° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


અથશ્રી કાઇટ કથા

14 January, 2022 12:09 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ઉત્તરાયણના દિવસે આપણે વાત પતંગના ઇતિહાસની કરવાની છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ઇતિહાસ બસો-પાંચસો નહીં પણ ત્રણેક હજાર વર્ષ જૂનો છે

અથશ્રી કાઇટ કથા Uttaran

અથશ્રી કાઇટ કથા

‘એ કાઇપો છે...’ની ફેફસાંફાડ ચીસો ભલે આપણને નોસ્ટૅલ્જિક બનાવવાનું કામ કરતી હોય પણ એ ચીસોનો ઇતિહાસ બહુ લાંબો અને ઊંડો છે. ફટાકડાની જેમ જ પતંગની શરૂઆત પણ ચીનમાં થયેલી. અને એ પણ ત્રણેક હજાર વર્ષ પહેલાં. પતંગ બનાવવા માટે એ સમયે કાગળનો ઉપયોગ નહોતો થતો, કારણ કે કાગળનો જન્મ જ નહોતો થયો. એ સમયે પતંગ બનાવવા સિલ્કના હાથવણાટના કાપડનો ઉપયોગ થતો તો ટીથર તરીકે ઓળખાતી પતંગ પર લાગતી સળીઓ વાંસની બનાવવામાં આવતી. ચીન પછી જો કોઈ પતંગનો ઇતિહાસ ક્યાંય જોવા મળતો હોય તો એ ઇન્ડોનેશિયા છે. ઇન્ડોનેશિયાની સત્તર વર્ષ જૂની ગુફાઓની દીવાલ પર પતંગો બનાવવાની આખી ચિત્રકથા આંકવામાં આવી છે, જે દર્શાવે છે કે એ વિસ્તારમાં અમુક ઝાડનાં મસમોટાં પાંદડાંમાંથી પતંગો બનાવીને ઉડાડવામાં આવતી.
ઇતિહાસમાં જ કહેવાયું છે કે એ સમયમાં પતંગ તહેવાર કે મોજશોખ માટે નહોતી ઉડાડવામાં આવતી પણ એના ઉપયોગો ગંભીર હતા. યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કટોકટીનો સંદેશા મોકલાવવા માટે પતંગનો ઉપયોગ થતો તો બે સ્થળો વચ્ચેનું અંતર માપવા માટે પણ પતંગ વપરાતી. લાંબી મજલ પર જતાં પહેલાં પવનની દિશા-ઝડપ માપવા માટે પણ પતંગ વપરાતી તો અમુક દેશોમાં તો ગંજાવર પતંગો બનાવી માણસને ઊંચકવા માટે એનો ઉપયોગ થતો. આ જ વાતને પુષ્ટિ મળે એવા પુરાવાઓ ઈસવી સન  ૬૦૦ના સમયગાળામાં મળે છે. એ સમયે કોરિયામાં તો ઈસવી સન ૯૦૦માં રશિયામાં તત્કાલીન સેનાપતિઓ દુશ્મન સેનાને ડરાવવા પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસનાં પૂતળાં બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાડતા. આ રીતે પતંગ ઉડાડવાથી કોરિયા અને રશિયાની સેનાને સાઇકોલૉજિકલ ઍડ્વાન્ટેજ મળતો.
પવનનો ઉપયોગ કરીને હવામાં ચગાવવામાં આવતી પતંગ વિજ્ઞાનના અઢળક નવા સાધન-સંશોધનમાં મદદરૂપ રહી છે તો સાથોસાથ લોકોની આસ્થામાં પણ એ એટલું જ મહત્ત્વનું પ્રદાન કરી ગયા છે. ૧૪મી સદીથી પતંગનો ઉપયોગ ધાર્મિક વિધિઓ સાથે થવા માંડ્યો હોવાના પુરાવાઓ સાંપડે છે, જેની શરૂઆત ધાર્મિક વિધિઓ વખતે ઈશ્વરને સંદેશો મોકલવા માટે શરૂ થયો તો રામાયણ અને મહાભારતમાં પણ પતંગનો ઉપયોગ થયો હોવાનું નોંધવામાં આવ્યું છે. જોકે આ જ વાતની સાથે સ્વીકારવું પણ પડે કે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં પતંગની લોકપ્રિયતા એ સ્તર પર વધી કે એના ઉપયોગ થકી સાયન્સ અને ટેક્નૉલૉજીને પણ લાભ થયો અને એ પણ માતબર બન્યાં. ઉદાહરણ સાથે જોઈએ. અઢારમી સદીના મધ્યમાં વિજ્ઞાની બેન્જામિન ફ્રૅન્કલિને આકાશમાં ચમકતી વીજળીની વચ્ચે પતંગ ચગાવીને વીજળીના ચમકારાઓમાં વિદ્યુતશક્તિ રહેલી છે એવું પુરવાર કર્યું હોવાનો પ્રયોગ અત્યંત જાણીતો છે તો રાઇટભાઈઓએ પ્લેનની શોધ કરવાનો વિચાર પક્ષી દ્વારા મળ્યો પણ તેમણે પ્લેનના બંધારણમાં પતંગની બેઝિક નિયમાવલી ચકાસી હતી, કારણ કે પ્લેન આવ્યું એ પહેલાં સંખ્યાબંધ સંશોધકોએ પતંગ વડે માણસને ઊંચકીને એક ઠેકાણેથી બીજા ઠેકાણે પહોંચાડવાની યુક્તિઓ વિચારેલી. છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ મોતની સજા પામેલા કેદીઓને એક ઊંચા ટાવર પરથી જંગી પતંગ સાથે બાંધીને ફેંકેલા. જો કેદીઓ સાથેની પતંગ ઊડી હોત તો એ એક સફળ પ્રયોગ ગણાયો હોત પણ એમાં સફળતા મળી નહીં અને પ્રયોગ નિષ્ફળ જતાં બધા કેદીઓ મૃત્યુ પામ્યા, જેમાં પણ રાજાને કોઈ નુકસાની નહોતી. એ પછી સોળમી સદીમાં જપાનમાં એક ચોર આદમકદ પતંગ સાથે ઊડીને કિલ્લાની ટોચે લગાવેલી સોનાની માછલીઓની સફળતાપૂર્વક ચોરી કરીને એ જ રસ્તે એટલે કે પતંગ દ્વારા જ ફરાર પણ થઈ ગયો હતો.
માણસને ઊંચકીને ઊડનારી પતંગો બનાવવામાં સૌથી જાણીતું નામ છે ઓગણીસમી સદીના અમેરિકન સંશોધક સૅમ્યુઅલ કોડીનું. તેણે માણસને ઊંચકી શકે એવી પતંગ બનાવેલી. તેનો દાવો હતો કે આ પતંગને ઊંચે સુધી ચગાવીને દુશ્મન સૈન્યની હરકત વિશે જાણી શકાય છે. બ્રિટિશ આર્મીને પતંગ એટલી પસંદ આવી કે તેણે વિશ્વયુદ્ધમાં ઑબ્ઝર્વેશન માટે એ ડિઝાઇનને સત્તાવાર રીતે અપનાવી. આ જ કોડીએ હોડી સાથે પતંગ બાંધીને પતંગથી ચાલતી બોટ પર ઇંગ્લિશ ચૅનલ પણ પાર કરી દેખાડી હતી. હવે એક વાત કહેવાની, કોડીની આ જ પતંગને બેઝ બનાવીને ડ્રોન કૅમેરાની શોધ થઈ છે એ સહેજ તમારી જાણ માટે.
માણસને એક ઠેકાણેથી બીજા ઠેકાણે લઈ જવા ઉપરાંત રેડિયો-સિગ્નલ પ્રસારિત કરવા, હવામાન માપવા, ઈવન માછલાં પકડવા કે વીજળી ઉત્પન્ન કરવા માટે પણ પતંગનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાતો ઇતિહાસમાં છે. એક રસપ્રદ થિયરી એવી છે કે ઇજિપ્તના પિરામિડ બાંધવામાં પણ પતંગનો ઉપયોગ થયો હતો. પિરામિડોના બાંધકામ દરમ્યાન સેંકડો ટન વજનના પથ્થરો ટેક્નૉલૉજીની ગેરહાજરીમાં લોકોએ કઈ રીતે એટલે ઉપર ચડાવ્યા હશે એ પ્રશ્ન દાયકાઓ સુધી ચર્ચાતો રહ્યા પછી થિયરી એવી બેસાડવામાં આવી છે કે વિરાટ પતંગો સાથે પથ્થરોને બાંધી પિરામિડની ઉપર ચડાવવામાં આવ્યા હોવા જાઈએ.
અફસોસની વાત એ છે કે સમય જતાં જેમ-જેમ ટેક્નૉલૉજી વિકસતી ગઈ તેમ-તેમ એ ટેક્નૉલૉજીના આવિષ્કારમાં મહત્ત્વનો ભાગ ભજવનારી પતંગનો ઉપયોગ શોખ પૂરતો સીમિત થવા 
માંડ્યો અને ‘કાઇપો છે...’ના ધ્વનિ સાથે જોડાઈ ગયો.
 
પતંગ પર પ્રતિબંધ

આપણે ત્યાં ઉતરાણમાં પતંગ ચગે ત્યારે ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ આવે છે, પરંતુ દુનિયામાં પતંગો ચગાવવા પર જાતભાતના પ્રતિબંધો અસ્તિત્વમાં છે. સાઠ અને સિત્તેરના દાયકામાં ચીનમાં આવેલી ક્રાન્તિમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ હતો અને એના ભંગ માટે ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ હતી. થાઇલૅન્ડમાં તો આજે પણ પતંગને લગતા ૭૮ નિયમો અસ્તિત્વમાં છે. તાલિબાને પતંગને ઍન્ટિ-ઇસ્લામિક ગણાવીને એના પર પર પ્રતિબંધ મૂકેલો. 

 પતંગ કે કાઇટના નામનો સમાવેશ થયો હોય એવા અત્યાર સુધીમાં જગતમાં સોળસોથી વધારે પુસ્તકો લખાયાં છે

દુનિયામાં ૧૮૫થી વધુ પ્રકારના પતંગ ‌અસ્તિત્વ ધરાવે છે

બૉક્સ કાઇટ્સ 
માણસને હવામાં ઉડાડવાના પ્રયાસોમાં શોધાયેલી આ પતંગ દેખાવમાં બે ખોખાંને એકબીજા સાથે જાડ્યાં હોય એવી લાગે. વિશ્વમાં સૌથી ઊંચે ઊડવામાં આ પતંગ પહેલા નંબરે આવે છે. 
સી કાઇટ્સ
અમુક પતંગો દેખાવે પતંગને બદલે પૅરૅશૂટ વધારે લાગે છે. અંદર ભરાતી હવાથી મળતા ધક્કાને કારણે કાઇટ સર્ફિંગ જેવી ગેમ્સમાં આ કાઇટ ઉપયોગી બને છે.
મ્યુઝિકલ કાઇટ્સ
કમ્બોડિયામાં જ જોવા મળતી ‘ક્લેન્ગ એક’ નામની પરંપરાગત પતંગ હવામાં ઊડે છે ત્યારે એમાં થતી ધ્રુજારીને કારણે ચારથી પાંચ પ્રકારના સંગીતમય અવાજ ઉત્પન્ન કરે છે, જે ધ્વનિની મદદથી ખેતર પર હુમલો કરતાં તીડ પણ ભગાડવામાં આવે છે.
રેવલ્યુશન કાઇટ
જાયન્ટ સાઇઝના ગૉગલ્સ જેવા આકારની આ પતંગ એક નહીં, ચાર દોરી ધરાવે છે અને બે હૅન્ડલની મદદથી એને ચગાવવાની રહે છે. આ પતંગનો એવો ક્રેઝ છે કે એના સ્ટન્ટ્સ બતાવતા ફેસ્ટિવલ યોજાય છે. 

14 January, 2022 12:09 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK