અઢી વર્ષમાં ગુજરાતમાં ૧૦ લાખ ખેડૂતોએ રાસાયણિક ખેતી ત્યજીને ગાયોના સંવર્ધન સાથે ધરતીમાતાને ઝેરમુક્ત કરી છે તથા નફાનો પાક લણવા સાથે સ્વસ્થ જીવન જીવવા તરફ જબરદસ્ત આગેકૂચ કરી છે
આચાર્ય દેવવ્રત
‘રાજ્યપાલસાહેબ આચાર્ય દેવવ્રતજી મારા માટે ગુરુ છે. માત્ર મારી જ વાત નથી, પરંતુ પ્રાકૃતિક ખેતી વિશે સાચી સમજ આપીને અમારા જેવા લાખ્ખો ખેડૂતોના તેઓ ગુરુ બન્યા છે. મને તો પ્રશ્ન ઊઠે છે કે રાજ્યપાલસાહેબ ખેતરોમાં જાય? ખેડૂતો સાથે બેસે? આપણને એમ થાય કે આવું કામ રાજ્યપાલસાહેબ ના કરે, પણ તેમણે એ કામ કરી બતાવ્યું છે. મારા મતે રાજ્યપાલસાહેબને આવું કામ કરવાની જરૂર ન પડે, બીજાને તેઓ કહી શકે, પણ તેમણે ખુદ નક્કી કર્યું કે મારે પોતે જ અભિયાન ચલાવવું છે. આજે તેમણે ખેડૂતોની વચ્ચે જઈને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપીને ખેડૂતોને જાગ્રત કરવાનું અભિયાન ચલાવ્યું છે એ સફળ થયું છે ત્યારે અમારા માટે તો રાજ્યપાલસાહેબ પ્રાકૃતિક ખેતીના ગુરુ જ છે.’




