દરેક ઊર્જાશોષક પરિબળની જીવનમાંથી સદંતર બાદબાકી શક્ય નથી.ક્યારેક તેમની સાથે જીવવું પડે છે અને છતાં વિકસતા રહેવું પડે છે
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આજના યુગમાં લોકો પાસે જેની સૌથી વધારે તંગી છે એ સમય નથી, ઊર્જા છે. સમય તો પુષ્કળ પડ્યો છે. જેની સતત અછત વર્તાય છે એ ઊર્જા છે. આપણને દરેકને એકસરખા ચોવીસ કલાક મળે છે અને તેમ છતાં કેટલાક લોકો રૉકેટ ગતિએ પ્રગતિ કરતા જાય છે અને કેટલાક સેલ્ફ-સ્ટાર્ટના અભાવે પાર્કિંગ સ્લૉટમાં જ પડ્યા રહે છે. કારણ? એનર્જી અને અટેન્શન. આજના યુગમાં સૌથી મોટો પડકાર આપણી વ્યક્તિગત ઊર્જાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો છે. આપણે સતત એવાં પરિબળોથી ઘેરાયેલા હોઈએ છીએ જેઓ આપણી ઊર્જાનું શોષણ કરે છે. કેટલાક એવા લોકો જેમની સાથે ફક્ત સમય પસાર કરીને જ થાક લાગે. ફક્ત તેમની કંપની જ આપણને હતોત્સાહ, હતાશ કે નિરાશ કરવા માટે પૂરતી હોય. એવા લોકો માટે ટૉક્સિક પીપલ, નેગેટિવ પીપલ કે ઝેરી લોકો જેવા અનેક શબ્દો વપરાય છે, પણ એવા લોકોનું વર્ણન કરવા માટે મારો ફેવરિટ શબ્દ છે, એનર્જી વૅમ્પાયર્સ.
આ એવા ઊર્જાશોષકો છે જે આપણને સ્થગિત અને પ્રેરણાવિહીન બનાવી નાખે છે. નિરાશાજનક ટિપ્પણીઓ, આલોચના કે કાલ્પનિક ભય દ્વારા તેઓ આપણા આત્મવિશ્વાસ અને આત્મસન્માનની છડેચોક હત્યા કરી નાખે છે. આવા લોકોને ઓળખવા અને આપણી વ્યક્તિગત એનર્જી પ્રોટેક્ટ કરવા માટે શું કરવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ મને એક અદ્ભુત પુસ્તકમાંથી મળ્યો જેનું નામ છે ‘Think like a Monk’.
તો વાત એમ છે કે થોડાં વર્ષો માટે સંન્યાસી બની ગયેલા અને સાધુઓની વચ્ચે રહેલા યુવાન અને ડાયનૅમિક લેખક જય શેટ્ટી દ્વારા આ પુસ્તક લખાયું છે. હવે તો તેઓ સાંસારિક જીવનમાં પરત ફરી ચૂક્યા છે, પણ એ સંન્યાસી જીવન દરમિયાનના તેમના અનુભવો અને વાતો આપણને પ્રૅક્ટિકલ લાઇફમાં બહુ જ ઉપયોગી નીવડે એમ છે. એ પુસ્તકમાં તેમણે નેગેટિવ લોકોના પ્રકારો સમજાવ્યા છે. આપણી આસપાસ રહેલા ઊર્જા આતંકીઓને ઓળખવા જરૂરી છે જેથી આપણા એનર્જી લીકનું સચોટ કારણ અને નિરાકરણ જાણી શકાય. આવા લોકોને સાત પ્રકારમાં વહેંચી શકાય.
૧. ફરિયાદીઓ
ADVERTISEMENT
જેમને જાત અને જગત પ્રત્યે અઢળક ફરિયાદો છે. તેમની પાસે ઉપાય એક પણ સમસ્યાનો નથી હોતો. ફક્ત ફરિયાદો જ ફરિયાદો હોય છે.
૨. ખામી શોધનારાઓ
જેઓ પોતાની પ્રશંસામાં પણ ખામીઓ શોધે છે, જેમ કે તેમને એવાં કૉમ્પ્લીમેન્ટ મળે કે ‘તમે આજે સરસ લાગો છો’ તો જવાબ આવશે, ‘કેમ? ગઈ કાલે નહોતી લાગતી?
૩. દોષારોપણ નિષ્ણાત
તેમને એવું લાગે છે કે આખું વિશ્વ તેમની વિરુદ્ધમાં છે. કોઈ તેમને સપોર્ટ નથી કરતું. લોકો તેમની વિરુદ્ધ કાવતરાં રચે છે. પોતાની દરેક સમસ્યા કે તકલીફ માટે તેઓ અન્યને જવાબદાર ઠેરવે છે.
૪. ટીકાકારો
જેમનો મુખ્ય વ્યવસાય જ અન્યની ટીકા કરવાનો છે. અન્ય લોકોના નિર્ણયો, અભિપ્રાયો કે પસંદગીઓ બાબતે ટીકા કરવા સિવાય તેમની પાસે બીજી કોઈ સ્પેશ્યલ ટૅલન્ટ નથી હોતી.
૫. આદેશકો કે કમાન્ડર્સ
જેમનું મુખ્ય કામ ફક્ત આદેશ આપવાનું જ હોય છે, જેમ કે ‘તારે મને થોડો સમય આપવો જ પડશે’, ‘તારે મારી સાથે આવવું જ પડશે’, ‘આટલું તો કરવું જ પડશે’. આપણને મોકળાશ આપવાને બદલે આવા લોકો સતત આપણા સમય અને ઊર્જાની માગણી કરતા રહે છે.
૬. હરીફો કે પ્રતિસ્પર્ધીઓ
જેમને માટે આ જગત એક સરખામણી અને હરીફાઈથી વિશેષ કશું જ નથી તેઓ દરેક વાતમાં અન્ય સાથે તુલના કરતા રહે છે. અન્ય સાથે પોતાની અને ક્યારેક આપણી પણ સરખામણી કરતા રહે છે. તેમને માટે જીવન એક દોડ છે, હરીફાઈ છે અને આપણે બધા પ્રતિસ્પર્ધીઓ.
૭. નિયંત્રકો
જેઓ સતત આપણને કન્ટ્રોલ કરે છે. ફક્ત આપણને જ નહીં, તેઓ ઇચ્છે છે કે બધું જ તેમના નિયંત્રણમાં રહે અને લોકો તેમની મરજી કે અપેક્ષા પ્રમાણે જ વર્તે. આવા Control Freak લોકોની આજ્ઞા કે ધારણા પ્રમાણે જો કશુંક ન થાય તો તેઓ આક્રમક થઈ જાય છે.
આ વાંચ્યા પછી મારી જેમ સૌથી પહેલો વિચાર તમને પણ એવો જ આવશે કે ‘શીટ, મારી આસપાસ તો આવા જ લોકો છે!’ એવું પણ બને કે આવા લોકો આપણા ઘરમાં હોય, આપણી સાથે રહેતા હોય, આપણા જીવનસાથી કે બહુ જ નજીકના મિત્ર હોય. હવે શું કરવું? તો માય ડિયર ફ્રેન્ડ, સૌથી મોટો પડકાર જ એ છે કે એમના પ્રત્યે કડવાશ રાખ્યા વગર એમની ‘ઊર્જાશોષક અસર’માંથી મુક્ત થવું. ઇન ફૅક્ટ, તેમના પ્રત્યે કરુણા રાખવી, કારણ કે જે ક્ષણે આપણે ‘ફરિયાદી’ બની જઈએ છીએ આપણે પણ એ જ કૅટેગરીમાં સમાવિષ્ટ થઈ જઈએ છીએ. દરેક ઊર્જાશોષક પરિબળની જીવનમાંથી સદંતર બાદબાકી શક્ય નથી. ક્યારેક તેમની સાથે જીવવું પડે છે અને છતાં વિકસતા રહેવું પડે છે. અને એ જ તો આધ્યાત્મિક લક્ષ્ય છે. જેને આપણે સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ કે વ્યક્તિગત વિકાસ કહીએ છીએ એના માપદંડ કંઈ ફક્ત પ્રસિદ્ધિ, પૈસા કે સંપત્તિ નથી. અંગ્રેજીમાં જેને imperturbable, હિન્દીમાં અવિચલિત અને ગુજરાતીમાં સ્થિતપ્રજ્ઞ કહી છે એ અવસ્થા સુધી પહોંચવાની મથામણનું નામ જ જિંદગી છે. ગતિ તો બહુ દૂરની વાત છે, જો આપણે એ અવસ્થા તરફ પ્રયાણ કરવાના પ્રયત્નો પણ નથી કરી રહ્યા તો આપણે પણ પાર્કિંગ સ્લૉટમાં પડેલું એક વાહન જ છીએ. ધ્યાન, મેડિટેશન, પુસ્તકો કે આખી આધ્યાત્મિક મથામણનું નિર્માણ જ એટલે થયું છે કે સંસારમાં રહીને પણ અલિપ્ત કઈ રીતે રહી શકાય.


