Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > કૅનેડા સાથે શરૂ થયેલા કકળાટનું મૂળ છે શું?

કૅનેડા સાથે શરૂ થયેલા કકળાટનું મૂળ છે શું?

24 September, 2023 11:15 AM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

સાદો જવાબ છે - ખાલિસ્તાની વિચારધારા

ફાઇલ તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

ફાઇલ તસવીર


જોકે સાથે બીજો સવાલ ખડો થાય કે પંજાબમાં શરૂ થયેલી આ વિચારધારા હવે દરિયાપારના દેશમાં જઈને કેમ ભડકી રહી છે? ખાલિસ્તાન અને એની ચળવળ માટે કૅનેડામાં જાહેરમાં ભાષણો થવા, રૅલીઓ નીકળવી, પ્રદર્શનો કરવા જેવી અનેક પ્રવૃત્તિઓની શરૂઆત તો ઑલરેડી થઈ ચૂકી હતી. આવા હિંસક દેખાવો હવે નિર્દોષ નૉન-સિખ ભારતીયોને હેરાન કરવા સુધી વિસ્તરી ચૂક્યા છે ત્યારે જાણીએ આખો મામલો શું છે.


આ વર્ષે ભારત G20 સમિટનું યજમાન બન્યું અને હમણાં થોડા સમય પહેલાં અનેક દેશોના પ્રધાનો, ડેલિગેટ્સ વગેરે G20 સમિટમાં ભાગ લેવા માટે ભારતના મહેમાન બન્યા હતા. પરોણાગતિ એટલી ભવ્ય રહી કે વિશ્વઆખામાં ભારતની વાહવાહી થઈ ગઈ. એક દેશના વડા પ્રધાન સાથે આપણને વર્ષોથી કેટલીક બાબતો વિશે ખટપટ અને ચળભળ ચાલ્યા કરતી હતી જે હમણાં સુધી વૈશ્વિક ફલક પર ચર્ચાનો વિષય નહોતી બની. જોકે આ વખતે કંઈક એવું બન્યું જે બધા દેશો માટે ઓટલા પંચાતનો વિષય બની ગયો. ખેર, આપણે તો વર્ષોથી આપણું સ્ટૅન્ડ ક્લિયર જ રાખ્યું છે અને હજી પણ આપણે આપણી વાત પર અડગ જ રહ્યા છીએ. હા, અહીં વાત કૅનેડાની થઈ રહી છે.હમણાંથી વણસેલા સંબંધો વાસ્તવમાં તો વર્ષો પહેલાં જ વણસી જવા જોઈતા હતા, પરંતુ ભારત ખાનદાની દાખવી સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે એવા પ્રયત્નો કરતું રહ્યું. વણસેલી આ પરિસ્થિતિના મૂળમાં મુદ્દો છે ખાલિસ્તાની મૂવમેન્ટના નામે ચાલતી ભારત વિરુદ્ધની ગતિવિધિઓનો, જે વિશે કૅનેડા દેખીતી રીતે પણ અને પાછલા દરવાજેથી પણ ખાલિસ્તાની આતંકવાદીઓને મદદ કરતું રહ્યું છે. એટલું જ નહીં, તેમને વર્ષોથી પનાહ પણ આપી રહ્યું છે. જોકે ભારતથી શરૂ થયેલી આ ખાલિસ્તાની ચળવળ અને એના વિચારો હજારો કિલોમીટર દૂર છેક કૅનેડા સુધી પહોંચ્યા કઈ રીતે?


ખાલિસ્તાની વિચારનો જન્મ

સૌથી પહેલો પાયાનો પ્રશ્ન એ છે કે ખાલિસ્તાનનો વિચાર જન્મ્યો ક્યાંથી અને કઈ રીતે? વાસ્તવમાં આ વિચાર ભારતીય સિખોના મનમાં રોપ્યો હતો અંગ્રેજોએ. કમભાગ્યે ઘટના કંઈક એવી બની કે અંગ્રેજો ભારતમાં વેપાર કરવાના બહાને આવીને અહીં ભોળી ભારતીય પ્રજા પર રાજ કરવાનો મનસૂબો તો લઈ બેઠા, પરંતુ આખું ઇંગ્લૅન્ડ ખાલી કરી નાખો તો પણ ભારતીય પ્રજા જેટલી તેમની વસ્તી નહોતી. એ સમયે અહીં અલગ-અલગ રજવાડાંઓનું રાજ હતું. અંગ્રેજોને ખૂબ વહેલી એ વાત સમજાઈ ગઈ હતી કે જો આપણે ભારત પર રાજ કરવું હોય તો ભારતીયોને જ એકબીજા સાથે લડાવવા પડશે અને જો એમ કરવામાં નહીં આવે અને બધા ભારતીયો એક થઈ ગયા તો તેમને ગુલામ બનાવવા મુશ્કેલ જ નહીં અશક્ય છે. હવે એ માટે જરૂર હતી તેમને એવા લોકોની જેઓ બહાદુર તો હોય, પણ સાથે સરળતાથી ભોળવાઈ જાય અને તેમની વાતમાં આવી જાય. ઉત્તર ભારતમાં દિલ્હીની નજીક પંજાબ એક એવું રાજ્ય હતું જ્યાં રહેતા સિખ લોકો અત્યંત બાહોશ, પરાક્રમી અને જુસ્સાવાળા હતા. આથી અંગ્રેજોએ ભારતીય રજવાડાંઓ સામે લડવા માટે મૂળ ભારતીય જ એવા સિખ ભાઈઓના દિમાગમાં ઝેર રેડવું શરૂ કરી દીધું. તેમણે સિખોમાં એવી માનસિકતા ઊભી કરવા માંડી કે ભારતીય હિન્દુઓ તેમને પોતાના ભાઈ અને આ દેશના વાસી તરીકે ગણતા જ નથી અને તેમને અન્યાય જ થતો રહ્યો છે. અંગ્રેજોનું આ રાજકીય કાવતરું કારગત નીવડ્યું અને પરિણામ એ આવ્યું કે એ સમયે મોટા પ્રમાણમાં સિખો ઇન્ડિયન બ્રિટિશ આર્મીમાં જોડાવા માંડ્યા. હવે જ્યારે મોહમ્મદઅલી જિન્નાહનું બ્રેઇન વૉશ કરીને અલગ રાજ્યની માગ કરાવવામાં અંગ્રેજો સફળ થયા ત્યારે તેમણે સિખો સામે પણ એ જ સ્ટ્રૅટેજી વાપરવા માંડી, જેથી જતાં-જતાં પણ તે લોકો આ દેશનું ધનોત-પનોત કાઢીને જાય. આખરે પોતાને અન્યાય થઈ રહ્યો હોવાની ખોટી ભ્રમણાના શિકાર એવા સિખોએ પણ અલગ રાજ્યની માગ કરવા માંડી અને જન્મ થયો સિખોના નવા દેશ ખાલિસ્તાનની માગણીનો. વાસ્તવમાં ખાલિસ્તાનની વિચારધારા જન્મવા પાછળની પ્રસૂતિપીડા કંઈક આવી છે.


કમનસીબે, પાકિસ્તાનના ભાગલા દરમિયાન પંજાબના બે ટુકડા થયા અને ત્યાર બાદ બીજી વાર હરિયાણા તરીકે ત્રીજો ટુકડો થયો અને ફરી એક વાર હિમાચલ પ્રદેશ તરીકે ચોથો ટુકડો પણ થયો. એને કારણે પેલી ‘સિખોને અન્યાય થઈ રહ્યો!’ હોવાની માનસિકતા વધુ બળવત્તર બની. બસ, ત્યારથી જ એક અત્યંત ઘાતક છતાં મીઠું લાગે એવું ધીમું ઝેર બાહોશ સિખ પ્રજામાં રેડાતું રહ્યું, જેનું નામ અલગ દેશ ખાલિસ્તાન! ત્યાર બાદ તો બાહરી શક્તિઓના વેસ્ટેડ ઇન્ટરેસ્ટને કારણે આ ચળવળને દેશની બહારથી છૂપું સમર્થન અને ભંડોળ મળ્યું અને ગોલ્ડન ટેમ્પલવાળી ઘટના બની, જેને કારણે પંજાબ સહિત દેશઆખામાં સિખ અને હિન્દુઓ વચ્ચે રમખાણો ફાટી નીકળ્યાં હતાં. બસ, અહીંથી શરૂઆત થઈ કૅનેડાવાળા ચૅપ્ટરની.

ખાલિસ્તાનનો વિચાર કૅનેડામાં?

આખા વિશ્વમાં ભારત બાદ સૌથી વધુ સિખો ક્યાંય વસ્યા હોય તો એ દેશ છે કૅનેડા. કૅનેડા  સાથે સિખોનો ઇતિહાસ આજકાલનો નહીં પરંતુ ૧૨૫ વર્ષ કરતાં પણ વધુ પુરાણો છે. ૧૮૯૭ની સાલમાં પહેલી વાર વ્યાપારી સિખોનો એક સમૂહ ભારતથી કૅનેડા પહોંચ્યો હતો. ભારતના RMS એમ્પ્રેસ વ્યાપારી જહાજથી કૅનેડાના વેનકુવર પહોંચેલા સિખોએ ત્યાં હરિયાળી અને ઉપજાઉ જમીન જોઈ અને તેમને ત્યાં જ સ્થાયી થવાનો વિચાર આવ્યો. ત્યારે કદાચ કૅનેડાને પણ ખબર નહોતી કે થોડાં વર્ષોમાં આ પ્રજા કૅનેડાના એક મુખ્ય સમુદાય તરીકે ઊભરી આવશે. આજે તો હવે ત્યાં એટલી મોટી સંખ્યામાં સિખો છે કે તેઓ કૅનેડાના રાજકારણમાં ખૂબ મોટો હિસ્સો ધરાવે છે. તેમના સમર્થન વિના કોઈ પણ રાજકીય પાર્ટી કૅનેડામાં ચૂંટાઈ આવી શકે એ શક્ય જ નથી.

હવે ભારતમાં જ્યારે ૧૯૮૩-’૮૪ની સાલમાં ખાલિસ્તાન ચળવળે જોર પકડ્યું અને ગોલ્ડન ટેમ્પલવાળી ઘટના બની ત્યારે કૅનેડામાં રહેતા ભારતીય મૂળ એવા સિખોમાં પણ ગુસ્સાનું જબરદસ્ત ઈંધણ રેડાયું. તારીખ હતી ૨૩ જૂન ૧૯૮૫, જ્યારે કૅનેડાથી ભારત માટે ઊડેલા ઍર ઇન્ડિયાના IC-182 જહાજને ખાલિસ્તાની અલગાવવાદીઓએ આયરલૅન્ડ પાસે બૉમ્બથી ઉડાવી દીધું. એમાં કુલ ૩૨૯ લોકો મરી ગયા અને એમાં ૮૨ બાળકો તો એવાં હતાં જેમની ઉંમર ૧૩ વર્ષ કરતાંય ઓછી હતી. આ ઘટના કૅનેડાના ઇતિહાસમાં સૌથી મોટી આતંકી ઘટના હતી.

આ ઘટના બાદ બંને દેશોને એ સમજાઈ ગયું હતું કે ખાલિસ્તાની ચળવળના નામે ભારત વિરુદ્ધ ગતિવિધિઓનાં મૂળિયાં કૅનેડામાં પણ સ્થપાઈ ચૂક્યાં છે. હવે ભારતે તો આ અલગાવવાદી વિચારધારા સામે એ સમયે કડક પગલાં લીધાં, પરંતુ કૅનેડા પોતાના દેશમાં આતંકવાદીઓ હોવાના ખ્યાલ સામે આંખ આડા કાન કરતું રહ્યું. એને કારણે ૧૯૯૦ના દાયકાના અંત સુધીમાં ભારતમાં આ ચળવળ લગભગ પૂરી થઈ ગઈ, પરંતુ કૅનેડામાં એ વધુ જોમપૂર્વક વિસ્તરી; કારણ કે હવે એને એવી બાહરી સંસ્થાઓનો સાથ મળ્યો હતો જેમને ભારતમાં અશાંતિ ફેલાવવામાં રસ હતો અને એ સંસ્થાનું નામ હતું ISI.

અલગાવવાદીઓનું કેન્દ્ર કૅનેડા

ઘટના કંઈક એવી છે કે ભારતમાં જ્યારે ખાલિસ્તાનની માગણી કરતી ચળવળ એની ચરમસીમાએ હતી ત્યારે તેમને કોઈક એવા સંગઠનની જરૂર હતી જે તેમને ભંડોળ, પ્લાનિંગ અને સમર્થન પૂરું પાડી શકે, તેમના માટે રણનીતિ બનાવી શકે. હવે એ માટે કૅનેડાથી વિશેષ અનુરૂપ દેશ બીજો કોઈ હોઈ જ ન શકે, કારણ કે ભારત બાદ અહીં જ સિખોની સૌથી વધુ વસ્તી હતી. તેઓ પૈસાદાર પણ હતા અને વગદાર પણ. વળી કૅનેડાની ઇમિગ્રેશન અને ફૉરેન પૉલિસી એ સમયે એટલી નબળી હતી કે ભારત-પાકિસ્તાન જેવા દેશોથી ભાગેલા અનેક આતંકવાદી કે અલગાવવાદી અથવા વૉન્ટેડ હોય એવા લોકો સરળતાથી કૅનેડામાં શરણ લઈ શકતા હતા.

ભારત વિરુદ્ધ ષડયંત્ર માટે આ એક ખૂબ મોટી તક છે એ પાકિસ્તાનની ISI જેવી આતંકવાદી સંસ્થાને સમજાઈ ગયું અને તેમણે પોતાના લીડરોને કૅનેડા મોકલવા શરૂ કરી દીધા. તેમણે કૅનેડિયન સિખો સાથે સંબંધ બનાવવા માંડ્યો અને તેમને હથિયાર અને ભંડોળથી લઈને ડ્રગ્સ સહિત અનેક સામગ્રીઓ જોઈએ એટલી આપવા માંડી. આ માટે ISIને બે રીતે ફાયદો હતો. એક, પાકિસ્તાનની જમીન પરથી કોઈ કાર્ય થઈ રહ્યું ન હોવાને કારણે સીધો પાકિસ્તાન કે ISI પર આક્ષેપ કરવો શક્ય નહોતું અને બીજું, કૅનેડામાં રહેતા સમૃદ્ધ સિખ સમુદાય માટે ભંડોળ અને આંદોલનકારીઓ ઊભાં કરવા કોઈ મોટી વાત નહોતી.

કૅનેડા કા દોગલાપન

તારીખ બતાતી હૈ ઇતિહાસ એમ કહીએ તો ચાલે. ૬ઠ્ઠી ફેબ્રુઆરી ૧૯૮૭માં ભારત અને કૅનેડા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પર સહી થઈ હતી. ભારતનો ગુનેગાર કૅનેડામાં વસ્યો હોય તો કૅનેડાએ અને કૅનેડાનો ગુનેગાર ભારતમાં વસ્યો હોય તો ભારતે તે ગુનેગાર સામેવાળા દેશને સોંપી દેવો એવું આ સંધિ દ્વારા નક્કી થયું હતું. જોકે હરદીપ સિંહ નિજ્જર અને તેના જેવા અનેક આતંકવાદીઓને કૅનેડાએ અનેક વાર માગણી કરવા છતાં ભારતને તો ન જ સોંપ્યા, ઉપરથી તેમને છાવરી-છાવરીને મોટા નેતા બનાવ્યા જેથી કૅનેડા, પાકિસ્તાન અને બીજા અનેક દેશો જેમને ભારતમાં શાંતિ અને પ્રગતિ થાય એ મંજૂર નહોતું. અર્થાત્, ખાલિસ્તાન નામની તંદૂરમાં રમખાણો નામનો કોલસો રાખી નારાઓનો તવો ચડાવો અને કેટલાક સિલેક્ટેડ લોકોના લાભની તંદૂરી રોટી એના પર શેકાતી રહે.

ભારતમાં બૉમ્બબ્લાસ્ટથી લઈને બીજા અનેક ગુના સબબ ૨૦૧૫માં નિજ્જરના નામની લુકઆઉટ નોટિસ ઇશ્યુ હતી. ભારતે અનેક વાર નિજ્જરને હૅન્ડઓવર કરવા માટે કૅનેડિયન ગવર્નમેન્ટને કહ્યું પણ ખરું, પરંતુ કૅનેડિયન ગવર્નમેન્ટ બહેરી જ બની રહી. ડિપ્લોમેટિક રિલેશનશિપનો હવાલો આપીને કૅનેડા સાથે અનેક વાર વાટાઘાટો પણ કરી, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું ત્યારે આખરે ૨૦૧૬માં ભારતે નિજ્જરના નામની રેડ કૉર્નર નોટિસ ઇશ્યુ કરી. છતાં કૅનેડાને જાણે કોઈ ફરક જ નહોતો પડી રહ્યો. ૧૯૮૭ની પેલી ટ્રીટીનું જાણે એને મન કોઈ મહત્ત્વ જ નહોતું. હરદીપ નિજ્જર ભારતનો એક વૉન્ટેડ ટેરરિસ્ટ હતો, જેની વિરુદ્ધ હત્યાકાંડો સર્જવાથી લઈને બૉમ્બબ્લાસ્ટ્સ સુધીના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. મૂળ ભારતીય નાગરિક અને ભાગેડુ એવો નિજ્જર હવે કૅનેડિયન સિટિઝન બની ચૂક્યો હતો. એક સર્ટિફાઇડ ટેરરિસ્ટ એવો નિજ્જર પહેલાં તો ‘બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ’ નામની સંસ્થા સાથે જોડાયો અને કૅનેડામાં વસતા મૂળ ભારતીય સિખોમાં ભારત વિરુદ્ધ ઝેર રેડવાનું શરૂ કર્યું. તેને ધીરે-ધીરે સમર્થન મળતું ગયું અને જોતજોતામાં તેણે પોતાની એક નવી સંસ્થા શરૂ કરી ‘ખાલિસ્તાન ટાઇગર ફોર્સ’. આ સંસ્થાનું મૂળ કામ હતું ૧૯૮૪માં ભારતમાં થયેલાં હિન્દુ-સિખ રમખાણો પછી એવા યુવાનોને શોધવા જે કોઈ ને કોઈ રીતે આ રમખાણોના પીડિત હોય, તેમનું સિસ્ટમૅટિકલી બ્રેઇનવૉશ કરવું અને ત્યાર બાદ ખાલિસ્તાન મૂવમેન્ટના નામે તેમને આતંકવાદી બનાવી એક એવો જુવાળ ઊભો કરવો જે ભારતમાં જ અને ભારત બહાર ભારત વિરુદ્ધ લડે.

ચળવળની આડમાં ડ્રગ કાર્ટેલ

ભારત-પાકિસ્તાન જેવા દેશોના ભાગેડુઓને જ્યારે ખબર પડી ગઈ કે તેમના માટે સૌથી સુરક્ષિત ઠેકાણું કૅનેડા નામનો દેશ છે ત્યારે ISIની મદદ દ્વારા પાકિસ્તાને એક નવી સ્ટ્રૅટેજી શરૂ કરી. અફઘાનિસ્તાનથી આવતું ડ્રગ્સ એણે આવા ભાગેડુઓ દ્વારા કૅનેડા મોકલવાનું શરૂ કર્યું. હવે કૅનેડામાં રહેતા સિખોમાં અનેક એવા યુવાનો હતા જેઓ સરળ અને ઝડપી પૈસા કમાવાના લોભમાં આ કાર્ટલનો હિસ્સો બનતા ગયા. ધીરે-ધીરે આ વેપાર વિકસ્યો અને અમેરિકા અને લૅટિન અમેરિકાથી પણ દવાઓ મારફત ડ્રગ્સ કૅનેડામાં આવવા માંડ્યું. આ રીતે કાર્ટેલ રચાયા બાદ તેમણે કૅનેડાથી ભારત અને યુરોપના દેશોમાં નેટવર્ક તૈયાર કરવા માંડ્યું.

આ નેટવર્ક દ્વારા ભારતમાં ડ્રગ્સ પણ પહોંચાડાતું અને સાથે જ ખાલિસ્તાન ચળવળના નામે આતંકવાદીઓ પણ તૈયાર કરાતા. એમાં નિજ્જરનો ખૂબ મોટો ફાળો હતો. તે યુવાનોને હથિયારોની ટ્રેઇનિંગ આપવાથી લઈને ISI તરફથી આવતાં હથિયારો પૂરાં પણ પાડતો હતો. એની પાછળની એક નબળી માનસિકતા એ હતી કે જો ખાલિસ્તાનના નામે ભારતનાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં છમકલાંઓ થતાં રહે તો પંજાબને અડીને પાકિસ્તાનની જે બૉર્ડર છે એ નબળી પડે અને જો એમ થાય તો પાકિસ્તાની સીમાએથી ભારત વિરુદ્ધના અનેક મનસૂબાઓ પાર પડી શકાય. આ પ્રવૃત્તિ દરમિયાન કંઈ પણ થાય તો ભાગી આવવા માટે કૅનેડા તો છે જ.

જીઓપૉલિટિક્સ અને હિસ્ટરી રિસર્ચર એવા કેટલાક બુદ્ધિજીવીઓની વાત માનીએ તો તેમનું કહેવું છે કે જે રીતે પાકિસ્તાન એક સમયે આતંકવાદને પોષતો દેશ બન્યો અને આખરે એ જ આતંકવાદ હમણાં પાકિસ્તાનને ભરખી રહ્યો છે એ જ રીતે ખાલિસ્તાનની માગણીના નામે ચાલતો આતંકવાદ હાલ કૅનેડા પોષી રહ્યું છે. જો સમયસર કોઈ પગલાં લેવામાં નહીં આવે અને આ આતંકી અને અલગાવવાદીઓને ડામવામાં નહીં આવે તો શક્ય છે કે કૅનેડાની હાલત પણ એક દિવસ પાકિસ્તાન જેવી જ થાય. આજે પરિસ્થિતિ એ છે કે કૅનેડામાં રહેતા સિખ આતંકીઓને કારણે માત્ર નૉન-શિખ ભારતીયો જ નહીં, પરંતુ મૂળ કૅનેડાવાસીઓને પણ મુશ્કેલીઓ ઊભી થવાની શરૂઆત થઈ ચૂકી છે.

જસ્ટિન ટ્રુડો માટે રાજકારણની દૃષ્ટિએ મજબૂરી

જસ્ટિન ટ્રુડોની હાલત કૅનેડામાં કંઈક એવી છે કે જો તેઓ ખાલિસ્તાની અલગાવવાદીઓ અને સિખોને પોતાનું દેખીતું અને પાછલા દરવાજેથી સમર્થન નહીં આપે તો તેમની સત્તા જોખમમાં આવી જાય. આથી જ તેઓ ન માત્ર સંસદમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે બલ્કે અલગાવવાદીઓના અનેક કાર્યક્રમોમાં મહેમાન તરીકે હાજરી આપવા પણ જાય છે. ૨૦૧૯માં કૅનેડામાં થયેલી ચૂંટણી દરમિયાન ટ્રુડોની લિબરલ પાર્ટીને ૧૫૭ સીટ મળી હતી અને કૅનેડિયન પ્રધાનમંત્રી બનવા માટે બહુમતી તરીકે જોઈતી હતી ૧૭૦ સીટ. અર્થાત્ ટ્રુડોને જરૂર હતી હજી બીજી ૧૩ સીટની, જે માટે તેમણે ન્યુ ડેમોક્રેટિક પાર્ટીનું સમર્થન લેવું પડ્યું. હવે આ ડેમોક્રેટિક પાર્ટીના લીડર એટલે જગમીત સિંહ ધાલીવાલ. તે એક અલગાવવાદી નેતા તો છે જ, પણ એથીયે મહત્ત્વની વાત એ છે કે ૨૦૧૩માં ભારતે તેના વિઝા રિજેક્ટ કરી તેને ભારત નહોતા આવવા દીધા, કારણ કે ભારત તેની આતંકી પ્રવૃત્તિઓ અને ખાલિસ્તાની ચળવળના નેતા તરીકેની ઓળખથી વાકેફ હતું. આજે તો હવે આ ન્યુ ડેમોક્રેટિક પાર્ટી કૅનેડામાં સૌથી વધુ સિખોની વસ્તી ધરાવતા બ્રિટિશ કોલંબિયા પર એકહથ્થુ શાસન ધરાવે છે. અલ્બર્ટા, ઓન્ટારિયો, મૈનિટોબા અને સસ્કેચેવાન જેવા પ્રાંતોમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે આધિપત્ય ધરાવતી ડેમોક્રેટિક પાર્ટીને સમર્થન આપવા સિવાય ટ્રુડોને છૂટકો નથી.

આ રીતે કૅનેડામાં વાસ્તવમાં ખાલિસ્તાનની ચળવળ વધુ મજબૂત અને વધુ સક્રિય ત્યારે બની જ્યારે ટ્રુડોએ પ્રધાનમંત્રી બનવા માટે ન્યુ ડેમોક્રેટિક પાર્ટીનું સમર્થન લીધું. એટલે કે ૨૦૧૫ની સાલથી. એ વર્ષથી જ મુખ્યત્વે ખાલિસ્તાન અને એની ચળવળ માટે કૅનેડામાં જાહેરમાં ભાષણો થવાં, રેલીઓ નીકળવી, પ્રદર્શનો કરવાં જેવી અનેક પ્રવૃત્તિઓની શરૂઆત થઈ જે આજે હવે હિંસક દેખાવોથી લઈને નિર્દોષ નૉન-સિખ ભારતીયોને હેરાન કરવા સુધી વિસ્તરી ચૂકી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2023 11:15 AM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK