Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લગ્ન એટલે શું? એને સફળ બનાવવા માટે તમે સજ્જ છો ખરા?

લગ્ન એટલે શું? એને સફળ બનાવવા માટે તમે સજ્જ છો ખરા?

Published : 13 November, 2026 12:54 PM | Modified : 13 November, 2026 02:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાનાં વસ્ત્રો, આભૂષણો કે શોખની વસ્તુઓ ખરીદતી વખતે જેટલી ચોક્સાઈ કે ચીકણાઈ કરાય છે કે કોઈ વ્યક્તિને પોતાને ત્યાં નોકરી રાખતી વખતે જે કાળજી લેવાય છે એટલી કાળજી પણ આપણા જીવનના એક સર્વોચ્ચ સંબંધ પ્રત્યે નથી દાખવાતી.

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


દિવાળી ઉલ્લાસ અને પ્રકાશનું પર્વ. પણ દિવાળીના અને ત્યાર પછીના બે-ત્રણ દિવસનાં અખબારો ખોલતાં શું નજરે પડ્યું? ફટાકડાથી લાગેલી આગના સેંકડો કિસ્સા, ઈજાગ્રસ્ત થયેલા કે મૃત્યુને ભેટેલા લોકોની સંખ્યા, મહાભયંકર પ્રદૂષણની પકડમાં ગૂંગળાતાં શહેરો, ખાસ કરીને દેશની રાજધાની. મહાભયંકર મોંઘવારીથી નિચોવાઈ ગયેલા અનેકાનેક પરિવારોના ચિમળાયેલાં જીવન અને એવું બીજું ઘણું.

બીજી બાજુ એ જ અખબારોમાં દિવાળીનો ઝગમગાટ, ઉપહારો અને પાર્ટીઓની ખુશીઓ, મેવા-મીઠાઈ, કપડાં-લત્તાં, આભૂષણો અને નવી-નવી ચીજવસ્તુઓની લોભામણી જાહેરખબરો અને ખરીદીની રોનક, ચમક-દમક, પ્રસન્નતાથી ઝળહળતા ચહેરાઓ અને ગેટ-ટુગેધરો વગેરે પણ હતાં; પરંતુ એ બધું એક અત્યંત નાનકડા વર્ગ પૂરતું કે માત્ર અખબારોના ગ્લૉસી સપ્લિમેન્ટ્સનાં પાનાં પર કે ટીવીની સ્કીન પર ધોધમાર રજૂ થતી જાહેરખબરોમાં જ સમાઈને રહી ગયું.



જાણે દિવાળીના બે વિરાધાભાસી ચહેરા.


આ બધા વચ્ચેથી ખરેખર અજવાસ પાથરતું એકાદ ચાંદરણું શોધવાનો પ્રયત્ન કર્યો તો એક સરસ સમાચાર હાથ લાગ્યા : ગોવાની કૉલેજ ઑફ હોમ સાયન્સ દ્વારા એક અત્યંત જીવનોપયોગી પહેલ કરવામાં આવી છે. આવતા મહિનાથી એટલે કે ડિસેમ્બર મહિનામાં ગોવા કૉલેજ ઑફ હોમ સાયન્સ એક નવો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે, જેનો વિષય છે લગ્ન માટેની સજ્જતા. યુવાનોને અને ખાસ કરીને લગ્નોત્સુક યુવાનોને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આમ તો કૉલેજ દ્વારા આ વિષય ઘણાં વર્ષોથી પોતાના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં ભણાવવામાં આવે છે, પરંતુ તાજેતરમાં ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે સમાજમાં વધી રહેલા છૂટાછેડાના કિસ્સાઓ અને વૈવાહિક જીવનમાં પ્રવેશી ગયેલી કટુતા, ક્રૂરતા અને વિષમતાને લઈને તૂટતા લગ્નજીવન સંદર્ભે અનુભવેલી ચિંતા વ્યક્ત કરી હતી. એ દિશામાં કશુંક નક્કર કરવાના હેતુથી તેમણે રાજ્યમાં પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ દાખલ કરવાની જાહેરાત કરી છે. એને પગલે ગોવા કૉલેજ ઑફ હોમ સાયન્સ દ્વારા સુખી લગ્નો માટેનો આ ‘મૅરેજ પ્રિપેર્ડનેસ’ (લગ્ન માટેની સજ્જતા)નો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. ગોવાના મુખ્ય પ્રધાને એક નિરીક્ષણ કર્યું છે કે પ્રેમલગ્ન કરતાં યુગલોમાં છૂટાછેડા ઘણા વધી ગયા છે. તેઓ ઇચ્છે છે કે ભવિષ્યના યુગલોનું લગ્નજીવન સુખી અને ટકાઉ હોય. તેથી લગ્નબંધનમાં ઝંપલાવતાં પહેલાં યુવાનો પોતાની જાતતપાસ કરી લે કે હું ખરેખર લગ્ન માટે તૈયાર છું કે કેમ એ દષ્ટિથી રાજ્યમાં પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ (લગ્ન પહેલાંનું માર્ગદર્શન) શરૂ કરવાનું આયોજન કર્યું છે.

આ પહેલનો હેતુ લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહેલાં યુવક-યુવતીઓમાં ભાવનાત્મક પરિપક્વતા (ઇમોશનલ મૅચ્યોરિટી) અને સંબંધો જાળવવાની કુશળતા કેળવવાનો છે, જેથી લગ્નને પગલે પોતાના જીવનમાં આવનારા બદલાવને સ્વીકારવા અને એને હૅન્ડલ કરવા તેઓ સજ્જ થઈ શકે. આ અભ્યાસક્રમમાં જોડાનાર સહભાગીઓને લગ્નમાંથી પોતાની અપેક્ષાઓનું મૂલ્યાંકન કરવાની અને લગ્ન જેવા લાંબા સમયના સંબંધમાં ઝંપલાવવા માટે પોતે સંવેદનાત્મક સ્તરે સજ્જ છે કે નહીં એ ચકાસવાની તક મળશે. એ માટે આવશ્યક સમજદારી, નવી જવાબદારીઓ, અપેક્ષાઓ, સમાધાનો ઇત્યાદિ વિશે લગ્ન પહેલાંથી તેઓ વાકેફ થઈ શકશે.


આ અભ્યાસક્રમ સાથે સંકળાયેલા કૉલેજના એક પ્રોફેસર કહે છે એમ આજે આપણે સમાજમાં અનેક લગ્નો તૂટતાં જોઈ રહ્યા છીએ. અનેક વિદ્યાર્થીઓ પણ આવા વિખવાદયુક્ત પારિવારિક માહોલમાંથી આવે છે. ગોવામાં વૈવાહિક વિવાદો અને છૂટાછેડાના વધતા જતા દર વિશેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહેલું આ અભિયાન હકીકતમાં દેશભરમાં શરૂ કરવા જેવું છે. મને બરાબર યાદ છે કે આજથી સાતેક વર્ષ અગાઉ મેં આ જ વિષય પર, જીવનસાથીની પસંદગી કરતાં પહેલાં અને ખાસ તો લગ્ન કરતાં પહેલાં યુવક–યુવતીને લગ્નજીવનની વાસ્તવિકતાથી પરિચિત કરાવવા બાબત અને સુખી સાયુજ્ય સાધવા માટે જરૂરી આદતો કે ગુણો કેળવવા સંદર્ભે તેમને શિક્ષિત કરવાની અનિવાર્યતા વિશે લખ્યું હતું.

પોતાનાં વસ્ત્રો, આભૂષણો કે શોખની વસ્તુઓ ખરીદતી વખતે જેટલી ચોક્સાઈ કે ચીકણાઈ કરાય છે કે કોઈ વ્યક્તિને પોતાને ત્યાં નોકરી રાખતી વખતે જે કાળજી લેવાય છે એટલી કાળજી પણ આપણા જીવનના એક સર્વોચ્ચ સંબંધ પ્રત્યે નથી દાખવાતી. એમાંય સોશ્યલ મીડિયા પર આ સંદર્ભે જે પ્રકારનું છીછરાપણું પ્રવર્તે છે એની અસર પણ ભયંકર છે.

જે સંબંધ ઉપર આપણું, આપણા પરિવારનું અને સૌથી વધુ તો આપણી આવનારી પેઢીનું જીવન નિર્ભર રહેવાનું છે એ સંબંધ બાંધતાં પહેલાં એના વિશે જરા જેટલી પણ ચોકસાઈ નથી સેવાતી એ કેટલી વિચિત્ર બાબત છે? એ સંબંધનો પાયો એકમેકની શક્ય એટલી સ્પષ્ટ અને પારદર્શક ઓળખ, બન્ને પક્ષે રહેલી અપેક્ષાઓ, આકાંક્ષાઓ તેમ જ પૂરી જાણકારી પર સમજ અને શ્રદ્ધા સાથે ચણાયેલો હોય એ એના દીર્ઘાયુ માટે અત્યંત આવશ્યક છે. અન્યથા આજે દર ચોથે દિવસે પતિ દ્વારા પત્નીની કે પત્ની દ્વારા પતિની હત્યાના કે લગ્નના એક–બે વરસમાં જ એકબીજા પર ગંદા આક્ષેપો કરી છૂટાછેડા માટે અદાલતે ચડતાં યુગલોના કિસ્સાઓ વરસો-વરસ વધતા જ રહેશે.

વળી, આ સમસ્યા માત્ર બે વ્યક્તિ કે બે પરિવારો વચ્ચેની નથી. એની અસર દેશની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ પર પણ પડે છે. એક ઘરમાં એક પરિવાર સુખેથી રહેતો હોય ત્યારે એમના સ્રોતોનો વ્યય નથી થતો અને સમાજવ્યવસ્થા પર પણ દબાણ નથી આવતું, પરંતુ પરિવાર ભાંગે છે ત્યારે બધા જ સ્રોતોની જરૂરિયાત બેવડાઈ જાય છે. કલ્પના કરો, વસ્તીથી ફાટફાટ થતા આ દેશમાં આ ગતિએ અને આ પ્રમાણમાં પરિવારો ભાંગતા રહે તો દેશના સ્રોતો ક્યાંથી પૂરા પડશે? ઠોકર-થપાટ ખાઈને થાકેલી પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિ હવે પરિવારની તાકાત અને એક તંદુરસ્ત ભાવિ પેઢીના ઘડતરમાં એની ભૂમિકાને સ્વીકારવા લાગી છે. બીજી તરફ આ સંસ્કારો જેમને વારસામાં મળ્યા છે એવા ભારતમાં પરિવારો ભાંગતા જાય છે એ કેવી વિડંબના છે.

આ સમસ્યાની ગંભીરતા પારખીને ગોવા સરકારે કરેલી પહેલનું અનુકરણ દેશનાં અન્ય રાજ્યો અને શિક્ષણ વિભાગો કરે એવી શુભેચ્છા આ પર્વના દિવસોમાં દેશને આપવા જેવી છે.

પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે

- તરુ મેઘાણી કજારિયા

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK