કોરોનાએ અનેક બાબતમાં આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યું હતું, જેને માટે ખરેખર આપણે કોરોનાનો આભાર માનવો પડે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
વાત ચાલે છે બૅકઅપ પ્લાનની અને કોરોના દરમ્યાન અનેક લોકોએ બૅકઅપ પ્લાન તરીકે નવી ઇન્ડસ્ટ્રીના દરવાજા ખખડાવી લીધા હતા. અનેક એવી ફૅમિલી હતી, જેણે હોમ-કિચનની શરૂઆત કરી હતી, તો અનેક એવા પુરુષો હતા જેણે જીવનજરૂરી એવી સામગ્રીના બિઝનેસમાં ઝંપલાવી દીધું હતું. ખરેખર બહુ ઉમદા કામ થયું હતું. હું પણ અનેક એવાં ઍક્ટર-ઍક્ટ્રેસને ઓળખું છું જેમણે નવી દિશામાં પોતાની તકદીર અજમાવી હતી અને એમાં સફળતા મેળવી હતી, પણ એ એક અનુભવ લેવાની ઘટના નહોતી. મળેલા એ અનુભવના આધારે નવી દુનિયા ખોલવાની વાત હતી અને એ વાત ખૂલ્યા પછી અટકી પણ ગઈ.
ઘરમાં રહીને હાથ-પગ ચલાવવાનું જે ગૃહિણીએ શરૂ કર્યું હતું એ ગૃહિણીના હાથ ફરી ત્યારે અટકી ગયા જ્યારે તેણે જોયું કે હવે તો પતિદેવનું કામ બરાબર ચાલવા માંડ્યું છે. એ ગૃહિણીના હાથ અટકાવવાનું કામ અજાણતાં જ પતિદેવો દ્વારા થયું એ પણ એટલું જ સાચું છે, પણ મહત્ત્વનું છે કે હાથ અટક્યા અને જે હાથ અટક્યા એ લેસન લઈને લેસન ફરીથી ભૂલવા પણ માંડ્યા. ભૂલવાની આ જે ભૂલ છે એની સજા એવા સમયે સામે આવીને ઊભી રહી શકે છે જ્યારે હાલત કફોડી હોય.
ADVERTISEMENT
કોરોનાએ અનેક બાબતમાં આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યું હતું, જેને માટે ખરેખર આપણે કોરોનાનો આભાર માનવો પડે. કારણ કે આપણે એ આત્મનિર્ભરતા સર્વોચ્ચ રીતે પુરવાર પણ કરી લીધી હતી અને આપણે શ્રેષ્ઠ રીતે એ દિશામાં આગળ પણ વધવા માંડ્યા હતા, પરંતુ કોરોનાની એક્ઝિટ અને એ એક્ઝિટ પછી આવેલા નિરાંતના સમયે આપણા જીવનમાંથી બૅકઅપ પ્લાનને હટાવવાની જે માનસિકતા જન્મી હતી એનો ક્ષય કરવાનું કામ કર્યું.
બૅકઅપ પ્લાન રાખવો પડશે અને એ પ્લાનની સાથોસાથ એ વાત પણ સમજવી પડશે કે એ ઈશ્વરીય સંકેત હતો જેમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન પરિવાર તરફ આપવાની પ્રક્રિયા કરે. આજે પણ એ પ્રક્રિયા થઈ રહી છે, પણ હવે ફરી વખત એ મોડ સાથે એ પ્રક્રિયા થાય છે જેમાં સ્ત્રી અને પુરુષ વણલખ્યા નિયમ મુજબ પોતપોતાનાં કામ કરે છે. કોવિડ દરમ્યાન એ વ્યાખ્યા બદલાઈ ગઈ હતી. વાત બૅકઅપ પ્લાનની ચાલે છે અને એ પછી પણ કોવિડના સમયગાળાને યાદ કરીને પૂછવાનું મન થાય છે કે કહો જોઈએ, પૅન્ડેમિક હટ્યા પછી કેટલા પુરુષોએ ઘરમાં કચરાં-પોતાં કર્યાં છે? કેટલા પુરુષોએ ઘરમાં સાફસફાઈ કરી છે અને કેટલી મહિલાઓએ ઇન્કમ વધારવાના રસ્તા વિચાર્યા છે?
એ દિવસોમાં તો સામાન્ય સિલાઈનાં કામ દ્વારા પણ ઇન્કમ વધારવાની દિશામાં વિચારો દોડતા થઈ ગયા હતા, જ્યારે આજે, આજે આપણે એ જ છીએ જે પહેલાં હતા.
ઘટનાઓ આપણને ધ્રુજારી આપે છે, પણ એ પસાર થયા પછી આપણે ફરીથી જડ જેવા થઈને ઊભા રહી જઈએ છીએ. ઘટનાઓ આપણને ડાહ્યા કરી દે છે, પણ એ પસાર થઈ જાય એ પછી આપણે ફરીથી એવા જ થઈને બેસી જઈએ છીએ, પહેલાં જેવા, શાણપણનો અભાવ ધરાવતા હોય એવા. શું એ જોતાં આપણે એવી અપેક્ષા રાખવી જોઈએ ખરી કે કુદરત દર એક-બે વર્ષે આપણને પૅન્ડેમિકનો પરચો દેખાડતી રહે?


