Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > ફિઝિકલ પંચાતથી લઈને ડિજિટલ પંચાતનાં વરવાં પરિણામો માટે જવાબદાર કોણ?

ફિઝિકલ પંચાતથી લઈને ડિજિટલ પંચાતનાં વરવાં પરિણામો માટે જવાબદાર કોણ?

07 July, 2024 02:14 PM IST | Mumbai
Jayesh Chitalia

આ ટોળું એટલે સમાજ, જેની નજર સતત દરેક માણસ પર હોય છે, આને પારકી પંચાત કહેવાય. તમે કંઈ પણ કરો, સમાજનો એક વર્ગ એવો કાયમ રહે છે જે એમાંથી ભૂલો-વાંક કાઢશે જ

પ્રતીકાત્મક તસવીર

સીધી વાત

પ્રતીકાત્મક તસવીર


આજે વાતની શરૂઆત એક કાલ્પનિક ટૂંકી વાર્તાથી કરવી છે. જોકે આ કાલ્પનિક વાર્તા હકીકત સમાન છે અને માનવસમાજ માટે ખતરનાક વાસ્તવિકતા સમાન પણ છે. 
એક માણસ પોતાના ઘરની બહારના ઓટલા પર બેસીને જ ચોક્કસ માલસામાન વેચતો. તેના ઘરની સામે બેઠક જેવું હોવાથી ચોક્કસ લોકોનું ટોળું ત્યાં રોજ ભેગું થઈ ગપ્પાં મારતું. તે લોકો પેલા માલ વેચતા માણસને જોઈને કંઈ ને કંઈ કમેન્ટ કર્યા કરતા. તે માણસને ત્યાં સારી ઘરાકી જુએ તો ટોળું કહે, સાલો સારું કમાઈ લે છે. ઘરાકી ન હોય તો કહે, આજે તો મંદી લાગે છે. માણસ અમુક સમય ઘરમાં જઈ આરામ કરે તો ટોળું કહે, સાલાને મસ્ત આરામ મળી જાય છે. જમવા બેસે તો કહે, સાલો ટેસથી જમી રહ્યો છે. વચ્ચે સૂઈ જાય તો કહે, સાલાને જલસા છે. તે માણસ રાજી હોય ને ગીત ગાતો હોય તો કહે, સાલાને લીલાલહેર છે, ગીતો ગાય છે. આમ તે માણસની દરેક હલચલ પર ધ્યાન આપતા અને ટિપ્પણી કરતા એ ટોળાના લોકો એક દિવસ ત્યાં જ ઊભા હોય છે અને પેલા માણસની ઠાઠડી બની રહેલી જોઈને કહે છે, સાલો મરી ગયો...


આ ટોળું એટલે સમાજ, જેની નજર સતત દરેક માણસ પર હોય છે, આને પારકી પંચાત કહેવાય. તમે કંઈ પણ કરો, સમાજનો એક વર્ગ એવો કાયમ રહે છે જે એમાંથી ભૂલો-વાંક કાઢશે જ. આ પંચાત વરસોથી ફિઝિકલ સ્વરૂપે તો ચાલતી જ રહી છે, પરંતુ હવે એ વધુ ને વધુ ડિજિટલ બનતી જતી હોવાથી એનું ફલક સતત મોટું થઈ રહ્યું છે,  આ પંચાતની કરુણતા એવી છે, જેમાં વ્યક્તિગત ઈર્ષ્યા અને અહંકાર સત્યનું ભાન ગુમાવી દે છે, લોકો પોતાનો વિવેક પણ ખોઈ બેસે છે. સોશ્યલ મીડિયા પર રોજેરોજ બીજા વિશે થતી કમેન્ટ એ નવા જમાનાની પંચાત છે. સત્યની જાણકારી વિના કે સમજ વિના કોઈએ કંઈક ટીકાત્મક લખ્યું અથવા પ્રસંશનીય લખ્યું કે બસ લાઇક-ડિસલાઇકની લાઇન લાગી જાય. ઘણા તો માણસના મરણની ખબર મુકાઈ હોય તો પણ આદતવશ લાઇક કરી નાખે છે. વળી ઘણા મહાનુભાવો અંગત સ્વાર્થ કે વેર(ઝેર)ને કારણે કોઈ પ્રસંગ કે કોઈ વ્યક્તિ વિશે પોતાનો મનસ્વી મત વ્યક્ત કરી એમાં આક્રોશ, તિરસ્કાર, પૂર્વગ્રહ વગેરે છલકાવી દે છે. ઘણામાં તો વળી દલીલો-ચર્ચા થતી રહેવાથી સિરીઝ ચાલે છે. જેમને આ વિષયની હકીકત ખબર જ ન હોય તેઓ પણ મુદા ઉઠાવનાર તે વ્યક્તિ વિશેના પોતાના અંગત અભિપ્રાયને આધારે એની લાઇક યા ડિસલાઇક કે કમેન્ટ મૂકી દે છે, જેમાં વ્યક્તિને વધુ મહત્ત્વ આપવામાં સત્યને થતા અન્યાયની ફિકર કોઈ કરતું નથી. વાણી કે લખાણ સ્વાતંત્ર્ય બરાબર, પરંતુ આમાં સત્યનું શું?આમ માત્ર બે વ્યક્તિ, બે ધર્મ, બે સંપ્રદાય, બે જાતિ-જ્ઞાતિ, બે સંસ્થા વચ્ચે પણ કેટલીય વાર અર્થ વિનાના વિવાદો અને વાતનું વતેસર ચાલતાં રહે છે જેને પરિણામે વ્યાપક સ્તરે ગેરસમજ ફેલાય છે, વિશાળ વર્ગ ગેરમાર્ગે દોરાય છે. આમ થાય ત્યારે જવાબદાર કોણ ગણાય? દરેક જણ પોતાના માહ્યલાને પૂછી લે. આ બધું જોઈને સત્ય એકલું મનોમન શું કહેતું હશે, કહું? જવા દો, સમજદારો સમજી ગયા હશે અને જેઓ સમજવા તૈયાર જ નથી તેમને કહેવાનો અર્થ નથી...


(લેખક શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સક્રિય ‘મીટ ઇન્ડિયા ફાઉન્ડેશન’ના ફાઉન્ડર, જાણીતા બિઝનેસ જર્નલિસ્ટ છે.)


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 02:14 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK