. જીવન મળ્યું છે તો ખુશી સાથે એ જીવો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
બહુ ઓછા એવા હોય છે જેને જીવન સ્વર્ગ લાગતું હોય. હા, બહુ ઓછા એવા છે જેને આ જીવન જીવવાનો આનંદ લેતાં આવડે છે અને એ આનંદ તે સૌ સુધી પહોંચાડવાની પ્રક્રિયા પણ કરે છે. આ જે ઓછા લોકો છે એ સિવાયના લોકોની વાત કરીએ તો અઢળક માત્રામાં રહેલા એ સૌ એ ભૂલી ગયા છે કે તેઓ ખુશ રહેવાથી કે તેમના સુખી હોવાના અહેસાસથી પણ જીવનને ફરક નથી પડતો અને તેમના દુખી હોવાના અનુભવથી પણ જીવનને કોઈ ફરક નથી પડતો. એ તો પોતાની રીતે જ આગળ વધવાનું છે અને એ તો પોતાના મૂડ મુજબ જ પસાર થવાનું છે. જો આ જ હકીકત હોય તો તમને એટલું સમજાવું જોઈએ કે તમારા સુખી-દુખી હોવાની તીવ્રતામાં કેટલો ફરક લાવવો એ નક્કી કરવાની જવાબદારી તમારી છે.
ચોવીસ કલાક મોઢું વકાસીને બેસનારા કે પછી ચોવીસ કલાક લાલચોળ ટમેટા જેવી ખુશી વ્યક્ત કરનારાઓથી વ્યક્તિગત રીતે જીવનને કોઈ ફરક પડતો નથી. જીવન મળ્યું છે તો ખુશી સાથે એ જીવો. આ એક જ સિદ્ધાંત જીવનમાં હોવો જોઈએ. રડવાથી, કરગરવાથી કે પછી ચીસો પાડવાથી કશું વળવાનું ન હોય તો પછી એ બધાનો કોઈ અર્થ સરતો નથી અને જ્યારે અર્થહીન પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ બનતી હોય ત્યારે જીવન પણ અર્થહીન રસ્તા પર આગળ ધપવાનું શરૂ થઈ જાય છે. જુઓ તમે આજની યુવા પેઢીને, જુઓ આ યંગ જનરેશનને, તેને કોઈ વાત એટલી અસર નથી કરતી જેટલી અસર ચાલીસી વટાવી ચૂકેલા સૌકોઈને થતી હોય છે અને થતી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: જો તમે સરળ અને સહજ જીવન ઇચ્છતા હો તો એક વખત ‘ધ કેરલ સ્ટોરી’ જોઈ આવજો
નવી જનરેશન આ બાબતમાં ખરેખર વધારે ઝિંદાદિલ છે એવું આપણે સૌએ સ્વીકારવું જ રહ્યું અને એ સ્વીકાર સાથે તેમનો એ સ્વભાવ પણ અપનાવવો રહ્યો. વીતી ગયેલી વાત તેને અકળાવતી નથી અને એનું કારણ પણ છે. કારણ એ છે કે આવનારો સમય તેને એક્સાઇટમેન્ટની ચરમસીમા પર રાખે છે અને જે પોતાના આવનારા સમય માટે ઉત્સાહી હોય એ ક્યારેય પોતાના ભૂતકાળની આંગળીએ આગળ વધતો નથી.
બિત ગઈ સો બાત ગઈ.
સિમ્પલ અને સરળ એવી આ એક ઉક્તિને ફૉલો કરીએ અને આવનારા સમય માટે વધારે ઉત્સાહી રહીએ. ઉત્સાહી પણ અને ઉલ્લાસી પણ. જો આવનારા સમયને તમે સાચવી લેશો તો તમે ચોક્કસપણે નવું જેકંઈ મેળવશો એ તમને વધારે રોમાંચ આપનારું હશે. રોમાંચ આપનારું પણ અને તાજગી આપનારું પણ, પરંતુ એને માટે તમારે બે વાતને યાદ રાખવાની છે.
વિચાર અને વિચારધારા વાજબી દિશામાં આગળ વધતી રહે અને એ ધારામાં ક્યાંય નકારાત્મકતા ન આવે એટલું જો કરી શક્યા તો લખી રાખજો કે જીવન ક્યારેય નિરાશા નહીં આપે. કારણ કે નિરાશા આપવી એ જીવનનો ધર્મ પણ નથી. એ તો બિચારું એક જ વાત માને છે, સમજે છે. તમે જેવા છો એવું તેણે રહેવાનું. જીવનની આ ફિલોસૉફીને જેટલી ઝડપથી સમજી લેશો એટલી ઝડપથી તમારી ખ્વાહિશ જીવન ઓળખી જશે માટે બેટર છે કે આંખો ખૂલે એટલી જલદી ખોલો અને આજનો આ પીસ વાંચીને પહેલું કામ, સામે જે દેખાય તેની સામે સ્માઇલ કરવાનું કરો. ચાહે ભલે તે વ્યક્તિ અજાણી કેમ ન હોય.


