Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રક્તદાન શિબિરો યોજવાની જરૂરિયાત છે કે નથી?

રક્તદાન શિબિરો યોજવાની જરૂરિયાત છે કે નથી?

27 April, 2024 09:15 AM IST | Mumbai
Laxmi Vanita

બ્લડ-બૅન્કની ભૂમિકા અને હૉસ્પિટલના પાયાવિહોણા નિયમોમાં કેવા બદલાવો અપેક્ષિત છે? મુંબઈમાં બ્લડની જરૂરિયાત અને બ્લડ-બૅન્કનો રવૈયો કેવો છે એ વિષય પર કરીએ રિયલિટી ચેક

પ્રતીકાત્મક તસવીર

યે હૈ મુંબઈ મેરી જાન

પ્રતીકાત્મક તસવીર


એક વર્ગ બહુ સ્પષ્ટતાપૂર્વક એની મનાઈ ફરમાવે છે, કારણ કે લોહીની શેલ્ફ-લાઇફ ઓછી છે અને એક વાર ડોનેટ થયેલું બ્લડ થેલીમાં આવી ગયું અને એનો ઉચિત ઉપયોગ ન થયો તો એ ગટરમાં જશે. બીજો વર્ગ આ વાતને રદિયો આપતાં કહ્યું છે કે મુંબઈની બ્લડની જરૂરિયાત સામે ડોનેશનમાં મળતું રક્ત માત્ર ત્રીજા ભાગનું છે એટલે વેડફાટનો પ્રશ્ન જ નથી અને ઇમર્જન્સીના સમયે આવા કૅમ્પ થકી એકઠું કરેલું રક્ત દરદીઓ માટે જીવનદાન આપનારું છે. આ બધા વચ્ચે બ્લડ-બૅન્કની ભૂમિકા અને હૉસ્પિટલના પાયાવિહોણા નિયમોમાં કેવા બદલાવો અપેક્ષિત છે? મુંબઈમાં બ્લડની જરૂરિયાત અને બ્લડ-બૅન્કનો રવૈયો કેવો છે એ વિષય પર કરીએ રિયલિટી ચેક

ધ નૅશનલ એઇડ્સ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશનના એક જૂના અહેવાલ પ્રમાણે ભારતમાં દર વર્ષે ૨૮ લાખ રક્ત યુનિટનો બગાડ થાય છે અને એની સામે ૩૦ લાખ યુનિટ રક્તની જરૂર હોય છે.



લોહી ફૅક્ટરીમાં મૅન્યુફૅક્ચર નથી થતું અને એટલે જ અમુક દરદીઓને અકસ્માત કે કોઈ મેડિકલ ઇમર્જન્સી વખતે રક્તની જરૂર પડે ત્યારે ડોનેટેડ બ્લડ પર આધાર રાખવો પડે છે. જેના માટે મિનિસ્ટ્રી ઑફ હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેરના ડિસેમ્બર, ૨૦૨૩ના અહેવાલ મુજબ ભારતમાં ૪૧૫૩ જેટલાં લાઇસન્સ્ડ રક્તકેન્દ્રો છે જેમાં મહારાષ્ટ્રમાં ૮૯ સરકારી અને ૨૮૬ જેટલાં ખાનગી રક્તકેન્દ્રો છે. આ આંકડા મુજબ દરેક રાજ્ય કરતાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ખાનગી રક્તકેન્દ્રો છે. એક સર્વે રિપોર્ટ કહે છે કે રક્તદાન શિબિરના માધ્યમે આવતું લોહી એક-તૃતીયાંશ છે. બીજી બાજુ આ ક્ષેત્રમાં વર્ષોથી કામ કરતા નિષ્ણાતો એમ પણ કહે છે કે ખોબલે-ખોબલે યોજાતી બ્લડ-ડોનેશન શિબિર માત્ર ફોટો છપાવવાના અવસર જેવી બનીને રહી ગઈ છે. આ ‌શિબિરોના માધ્યમે કલેક્ટ થતું બ્લડ હકીકતમાં દરદીઓ સુધી પહોંચતું જ નથી, કારણ કે એક વાર વ્યક્તિના શરીરમાંથી બ્લડ યુનિટ બૅગમાં રક્ત આવ્યું એ પછી એની શેલ્ફ-લાઇફ ઓછી છે અને મોટી ક્વૉન્ટિટીમાં આવેલું બ્લડ જો સમયસર વપરાય નહીં તો એને ગટરમાં નાખવા સિવાય પર્યાય જ નથી. ખરેખર શું બનતું હોય છે? એ મુદ્દાને સમજવા માટે આ ક્ષેત્રમાં અગ્રતાપૂર્વક કામ કરી રહેલા લોકો સાથે કરેલી ચર્ચા અહીં પ્રસ્તુત છે.


બ્લડનો બિઝનેસ?

ભારતમાં લોહીનો બગાડ થાય છે કે નહીં એના લેટેસ્ટ કોઈ આંકડાઓ આપણી પાસે નથી અને વિવિધ બ્લડ-બૅન્ક અને હૉસ્પિટલો સરકારી નિયમ હોવા છતાં સાચી રીતે એને જાહેર કરવા માટે ઉત્સુક પણ નથી. ખાટલે મોટી ખોડ એ છે કે બ્લડના ઉપયોગની બાબતમાં ટ્રાન્સરપરન્સીના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થતું હોય છે. છેલ્લાં ત્રીસ વર્ષથી ગ્રાઉન્ડ લેવલ પર બ્લડની જરૂરિયાત હોય એવા લોકોને મદદ કરવાનું કામ સાઇલન્ટ્લી કરી રહેલા કપોળ સ્પોર્ટ્સ ગ્રુપના અગ્રણી હિરેન શેઠે બ્લડની જરૂરિયાત વખતે હૉસ્પિટલો દ્વારા થતી પેશન્ટના પરિવારની પજવણી નજરોનજર જોઈ છે અને એ તેમને વ્યથિત કરી મૂકે છે. તેઓ કહે છે, ‘મારી ભાષા કદાચ તમને આકરી લાગે. રક્તદાન આજે એક પુણ્યનું કામ નથી રહ્યું, એ બહુ મોટો ધંધો થઈ ગયો છે. વારંવાર શિબિરનું આયોજન થાય ત્યારે એટલુંબધું લોહી એકઠું કરીને કચરામાં જ ફેંકવું પડે છે. હું કોઈ પણ ધર્મનો વિરોધી નથી, પરંતુ જ્યારે પણ કોઈ ધાર્મિક તહેવાર કે ગુરુઓની જન્મતિથિ નિમિત્તે રક્તશિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે અધધધ આંકડામાં રક્ત એકઠું થાય છે. મોટી-મોટી હૉસ્પિટલો દ્વારા જેમ કોઈ કૅન્ટીન ચલાવાય કે કોઈ મેડિકલ ચલાવાય એવી રીતે જ રક્ત બૅન્ક પણ ચલાવવામાં આવે. બહુ જ મોટો બિઝનેસ ચાલે છે. દરેકના પોતપોતાના નિયમો બનાવેલા છે કે બીજાના હૉસ્પિટલના પ્લાઝ્મા અમે ન ચલાવીએ એમ કહીને તમારી પાસે ડોનર મંગાવે અનેે ટેસ્ટિંગના નામે ખર્ચામાં ઉતારે. અમુક હૉસ્પિટલોમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પહેલાં ડૉક્ટરો સોળ-સોળ યુનિટ બ્લડની વ્યવસ્થા કરવાનું કહી દેતા હોય છે. શું કામ આટલું બ્લડ? અને પેશન્ટને જ્યારે બ્લડના અમુક કૉમ્પોનન્ટની જરૂર હોય અને એ દરદીના રિલેટિવ બીજી બ્લડ-બૅન્કમાંથી વ્યવસ્થા કરી શકતા હોય તો હૉસ્પિટલો મનાઈ ફરમાવી દે. સરકારી નિયમો પ્રમાણે હૉસ્પિટલોની બ્લડ-બૅન્ક બ્લડ વેચી ન શકે એટલે ટેસ્ટિંગના નામે હજારો રૂપિયા પડાવે છે.’


તો શું કરીએ?

બ્લડ-કૅમ્પ ન યોજવા તો પછી શું કરવું એનો જવાબ પણ હિરેન શેઠ પાસે છે. તેઓ કહે છે, ‘બ્લડ-કૅમ્પને બદલે બ્લડ આપી શકનારા લોકોનો એક ડેટા બનાવો. જ્યારે પણ રક્તની જરૂર હોય ત્યારે આ લોકોને સીધા હૉસ્પિટલમાં મોકલો. પહેલાથી જ બ્લડ એકઠું કરીને પછી નવપરાયેલું બ્લડ વેસ્ટ થાય એના કરતાં વ્યક્તિના શરીરમાં રહેલું બ્લડ તો હંમેશાં ઉપયોગી નીવડવાનું છે. અમે અત્યારે અમારા ગ્રુપના લોકોનો આવો એક ડેટા બનાવ્યો છે અને હૉસ્પિટલની બ્લડ-બૅન્કની ધોરાજી અમે નથી જ ચાલવા દેતા.’

ઇમર્જન્સીમાં શું કરશો?

મેડિકલ, હૉસ્પિટલ અને ભ્રષ્ટાચાર બહુ જૂના મુદ્દાઓ છે પરંતુ સવાલ એ છે કે ઇમર્જન્સીમાં બ્લડની જરૂર પડી ત્યારે શું? વર્ષોથી બ્લડ-ડોનેશન કૅમ્પ ચલાવતી સંસ્થાઓ પાસે રક્તના વેડફાટનો શું જવાબ છે એ વિશે છેલ્લાં ૩૦ વર્ષથી રક્તદાન શિબિર સાથે જોડાયેલા તરુણ મિત્ર મંડળના પ્રેસિડન્ટ વિકાસ શશીકાંત વીરા કહે છે, ‘અમે લોકોએ ૧૯૮૦થી સ્વયંસેવી રક્તદાન ‌િશબિ‌રો શરૂ કરી જ્યારે એ કોઈ જ નહોતું કરતું. ત્યારે વર્ષે એક રક્તદાન શિબિર યોજતા અને ૫૦ યુનિટ એકઠું થતું. આજે સન્ડે ટુ સન્ડે જુદા-જુદા એરિયામાં બ્લડ-ડોનેશન કૅમ્પ યોજીએ છીએ અને વર્ષે લગભગ સાડાપાંચથી છ હજાર યુનિટ બ્લડ એકઠું કરીને લગભગ ૫૦થી ૫૫ રક્ત બૅન્કોમાં ડિસ્ટ્રિબ્યુટ કરીએ છીએ. એ વાત સાથે હું જરાય સહમત નથી કે બ્લડનો બગાડ થાય છે કે એ વેડફાય છે. ઇનફૅક્ટ બ્લડ-ડોનેશન કૅમ્પને કારણે કટોકટીનો સમય સચવાઈ ગયો હોય એવા અઢળક દરદીઓ અમને મળ્યા છે. બેશક, બ્લડ-ડોનેશન કૅમ્પ યોજ્યા પછી એની ડિસ્ટ્રિબ્યુશન ચૅનલ અને સમયગાળો મહત્ત્વનો છે. અમુક મહિનામાં જ્યારે બ્લડ ઓછું આવતું હોય ત્યારે કૅમ્પ યોજાય અને કઈ બ્લડ-બૅન્કને કેટલી જરૂર છે એના આધારે ડિસ્ટ્રિબ્યુશન થાય એ મહત્ત્વનું છે. મુંબઈની પચાસ બ્લડ-બૅન્ક સાથે અમે અસોસિએટેડ છીએ તો એમાં સરકારી બ્લડ-બૅન્ક છે ત્યાં વધુ યુનિટ અમે આપીએ છીએ, કારણ કે ત્યાં વપરાશ વધુ છે. જેમ કે KEM હૉસ્પિટલ કે સાયન હૉસ્પિટલમાં બસો-અઢીસો યુનિટ બ્લડની નિયમિત રીતે જરૂર પડતી હોય છે. એટલે લોહી ગટરમાં જાય છે એમ કહીને કૅમ્પની જરૂરિયાત જ નથી એવું કહેવું વધારે પડતું ગણાશે. અફકોર્સ, કોઈક વાર એવું બનતું પણ હોય કે લોહી ડોનેટ થયા પછી એને જે ત્રણ જુદા-જુદા ઘટકમાં વિભાજિત કરાય તો એમાંથી કોઈ પાર્ટ ક્યારેક વેડફાય તો એ સ્વાભાવિક છે અને બેશક, એવું ન થાય એ માટેની વ્યવસ્થા બનાવવામાં સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ દ્વારા વધુ નક્કર પ્રયાસો કરવા જોઈએ જેથી આખા વર્ષ દરમિયાન રક્ત મળ્યા કરે.’

ક્યારેક જ બને

મુંબઈમાં હજી પણ ૩૩ ટકા જેટલું રક્તદાન સ્વયંસેવકો દ્વારા થતું હશે અને ૬૬ ટકા જેટલું રિપ્લેસમેન્ટ રક્તદાન એટલે કે પરિવાર કે કમ્યુનિટી દ્વારા દરદીની જરૂરિયાત મુજબ કરવામાં આવે છે એમ જણાવીને વિકાસભાઈ કહે છે, ‘લગભગ ૨૩૦૦ જેટલા થૅલેસિમિયાનાં બાળકોને દર પંદર દિવસે બે બૉટલ રક્તની જરૂર પડતી હોય છે. એટલે કે મહિનામાં ચાર યુનિટ અને વર્ષમાં ૪૮ યુનિટની જરૂર પડે. તો ગણતરી કરો, આખા વર્ષમાં કુલ કેટલા યુનિટની જરૂર પડે! સમસ્યા એ છે કે બધે જ લોકો એકસાથે જાન્યુઆરીમાં જ રક્તદાન શિબિરનું આયોજન કરે એટલે એકસાથે બહુ મોટું યુનિટ જમા થઈ જાય. પ્લાઝ્મા, જેની શેલ્ફ-લાઇફ બહુ જ ટૂંકી છે જો એ સમયસર ન વપરાય તો એ નકામું થઈ જાય, પરંતુ આખું ને આખું રક્ત નકામું જાય એ માન્યતા જ ખોટી છે. મુંબઈમાં રક્તદાન બાદ ૨૧ દિવસમાં મોટું યુનિટ વપરાય નહીં એવું તો ભાગ્યે જ બને.’

એપ્રિલ-મે, દિવાળી જેવા સમયગાળામાં ડોનર મળતા નથી

મુંબઈમાં એક વર્ષમાં ૩ લાખ યુનિટ રક્તની જરૂર પડે છે. દરરોજ ૧૦૦૦થી ૧૨૦૦ યુનિટની જરૂર પડે છે એમ જણાવીને બ્લડની સૌથી વધુ અછતના સમયની વાત કરતાં મહાત્મા ગાંધી બ્લડ સેન્ટરના મેડિકલ ડિરેક્ટર ડૉ. કિશોર ઝા કહે છે, ‘એપ્રિલ-મે, દિવાળી, ડિસેમ્બર, તહેવારગાળો એવા સમયગાળા છે જ્યારે રક્તદાતાઓની સંખ્યા નાટકીય રીતે ઘટી જાય છે. પ્લાઝ્માની અછત મે મહિનામાં સૌથી વધારે વર્તાય છે. આ જ સમય એવો છે જ્યારે રક્તકેન્દ્રો અહીંથી તહીં દોડતાં થઈ જાય છે. મુંબઈમાં બારમાંથી ત્રણેક જ મહિના એવા હોય છે જેમાં આવી સમસ્યા આવે છે, બાકીના મહિનાઓમાં જેટલી માગ છે એટલો જ પુરવઠો હોય છે. બીજું, બ્લડ-બૅન્કનો મહત્ત્વનો રોલ છે જ. જેમ કે કોવિડ સૌથી પડકારજનક સમય રહ્યો હતો, કારણ કે ત્યારે થૅલેસેમિયાનાં બાળકોના લોહીમાં હીમોગ્લોબિન બે ટકા જેટલું નીચું ગયું હતું, જે સામાન્ય રીતે ૧૦ ટકા જેટલું હોય છે. તેમ છતાં રક્તદાન કેન્દ્રોએ બનતી સહાય કરી છે. રક્તદાન કેન્દ્રો અને રક્તના બગાડ વિશે લોકોની ગેરમાન્યતા દૂર કરવાની જરૂર છે કે લોહીનો બગાડ નથી થતો. એમાંનો એક ઘટક છે પ્લાઝ્મા; જે મલેરિયા, ડેન્ગી, લેપ્ટોસ્પાયરોસિસના દરદીઓને ત્વરિત જ આપવામાં આવતો હોય છે.’

તમને ખબર છે?

જેવી રીતે પાણીના બંધારણને છૂટું પાડીએ તો એમાંથી હાઇડ્રોજન અને ઑક્સિજન મળે એવી રીતે લોહીના બંધારણને છૂટું પડીએ તો રેડ બ્લડ સેલ્સ, પ્લાઝ્મા અને પ્લેટલેટ્સ મળે. પહેલા બે ઘટકોનો ઉપયોગ ૪૧ દિવસથી ૧ વર્ષ સુધી કરી શકાય, જ્યારે પ્લેટલેટ્સ પાંચ દિવસમાં દરદીને આપવા પડે. થૅલેસેમ‌િયા અને એઇડ્સના દરદીઓને રેડ બ્લડ સેલ્સની જરૂર પડતી હોય છે. ડેન્ગી, મલેરિયામાં પ્લેટલેટ્સની જરૂર પડે. લિવરનો રોગ કે હાર્ટ સર્જરીમાં પ્લાઝ્માની જરૂર પડે. 

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 09:15 AM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK