Salman Khan controversies: સલમાન ખાનને એક કેસમાં હાલ પૂરતી મોટી રાહત મળી છે… પાન મસાલાની ગેરમાર્ગે દોરતી જાહેરાત મામલે અભિનેતા પર નેશનલ કન્ઝ્યુમર કમિશને આગળની કાર્યવાહી પર લગાવી રોક; આગામી સુનાવણી ૨૨ જૂનના રોજ કરવામાં આવશે
સલમાન ખાનની ફાઇલ તસવીર
ગેરમાર્ગે દોરતી પાન મસાલાની જાહેરાતના વિવાદમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની કાનૂની મુશ્કેલીઓમાં એક નવો વળાંક (Salman Khan controversies) આવ્યો છે. નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (National Consumer Disputes Redressal Commission - NCDRC) દ્વારા જિલ્લા ગ્રાહક ફોરમ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવીને અભિનેતાને મોટી વચગાળાની રાહત આપવામાં આવી છે. આ મામલામાં હવે પછીની સુનાવણી ૨૨ જૂનના રોજ નક્કી કરવામાં આવી છે.
સલમાન ખાનને મળી રાહત
ADVERTISEMENT
અભિનેતા સલમાન ખાનની ગેરમાર્ગે દોરતી પાન મસાલાની જાહેરાતના કારણે તે કાનૂની વિવાદમાં ફસાયેલ છે, જો કે હાલ પૂરતી તેને થોડી રાહત મળી છે. નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC) દ્વારા બોલિવૂડ એક્ટરને રાહત આપતા ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કમિશનમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક (NCDRC stays proceedings against Salman Khan in pan masala advertisement case) લગાવી દેવામાં આવી છે.
ફરિયાદ કરનાર વ્યક્તિને નોટિસ જાહેર કરાઈ
નેશનલ કમિશને આ વચગાળાનો આદેશ કોટા, રાજસ્થાન (Kota, Rajasthan) ના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (District Consumer Disputes Redressal Commission - DCDRC)ના આદેશોને પડકારતી અપીલ પર સુનાવણી દરમિયાન આપ્યો હતો. કોટા ડિસ્ટ્રિક્ટ કમિશને સલમાન ખાન સહિત અન્ય પક્ષકારોની સહીઓના વેરિફિકેશન (પ્રમાણિતતા) અંગે નિર્દેશો જાહેર કર્યા હતા.
એનસીડીઆરસીના પ્રેસિડેન્ટ જસ્ટિસ એ. પી. સાહી અને મેમ્બર ભરત કુમાર પંડ્યાની બેન્ચે મૂળ ફરિયાદકર્તા ઈન્દ્ર મોહન સિંહ ઉર્ફે હનીને નોટિસ પાઠવી છે અને ડિસ્ટ્રિક્ટ કમિશન સમક્ષની આગળની તમામ કાર્યવાહી પર સ્ટે આપ્યો છે.
કાર્યવાહીની પદ્ધતિ અને અધિકારક્ષેત્ર પર ઉઠ્યા સવાલો
પોતાના ૧૦ જૂનના આદેશમાં NCDRCએ જણાવ્યું હતું કે, રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશો અને રજૂ કરાયેલી દલીલોને ધ્યાનમાં લેતા, રેસ્પોન્ડન્ટ નંબર ૧ (ફરિયાદકર્તા)ને નોટિસ પાઠવી આ અપીલ પર તેમનો જવાબ માંગવો યોગ્ય રહેશે. કમિશને નોંધ્યું હતું કે આ અપીલમાં ડિસ્ટ્રિક્ટ ફોરમના અધિકારક્ષેત્ર (જ્યુરિસ્ડિક્શન) અને તેની કાર્યવાહીની પદ્ધતિ પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
વકીલે કોર્ટમાં શું દલીલ કરી?
અપીલકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે, જિલ્લા ગ્રાહક આયોગે આ ફરિયાદ સ્વીકારવા યોગ્ય છે કે નહીં તે નક્કી કર્યા વિના જ સીધી સહીઓની પ્રમાણિતતાની તપાસ શરૂ કરી દીધી હતી.
NCDRCએ રાજસ્થાન હાઈકોર્ટના ૨૭ મેના વચગાળાના આદેશની પણ નોંધ લીધી હતી, જેમાં હાઈકોર્ટે સહી વેરિફિકેશન અંગેના ડિસ્ટ્રિક્ટ કમિશનના અગાઉના નિર્દેશોના અમલીકરણ પર પહેલેથી જ રોક લગાવી દીધી છે.
પ્રક્રિયાના દુરુપયોગનો આક્ષેપ અને આગામી સુનાવણી
અપીલ કરનારાઓએ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે અન્ય કન્ઝ્યુમર ફોરમમાં પણ આ પ્રકારની જ કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી હતી. કમિશને નિર્દેશ આપ્યો છે કે આ આદેશની એક નકલ ડિસ્ટ્રિક્ટ કમિશન સમક્ષ ચાલી રહેલી કાર્યવાહીના રેકોર્ડ પર મૂકવામાં આવે. હવે પછીનો કોઈ નવો આદેશ ન આવે ત્યાં સુધી ડિસ્ટ્રિક્ટ કમિશન સમક્ષની કાર્યવાહી સ્થગિત રહેશે.
આ સમગ્ર વિવાદ સલમાન ખાન અને અન્ય કલાકારો દર્શાવતી પાન મસાલાની જાહેરાત ગ્રાહકોને ગુમરાહ કરતી હોવાના આરોપ સાથે જોડાયેલો છે. આ કેસની આગામી સુનાવણી ૨૨ જૂને હાથ ધરવામાં આવશે.
