કામ મૅનેજમેન્ટનું હોય છે. યંગસ્ટર્સને તેમનાં સમય, પૈસા અને એનર્જી બચાવવાં હોય તો આ મૅનેજમેન્ટ શીખવું જરૂરી છે

કુકિંગ મૅનેજમેન્ટ શીખવી રહેલાં પારુલ શાહ.

કુકિંગ મૅનેજમેન્ટ શીખવી રહેલાં પારુલ શાહ.


વિદેશમાં ભણવા જતા યુવાનોને કુકિંગ શીખવવા માટેના અનેક ક્લાસિસ છે, પણ બોરીવલીમાં રહેતાં પારુલ શાહ ફક્ત કુકિંગ નથી શીખવતાં: તેમનું ફોકસ કિચન અને કુકિંગનું કઈ રીતે મૅનેજમેન્ટ કરવું એના પર હોય છે. તેમનું માનવું છે કે રસોઈ બનાવવાનું કામ તો ફક્ત પાંચ પર્સન્ટ છે, ૯૫ ટકા કામ મૅનેજમેન્ટનું હોય છે. યંગસ્ટર્સને તેમનાં સમય, પૈસા અને એનર્જી બચાવવાં હોય તો આ મૅનેજમેન્ટ શીખવું જરૂરી છે

દીકરી વિદેશમાં ભણવા માટે ગઈ ત્યારે તેને દરરોજ જમવાનું બનાવવામાં અગવડ પડતી હતી. એવું નથી કે તેને જમવાનું બનાવતાં નહોતું આવડતું, પણ ખરી સમસ્યા કિચન અને કુકિંગ મૅનેજમેન્ટના અભાવની હતી. એને કારણે તેનો સમય, પૈસા અને ઊર્જા ત્રણેયનો વેડફાટ થતો હતો. દીકરીના આ અનુભવ પછી એનાથી શીખ લઈને બોરીવલીમાં રહેતાં ૫૪ વર્ષનાં પારુલ શાહે વિદેશમાં સ્ટડી કે જૉબ માટે જતા યુવાનો માટે શરૂ કર્યું આર્ટ ઑફ હેલ્ધી કુકિંગ ઍન્ડ મૅનેજમેન્ટ. આ કોઈ ટિપિકલ કુકિંગ કોર્સ નથી જેમાં અમુક રેસિપીઝ શીખવાડી દેવામાં આવે. આમાં કિચનમાં કયાં અને કેટલાં સાધનો વસાવવાં, ગ્રોસરીનું શૉપિંગ કઈ રીતે કરવું, કેટલા પ્રમાણમાં રાંધવું, ઓછા સમયમાં કઈ રીતે જમવાનું તૈયાર કરાય, કઈ રીતે હેલ્ધી ફૂડ બનાવાય એ બધાં જ પાસાંઓ શીખવવામાં આવે છે.



અનુભવથી શીખ્યું


૨૦૧૯માં આ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં પારુલબહેન કહે છે, ‘મારી મોટી દીકરી ફૅશન બિઝનેસ મૅનેજમેન્ટનો કોર્સ શીખવા માટે ફ્રાન્સના મિલાનમાં ગઈ હતી. ત્યાં તે બીજી યુવતીઓ સાથે રૂમ શૅર કરીને રહેતી હતી. મેં મારી દીકરીને રસોઈ બનાવવાનું શીખવાડ્યું હતું એટલે તેને એ સારી રીતે આવડતું હતું. જોકે તેમ છતાં તેને રોજનું બનાવીને રોજ ખાવામાં તકલીફ પડતી. દરરોજ બહારથી ફૂડ ઑર્ડર કરવાનું પરવડે નહીં. બહારનું જમવાનું હેલ્થ પર પણ અસર પાડે. તમે બીજા ઉપર પણ કેટલા દિવસ ડિપેન્ડ રહી શકો? ઇન્ડિયાથી કેટલું ફૂડ કુરિયર કરી શકીએ? જેટલી કિંમતનો સામાન ન હોય એના કરતાં વધારે તો કુરિયરમાં ખર્ચ થઈ જાય. એ વખતે તેને ત્યાં કઈ-કઈ સમસ્યાઓ આવી રહી છે તે હું જાણતી. એને એક બુકમાં નોટડાઉન કરી લેતી. એ પછી મને સમજાયું કે ફક્ત કુકિંગ શીખવાથી કામ નહીં ચાલે, એની સાથે કિચન અને કુકિંગ મેનેજમેન્ટ શીખવાડવું પણ એટલું જ જરૂરી છે. એટલે મેં વિદેશમાં જતા યુવાનો માટે ખાસ એક કોર્સ ડિઝાઇન કર્યો. એ પછી મેં ૨૦૨૧માં આર્ટ ઑફ હેલ્ધી કુકિંગ ઍન્ડ મૅનેજમેન્ટ શીખવવાની શરૂઆત કરી. આ કોર્સ ૧૨ દિવસનો હોય છે. હું એક બૅચમાં પાંચથી વધારે સ્ટુડન્ટને લેતી નથી. દિવસમાં બે બૅચ હોય છે. એક સવારે ૯-૧૨ અને બીજો ૨-૫ અથવા ૩-૬, જેમ સ્ટુડન્ટને અનુકૂળ પડે.’

મૅનેજમેન્ટ શીખવું કેમ જરૂરી?


ફૉરેન જતા યંગસ્ટર્સ માટે કિચન અને કુ​કિંગ મૅનેજમેન્ટ શીખવું કેમ આવશ્યક છે એ વિશે વાત કરતાં પારુલબહેન કહે છે, ‘આપણા દેશમાં આપણે બિલ્ડિંગની નીચે ઊતરીએ એટલે તરત શાકભાજી, કરિયાણાની દુકાન મળી જાય. ફૉરેનમાં એવું નથી. અહીં તમારે સુપરમાર્કેટ શોધીને જવું પડે. એ માટે અલગથી સમય કાઢવો પડે. અઠવાડિયા કે પંદર દિવસની ગ્રોસરી એકસાથે ઊંચકીને લાવવી પડે. વિદેશની ધરતી પર પગ મૂકીએ એટલે ત્યાં ખર્ચા એટલા થાય અને બધી વસ્તુ મોંઘી એટલી લાગે કે આપણે પૈસા ખર્ચતી વખતે એક-એક રૂપિયાનો હિસાબ રાખવો પડે. વિદેશમાં જતાંવેંત ખર્ચાઓ શરૂ થઈ જાય છે, પણ પૈસા કમાવાનું શરૂ થતાં વાર લાગે છે. એટલે મારો ગોલ એક જ હોય છે, ઇન્ડિયાથી ફૉરેનમાં જતા યંગસ્ટર્સને હું એટલા બધા પ્રિપેર કરીને મોકલું કે ફૂડ પાછળ તેમણે મિનિમમ ખર્ચો કરવો પડે. હું તેમને બે વર્ષનું ગ્રોસરી-પ્લાનિંગ કરીને આપું છું. એટલે પછી ત્યાં જઈને તેમને ફક્ત ફળ-શાકભાજી અને ડેરી-પ્રોડક્ટ્સ જ ખરીદવાં પડે.’

કિચન-મૅનેજમેન્ટ

કુકિંગ શીખવાડતાં પહેલાં પારુલબહેન છોકરાઓને કિચન કેવું હોવું જોઈએ એ શીખવાડે છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું સ્ટુડન્ટ્સને કિચનમાં કયાં કુકવેર અને અપ્લાયન્સિસ હોવાં જોઈએ એની સમજ આપું. સૌથી પહેલાં તો સ્ટવ જોઈએ. હવે ઇન્ડિયામાં તો ફ્લેમવાળો સ્ટવ હોય, પણ ફૉરેનમાં ઇન્ડક્શન સ્ટવ હોય. તો આવા સ્ટવ, અવન આ બધાને સેફલી ઑપરેટ કઈ રીતે કરાય? કિચન અપ્લાયન્સિસનો યુઝ કઈ રીતે કરાય? જમવાનું બનાવવા માટે આપણી પાસે કયાં આવશ્યક વાસણો હોવાં જોઈએ? જનરલી માર્કેટમાં કંઈક નવું દેખાઈ જાય તો આપણે એને ખરીદી લેતા હોઈએ છીએ, આપણને એની જરૂર છે કે નહીં એ વિચારતા નથી. હું જનરલી એ શીખવાડું કે ઓછામાં ઓછાં વાસણોમાં પણ વધુમાં વધુ કુકિંગ કઈ રીતે કરી શકાય. જેમ કે રોટલી બનાવવી હોય તો તવો તો જોઈએ જ, એના વગર ન ચાલે. એવી જ રીતે ગ્રિલ્ડ સૅન્ડવિચ બનાવવી હોય અને ગ્રિલર કે ટોસ્ટર ન હોય તો ચાલે, સૅન્ડવિચને તવા પર પણ શેકીને કામ ચલાવી શકાય. કિચનવેઅરની સાથે કિચન ટૂલ્સ પણ એટલાં જરૂરી હોય છે. કેવાં કિચન ટૂલ્સ લેવાં જોઈએ? જેમ કે એ વજનમાં હળવાં અને આપણે એને ઈઝીલી મૅનેજ કરી શકીએ એવાં હોવાં જોઈએ. કયાં કિચન ટૂલ્સ લેવાં જે તમારા કામને ઝડપી અને ઈઝી બનાવે, એક ટૂલનો ઉપયોગ કઈ રીતે તમે ડિફરન્ટ વેથી કરી શકો એટલે વધુ ટૂલ્સ ન ખરીદવાં પડે વગેરેનું ધ્યાન રાખવું પડે. આપણી પાસે ઘરમાં મોટું કિચન હોય, પણ વિદેશમાં જતાં સંતાનોને એટલી કિચન-સ્પેસ મળવાની નથી. એટલે એક નાના કમ્પાર્ટમેન્ટની અંદર જ કિચનનો બધો સામાન આવી જાય એ રીતે હું તેમને મૅનેજ કરતાં શીખવાડું છું.’

ક્લાસમાં સ્ટુડન્ટ્સને સમજાવી રહેલાં  પારુલ શાહ.

કુકિંગ-મૅનેજમેન્ટ

પારુલબહેનનું માનવું છે કે ફક્ત કુકિંગ શીખવું જરૂરી નથી, પણ એની સાથે જોડાયેલી બીજી કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. આ વિશે સમજાવતાં તેઓ કહે છે, ‘જમવાનું રાંધતી વખતે એને પ્રમાણસર કઈ રીતે રાંધવું એ શીખવું પણ એટલું જ જરૂરી છે. રાંધવાનું હોય એક જણનું અને તમે બનાવી નાખો ત્રણ જણનું તો એમાં અન્નનો બગાડ થાય. એટલે ક્વૉન્ટિટીનું ધ્યાન રાખીને કઈ રીતે રાંધવું એ શીખવું જરૂરી છે. એવી જ રીતે ગ્રોસરીનું શૉપિંગ કરવા જઈએ ત્યારે પણ કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા લોકો અઠવાડિયાનો સામાન થેલા ભરી-ભરીને લઈ આવે. એમ નથી વિચારતા કે ખરેખર એ વસ્તુનો તેઓ ઉપયોગ કરવાના છે કે નહીં. એ પછી એ વસ્તુ પડી-પડી બગડી જાય, એને ફેંકવી પડે. એટલે શૉપિંગ પર જતાં પહેલાં જ જો અઠવાડિયાનું મેનુ તમારું નક્કી હોય તો ખરીદી કરતી વખતે તમને ખબર હોય કે તમારે શું ખરીદવાનું છે અને કેટલું ખરીદવાનું છે. આ બધી ઝીણી-ઝીણી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે; જો તમારે તમારો ટાઇમ, એનર્જી અને મની સેવ કરવાં હોય. યંગસ્ટર્સ ફૅમિલી સાથે હોય તો તેમના પર ભણવા સિવાયની બીજી કોઈ જવાબદારી ન હોય, પણ વિદેશમાં જાય ત્યારે બધી જ વસ્તુ તેમણે જાતે મૅનેજ કરવાની હોય છે. એટલે કુકિંગ શીખવાની સાથે એને ઓછા સમયમાં કઈ રીતે કરી શકાય એ શીખવું પણ એટલું જ જરૂરી છે. જો તમારો મોટા ભાગનો સમય રાંધવામાં જશે તો તમે ભણશો ક્યારે? ઝટપટ રાંધવાના ચક્કરમાં કોઈ પણ અનહેલ્ધી વસ્તુ બનાવીને જમી લો એ પણ ન ચાલે. કાર્બ્સ, પ્રોટીન, ફૅટ, વિટામિન્સનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. એટલે હું તેમને વન-પૉટ મીલની કેટલીક રેસિપી શીખવાડું છું. એટલે તમે એક જ વસ્તુ રાંધો તો પણ એમાંથી બધાં જ ન્યુટ્રિશન મળી રહે.’

પરિવારનો સપોર્ટ

પોતાના કામમાં પરિવાર કઈ રીતે સાથ આપે છે એ જણાવતાં પારુલબહેન કહે છે, ‘મારા હસબન્ડ પરેશ, મોટી દીકરી રિચા, જમાઈ ભાવિક, નાની દીકરી ઋતુ અને દીકરા મીતનો મને ઘણો સપોર્ટ મળ્યો છે. આ કોર્સ શરૂ કરવા માટે મારા પરિવારે જ મને પ્રોત્સાહિત કરી છે. તેમની ઇચ્છા હતી કે હું મારું નૉલેજ શૅર કરીને ફૉરેન જતા યંગસ્ટર્સને હેલ્પ કરું. મને નૉલેજ તો હતું પણ એને એક્ઝિક્યુટ કઈ રીતે કરવું એ ખબર પડતી નહોતી. એટલે કોર્સ ડિઝાઇન કરવાનું કામ તેમણે જ કર્યું છે. અત્યાર સુધીમાં મેં હજારો યંગસ્ટર્સને કુકિંગમાં ટ્રેઇન કર્યા છે. તેમના પેરન્ટ્સ કૉલ કરીને મને કહેતા હોય છે કે તમે અમારા સંતાનને લાઇફટાઇમની સ્કિલ આપી દીધી. હું પોતે BCom સુધી ભણી છું, પણ કુકિંગમાં મારો વર્ષોનો અનુભવ છે. ઘણી વાર ભણતર કરતાં ગણતર વધુ કામ આવતું હોય છે. મેં પોતે રસોઈ બનાવવાનું મારાં મોટાં મમ્મી પાસેથી શીખેલું. તેમને દીકરાઓ હતા, દીકરી નહોતી. એટલે મારો ઉછેર તેમણે જ કરેલો. નાનપણથી જ મને કુકિંગમાં શોખ હતો એટલે હું મારી રીતે કંઈ ને કંઈ એક્સપરિમેન્ટ કરતી રહેતી. મારાં મોટાં મમ્મી પણ મને બધું કરવાની છૂટ આપતાં. કોઈ દિવસ એમ ન કહેતાં કે તું આમ જ કર ને તેમ જ કર. એટલે હું મારી રીતે શીખતી ગઈ અને કુકિંગમાં માસ્ટર થઈ ગઈ. અત્યાર સુધીમાં અનેક કુકિંગ કૉમ્પિટિશનમાં ભાગ લઈને હું વિનર બની છું. કુકિંગ-મૅનેજમેન્ટ શીખવાડવાનું શરૂ કર્યું એ અગાઉથી હેલ્ધી સીઝનિંગ્સ (મસાલાઓ) અને શેક્સ પ્રીમિક્સીસ બનાવવાનું મારું કામ ચાલુ જ છે જે ફૉરેન જતા સ્ટુડન્ટ્સ અને બિઝી વર્કિંગ વિમેન માટે ખાસ બનાવેલાં છે.’

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2025 02:31 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK