મધમાખી જો આ પૃથ્વી પરથી ખતમ થાય તો આખી જીવસૃષ્ટિનો ચાર વર્ષમાં સફાયો થઈ જાય એવું આઇન્સ્ટાઇને કહ્યું છે. આજે વર્લ્ડ બી ડે છે ત્યારે જાણો કઈ રીતે આ નાનકડો જીવ એકજુટતા, સંવેદનશીલતા, કર્મપરાયણતા જેવા અઢળક ગુણો શીખવી જાય છે
મધપૂડાને રિલોકેટ કરતો અંકિત વ્યાસ
પૃથ્વી પરના પ્રત્યેક જીવનું વજૂદ કોઈક કારણથી છે અને એક પણ જીવની પ્રજાતિ જો વિલુપ્ત થાય તો આખી પૃથ્વીના દરેક જીવે એની ભરપાઈ કરવી પડે. આ જ કારણ છે કે પ્રકૃતિવિદ્ કોએક્ઝિસ્ટન્સની વાત કરતા રહ્યા છે. નાનકડી કીડીનો પણ આપણા સર્વાઇવલ માટે રોલ હોય તો મધમાખીની તો વાત જ શું કરવી? મધમાખી મધ તો આપે જ છે પણ સાથે પૉલિનેશન એટલે કે ફૂલો પરથી પરાગનયનનું કામ કરે છે. પરાગનયન એટલે કે વનસ્પતિ સૃષ્ટિને આગળ વધારવાનું કામ કરે. આપણી ઇકો-સિસ્ટમમાં ફૂડ-પ્રોડક્શનનું મહત્ત્વનું કામ મધમાખીઓની પૉલિનેશનની નિર્દોષ લાગતી પ્રક્રિયાથી ટકી રહ્યું છે. આજે જે વૃક્ષોથી હર્યાંભર્યાં ઘનઘોર જંગલો આપણે જોઈએ છીએ, આટલાંબધાં વૈવિધ્યસભર શાકભાજી, ફળ, ફૂલ, વનસ્પતિઓ આપણે જોઈએ છીએ એ બધાંમાં આ મધમાખીનો મહત્ત્વનો રોલ છે. આપણા જીવન સાથે આટલી ઘનિષ્ઠતા સાથે સંકળાયેલી મધમાખીના કૅરૅક્ટરમાંથી પણ ઘણું શીખવા જેવું છે. માણસ મધમાખી પાસેથી શું શીખી શકે એ વિશે મધમાખીઓ સાથે સારોએવો સમય પસાર કરનારા અને મધમાખીઓને બચાવવા માટે કામ કરી રહેલા બે નિષ્ણાતો સાથે અમે વાત કરી, જે અહીં પ્રસ્તુત છે.

ADVERTISEMENT
કામ કરવામાં અવ્વલ
મધમાખીઓની કર્મઠતા અકલ્પનીય હોય છે. મધપૂડો મધમાખીઓની કૉલોની કહેવાય અને એમાં વર્કર કી આખો દિવસ ઈશ્વરે તેમને આપેલી નૅચરલ GPS સિસ્ટમનો ઉપયોગ કરીને આહારની શોધમાં નીકળી પડે છે અને મધપૂડાની દરેક મધમાખીને જરૂરિયાત મુજબનો ખોરાક મળી રહે એવા પ્રયાસો કરતી હોય છે એમ જણાવીને લગભગ છ હજાર મધપૂડા બૉક્સ ધરાવતા અને એકદમ અહિંસક રીતે મધ બનાવતા ખેડૂત અને મધમાખીઓના બ્રીડર અશોક પટેલ કહે છે, ‘મધમાખીઓમાં આળસ નામની વસ્તુ તમે નહીં જુઓ. સતત આહાર માટે પોતાની રેન્જ નક્કી કરીને ઊડીને ફૂલોમાંથી રસ ચૂસવાનો અને મધપૂડામાં પાછા ફરીને એની પૂર્તિ કરવાની આ તેમની યુનિક ક્વૉલિટી છે. એક કિલો મધ ભેગું કરવા માટે બધી જ મધમાખીઓએ ભેગા થઈને લગભગ વીસ લાખ ફૂલોમાંથી રસ ચૂસવો પડે અને નેવું હજાર માઇલનું અંતર કાપવું પડે. છેને આ કડી મહેનતનું કામ?’
કામની વ્યવસ્થિત વહેંચણી
મધમાખીના મધપૂડામાં કામનું અદ્ભુત ડિવિઝન થયેલું હોય છે. છેલ્લાં પંદર વર્ષથી મધમાખીઓને બચાવવા અને મધપૂડાને રીલોકેટ કરવાના કામમાં લાગેલો અંકિત વ્યાસ કહે છે, ‘વર્કર બી, ક્વીન બી, બેબી બી, ટીચર બી એમ જુદા-જુદા કામનું વર્ગીકરણ કરેલું હોય છે. ક્વીન બી માત્ર ઈંડાં આપવાનું કામ કરે, વર્કર બી બહારથી આહાર લાવવાનું કામ કરે, જે બેબી બી હોય એમને ઊડવું કેવી રીતે, બહાર જઈને મધ કેવી રીતે લાવવું એ બધું જ શીખવવાની જવાબદારી જુદા-જુદા કોર્સિસની કો-ઑર્ડિનટર ટીમ ગણાય એવી મધમાખીઓ નિભાવે. અહીં દરેક કામનું પ્રૉપર ડેલિગેશન તેમની ખાસિયત છે. કોઈ એક મધમાખી પાસે બધો કન્ટ્રોલ ન હોય, એથી પર્ફેક્ટ મૅનેજમેન્ટ સાથે આખું કામ થાય.’

મધમાખીઓના બ્રીડર અશોક પટેલ પત્ની સાથે
ગજબનાક એકજુટતા
મધમાખીઓ જેમ પોતાના કામની વહેંચણીમાં અવ્વલ હોય છે એમ એમની એકજુટતાનો પણ જવાબ નથી. અંકિત વ્યાસ કહે છે, ‘એક પણ મધમાખી પર અટૅક થાય તો બધી જ એકજુટ થઈને લડે. ઇન ફૅક્ટ તમને નવાઈ લાગશે કે ધારો કે કોઈ એક મધમાખી મરી ગઈ છે તો બીજી મધમાખીઓ એને ઊંચકીને સેફ જગ્યાએ મૂકી આવશે અને એની આગળ-પાછળ ફરીને લાસ્ટ રાઇટ્સ પણ કરશે. ક્વીન મરી જાય તો તાત્કાલિક મધમાખીઓ એમાંથી જ નવી મધમાખી શોધીને એને રૉયલ જેલી એટલે કે પ્રોટીન અને પોષક તત્ત્વોથી ભરપૂર ભોજન કરાવશે. સામાન્ય મધમાખી કરતાં આ રાણી મધમાખી સાઇઝમાં દસગણી મોટી હોય. એ પાવર માટે લડતી ન હોય, સાથે મળીને નિર્ણય લઈને રાણી મધમાખીને સમર્પિત થઈને રહેતી હોય.’
પારદર્શી કમ્યુનિકેશન
સંબંધ હોય કે કામકાજ હોય, કમ્યુનિકેશનમાં પારદર્શિતા સ્મૂધનેસ વધારે છે એ વાત મધમાખીઓ સારી પેઠે જાણે છે. છ હજાર બૉક્સમાં લગભગ વીસ કરોડ મધમાખીઓ ધરાવતા અને એમની વર્તણૂકને નજીકથી જોનારા અશોક પટેલ ઉમેરે છે, ‘પોતાના વિશેષ પ્રકારના ડાન્સની અંદર દિશા અને આહારની ગુણવત્તાનું કમ્યુનિકેશન મધમાખીઓ કરતી હોય છે. માહિતીનું સ્પષ્ટપણે થતું આદાનપ્રદાન સારા પરિણામ માટે જરૂરી છે.’
દુરંદેશીપણું સહજ
મધમાખીઓને બદલાઈ રહેલા વાતાવરણની તરત જ સમજણ પડી જતી હોય છે. અશોકભાઈ કહે છે, ‘અમે જોયું છે કે વાતાવરણ બદલાવાનું હોય તો તરત જ પોતાનો મધપૂડો બદલવો, તરત જ નવી જગ્યા સર્ચ કરવી, એમને જેટલું જોઈએ એટલું જ તેઓ વાપરે અને બાકીનું ભોજન સ્ટોર કરે. વસ્તુનો બગાડ ન કરવો એ એમની મહત્ત્વની ક્વોલિટી છે. પર્યાવરણ માટેની સજગતા એમની ખાસિયત છે. એમનામાં પ્રૉબ્લેમ આવે તો એના સોલ્યુશનને લગતી સ્કિલ પણ જોરદાર હોય છે. ધારો કે એમની કૉલોનીમાં કોઈ મધમાખી બીમાર હોય તો એને હેલ્ધી બી મળીને સારવાર કરીને બીમારીમુક્ત કરવાના પ્રયાસ પણ કરે.’
મધપૂડો હટાવવો છે?
મધમાખી પ્રકૃતિ અને સંપૂર્ણ જીવસૃષ્ટિ માટે મહત્ત્વનું અંગ છે અને એટલે જ એને હાનિ ન પહોંચે એનું ધ્યાન રાખવું જરૂરી છે. ધારો કે તમારા ઘરની આસપાસ કોઈ મધપૂડો લાગી ગયો છે અને એ તમને નડતો હોય તો પેસ્ટ કન્ટ્રોલ થકી કેમિકલ નાખીને અથવા ધુમાડા થકી મધમાખીઓને હાનિ પહોંચાડવાને બદલે પ્રકૃતિપ્રેમીઓનો સંપર્ક કરીને તમે એ મધપૂડાને રીલોકેટ કરી શકો છો. પોલીસ સ્ટેશન, ફૉરેસ્ટ વિભાગ અથવા ફાયરબ્રિગેડવાળા એમાં તમારી મદદ કરી શકે અથવા તમે અંકિત વ્યાસનો 9769954602 નંબર પર સંપર્ક કરી શકો.
તમને ખબર છે?
મધમાખીઓ એક વિશેષ પ્રકારના ડાન્સ સાથે એકબીજાની સાથે કમ્યુનિકેટ કરે. ડાન્સ થકી જ તેઓ લોકેશન અને આહારની ગુણવત્તા કેવી છે એનો મેસેજ કન્વે કરે છે.
પ્રતિકલાકે પચીસ કિલોમીટરની રફ્તાર સાથે ઊડી શકતી મધમાખી એક સેકન્ડમાં બસો વખત પોતાની પાંખો ફફડાવે છે.
મધમાખીઓને પાંચ આંખો હોય છે, જેમાંથી બે આંખ સાઇઝમાં મોટી હોય.
નર મધમાખીમાં કાંટો નથી હોતો. જોકે વર્કર મધમાખીમાં કાંટો હોય છે અને એ જ્યારે કોઈને ડંખ મારે ત્યારે એ કાંટો એ વ્યક્તિમાં રહી જવાથી વર્કર મધમાખી મૃત્યુ પામે છે.
એક મધપૂડામાં એક રાણી મધમાખી હોય જેનું મુખ્ય કામ ઈંડાં આપવાનું હોય. એક દિવસમાં એ બે હજાર જેટલાં ઈંડાં આપતી હોય છે.
એક મધપૂડામાં લગભગ ૬૦ હજાર જેટલી મધમાખી હોય છે.
મધમાખી અલ્ટ્રાવાયલેટ કિરણોને જોઈ શકે છે અને એનાથી જાતને પ્રોટેક્ટ પણ કરી શકે.
માણસ કરતાં મધમાખીમાં સૂંઘવાની ક્ષમતા સો ગણી હોય છે.


