સફળતા ક્યારેય ઉંમર પર આધારિત નથી હોતી એ વાત અંધેરીમાં રહેતાં ૬૦ વર્ષનાં ગૃહિણી જ્યોતિ ઉદેશી પર બંધબેસે છે. ઘૂંટણના દુખાવાને કારણે જિમ જૉઇન કર્યું.
મેડલ સાથે જ્યોતિ ઉદેશી.
સફળતા ક્યારેય ઉંમર પર આધારિત નથી હોતી એ વાત અંધેરીમાં રહેતાં ૬૦ વર્ષનાં ગૃહિણી જ્યોતિ ઉદેશી પર બંધબેસે છે. ઘૂંટણના દુખાવાને કારણે જિમ જૉઇન કર્યું. ફિટનેસ પ્રત્યેના ઝનૂનને કારણે તેઓ તાજેતરમાં યોજાયેલી નૅશનલ લેવલની પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યાં અને હવે એશિયન કૉમ્પિટિશન માટે ટર્કી જવાનાં છે
૩૭ વર્ષની ઉંમરે ઘૂંટણના દુખાવાથી શરૂ થયેલી સફર આજે ૬૦ વર્ષની નજીક આવીને નૅશનલ રેકૉર્ડ સુધી પહોંચી છે. અંધેરીમાં રહેતાં જ્યોતિ ઉદેશી ગુજરાતી ગૃહિણી તરીકેનું જીવન જીવ્યાં હોવાથી જિમના દરવાજા પાર કરવાનું પણ તેમને મુશ્કેલ લાગતું હતું, પણ હવે તેઓ એશિયન પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે. આ રસપ્રદ જર્ની વિશે તેમની પાસેથી જ જાણીએ.
ADVERTISEMENT
શરૂઆત પેઇનથી ફિટનેસ સુધી
ફુલટાઇમ હોમમેકરને ફિટનેસનું ઘેલું કઈ રીતે લાગ્યું એ વિશે વાત કરતાં જ્યોતિ ઉદેશી કહે છે, ‘મારી ફિટનેસ-જર્ની ૨૦૦૨માં શરૂ થઈ હતી. એ વખતે મારી ઉંમર ૩૭ વર્ષ હતી. આ સમયગાળા દરમિયાન હું ખૂબ વીક હતી, ઘૂંટણમાં સતત દુખાવો રહેતો હતો. ડૉક્ટરે મને કહ્યું કે માઇલ્ડ એક્સરસાઇઝ કરી શકું, પરંતુ સ્ક્વૉટ્સ કે એવી કોઈ હેવી કસરત નહીં કરવાની જે ઘૂંટણ પર લોડ લાવે. એ જ પેઇનથી મારી જર્ની શરૂ થઈ. મારા હોમિયોપૅથ ડૉક્ટરે એ વખતે કહ્યું કે મને પ્રીમેનોપૉઝનાં સિમ્પટમ્સ શરૂ થઈ ગયાં છે. એ વખતે મને સમજાયું નહીં કે મારે શું કરવું જોઈએ. પછી જિમ જૉઇન કરવાનો વિચાર આવ્યો. મારા ઘરની નજીક જિમ હતું ત્યાં જવાની શરૂઆત કરી. શરૂઆતમાં હું નીકૅપ પહેરીને જ એક્સરસાઇઝ કરતી. એ સમયે મેં એક કોચની અન્ડર ટ્રેઇનિંગ શરૂ કરી હતી અને આજે પણ એ જ મારો ટ્રેઇનર છે. છેલ્લાં ૨૩ વર્ષથી મારો કોચ એક જ છે, સચિન તિવારી. મારી ફિટનેસ-જર્નીમાં તેનું યોગદાન બહુ મહત્ત્વનું રહ્યું છે. હવે તો એવું થયું છે કે જ્યાં તેનું જિમ હોય ત્યાં જ હું એક્સરસાઇઝ કરવા જાઉં. શરૂઆતમાં થોડું બૉડી-પેઇન થાય જ, પણ ચેન્જિસ ધીરે-ધીરે આવ્યા. હળવી એક્સરસાઇઝથી શરૂઆત કરી. પછી મારા કોચે જ મને સમજાવ્યું કે નીકૅપ પહેરવાથી ફક્ત મેન્ટલી લાગે કે ઘૂંટણને સપોર્ટ મળે છે, વાસ્તવમાં એવું નથી. સાચી ટેક્નિક અને ફૉર્મ સાથે એક્સરસાઇઝ કરીએ તો પેઇન દૂર થઈ જાય. એના માર્ગદર્શનથી મેં સૌથી પહેલાં મસલ્સ સ્ટ્રૉન્ગ કરવા પર ધ્યાન આપ્યું. ૨૩ વર્ષમાં એક પણ દિવસ એવો નથી ગયો કે હું જિમમાં નથી ગઈ. ક્યારેક ઘરમાં ફંક્શન આવી જાય કે બીમાર પડું કે વારતહેવાર હોય કે બહારગામ ગયા હોઈએ તો ન જઈ શકાય.’
પડકાર અને પરિવારનો સાથ
કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિનાં દીકરી અને ગુજરાતી ભાટિયા પરિવારનાં વહુ જ્યોતિ ઉદેશી શરૂઆતના સંઘર્ષના દિવસોને યાદ કરતાં કહે છે, ‘મારો સ્વભાવ બહુ શરમાળ હતો. બે બાળકો, પતિ અને સસરાની સંભાળ રાખતી; બહારની દુનિયા વિશે મને ખાસ ખબર નહોતી. જ્યારે જિમ જવાનું નક્કી કર્યું ત્યારે ખૂબ અજીબ લાગતું. લોકો સાથે હૅન્ડશેક કરતાં પણ શરમ આવતી. ટ્રેઇનર્સ ટચ કરે તો ન ગમતું. હું પતિ હરેશને કહી દેતી કે મને જરાય સારું નથી લાગતું. તો તે કહેતાં, ટ્રેઇનર્સ તેમનું કામ કરે છે, જો તું ન કરી શકે તો હાથ પકડીને શીખવાડે તો ખરાને? તારે થોડું ઓપન માઇન્ડ રાખવું પડશે. તેમની આ વાતોથી મને આત્મવિશ્વાસ મળ્યો. શરૂઆતમાં મારો કોચ નાનો હતો પણ તેની સાથે કમ્ફર્ટેબલ થયા પછી આજ સુધી કદી કોચ બદલવાનો વિચાર આવ્યો જ નથી. તેણે ફક્ત મારા ફિઝિકલ જ નહીં, મેન્ટલ ગ્રોથમાં પણ બહુ મદદ કરી છે. જિમ પહેલાં મારા કોઈ લાઇફ-ગોલ નહોતા, પણ એક્સરસાઇઝ કરતાં-કરતાં અંદરથી લાગ્યું કે પોતાના માટે પણ કંઈક કરવું જોઈએ.’

પરિવાર સાથે જ્યોતિ ઉદેશી.
પાવરલિફ્ટિંગનો ટર્નિંગ પૉઇન્ટ
જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ ટર્નિંગ પૉઇન્ટ વિશે જણાવતાં જ્યોતિબહેન કહે છે, ‘લાંબા સમય સુધી તો ફક્ત ફિટ રહેવા માટે જિમ કરતી હતી. બાળકોને સ્કૂલ મૂકી હું જિમ જતી અને મજા માણતી, પરંતુ જયારે ૫૯ વર્ષની થઈ ત્યારે જીવનમાં મોટો વળાંક આવ્યો. મને પાવરલિફ્ટિંગ વિશે ખબર પડી. મારા કોચે કહ્યું કે જીતવાનો ઇરાદો રાખીને નહીં પણ શીખવા અને સમજવા માટે એક ચૅમ્પિયનશિપમાં ભાગ લઈએ. એક વર્ષ પહેલાં મુંબઈના માટુંગામાં મારી પહેલી પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ હતી. નસીબજોગે ત્યાં ગોલ્ડ મેડલ જીતી ગઈ. ત્યાં જ સમજાયું કે પાવરલિફ્ટિંગમાં સ્ક્વૉટ, બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ એમ ત્રણ તબક્કા પરથી જજમેન્ટ થાય છે. મુંબઈ બાદ સ્ટેટ લેવલમાં સિલ્વર મેડલ મળ્યો. ત્યાર બાદ નૅશનલ લેવલની ચૅમ્પિયનશિપ ઇન્દોરમાં થઈ હતી. ત્યાં બ્રૉન્ઝ મેડલ મળ્યો. આ વર્ષે ઑગસ્ટમાં ત્રીજી તારીખે કોઝિકોડમાં ફુલ તૈયારી સાથે મેદાનમાં ઊતરી અને ગોલ્ડ મેડલ જીતીને દુનિયાને દેખાડી દીધું કે ઉંમર ફક્ત આંકડો છે, તમે મનથી નક્કી કરો કે મારે આ કરવું છે તો એ થઈ જ જાય; યુનિવર્સ તમને એ મેળવવામાં મદદ કરશે જ. મારા કેસમાં પણ એવું જ થયું. મેં ગોલ્ડ મેડલ તો જીત્યો પણ સાથે સ્ક્વૉટ્સ પાવરલિફ્ટિંગમાં ૯૨.૫ કિલોનું વજન ઉપાડીને નૅશનલ રેકૉર્ડ પણ બનાવ્યો. હવે હું ડિસેમ્બરમાં ટર્કીના ઇસ્તાંબુલમાં યોજાનારી એશિયન પાવરલિફ્ટિંગ કૉમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીશ. તૈયારીના ભાગરૂપે હું અત્યારે ગ્રાન્ટ રોડના જિમમાં રેગ્યુલર એક્સરસાઇઝ કરવા જાઉં છું અને એ પણ ટ્રેનથી. એ માટે હું ખૂબ એક્સાઇટેડ છું. એક વર્ષ પહેલાં જ પાવરલિફ્ટિંગ વિશે જાણ્યું હતું અને આટલી મોટી સિદ્ધિ મેળવી એ જીવનનો ૩૬૦ ડિગ્રી ચેન્જ છે.’


જ્યોતિ ઉદેશી કોચ સચિન તિવારી સાથે
પરિવાર ખુશખુશાલ
જ્યોતિબહેનના પતિ હરેશ ઉદેશી બિઝનેસમૅન છે. દીકરી રેમા મૅરિડ છે અને અંધેરીમાં જ રહે છે. દીકરો ઝેન હાલ કૅનેડામાં છે. સસરા રમણિકલાલ ૯૪ વર્ષના છે. મારા પતિ, બાળકો અને આખો પરિવાર મારી સિદ્ધિઓથી ખૂબ ખુશ છે એમ જણાવતાં જ્યોતિબહેન કહે છે, ‘નૅશનલ્સ જીતીને આવી ત્યારથી જ્યાં જાઉ ત્યાં સેલિબ્રેશન જ થાય છે. રક્ષાબંધનના દિવસે પરિવારજનોએ મળીને સ્પેશ્યલ વેલકમ કર્યું. ઍરપોર્ટ પર જ્યારે હું સહેલાઈથી ૨૦–૩૦ કિલોની બૅગ નીચે મૂકી દઉં ત્યારે લોકો આશ્ચર્યથી જુએ છે એ જોઈ મને ખૂબ આનંદ થાય છે. જિમ જૉઇન કર્યા પછી પતિ, દીકરો અને દીકરી ત્રણેયને ફિટનેસમાં રસ જાગ્યો. આવો ચેપ તો સારો જ કહેવાય. હું યંગસ્ટર્સ અને ગૃહિણીઓને એક જ સલાહ આપું છું : હેલ્થ જ આપણું સાચું નાણું છે, એ સારી હશે તો હારેલી દુનિયા પણ જીતી શકીએ, લાઇફમાં અનેક ગોલ્સ રાખો પણ એમાં ફિટનેસનો ગોલ મૅન્ડેટરી રાખજો.’


