Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મારા જીવનનો આ દસકો

મારા જીવનનો આ દસકો

Published : 03 February, 2026 02:59 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા ૨૦૨૬ ઇઝ ન્યુ ૨૦૧૬ના ટ્રેન્ડના જવાબમાં અગ્રણી ગુજરાતી સેલિબ્રિટીઝ સાથે વાત કરીએ...

ગુજરાતી સેલિબ્રિટીઝ

ગુજરાતી સેલિબ્રિટીઝ


સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા ૨૦૨૬ ઇઝ ન્યુ ૨૦૧૬ના ટ્રેન્ડના જવાબમાં આલિયા ભટ્ટ, કરીના કપૂર, અનન્યા પાંડે, સોનમ કપૂર જેવી ઘણી સેલિબ્રિટીએ પોતાની ૨૦૧૬ની મેમરીને તાજી કરતા ફોટો શૅર કર્યા છે ત્યારે અમે વાત કરી કેટલીક અગ્રણી ગુજરાતી સેલિબ્રિટીઝ સાથે અને પૂછ્યું કે તેમના માટે ૨૦૧૬ કઈ રીતે ખાસ હતું, છેલ્લાં ૧૦ વર્ષમાં તેમણે જોયેલા પરિવર્તન અને પ્રોગ્રેસની સફર કેવી રહી....

૨૦૨૬ને શરૂ થયાને એક મહિનો પૂરો થઈ ગયો છે અને હજીયે સોશ્યલ મીડિયા પર ‘૨૦૨૬ ઇઝ ન્યુ ૨૦૧૬’ ટ્રેન્ડ અકબંધ છે. ગયા રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ટ્રેન્ડનો ‘મન કી બાત’માં ઉલ્લેખ કર્યો હતો. અત્યારે જે ઝડપે ટેક્નૉલૉજી બદલાઈ રહી છે એ જોતાં એક દસકો ખરેખર બહુ જ મોટો સમયગાળો ગણી શકાય. એમાંય છેલ્લા એક દસકામાં દુનિયાએ AI અને સોશ્યલ મીડિયાના મારા વચ્ચે બદલાવોની વણઝાર જોઈ છે એટલું જ નહીં, સાથે કોવિડ જેવો રોગચાળો પણ જોયો અને લૉકડાઉન જેવો ક્યારેય નહીં કલ્પેલો સમય પણ અનુભવ્યો. આ જ કારણ છે કે છેલ્લો દસકો મહત્ત્વનો છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ઘણા બદલાવો આવ્યા છે અને એ બદલાવો વચ્ચે શું સારું હતું અને શું આજે સારું છે એ વિષય પર ચર્ચા કરીએ કેટલીક અગ્રણી સેલિબ્રિટીઝ સાથે અને જાણીએ તેમના છેલ્લા દશક વિશે. 



નોકરી છોડીને ફુલટાઇમ ઍક્ટિંગમાં ઝંપલાવ્યું એ ૨૦૧૬માં બન્યું : પ્રતીક ગાંધી, ઍક્ટર


૨૦૧૬નું વર્ષ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયર અને ઍક્ટર પ્રતીક ગાંધી માટે બહુ બધી રીતે નિર્ણાયક વર્ષ હતું. જીવનના અઢળક ટર્નિંગ પૉઇન્ટ આ વર્ષમાં આવ્યા એવું કહું તો ખોટું નહીં ગણાય એમ જણાવીને આ ઍક્ટર કહે છે, ‘ખરેખર, ૨૦૧૬માં બહુ બધી મેજર ઘટનાઓ ઘટી છે. મને યાદ છે કે ૨૦૦૪થી નાટકો કરતો હતો અને સાથે નોકરી પણ કરતો. જોકે ૨૦૧૬માં ‘મોહનનો મસાલો’ નાટક ચાલી રહ્યું હતું એ સમયે મેં એક ટર્નિંગ પૉઇન્ટ જેવો નિર્ણય લીધો કે હું હવે માત્ર ઍક્ટિંગ પર જ ફોકસ કરીશ અને એ વર્ષના ઑગસ્ટ મહિનામાં નોકરી છોડી દીધી. મારી ‘રૉન્ગ સાઇડ રાજુ’ ફિલ્મ પણ ૨૦૧૬માં રિલીઝ થઈ, જે ફિલ્મે મને અવૉર્ડ પણ અપાવ્યો અને કરીઅરની દૃષ્ટિએ પણ એ ફિલ્મ નિર્ણાયક બની. એ સમયે મને એટલી ખબર હતી કે નોકરીને કારણે હું ઘણાબધા કામને ન્યાય નહોતો આપી શકતો. મારે ના પાડવી પડતી હતી. વધુ કામ કરી શકાય એટલે ઍક્ટિંગને સર્વસ્વ બનાવવાનો બોલ્ડ નિર્ણય આ વર્ષમાં લીધો. બીજી એક ખાસ વાત યાદ છે કે ૨૦૧૬માં મેં પૃથ્વી થિયેટરમાં ‘મોહનનો મસાલો’ નાટક એક જ દિવસમાં ત્રણ ભાષામાં બૅક-ટુ-બૅક શોમાં પર્ફોર્મ કર્યું હતું અને એને લીધે મારું નામ લિમકા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં સામેલ થયું હતું. વધુ એક મહત્ત્વની બાબત આ વર્ષમાં બની. હું પોતાના ઘરમાં શિફ્ટ થયો. ૨૦૧૬ સુધી હું કંપની દ્વારા આપવામાં આવેલા અકોમોડેશનમાં રહેતો હતો પણ એ સમયે પોતાનું ઘર ખરીદી લીધું હતું. બેશક, રહેવા નહોતો ગયો. ૨૦૧૬માં નોકરી છોડવાની સાથે કંપનીનું ઘર ખાલી કર્યું અને હું મારાં મમ્મી-પપ્પા સાથે અમારા પોતાના, મુંબઈના પહેલા ઘરમાં શિફ્ટ થયો. આખો પરિવાર મુંબઈમાં પહેલી વાર એક છત નીચે રહેતો થયો હતો અને એ પણ પોતાના ઘરમાં.’

છેલ્લા દસકામાં આવેલા બદલાવોની વાત કરતાં ૪૫ વર્ષના પ્રતીક કહે છે, ‘છેલ્લાં ૧૦ વર્ષોએ મને ખૂબ આપ્યું છે. જે વિચાર્યું હતું એના કરતાં અનેકગણું એમ કહી શકો. મને યાદ છે કે નાટકો કરતો ત્યારે મનમાં એક ઝંખના રહેતી કે એવો દિવસ ક્યારે આવશે જ્યારે રાઇટર અને ડિરેક્ટર કોઈ પ્રોજેક્ટ પર કામ શરૂ કરે ત્યારે તેમના વિઝનમાં હું હોઉં અને મને ધ્યાનમાં રાખીને ફિલ્મ કે નાટક લખાઈ રહ્યું હોય. અને એવું બન્યું છે. ૧૦ વર્ષમાં પરિપક્વતા આવી છે એમાં કોઈ બેમત નથી. સફળતા પુષ્કળ મળી એમાં પણ કોઈ બેમત નહીં. જોકે જેમ-જેમ તમે સફળતાની સીડીઓ ચડો અને સમય જાય એમ ક્યાંક થોડોક ડર અને બેફિકરાપણું છીનવાઈ જતું હોય. ૧૦ વર્ષ પહેલાંની ફિઝિકલ સ્ટ્રેન્ગ્થ અને નિશ્ચિંત થઈને દોડવાની કંઈક ગજબનાક ક્ષમતા હતી. મૅચ્યોરિટી સાથે એમાં ક્યાંક ઓટ આવી હોય એવું ફીલ થઈ જતું હોય છે. અફકોર્સ, આજે પણ જે કરવું એમાં ૧૦૦ ટકા આપવાનો જુસ્સો છે, પરંતુ કહ્યું એમ મૅચ્યોરિટી સાથે કંઈક છૂટતું હોય છે એ પણ એટલું જ સાચું. છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી મોટો લૉસ એટલે મારા પપ્પાનું છત્ર જવું. પપ્પા છોડીને ગયા અને તેમની હૂંફથી હવે હું વંચિત થઈ ગયો એ વાતની પીડા અને એનો ખાલીપો છે. તે જે ખભા પર હાથ મૂકીને આશ્વાસન આપતા કે બધું સારું થઈ જશે એ હવે કોણ આપશે એમ મનમાં થતું હોય છે. મારા જીવનની સફળતાના ગોલ્ડન દિવસોને તેઓ અહીં હાજર રહીને જોઈ ન શક્યા એનો વસવસો પણ છે.’


લગભગ દરેક પ્રકારનુું કામ કરવાની તક, લગભગ દરેક પ્લૅટફૉર્મ પર કામ કરવાની તક અને એમાં અધધધ સફળતા મેળવ્યા પછી પણ પ્રતીક ગાંધી આજેય એકદમ પોતાના રૂટ્સથી જોડાયેલા છે. જીવનમાં બધુ જ પરિવર્તનશીલ છે એટલે છકી ન જવું એ સમજણ તો હતી જ પણ એને અમલમાં મૂકવાની તક છેલ્લાં ૧૦ વર્ષમાં મળી એમ કહી શકાય એમ જણાવીને પ્રતીક કહે છે, ‘સાચું કહું તો અત્યારે તો મને લાગતું જ નથી કે હું કંઈ કરી રહ્યો છું. ઊલટાનું એવું લાગે છે કે જાણે હું કોઈ લાંબા વેકેશન પર છું. પહેલાં નોકરી કરતો. ત્રણ ટ્રેન બદલીને ઑફિસ પહોંચતો અને પછી સાંજે બે કલાકના ટ્રાવેલ પછી ઘરે પહોંચ્યા પછી રિહર્સલ કરતો અને એ બધી જ સ્ટ્રગલમાં જાણે કે કંઈ કરી રહ્યો હોઉં એવી અનુભૂતિ થતી. ઇચ્છ્યું હતું એમ રાઇટર-ડિરેક્ટરની પહેલી પસંદ બનવું એ થયું એનો સંતોષ છે પણ એનાથી હું કંઈક છું એવો ભાવ નથી આવ્યો, કારણ કે ઈશ્વરે જીવનમાં બધું જ સ્ટેપ-બાય-સ્ટેપ આપ્યું છે. અજાણતાં જ મને ગ્રાઉન્ડ રિયલિટી સમજવાની તક આપી. એ દરમ્યાન મને સમજાયું કે પર્મનન્ટ કંઈ જ નથી, તમારી નિષ્ફળતાઓ પણ અને તમારી સફળતાઓ પણ.’

આજના સોશ્યલ મીડિયામાં આવેલા બદલાવોની વાત કરતાં બહુ દુઃખ સાથે પ્રતીક કહે છે, ‘છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી વધુ કંઈ બદલાયું હોય તો એ છે સોશ્યલ મીડિયા. મને યાદ છે કે સ્કૂલ અને કૉલેજ પૂરી થયા પછી જૂના મિત્રોને શોધીને તેમની સાથે સંપર્કમાં રહેવા માટે હું ઑર્કુટમાં હતો. એ સમયે ખરેખર એકબીજાની સાથે જોડાયેલા રહેવાની ભાવના સાથે સોશ્યલ મીડિયા પર લોકો હતા. આજે તો પ્રૉપગૅન્ડાને આગળ વધારવામાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. મને આજે એ ખૂબ ડેન્જરસ વેપન લાગે છે. ઇન ફૅક્ટ હું તો કહીશ કે ન્યુક્લિયર બૉમ્બથીયે વધારે જોખમી બનતું જાય છે સોશ્યલ‌ મીડિયા, કારણ કે અહીં વ્યક્તિની વિચારધારા સાથે રમવામાં આવી રહ્યું છે. લોકોને મિસગાઇડ કરવાનું કામ થઈ રહ્યું છે. આખી પેઢીની થૉટ-પ્રોસેસને કરપ્ટ કરવામાં આવી રહી છે. પર્સનલી મારા સોશ્યલ મીડિયાના ઉપયોગમાં કોઈ ફરક નથી પડ્યો. મારા માટે એ અત્યારે કમ્યુનિકેશનનું માધ્યમ છે, એક ટૂલ છે. હું જરાક અમથો પણ એનાથી વપરાયો નથી પણ આજ સુધી હું જ એને વાપરું છું.’

સૌથી મોટો અફસોસ કે મારા જીવનનો શ્રેષ્ઠ દસકો મારા પપ્પા ન જોઈ શક્યા : સ્નેહા દેસાઈ, રાઇટર

છેલ્લાં ૧૦ વર્ષમા રાઇટર સ્નેહા દેસાઈએ મેળવેલી સક્સેસની કોઈ તુલના જ ન થઈ શકે. જોકે આજે દેખાતી સફળતાનાં બીજ તો આજથી ૧૦ વર્ષ પહેલાં જ રોપાયાં હતાં અને એટલે જ ૨૦૧૬ને આ સ્નેહાબહેન ખાસંખાસ માને છે. માત્ર ૫૬ વર્ષની ઉંમરે પપ્પાનું જવું એ મારા માટે ૨૦૧૬માં મળેલો સૌથી મોટો આઘાત છે એમ જણાવીને આ વર્ષમાં બનેલી ઘટનાનું વર્ણન કરતાં સ્નેહા કહે છે, ‘હા, જો હું ટાઇમ-ટ્રાવેલ કરી શકું તો પપ્પાને જઈને કહું કે પપ્પા, તમારી દીકરીની મહેનત જુઓ રંગ લાવી. એનો અફસોસ છે કે ચિક્કાર મહેનતનું પરિણામ મને છેલ્લાં ૧૦ વર્ષમાં મળ્યું જ્યારે પપ્પા એ જોવા માટે નહોતા. ૨૦૧૬નો સમય એટલે એ સમય જ્યારે મેં લખવાનું શરૂ કર્યું હતું. હિન્દી સિરિયલો લખતી અને નાટકો લખતી. ફિલ્મ લખવાનું તો દૂર-દૂર સુધી વિચાર્યું જ નહોતું. આજે જે લખવાની આવડત અને શાર્પનેસ ખીલી છે એ ૧૦ વર્ષ પહેલાં આ સ્તરની નહોતી જ. આજે જે વિશ્વાસ અને આત્મવિશ્વાસ સાથે રાઇટર્સ રૂમમાં કે પ્રોડક્શન-હાઉસમાં જઈને વાત કરી શકું છુ એ ૨૦૧૬માં નહોતું. એ પછીયે ‘કોડ મંત્ર’ નાટક ૨૦૧૬માં આવી ગયું હતું જે મારા જીવનનો સૌથી મહત્ત્વનો ટર્નિંગ પૉઇન્ટ બન્યો. ગુજરાતી રંગભૂમિ માટે એ કલ્ટ ક્લાસિક બની રહ્યું. ૨૦૧૬નો સમય હતો જ્યારે મને ખૂબ ખ્યાતિ મળી, અવૉર્ડ્સ મળ્યા. એના પછીના વર્ષે ‘લાપતા લેડીઝ’ લખાયું. ૨૦૧૮માં ‘મહારાજ’ લખ્યું. ૧૦ વર્ષ પહેલાં મારો દીકરો કવિત ૬ વર્ષનો હતો અને આજે તે ૧૬ વર્ષનો છે. માતા તરીકે પણ હું ૧૦ વર્ષમાં દીકરાના ગ્રૂમિંગ સાથે બદલાઈ છું.’

અત્યારે ‘લક્ષ્મી નિવાસ’ સિરિયલ લખી રહેલાં ૪૪ વર્ષનાં સ્નેહા દેસાઈએ દીકરાની બોર્ડ એક્ઝામને ધ્યાનમાં રાખીને મોટા પ્રોજેક્ટમાંથી બ્રેક લીધો છે. જોકે આમિર ખાન પ્રોડક્શન્સની તેમણે લખેલી ફિલ્મ ‘એક દિન’ પહેલી મેએ રિલીઝ થવાની છે. રાતોરાત સફળતા નથી મળી એની વાતો કરતાં સ્નેહા કહે છે, ‘તમે વિચારો કે ૨૦૧૭-’૧૮માં લખેલી ફિલ્મો ૨૦૨૪ અને ૨૦૨૫માં રિલીઝ થઈ. એ પ્રોજેક્ટ ખૂબ લંબાયા એનું એક કારણ કોવિડ પણ હતું. રાતોરાત સફળતા ક્યારેય કોઈને નથી મળતી. એની પાછળ સંઘર્ષ અને પ્રયાસો હોય છે. ખૂબ રાહ જોવી પડતી હોય છે. ધીરજ અને માવજત સાથે પોતાની પેન્સિલને શાર્પ કરતા રહેવી પડતી હોય છે. આ બહુ મહત્ત્વની શીખ છેલ્લાં ૧૦ વર્ષમાં મને મળી છે. યસ, સોશ્યલ મીડિયા ધરમૂળથી બદલાયું છે. આ ત્રણ-ચાર વર્ષનો ગાળો જે કોવિડને કારણે આપણે પસાર કર્યો એણે હૅબિટ-ફૉર્મિંગનું કામ કર્યું. હું તો કહીશ કે સેલ્યુલર લેવલ પર પણ આપણા બધામાં ખૂબ બદલાવો આવ્યા છે. આપણો દુનિયાને જોવાનો નજરિયો બદલાઈ ગયો. અગ્રેશન વધ્યું. OTTએ મહત્ત્વનું સ્થાન લીધું. કમ્યુનલ ભેદભાવો વધ્યા અને સોશ્યલ મીડિયા લોકોને જોડવાને બદલે લોકોને તોડવાનું માધ્યમ બનવા માંડ્યું છે. જોકે આ વર્ષોમાં સારી બાબત એ બની કે કોવિડે લોકોને જીવનની ક્ષણભંગુરતાનો અનુભવ કરાવી આપ્યો. વર્ક-લાઇફ બૅલૅન્સનું મહત્ત્વ સમજાયું. અચાનક બધું જ હાથમાંથી નીકળી જશે એ સમજાવ્યું. એક નાનકડા વાઇરસે દુનિયાને અટકાવી દીધી એ સમજણ સાથે એ ખબર પડી કે જે રજાઓ માણવી છે માણી લો, જે જગ્યાઓ જોવી છે જોઈ લો, જ્યાં અને જેની સાથે રહેવું છે રહી લો, જેનાં વખાણ કરવાં છે કરી લો, માફી માગવી છે એ માગી લો.’

મારી પહેલી ફિલ્મ ‘પોલંપોલ’ આવી હતી ૨૦૧૬માં, આનાથી વધુ ખાસ શું હોય? : ઓજસ રાવલ, ઍક્ટર

જાણીતા ઍક્ટર ઓજસ રાવલ માટે ૨૦૧૬નું વર્ષ અને છેલ્લાં ૧૦ વર્ષનો ગાળો ઘણીબધી રીતે યાદગાર છે કારણ કે તેમની ફિલ્મી કરીઅરની શરૂઆત જ આ વર્ષથી થઈ એમ કહીએ તો ચાલે. ઓજસ કહે છે, ‘આશાઓ અને ખૂબબધી ધગશ લઈને વર્ષ ૨૦૧૬માં સિનેજગતમાં પદાર્પણ કરવાનું આ ખાસ વર્ષ હતું. મારી પહેલી ફિલ્મ ‘પોલંપોલ’ રિલીઝ થઈ અને મારી માટે આ બહુ જ મોટી વાત હતી, કારણ કે મારી પાસે કોઈ જૂનો અનુભવ નહોતો કે કોઈ ફૅમિલી-બૅકગ્રાઉન્ડ નહોતું અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને લઈને કેમ અને શું આગળ વધાશે એની કોઈ ગણતરી નહોતી. ટોટલી ન્યુકમર તરીકેની આ એન્ટ્રી અનેક રીતે ખાસ હતી. બેશક, દરેક સમયની પોતાની ખૂબી-ખાસિયતો હોય છે અને દરેક સમય કોઈક અનુભવ આપીને જાય છે. કંઈક નવું શીખવીને જાય છે એટલે સરખામણી તો નહીં કરું. જોકે એટલું જરૂર કહીશ કે ઓવરઑલ ૧૦ વર્ષોએ મને ખૂબ વ્યાપક અનુભવ રળવાની તક જરૂર આપી છે. ટીવી, ફિલ્મ, થિયેટર અને સ્ટૅન્ડઅપ કૉમેડી એમ દરેક રીતે આ ૧૦ વર્ષોએ મને ઘડ્યો છે. એક સારી બાબત જે ૨૦૨૬માં હું એ સમયમાંથી શીખ્યો એ છે હવે વધુ હેલ્ધી બન્યો છું. હેલ્ધી ફૂડ ખાવાની બાબતમાં સભાનતા એ આ વર્ષની ખાસિયત કહી શકું.’
૧૦ વર્ષમાં સોશ્યલ મીડિયામાં આવેલા બદલાવો ખરેખર ખતરનાક છે એમ કહી શકું એમ જણાવીને ૩૬ વર્ષનો ઓજસ કહે છે, ‘જે હું ૨૦૧૬માં નહોતો કરતો પણ આજે કરું છું એવું કંઈ હોય તો એ છે ૨૦૨૬માં હું પણ સ્ટોરી પોસ્ટ કરતો થઈ ગયો. એને કમ્યુનિકેશનના માધ્યમ તરીકે વાપરવામાં કંઈ ખોટું નથી; પરંતુ એનો અતિરેક આજે ફિઝિકલ, ઇમોશનલ, સોશ્યલ અને ઈવન સાઇકોલૉજિકલ બૅલૅન્સ માટે જોખમી બન્યો છે. હવે સોશ્યલ ‌મીડિયા એક સાધન નથી રહ્યું પણ એક જોખમી નાર્કોટિક ડ્રગ જેવું બની ગયું છે. બીજું, ૨૦૧૬ની તુલનાએ અત્યારે જોઉં તો દેખાય છે કે માનવજાત સમજી શકે, જીરવી શકે અને પચાવી શકે એના કરતાં ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટની સ્પીડ બહુ જ વધારે છે અને એ ખરેખર ચિંતાજનક પણ છે.’

જાણે કે હવે ખૂબ ફરવાનું છે એ વાતનું ટીઝર મને ૨૦૧૬માં મળી ગયું હતું : ઐશ્વર્યા મજમુદાર, સિંગર

જાણીતી સિંગર ઐશ્વર્યા મજમુદાર માટે ૨૦૧૬નું વર્ષ નવી શરૂઆતનું વર્ષ હતું અને છેલ્લાં ૧૦ વર્ષમાં એનો પ્રતાપ પણ તેણે જોઈ લીધો. ૩૨ વર્ષની ઐશ્વર્યા કહે છે, ‘૨૦૧૬માં મેં મારી લાઇફમાં નહોતું કર્યું એટલું ટ્રાવેલ કર્યું એમ કહી શકું. જાણે કે એ વર્ષ મને કહેવા આવ્યું હતું કે બેટા, કુર્સી કી પેટી બાંધ લો, હવે બહુ જ ફરવાનું છે. અને એવું જ થયું. છેલ્લાં ૧૦ વર્ષમાં મારું ટ્રાવેલ વધ્યું અને દેશ-વિદેશમાં ખૂબ શો થયા. એની શરૂઆત ૨૦૧૬થી થઈ. ઓવરઑલ કહું તો આપણું ઘડતર કરવામાં એક વર્ષ નહીં પણ ઘણાંબધાં વર્ષોનું સંયોજન હોય છે. એ રીતે આખા દસકામાં મારી અંદર ઘણા બદલાવો આવ્યા છે. અફકોર્સ, વધુ મૅચ્યોર થઈ. ઍક્સેપ્ટન્સ લેવલ વધ્યું અને સૌથી મહત્ત્વનું રેડ ફ્લૅગ્સ એટલે કે દરેક પ્રકારના સંબંધમાં ન કહેવાતી બાબતોને સમજવાની આવડત વિકસી છે. હું છેલ્લાં ૧૦ વર્ષમાં લેટ ગો કરતાં શીખી એ તો સમજાયું પણ સાથે હેલ્થને લઈને વધુ ગંભીરતા આવી એ પણ સમજાયું. માત્ર સારા દેખાવા માટે જ નહીં પણ સારું ફીલ કરવા માટે પણ ફિટનેસને લઈને વધુ સતર્ક થવાનું આ ૧૦ વર્ષમાં સમજાયું. હું પોતે પોતાની પેરન્ટ બનીને પોતાનું અપબ્રિન્ગિંગ કરવાનું શીખી. સોશ્યલ મીડિયાના ઉપયોગમાં લોકો જાત પરનું નિયંત્રણ ખોઈ બેઠા છે એ વાત સાચી છે. સોશ્યલ મીડિયાના ઉપયોગમાં સભાનતા ઓછી થઈ રહી છે અને એટલે જ એના ગેરફાયદાઓ વધુ દેખાઈ રહ્યા છે. બાકી મારી દૃષ્ટ‌િએ નવું-નવું જાણવા માટે, બેસ્ટમાં બેસ્ટ વસ્તુને નજીકથી સમજવા માટે સોશ્યલ મીડિયા બેસ્ટ માધ્યમ બની રહ્યું છે અને એટલે જ જરૂરી છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં ખોવાયેલી આ સભાનતા ફરી આવે.’

૨૦૧૬ની તુલનાએ હું અત્યારે વધુ હેલ્થ-કૉન્શિયસ થઈ છું : અલ્પના બુચ, ઍક્ટર

છેલ્લાં પાંચ વર્ષથી ‘અનુપમા’ સિરિયલ સાથે જોડાયેલાં જાણીતાં ઍક્ટ્રેસ અલ્પના બુચ માટે પણ ૨૦૧૬નું વર્ષ કમબૅક યર હતું. ૫૩ વર્ષનાં અલ્પનાબહેન કહે છે, ‘કામમાંથી બ્રેક લીધા પછી ફરી એક વાર ‘એક સેલ્ફી સજોડે’ નાટક સાથે મેં કામ શરૂ કર્યું હતું. ઍડ-ફિલ્મ્સ પણ કરી રહી હતી. ‘શુક્ર મંગળ’ નામનો ટીવી-શો એ વર્ષમાં મળ્યો હતો. ઍક્ટિંગ જર્નીમાં એ એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ સાબિત થયો હતો. એ સિવાય કહું તો આ ૧૦ વર્ષમાં ફિઝિકલ ફિટનેસની સાથે મેન્ટલ ફિટનેસનું મહત્ત્વ સમજાયું. કોવિડનો સમય બહુ જ બધી રીતે આઇ-ઓપનર બન્યો અને હેલ્થને લઈને હું વધારે સભાન થઈ એમ કહી શકાય. મને યાદ છે કે પહેલાં હું સેટ પર કંઈક પણ નાસ્તો આવે તો વિચાર્યા વિના ખાઈ લેતી. એ બાબતમાં હું વધુ સતર્ક થઈ ગઈ છું. એ સમયે સોશ્યલ મીડિયા શરૂ જ થયું હતું. ત્યારે મારા બારસો ફૉલોઅર હતા અને આજે ત્રણ લાખ છે. અલબત્ત, એ પછીયે કહીશ કે એ સમય બેટર હતો. ઍક્ટરને ઍક્ટર તરીકે જોવામાં આવતા. તેમની સોશ્યલ મીડિયા પ્રેઝન્સથી તેમની આવડતનું મૂલ્યાંકન નહોતું થતું. આજે સોશ્યલ મીડિયાનું બેફામ થવું ખરેખર ચિંતાજનક બદલાવ લાગે છે એમાં કોઈ શંકા નથી.’

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 02:59 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK