તમને ગુસ્સો આવે તો ખરાબ, ગુસ્સો કરો તો યોગ્ય
તમે ગુસ્સો કરો છો કે તમને ગુસ્સો આવે છે? જો તમને ક્રોધ આવતો હોય તો એ ખરાબ છે અને જો તમે ગુસ્સો કરતા હો તો એ સારું છે. ન સમજાયું? સમજીએ... ગુસ્સો જો તમારી ઇચ્છા વગર થઈ જતો હોય, મગજ પર કાબૂ ન રહે અને ક્રોધ ઘેરી વળે, ગુસ્સે થયા પછી તમે ભાન ભૂલી જતા હો, ન બોલવાનું બોલાઈ જતું હોય તો એ ગુસ્સા પર તમારો કાબૂ નથી અને આવો કોપ નુકસાન સિવાય કશું કરતો નથી, પણ જો તમે પોતાની ઇચ્છાથી ક્રોધ કરી શકતા હો, ક્રોધને નિયંત્રણમાં રાખી શકતા હો, ક્રોધને સમજીને સમાવી શકતા હો, એને મોળો પાડી શકતા હો તો એ ક્રોધનો ઉપયોગ ફાયદા માટે કરી શકાય. માન્યતા એવી છે કે ગુસ્સો આવે ત્યારે માણસ ભાન ભૂલી જ જાય. ક્રોધિત માણસ ન કરવાનું કરી બેસે. ગુસ્સાના જુવાળમાં વિધ્વંશકારી પગલું ભરી બેસે. આ બધી માન્યતા ખોટી નથી, પણ એકતરફી છે. એવું માની લેવામાં આવ્યું છે કે ગુસ્સો બેકાબૂ જ હોય. એ ફાટે ત્યારે વિનાશ વેરીને જ જંપે. ભસ્મીભૂત કર્યા પછી જ શાંત થાય. ખરેખર એવું નથી. ક્રોધને કન્ટ્રોલમાં રાખી શકાય છે અને મજાની વાત એ છે કે નિયંત્રણમાં ક્રોધ ખરેખર ક્રોધ રહેતો જ નથી. અનિયંત્રિત હોય ત્યાં સુધી જ ગુસ્સો રહે છે, નિયંત્રણમાં આવતાં જ અભિવ્યક્તિનું એક સાધન બની જાય છે. બેકાબૂ અવસ્થામાં ક્રોધ વિનાશક રાક્ષસ છે, અંકુશમાં એ નમ્ર અને વિવેકી સેવક બની જાય છે. પકડમાં આવતાં જ ક્રોધનું સ્વરૂપ બદલાઈને સાવ ઊલટું થઈ જાય છે.
તમારા હાથ નીચેના કર્મચારી કશી ભૂલ કરે કે કામમાં વેઠ ઉતારે કે વિલંબ કરે અથવા તમારી અપેક્ષા પ્રમાણેનું પરિણામ ન આપે ત્યારે તમને ગુસ્સો આવે એ સામાન્ય બાબત છે. ત્યારે તમે કર્મચારીને ખખડાવી નાખો અથવા કડવાં વેણ બોલો અથવા તેને સજા કરો એ ગુસ્સાના આવેશમાં આવીને કરેલું કૃત્ય હોય છે અને આવા ક્રોધનાં પરિણામ બહુ સારાં આવતાં નથી. આવી ભૂલ કરનાર કર્મચારીને તમે વઢો નહીં કે તેના પર ગુસ્સો ન કરો તો તે પેંધો પડી જાય અને બીજી વખત એવી જ ભૂલ કરે. આવા સંજોગોમાં તમને ગુસ્સો ન આવે તો તમારા નોકરી-ધંધાને નુકસાન થઈ શકે. તો શું કરવું? આખી દુનિયા કહે છે કે ગુસ્સો કરવો યોગ્ય નથી. છેક પુરાણકાળથી આ જ કહેવાતું આવ્યું છે, પણ જો કોઈ સંજોગોમાં ક્રોધ અનિવાર્ય હોય તો કરવો. તમે અનુભવશો કે જાગૃતિપૂર્વક કરવામાં આવેલો ક્રોધ ખરેખર ક્રોધ નહીં, અભિનય હોય છે. એ નૅચરલ ઍન્ગર નથી, ઍન્ગરની ઍક્ટિંગ છે અને જ્યારે તમે અભિનય કરો છો ત્યારે એ ભાવ તમારા મનને અસર નથી કરતો. નાટકમાં ગુસ્સે થવાનો અભિનય કરનાર કલાકારને જુઓ તો એવું લાગે કે હમણાં આના લમણાની નસ ફાટી જશે, હૃદય બેસી જશે, પણ બીજી જ મિનિટે બૅકસ્ટેજમાં જઈને જુઓ તો તે અભિનેતા આરામથી હસતો હોય. તમે જાણીજોઈને કરેલો ક્રોધ નુકસાન કરતો નથી, કારણ કે તમે તમારા પોતાના નિયંત્રણમાં હો છો. તમારા મન પર તમારો અંકુશ હોય છે એટલે તમે એવું કશું કરતા નથી જે નુકસાનકારક હોય. એવું કશું બોલતા નથી જે વિનાશ વેરે.
ક્રોધ શા માટે આવે છે એની આખી સીક્વન્સ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણએ અદ્ભુત રીતે કહી છે. કૃષ્ણ તો જગતના પ્રથમ માનસશાસ્ત્રી હતા. તેમણે કહ્યું છે કે ‘ઇચ્છા પૂરી નહીં થવાથી, ધાર્યું નહીં થવાથી ક્રોધ પેદા થાય છે. ક્રોધને લીધે માણસ સારાનરસાનો વિવેક ગુમાવી દે છે. શાણપણ ગુમાવી દે છે, સંસ્કારોની સ્મૃતિ ગુમાવી દે છે. એનાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થતાં મનુષ્ય નષ્ટ થઈ જાય છે.’
કેવી ગજબ સાંકળ. કાસ્કેડિંગ ઇફેક્ટ કૃષ્ણએ સચોટ સમજાવી છે. ક્રોધ હંમેશાં પોતાનું ધાર્યું ન થાય, અપેક્ષા સંતોષાય નહીં, ઇચ્છાપૂર્તિ ન થાય ત્યારે જ આવે છે, એ સિવાય કોઈ સંજોગોમાં આવતો નથી કે આવી શકતો નથી. તમે વિચારશો કે તમને તો જાતજાતના સંજોગોમાં ક્રોધ આવે છે, પણ એ દરેક બાબતના મૂળમાં જોશો તો ધાર્યું નહીં થવાનું જ કારણ મળશે. કોઈએ અપમાન કર્યું, તમને ગુસ્સો આવ્યો. તમને લાગશે કે તમારા ગૌરવ કે અભિમાન પર પ્રહાર થવાથી કોપિત થયા, પણ ત્યાં પણ ધાર્યું એવું હતું કે તમને સન્માન આપવામાં આવે, પણ થયું એનાથી ઊલટું. એટલે ગુસ્સો આવ્યો. સંતાન રાતે મોડું ઘરે આવે એટલે ગુસ્સો આવે. અપેક્ષા એ હતી કે સમયસર ઘરે આવી જવું જોઈએ દીકરા કે દીકરીએ. ભાગીદાર દુકાને મોડો આવ્યો એટલે રીસ ચડી. અહીં પણ અપેક્ષા જને? દુર્વાસાને પણ ગુસ્સો ત્યારે જ આવતો જ્યારે ધાર્યું થાય નહીં.
ક્રોધ આઠ સ્થાયી ભાવમાંનો એક ભાવ છે, ઇમોશન છે. હકીકતમાં ક્રોધ ઊર્જા છે. ક્રોધ જુસ્સો પેદા કરે છે. ક્રોધ વિજયની ઇચ્છા પેદા કરે છે. ક્રોધ બદલો લેવાની વૃત્તિ પેદા કરે છે. હરીફને પછાડી દેવાનું જોમ પણ ચડાવે છે. ક્રોધઊર્જા એક શક્તિશાળી મૉટિવેટિંગ ફોર્સ છે જેની અસર હેઠળ તમે અસંભવને પણ સંભવ બનાવવા માટે પ્રયત્ન કરો છો. ગુસ્સો તમને સ્પષ્ટવક્તા બનાવી દે છે. જે ન ગમતી બાબત તમે તમારી પત્નીને ક્યારેય ન કહી શકતા હોય એ તમે ગુસ્સામાં હો ત્યારે કહી દો છો. આને લીધે ઘણી વાર અત્યંત આવશ્યક સ્પષ્ટતા પણ થઈ જાય છે અને રિલેશનશિપ વધુ મજબૂત બને છે. જેને ક્યારેય ખીજ ન ચડી હોય એવો માણસ મળશે નહીં. એવો પણ દેહધારી મનુષ્ય તમને આ પૃથ્વીના પટ પર નહીં મળે જે ક્યારેય ગુસ્સે ન થતો હોય. જે ગુસ્સે નથી થઈ શકતો એ માણસ કાં તો વિરક્ત સાધુ છે અથવા નમાલો છે.
ક્રોધ પોતાની મેળે આવવો ન જોઈએ. તમારી ઇચ્છા વગર ગુસ્સો મગજ પર ચડવો ન જોઈએ. તમે જ્યારે અભાનપણે ગુસ્સો કરો છો ત્યારે એ જેટલું નુકસાન સામેવાળાને પહોંચાડે છે એટલું જ નુકસાન તમને પણ પહોંચાડે છે. સળગતો કોલસો હાથમાં લઈને કોઈના પર ફેંકવા જેવું કામ છે. સામેવાળા દાઝશે એના કરતાં તમારો હાથ વધુ દાઝશે. તમે સામેવાળાને સજા આપવા માટે ક્રોધ કરો તો એમાં વાસ્તવિક સજા તમને પોતાને થાય છે. ગુસ્સા વખતે બુદ્ધિ પર તમારો કાબૂ રહેતો નથી એટલે એટલા સમય પૂરતા તમે જાનવર બની જાઓ છો, મૂર્ખ બની જાઓ છો, ગમાર બની જાઓ છો. ગુસ્સો આવે ત્યારે તમે માત્ર ભૂલ નથી કરી રહ્યા, તમારા મનને ખોટી ટેવ પાડી રહ્યા છો. તમે કોઈને ગુસ્સામાં ગાળ આપશો તો તેનું અપમાન તો થશે જ, પણ સાથે તમારી પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચશે. તમે માર્ક કરજો કે જે કારણસર તમને ગુસ્સો આવ્યો હશે એ કારણ કરતાં પરિણામ વધુ મોટું, વધુ ખરાબ આવ્યું હશે.
દુનિયાભરના ધર્મોએ, વિદ્વાનોએ, ચિંતકોએ ક્રોધ નહીં કરવા પર ભાર મૂક્યો છે. ક્રોધને ધર્મનાં ૧૦ લક્ષણોમાંનું એક ગણાવાયું છે. ધર્મપુરુષો, ઋષિઓથી માંડીને આધુનિક માનસશાસ્ત્રીઓ સુધીના ઘણાએ ક્રોધ પર વિજય મેળવવા માટેના રસ્તા બતાવ્યા છે. ક્રોધ આવે ત્યારે એકથી દસ સુધી ગણવું. ક્રોધ આવે ત્યારે મૂંગા રહેવું, ગુસ્સો ચડે ત્યારે જે-તે સ્થળ છોડીને ચાલ્યા જવું. કોપાયમાન થઈ જવાય ત્યારે પરિણામનો વિચાર કરી લેવો, ગમે તેમ કરીને થોડો સમય શાંત રહીને પસાર કરી દેવો, ક્રોધ આવે ત્યારે અરીસા સામે ઊભા રહીને પોતાનો ચહેરો જોવો વગેરે વગેરે. આ ઉપાય સચોટ હશે, પણ સૌથી મોટી સમસ્યા એ હોય છે કે જ્યારે મગજ ફાટી ગયું હોય ત્યારે આમાંની એક પણ બાબત કરવાનું સૂઝે નહીં અને જો કોઈ સુઝાડે તો પણ એ કરવા જેટલો મગજ પરનો કાબૂ હોતો નથી. જ્વાળામુખી ફાટી ગયા પછી થીગડાં મારવાનું બહુ મુશ્કેલ છે. સૌથી અસરકારક રસ્તો છે ક્રોધને ન આવવા દેવો. ક્રોધને તમારી ઇચ્છા હોય તો જ પ્રગટ થવા દેવો. ક્રોધને જીતીને તમારો ગુલામ બનાવવો. તમે કહો એ અને એટલું જ કામ કરે, તમારા ઇશારે પાછો વળી જાય એવો ગુલામ. આવો ક્રોધ તમને ઉપયોગી થઈ પડશે, ઊર્જા થઈ પડશે.
એક યુવાનને વાતવાતમાં ગુસ્સો આવે. રમણભમણ કરી નાખે રીસ ચડે ત્યારે. તેણે તેના પિતાજીને કહ્યું કે ગુસ્સા પર મારો કન્ટ્રોલ રહેતો નથી ત્યારે હું શું કરી બેસું છું એ પણ ભાન રહેતું નથી. મારે શું કરવું? તેના પિતાએ કહ્યું, ‘લે આ ખીલા અને હથોડી. તને જ્યારે પણ આવે ત્યારે તારે આપણા બગીચાના ઝાડ પર એક ખીલો ધરબી દેવો.’ પહેલા દિવસે ૨૦ ખીલા માર્યા એ યુવાને. ૨૦ વખત તેને ગુસ્સો આવ્યો. ગુસ્સો આવે પછી તરત જ ખીલો મારે ઝાડ પર. જોકે ગુસ્સો આવે ત્યારે ખીલો મારવાનો છે એ વિચાર આવતાં મન થોડું શાંત થઈ જાય. બીજા દિવસે ૧૫ ખીલા મારવા પડ્યા. આમ ખીલાની સંખ્યા ઘટતી ચાલી. તેને સમજાતું ગયું કે જો જાગ્રત રહેવાય તો ક્રોધ ઓછો આવે છે અને ક્રોધ આવે ત્યારે જાગ્રત થઈ જવાય તો એ શાંત થઈ જાય છે. એક દિવસ એવો આવ્યો જ્યારે યુવાને એક પણ ખીલો મારવો ન પડ્યો. તે ખુશ થતો-થતો પિતા પાસે ગયો અને કહ્યું, ‘પિતાજી, આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો. મારે એક પણ ખીલો મારવો નથી પડ્યો.’ પિતા ખુશ થયા અને કહ્યું, ‘બેટા તેં અદ્ભુત સંયમ દાખવ્યો છે. હવે એક કામ કર, આ બધા ખીલા કાઢી લે.’ યુવાને ખીલા કાઢી લીધા. પિતાએ પૂછ્યું, ‘ખીલા કાઢ્યા, પણ ઝાડને પડેલા જખમ-કાણા તો પુરાશે નહીંને? ક્રોધ કરી લીધા પછી એના ઘા આવી જ રીતે રહી જાય છે.’ જ્યારે તમે અનિયંત્રિત ક્રોધ કરો છો એ પછી એના જખમ લાંબો સમય દૂઝતા રહે છે. ક્રોધને કાબૂમાં રાખો તો ગાંધી બની શકો, ન રાખી શકો તો દુર્વાસા બની શકો, જેણે ઋષિ હોવા છતાં બેકાબૂ ક્રોધને કારણે અંબરીશની માફી માગવી પડી હતી.

