તેથી જ મુંબઈ હાઈ કોર્ટને એટલું જ કહેવાનું છે કે ભારતીય સ્ત્રી ફક્ત સીતા નથી; તેનામાં થોડી સીતા, થોડી પાર્વતી, થોડી લક્ષ્મી, થોડી સરસ્વતી અને હા, થોડી કુંતી અને દ્રૌપદીનો પણ સમન્વય છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ હાઈ કોર્ટે એક કેસમાં સ્ત્રીઓને સીતા જેવી કહ્યાગરી અને આજ્ઞાંકિત બનવું એવી હિદાયત આપી હતી. બૉમ્બે હાઈ કોર્ટે એક કેસના સિલસિલામાં કહ્યું હતું કે ‘ભારતીય સ્ત્રીઓએ સીતા જેવાં બનવું જોઈએ.’ આ વાત વાંચ્યા પછી સતત એ જ વાત મનમાં ઘૂમરાયા કરતી હતી કે શા માટે? આપણે ત્યાં આવી વાતો કરવાની, આવી સલાહ આપવાની નવીનવાઈ નથી. ભારતીય સ્ત્રીઓએ સીતા જેવાં બનવું એટલે કહ્યાગરા, શીખવ્યું શીખે એવા આજ્ઞાંકિત બનવું; પણ મને લાગે છે કે સીતા જેવાં બનવું એટલે માનસિક સ્વસ્થતા, મજબૂત મનોબળ અને હિંમતવાન સ્ત્રી બનવું. હું તો ત્યાં સુધી કહીશ કે જો ભારતીય સ્ત્રી સીતા જેવી હોય તો ટીવીમાં બતાવાતી લાચાર, બિનમહત્ત્વાકાંક્ષી સ્ત્રીઓ કરતાં તો બેટર જ હશે. સીતા તો પ્રચલિત માન્યતાથી પર, માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત ચરિત્ર છે. સીતા એટલે એવી સ્ત્રી જે શિવના ધનુષનો ઘોડો કરીને રમી શકે છે, પતિ સાથે વનમાં જવાનો નિર્ણય લઈ શકે છે, રાવણના કબજામાં હોવા છતાં તેનો સામનો કરી શકે છે અને અંતમાં જ્યારે પોતે નિર્દોષ હોવાની સાબિતી બીજી વાર આપવી પડે એવી સ્થિતિ ઉદ્ભવ પામે ત્યારે દુનિયા છોડી જવાની હિંમત દાખવી શકે છે.
જેમણે રામાયણનું વાંચન-મનન કર્યું છે તેમને ખ્યાલ છે કે સીતા પર આવેલી અનેક વિપત્તિઓ, ઉગ્ર સંતાપ અને ઉપાધિઓ વચ્ચે પણ તે પોતાની રીતે જીવી છે. તે પોતાની ડિગ્નિટી, સ્વતંત્ર વિચારો અને મજબૂત મનોબળ સાથે વનવાસ દરમ્યાન લંકામાં રામે જ્યારે તેને આશ્રયમાં મોકલી દીધી ત્યારે, એકલા હાથે બાળકોને ઉછેરતી વખતે અને ફાઇનલી ધરતીમાં સમાઈ જવા વખતે પણ પોતાની રીતે જીવી છે. એક્સ્ટ્રા-ઑર્ડિનરી સંજોગો જ સામાન્ય સ્ત્રીને પણ નાયિકા બનાવી દે છે. આજની સ્ત્રી સીતા બને એવું વિચારવું જ ગેરવાજબી છે. સીતા જ શું કામ; દ્રૌપદી, કુંતી કે ઝાંસીની રાણી, નૂરજહાં, અહલ્યાબાઈ, ગાંધારી કે સરોજિની નાયડુ જેવાં પણ કોઈ સ્ત્રીએ શા માટે બનવું જોઈએ? શા માટે તેણે પરંપરાનો શિકાર બનીને બીજાની માફક જીવવું જોઈએ?
ADVERTISEMENT
સીતા કોઈ રીતે દબાયેલી નહોતી. તે રામ પાસે પોતાની માગણીઓ મૂકતી હતી અને ડિમાન્ડ્સ ફુલફિલ પણ કરતી હતી. તે રામની સાથે વનમાં ગઈ, સોનાના મૃગ પાછળ રામને દોડાવ્યા, લક્ષ્મણને રામની પાછળ જવાનો ઑર્ડર પણ કર્યો હતો.
સ્ત્રીઓએ કોઈ પણ રોલ-મૉડલને ફૉલો કરવાની જરૂર નથી. આજની પ્રતિભાશાળી ભારતીય સ્ત્રી કોઈ પણ રોલ-મૉડલની મોહતાજ નથી. તેથી જ મુંબઈ હાઈ કોર્ટને એટલું જ કહેવાનું છે કે ભારતીય સ્ત્રી ફક્ત સીતા નથી; તેનામાં થોડી સીતા, થોડી પાર્વતી, થોડી લક્ષ્મી, થોડી સરસ્વતી અને હા, થોડી કુંતી અને દ્રૌપદીનો પણ સમન્વય છે. -નીલા સંઘવી

