મઢ આઇલૅન્ડમાં પાર્ટી દરમ્યાન યુવતી સાથે દુષ્કર્મ, ભાન આવ્યા બાદ પેરન્ટ્સને જાણ કરી
પ્રતીકાત્મક તસવીર
મલાડના મઢ આઇલૅન્ડમાં પાર્ટી દરમ્યાન મુંબઈની કૉલેજના બાવીસ વર્ષના સ્ટુડન્ટે પોતાની મિત્ર પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બીજી નવેમ્બરે બની હતી. બળાત્કારનો ભોગ બનનારી યુવતીના ડ્રિન્કમાં નશાની દવા ભેળવીને તેની સાથે દુષ્કર્મ કરાયું હોવાની માહિતી પોલીસે બુધવારે આપી હતી. આ મામલે પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી છત્તીસગઢથી તેની ધરપકડ કરી છે.
પોલીસે આ મામલાની વિગતો આપતાં જણાવ્યું હતું કે ‘મુંબઈની એક કૉલેજના સ્ટુડન્ટ્સે મઢ આઇલૅન્ડમાં પાર્ટી યોજી હતી અને એ દરમ્યાન આરોપીએ યુવતીના ડ્રિન્કમાં નશાની દવા ભેળવી દીધી હતી જેની અસર થતાં યુવતી બેભાન થઈ ગઈ હતી. યુવતીની આ હાલતનો ફાયદો ઉઠાવીને યુવકે તેના પર બળાત્કાર કર્યો હતો.’
યુવતી ભાનમાં આવતાં જ તેની સાથે શું થયું છે એની જાણ થઈ હતી. ઘરે પાછી ફર્યા બાદ યુવતીએ આખો બનાવ પોતાનાં મમ્મી-પપ્પાને કહ્યો હતો. ત્યાર બાદ તેમણે જુહુ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ઘટના મઢમાં બની હોવાના કારણે કેસ માલવણી પોલીસના કાર્યક્ષેત્રમાં આવતો હોવાથી માલવણી પોલીસ-સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યા બાદ આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
