Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગોલ્ડન વર્ડ્‍સ : તમે કહેશો એવું નહીં, તમે કરશો એવું જ તમારાં સંતાનો કરવાનાં છે

ગોલ્ડન વર્ડ્‍સ : તમે કહેશો એવું નહીં, તમે કરશો એવું જ તમારાં સંતાનો કરવાનાં છે

25 March, 2023 09:12 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

તમારું બાળક તમારા હાથમાં રમતું હતું અને દૂધ પીતું હતું ત્યારથી જોતું આવ્યું છે અને લખી રાખો કોરા પેપર પર કે તમારું બાળક એ જ કરશે જે તમે કરતાં હશો. તમે કહ્યું એ નહીં, પણ તમે કર્યું એ કરવું એ જ બાળકનો જન્મસિદ્ધ હક હોય એમ તે વર્તશે. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


દરેક મા-બાપ ઇચ્છતાં હોય કે તેમનું સંતાન સંસ્કારી બને, આગળ વધે જીવનમાં અને કંઈક એવું કરે જેથી તેમનું નામ ઊજળું થાય. એમાંય આજના પેરન્ટ્સને જોઉં છું તો બાળક માટે તેઓ જેટલી મહેનત અને સમય આપે છે એ જોઈને નવાઈ પણ લાગે છે અને આનંદ પણ થાય છે. હું પોતે પણ એક દીકરાનો બાપ છું એટલે એ સમજાતું જ હોય કે આજના સમયમાં આપણાં સંતાનોને સાચા માર્ગે સ્થિર રાખવાં એ કેટલું કઠિન કામ છે. જોકે આ આખી બાબતમાં એક જ મહત્ત્વની વાત છે અને એ છે તમારા ઘરનું વાતાવરણ. યસ, ફ્રેન્ડ, સર્કલ, જમાનો, મોબાઇલ, સોશ્યલ મીડિયા એ બધું એટલે બધું જ પછી આવે. પહેલાં આવે તમારા ઘરનું વાતાવરણ. તમારો પોતાનો વ્યવહાર. તમને અંદાજ નથી, પણ જન્મ્યું ત્યારથી તમારું બાળક તમને ઑબ્ઝર્વ કરી રહ્યું છે. તમે કેવી રીતે ખાઓ છો, કેવી ભાષા વાપરો છો, કેવો વ્યવહાર કરો છો, કેવી રીતે છૂટછાટ લો છો, કેવી રીતે જીવનને જીવો છો એ તમારું બાળક તમારા હાથમાં રમતું હતું અને દૂધ પીતું હતું ત્યારથી જોતું આવ્યું છે અને લખી રાખો કોરા પેપર પર કે તમારું બાળક એ જ કરશે જે તમે કરતાં હશો. તમે કહ્યું એ નહીં, પણ તમે કર્યું એ કરવું એ જ બાળકનો જન્મસિદ્ધ હક હોય એમ તે વર્તશે. 

સાચું કહું તો મારે કોઈ સલાહ નથી આપવી, કારણ કે આજનાં મા-બાપને દરેક આલિયા-માલિયા સલાહ આપવા તત્પર હોય છે. તમે આમ નથી કરતાં અને તમે તેમ નથી કરતાં અને ફલાણું કરવામાં તમે ઉતાવળ કરી અને ઢીંકણું કરીને જ તમે બાળકને બગાડ્યો છે. અરે રહેવા દે ભલા માણસ. આજના સમયમાં બાળકને મોટો કરીને સાચા રસ્તે રાખવો એ ૧૦૦ ટકા પડકાર છે, એમાં પાછા નવાનિશાળિયા આવીને મા-બાપની ભૂલોનો પટારો ખોલીને બેસી જનારાઓ પર તો મને રીતસરની ખીજ ચડતી હોય છે. ખેર, આ સલાહની વાત નથી, પણ આ મારો અનુભવ છે. ઘરનું વાતાવરણ બાળકને સૌથી વધારે પ્રભાવિત કરતું હોય છે અને એ વાતાવરણ નિર્મિત થાય છે તમારા પોતાના વ્યવહારથી. તમે તમારી પત્ની સાથે કેવી રીતે વાત કરો છો, તમે પૈસાને કેવી રીતે ખર્ચો છો, તમે અન્નદેવતાને કેટલું મહત્ત્વ આપો છો, હેલ્થની બાબતમાં તમે કેટલા સભાન છો અને તમારો બહારના લોકો સાથેનો વ્યવહાર કેવો છે, તમે વ્યસની છો કે નહીં, તમારા મિત્રો કેવા છે, તમે કેવી રીતે પરિવારનું જતન કરો છો એ બધી જ બાબતો નોટિસ કરીને મોટા ભાગે તમારું બાળક તમારું જ નવું વર્ઝન બનતું હોય છે. અમારા ઘરમાં જન્ક ફૂડનું પ્રમાણ નહીંવત્ હોય છે, સવારે પૂજા કરવાની જ હોય, સમયસર ઊઠવાનું અને સ્નાન સમયસર કરવાનું, આહારનો સમય નિશ્ચિત હોય જેવી બાબતોમાં શિસ્ત અમે જાળવી છે એટલે આગળ પણ એ જળવાશે એની ખાતરી છે. ખૂબ ધ્યાન આપજો તમારા ઘરનું વાતાવરણ કેવું છે એ બાબત પર. બહુ જરૂરી છે અને આ જરૂરિયાતને જો તમે સમજી નહીં શકો તો ભવિષ્ય તમારું જ બગડશે એ પણ નક્કી છે.
સો ચૉઇસ ઇઝ યૉર્સ...


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2023 09:12 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK