Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દાંત ખોતરીને પેટ ન ભરી શકાય

દાંત ખોતરીને પેટ ન ભરી શકાય

05 March, 2023 11:39 AM IST | Mumbai
Kana Bantwa

સરસ રીતે જીવવું હોય, સમૃદ્ધ થવું હોય તો વધુ કમાતાં શીખવું પડશે. જે કમાઓ છો એનાથી વધુ કઈ રીતે કમાઈ શકાય, વધુ પ્રગતિ કઈ રીતે કરી શકાય એ વિચારનારાઓનો જમાનો છે

પ્રતીકાત્મક તસવીર કમ ઑન જિંદગી

પ્રતીકાત્મક તસવીર


એક નાનકડી ગણતરી કરી જુઓ તો, મુંબઈમાં તમારે એક ઘર લેવું હોય તો, તમારી આવકમાંથી કેટલા રૂપિયા બચાવો તો, કેટલા સમય પછી લઈ શકો? ગણતરી કર્યા પછી આ વ્યંગકથા વાંચો.

એક નાનો પગારદાર એક દિવસ અખબારમાં વાંચે છે કે ૧૦૦૦ મીટર જમીન એક અબજ રૂપિયાની કિંમતે વેચાઈ. વર્ષોથી ઘરનું સપનું આંખમાં આંજીને બેઠેલો આ પગારદાર ગણતરી કરવા માંડે છે કે મારે જમીનનો એક ટુકડો લેવો હોય તો કેટલી બચત કરવી પડશે? જે પગારમાં ઘરનું પણ પૂરું નહોતું થતું એ પગારમાંથી અડધો બચાવવાનું નક્કી કરીને તે કાગળ પર ગણતરી માંડે છે. અડધો પગાર બચાવે તો જમીનનો પોતે ધારેલો ટુકડો ખરીદવા માટે તેણે ૧૦૦૦થી વધુ વર્ષ નોકરી કરવી પડે. પોણો પગાર બચાવવાની ગણતરીમાં ૭૦૦-૮૦૦ વર્ષ નોકરી કરવી પડે. આખેઆખો પગાર બચાવે તો પણ ૫૦૦ વર્ષ નોકરી કરવી પડે એવી ખાતરી કાગળ પર ઊભરે છે ત્યારે તેને સનેપાત થઈ જાય છે. રાતઆખી તે જાગે છે, પત્ની અને બાળકો પર ગુસ્સે થાય છે. છેલ્લે, છેક સવારે તે ઘરમાં પડેલાં તમામ નાણાં એકઠાં કરે છે અને એમાંથી કેવડી જમીન ખરીદી શકાય એવી ઊલટી ગણતરી માંડે છે. બરાબર ગણતરી કર્યા પછી તે જાણી શકે છે કે તેની પાસેની તમામ મૂડીમાંથી તે એક ચોરસ સેન્ટિમીટર જેટલી જમીન ખરીદી શકે એમ છે.



આ વાર્તા જાણે મુંબઈની જ કે ભારતના કોઈ શહેરની જ હોય એવી લાગે છેને? વાર્તા મુંબઈની કે ભારતની નથી. ટર્કીના સક્ષમ હાસ્યલેખક, પત્રકાર અને તંત્રી અઝીઝ મેસીનની આ વાર્તા છે. મેસનની તુર્ક વ્યંગરચનાઓ વાંચતાં એમ જ લાગે કે આ તો ભારતની જ વાર્તા છે.


હવે કહો, તમે ગણતરી કરી એમાં શું હતું? મેસનની અત્યંત ચોટદાર આ વાર્તા ટાંકવાનો ઉદ્દેશ બચત કે કરકસરને ઉતારી પાડવાનો કે એને અયોગ્ય ગણવાનો નથી, પણ એટલું સાબિત કરવાનો છે કે આભ ફાટ્યું હોય ત્યારે થીગડાં દેવાથી કશું ન વળે. દાંત ખોતરીને પેટ ન ભરી શકાય. કરકસર અને બચત ઉપયોગી છે, એ જિંદગીમાં સ્થિરતા આપે છે, આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળી શકાય છે. એનાથી જિંદગી થોડી વધુ સરળ બની રહે છે. બચત અને કરકસરના ફાયદા છે જ, પણ એ જ સર્વેસર્વા છે એવું આ જમાનામાં માની શકાય નહીં અને એમ માનીને ચાલનારાઓ બે પાંદડે થાય નહીં. કરકસર અને બચત આંશિક રાહત આપનાર ચીજો છે. જો મસ્ત રીતે જીવવું હોય, દુનિયા સાથે કદમ મિલાવવાં હોય તો વધુ કમાવું પડશે. બચત અને કરકસર તમને મધ્યમ વર્ગમાંથી બહુ-બહુ તો ઉચ્ચ મધ્યમ વર્ગ સુધી લઈ જઈ શકે.

એક સમયે લાગતું કે થોડા રૂપિયા બચાવીને બૅન્કમાં મૂકી દઈએ તો વ્યાજમાંથી ઘર ચાલે. હવે તો વ્યાજના દર પણ એટલા ઓછા થઈ ગયા છે કે વ્યાજમાંથી ઘર ચલાવીશું એવું વિચારીને વીઆરએસ લઈને ઘરે હીંચકા પર બેસી જનારાઓ દુખી થઈ ગયા છે. જે કમાઓ છો એનાથી વધુ કઈ રીતે કમાઈ શકાય, વધુ પ્રગતિ કઈ રીતે કરી શકાય એ વિચારનારાઓનો જમાનો છે. આજે જરૂર છે આ મૂડીવાદી, ભૌતિક દુનિયાની સ્પર્ધામાં ટકી રહેવાના જુસ્સાની, નવી વિચારસરણીની, પ્રગતિમૂલક અભિગમની અને નવી દિશાઓ શોધવાની. આપણી સમસ્યા એ છે કે આપણે હંમેશાં ગરીબાઈને ગ્લોરિફાય કરી છે અને હજી કરીએ છીએ. સદ્ગુણો માત્ર ગરીબો અને ગરીબીમાં જ હોય એવો પ્રચાર સતત થતો રહ્યો છે. સંતોષને બહુ મોટા સદ્ગુણ તરીકે સ્થાપી દેવાનું પણ એટલું જ નુકસાન આપણને ગયું છે. નો ડાઉટ, સંતોષ સદ્ગુણ છે અને ‘સંતોષી નર સદા સુખી’ એ સૂત્ર સાચું છે. પણ એ એવા માણસ માટે છે જે ખરેખર જગતની તમામ બાબતોમાં સંતોષી બની ગયો હોય, અનાસક્ત બની ગયો હોય. અધકચરો સંતોષ ફાયદો ન કરાવે. જેને મહત્ત્વાકાંક્ષા હોય, કશુંક બનવાની આગ જેનામાં હોય તેને માટે સંતોષી બનવું એ રસ્તો નથી. ‘ઘોડા અગર ઘાસ સે દોસ્તી કરેગા તો ખાએગા ક્યા?’ પણ સંતોષને આપણે પેઢીઓથી એવા જડ રીતે વળગી રહ્યા છીએ કે નવું કશું કરવાનો અભિગમ જ ન કેળવ્યો, જે મળ્યું એનાથી સંતોષ માન્યો. કોઈ નવાં સંશોધન ભારતે ન કર્યાં, કોઈ નવી પહેલ ન કરી. સાદગીને ગરીબીનો પર્યાય બનાવી દેવામાં આવી. ધન દૂષણોનું જન્મદાતા ગણાવા માંડ્યું. લક્ષ્મીદેવીની પૂજા કરવાની અને એને વખોડવાની પણ. આ મેન્ટાલિટી આપણે સદીઓથી કેળવી લીધી છે અને આ મેન્ટાલિટીએ ભારતને જે નુકસાન કર્યું છે એટલું બીજાને નથી કર્યું. હવે ધીમે-ધીમે ભારત એમાંથી બહાર નીકળી રહ્યું છે. પરદેશગમનને પાપ ગણવા જેવી રૂઢિઓને આપણે વશ રહ્યા, કેવી કરુણતા, કેટલું બંધિયારપણું. પણ હવે સ્પર્ધાનો સમય છે. સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટનો જમાનો છે. જેમનામાં તાકાત હોય તે આગળ નીકળી જશે. નવી દિશાઓ ખોળતા રહેવાનો સમય છે. વાટકીમાં શિરામણ જેવડો નાનો ધંધો કરનાર કે નાનકડી સરકારી નોકરીમાં સંતોષ માનનારા ધીરુભાઈ અંબાણી કે લક્ષ્મી મિત્તલ બની શક્યા નથી. જમાનો સાહસનો છે, કમાવાનો છે. મોંઘવારી સામે લડવાનો સૌથી સહેલો ઉપાય વધુ ઉપાર્જનનો છે. કરકસર તમને ટકાવી રાખે, પણ વધુ સારી રીતે જીવવું હોય તો વધુ કમાઈ લેવું પડે અને એ અશક્ય નથી. પલાયનવાદીઓને કદાચ એ શક્ય લાગતું નહીં હોય, પણ જિંદગી સામે ટક્કર લેવાની હિંમત ધરાવનારા, સિંહની છાતીવાળા માણસો માટે કશું જ અશક્ય નથી. કાળા માથાના માનવીના બાહુ એટલા મજબૂત ઘડ્યા છે ઈશ્વરે કે અશક્ય નામનો શબ્દ તેમની ડિક્શનરીમાં હોતો નથી. મહેનત કરવાથી બધું જ પામી શકાય છે અને મહેનતનો શૉર્ટકટ નથી હોતો. દરેક સફળ માણસ અસંતોષી હોય છે. તે કરકસર કરે છે, બચત કરે છે, ખોટા ખર્ચ નથી કરતો, પણ તેને ક્યારેય સંતોષ નથી થતો કે હવે આપણે જીવવા જેટલું કમાઈ લીધું, હવે વધુ કમાવાની જરૂર નથી. તેમને મોંઘવારી નડતી નથી. તેમને પિસાવું પડતું નથી. મોંઘવારીથી તેઓ બે ડગલાં આગળ ચાલે છે. જિંદગી મજાથી જીવી શકે છે.


તો ખંખેરી નાખો આળસ, થઈ જાઓ તૈયાર વધુ કમાવા માટે. કારણ કે આ ભૌતિકવાદી દુનિયામાં મોંઘવારી ઘટવાની નથી. દુનિયાની ઉત્પત્તિથી આજ સુધી મોંઘવારી ઘટી હોય અને સોંઘવારી આવી ગઈ હોય એવું ક્યારેય બન્યું નથી. ક્યારેક ટેમ્પરરી રાહત મળી હશે, ક્યારેક મંદીના ભરડામાંથી બહાર આવતી વખતે હાશકારો થયો હશે, પણ ભાવ તો પરાપૂર્વથી વધતા આવ્યા છે. એમાં રિવર્સ ગિયર હોતો નથી. સરકાર ધક્કા મારીને મોંઘવારીની ગાડીને આગળ વધતી અટકાવી શકે અથવા થોડી પાછળ ધકેલી શકે, પણ એ બહુ થોડા સમય માટે. લાંબો સમય આ શક્ય નથી. પાંચ વર્ષ પછી પેટ્રોલ ૧૫૦ રૂપિયે લિટરના ભાવે વેચાતું હોય એવું બનવાની પૂરી શક્યતા છે, પણ ૨૦ રૂપિયે લિટરનો ભાવ થઈ જશે એવું સ્વપ્નેય વિચારી શકાય નહીં. એટલે રિયલિસ્ટિક બનીને, ભવિષ્યનું પ્લાનિંગ કરીને એ પ્રમાણેની આવક માટે મહેનત કરવી એ જ યોગ્ય રસ્તો છે. સાદગીની સલાહ આપનારાને કદાચ આ વાતો આત્યંતિક લાગતી હશે, પણ આ હકીકત છે, એને સ્વીકારવી જ પડે. કરકસર કરો, બચત કરો, પણ મહત્ત્વ તો વધુ કમાવાને, વધુ આગળ વધવાને જ આપો. બચત અને કરકસરથી જીવનમાં શિસ્ત આવશે, વધુ કમાવાથી સમૃદ્ધિ.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2023 11:39 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK