‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’માં ફરી-ફરીને એ જ વાત કરવામાં આવી છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધે છે અને જો એવું બન્યું તો ક્યાંક ને ક્યાંક ભારત સામે અનેક પ્રશ્નો ઊભા થશે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
ફાઇલ તસવીર
બીબીસીએ બનાવેલી એક ડૉક્યુમેન્ટરીની ચર્ચા છેલ્લા થોડા સમયથી તીવ્રપણે શરૂ થઈ છે. નરેન્દ્ર મોદી અને ઇન્ડિયાને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી આ ડૉક્યુમેન્ટરીનું નામ છે ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’. નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરતી આ ડૉક્યુમેન્ટરીના ગર્ભમાં એ સ્યુડો-સેક્યુલર છે જેને ભાઈચારાની વ્યાખ્યા કહેવી છે પણ એ કહેતી વખતે પણ ધ્યાન રાખવું છે કે કોઈનું દિલ દુભાય નહીં, કોઈને માઠું લાગે નહીં અને કોઈને પેટમાં ચૂંક આવે નહીં. આવી નીતિ રાખવાના ભાવથી તો છ દસકા સુધી આ હિન્દુસ્તાન પર રાજ કરનારાઓએ પોતાના રોટલા શેક્યા અને એવું કરીને એકધારો હિન્દુસ્તાનીઓને અન્યાય કર્યો. વાત આગળ વધારતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરવાની. જ્યારે પણ આપણી વાતમાં હિન્દુસ્તાની શબ્દ આવે ત્યારે ધાર્મિક સ્તર પર એ શબ્દ લેવાને બદલે એને રાષ્ટ્રવાદના આધાર પર જોવાનો અને એ દરેકને હિન્દુસ્તાની જ માનવાના જેમના માટે પોતાના ધર્મ કે મઝહબ કરતાં પણ અગ્રક્રમ પર રાષ્ટ્ર આવે છે.
‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’માં ફરી-ફરીને એ જ વાત કરવામાં આવી છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધે છે અને જો એવું બન્યું તો ક્યાંક ને ક્યાંક ભારત સામે અનેક પ્રશ્નો ઊભા થશે. એવું ન થવું જોઈએ. આ ડૉક્યુમેન્ટરીમાં એકવીસ વર્ષ પહેલાંના ગોધરા ટ્રેન કાંડની વાતનો ઉલ્લેખ કરીને સીધી વાત લઈ જવામાં આવી છે ગુજરાતમાં થયેલાં રમખાણોની અને એ વાતોમાં પણ કહેવામાં તો એ જ આવ્યું છે જેના ચુકાદાઓ આવી ગયાને પણ દસકાઓ વીત્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોર્ટે દોષમુક્ત ઘોષિત પણ કરી દીધા.
ADVERTISEMENT
શરમ આવે છે આ બ્રિટિશરો પર કે એકવીસ-એકવીસ વર્ષ પછી પણ તેમના મનમાં તો એ જ વાત ચાલે છે જે વાતનો વિરોધ તેમની સરકારે પણ ક્યારનો બંધ કરી દીધો છે. ફરી-ફરીને એ જ વાત, એ જ ગાણું કે ગુજરાતનાં રમખાણોની ઘટના પછી અમેરિકાએ નરેન્દ્ર મોદીને વિઝા આપવાની ના પાડી દીધી હતી. તમે જુઓ તો ખરા, કઈ સદીની એ વાત રહી છે, તમે જુઓ તો ખરા કે એ પછી નરેન્દ્ર મોદી કેટલી વાર અમેરિકા જઈ આવ્યા અને અમેરિકાના પ્રેસિડન્ટ પણ ઇન્ડિયા આવી ગયા!
વારંવાર એકની એક વાત કરનારાઓ જ્યારે પણ એવું કરે ત્યારે માનવું કે તેમની પાસે કોઈ મુદ્દો છે નહીં અને એટલે પ્રાધાન્ય મેળવવાની લાયમાં ફરી-ફરી તે એ જ વાત સાથે રડવાનું ચાલુ કરે છે. બાળકોમાં આ માનસિકતા હોય છે. સવારે મારેલા ઇન્જેક્શનનું પેઇન થતું ન હોય તો પણ એ જ્યારે પણ નવો ચહેરો સામે આવે ત્યારે આંખમાં આંસુ લાવીને રડવા માંડે. ચાઇલ્ડ સાઇકોલૉજીમાં આને સિમ્પથી-બિહેવિયર કહેવામાં આવે છે. બીબીસી એવું જ પ્રસ્થાપિત કરી રહ્યું છે અને દુનિયાભરની સામે સિમ્પથી બિહેવિયર મેળવવાની લાયમાં એ દેશને નુકસાન પહોંચાડી રહ્યું છે જે દેશ વિકાસશીલ દેશોની યાદીમાં સૌથી ઉપર છે. મને પૂછવું છે કે બીબીસીને આટલું જ પેટમાં બળતું હોય તો કેમ જઈને પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓ પર ડૉક્યુમેન્ટરી બનાવવાની હિંમત નથી કરતું?
હિન્દુસ્તાનમાં સરમુખત્યારશાહી આવી શકે છે એવો પ્રશ્નાર્થ ઊભો કરનારી બીબીસી કેમ એ ભૂલી ગઈ કે આ ડૉક્યુમેન્ટરી એણે ઇન્ડિયામાં જ બનાવી છે અને ઇન્ડિયન પ્લૅટફૉર્મ પર એ જોવાની પરમિશન પણ ઇન્ડિયન ગવર્નમેન્ટે જ આપી છે.