Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જજ અને કોર્ટનો સ્ટાફ કેટલા કલાક કામ કરે છે ખબર છે તમને?

જજ અને કોર્ટનો સ્ટાફ કેટલા કલાક કામ કરે છે ખબર છે તમને?

Published : 27 April, 2026 12:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણે ત્યાં ન્યાયવ્યવસ્થામાં જરૂરિયાતની સામે કેટલો ઓછો સ્ટાફ છે એના આંકડા જુઓ તો ખબર પડે અને સાથે એમાં એ પણ સમજાય કે કયા સ્તર પર જે લોકો કામ કરી રહ્યા છે તેમના માથે વર્કલોડ છે

૫૮ વર્ષથી હાઈ કોર્ટના વકીલ તરીકે સક્રિય નીતિન ઠક્કર ૨૦૨૧થી બૉમ્બે બાર અસોસિએશનના પ્રમુખ પણ છે

What’s On My Mind?

૫૮ વર્ષથી હાઈ કોર્ટના વકીલ તરીકે સક્રિય નીતિન ઠક્કર ૨૦૨૧થી બૉમ્બે બાર અસોસિએશનના પ્રમુખ પણ છે


વેકેશનમાં કોર્ટ બંધ હોય છે એ મુદ્દે કોર્ટની ટીકા કરનારા લોકો ઘણા છે, પરંતુ એ જ લોકો એ નથી વિચારતા કે બાકીના સમયમાં કોર્ટની કાર્યવાહી ખોરવાય નહીં એ માટે જજ અને કોર્ટના અન્ય કર્મચારીઓ કયા સ્તર પર કામ કરતા હોય છે. ૬ વાગ્યે કામ પૂરું થયા પછી ૮ અને ૯ વાગ્યા સુધી પણ તેઓ કામમાં મચેલા હોય છે. બેઝિકલી અત્યારે આપણે ત્યાં થયું એ છે કે કેટલીક સિરિયલો, ફિલ્મો કે વેબ-સિરીઝ થકી કોર્ટરૂમ ડ્રામામાં કૉમેડી ઉમેરવાના ચક્કરમાં કોર્ટમાં ખરેખર થતી કાર્યવાહી તરફ લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. ખાસ કરીને જજની છબિ માટે એક જુદું જ નૅરેટિવ ઊભું થયું છે. મારે કહેવું છે કે જજ ખૂબ મહેનત કરતા હોય છે. એકેક કેસ માટે તેમનું રિસર્ચ, તેમણે વાંચવા પડતાં પુસ્તકો, રેફરન્સની સ્ટડીઝ વગેરે પારાવાર કામ તેમના શિરે આવતું હોય છે. કોર્ટ ભલે ૬ વાગ્યે બંધ થઈ જાય, પણ એ પછીયે જજનું કામ સતત ચાલતું રહેતું હોય છે. મને ખબર છે કે શનિવારે કોર્ટ બંધ હોય તો પણ એ લોકો કોર્ટમાં આવીને કામ કરતા હોય છે. તેમના માટે ઇમર્જન્સીમાં પણ રજા લેવાનું સંભવ નથી હોતું. એ જ કારણે વેકેશનની એક વ્યવસ્થા ઊભી થઈ છે જેમાં વર્ષના અમુક દિવસો કોર્ટ જ બંધ હોય જેથી લોકોમાં પણ એની ક્લૅરિટી હોય અને રોજબરોજની કાર્યવાહી જજોની છૂટીછવાઈ રજાઓને કારણે બગડે નહીં.

આપણે ત્યાં ન્યાયવ્યવસ્થામાં જરૂરિયાતની સામે કેટલો ઓછો સ્ટાફ છે એના આંકડા જુઓ તો ખબર પડે અને સાથે એમાં એ પણ સમજાય કે કયા સ્તર પર જે લોકો કામ કરી રહ્યા છે તેમના માથે વર્કલોડ છે. માત્ર ન્યાયવ્યવસ્થાની પરિસ્થિતિઓ પર હાંસી ઉડાવવાને બદલે એ સમજવાની જરૂર છે કે કયા સ્તર પર કામનો ભાર છે અને એ મુજબ ધારો કે કેસ લાંબા ચાલે છે તો એનો રસ્તો નથી અત્યારે. દાખલા સાથે સમજાવું. આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ દર એક કરોડ લોકો સામે ૧૦૦ જજ હોવા જોઈએ. એમાં નીચલી અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની અદાલતો આવી ગઈ. આપણે ત્યાં એક કરોડ લોકો સામે પચ્ચીસ જજ છે અત્યારે. સ્ટાન્ડર્ડ પ્રમાણે ૭૫ જજની અછત છે. આપણે ત્યાં સરકારને ન્યાયવ્યવસ્થાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં રસ નથી, કારણ કે એમાં તેમનો પ્રત્યક્ષ કોઈ લાભ નથી. રસ્તાઓ બનાવે કે ટનલ બનાવે તો ફાયદો છે, પણ ૧૦ નવી કોર્ટરૂમ બનાવવામાં સરકારને લાભ નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ એ પણ બહુ મોટું કારણ છે કે ખાલી જગ્યા હોવા છતાં નવા જજોની નિમણૂક નથી થતી, કારણ કે તેમને બેસાડીશું ક્યાં? હકીકતમાં હવે પબ્લિકે સરકાર પાસે ન્યાયપ્રણાલી ઝડપી બને, કેસના ચુકાદા જલદી આવે એ માટે કોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રકચર સબળ કરીને નવા જજોની નિમણૂક કરવાની અપીલ કરવી જોઈએ. સરકાર પાસે એ કામ માટે પૈસા પણ ભરપૂર છે, કારણ કે કોર્ટ-ફી તરીકે દરેક કેસ સાથે સરકાર જે ફી લે છે એ કરોડો રૂપિયામાં ભેગી થયેલી છે. એનો જ ઉપયોગ કરીને કોર્ટનું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય તો એ દેશનો સૌથી મોટો બદલાવ હશે. 


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK