રામલલ્લાના મંદિરમાં વપરાયેલો બંસી પહાડપુર પથ્થર પિન્ક પથ્થર તરીકે પણ ઓળખાય છે. એની મોટી ખાસિયત એ છે કે એ પથ્થર વાતાવરણ કરતાં વિપરીત સ્વભાવ દશાર્વે છે. બંસી પહાડપુર પથ્થર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામ સિવાય ક્યાંય મળતો નથી
રામ મંદિર
કોઈ પણ મંદિર બનતું હોય તો એના માટેના કેટલાક નીતિનિયમો છે તો સાથોસાથ શાસ્ત્રોમાં કહેવામાં આવેલી વાતોનું પણ એમાં ધ્યાન રાખવાનું હોય છે. ઘણા એવું માને છે કે નવું મંદિર બનાવવું હોય તો એ ઈશાન ખૂણામાં હોવું જોઈએ, પણ એ ઘર માટેની વાત છે અને આ વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબની વાત થઈ. જો તમે મોટું મંદિર બનાવતા હો તો એ મંદિરની જગ્યા ક્યાંય પણ હોય, એમાં પ્રતિમાનું મુખ પૂર્વ તરફ હોય એ હિતાવહ છે તો સાથોસાથ એ પણ એટલું જ સાચું કે મંદિરની આસપાસ સ્મશાનભૂમિ ન હોવી જોઈએ અને જે જગ્યાએ મંદિર બનાવવામાં આવતું હોય એ જગ્યાનો ઉપયોગ અગાઉ આ પ્રકારે સ્મશાનભૂમિ તરીકે ન થયો હોવો જોઈએ. આ સિવાય બીજો કોઈ પણ પ્રકારનો ગંદવાડ આજુબાજુમાં ન હોય એનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. જો ત્યાં આગળ પાણી હોય તો ખૂબ સારું અને એમાં પણ જો કુદરતી રીતે જ બનેલી નદી કે તળાવની સામે મંદિર હોય તો અતિ ઉત્તમ.
અયોધ્યાના રામમંદિરની વાત કરીએ તો એ તો હવે સૌને ખબર છે કે એ વિશ્વનું સૌથી મોટું મંદિર છે, પણ પહેલાં એવું નહોતું. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અગ્રેસર હતી અને કોર્ટનો ચુકાદો પેન્ડિંગ હતો ત્યારે તો સામાન્ય સાઇઝનું મંદિર બનાવવાનું નક્કી થયું હતું.
ADVERTISEMENT
બન્યું એમાં એવું કે રામલલ્લાના મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદના એ સમયના પ્રેસિડન્ટ અશોક સિંઘલ મને તેમની સાથે લઈ ગયા. એ સમયે જગ્યા બહુ નાની હતી એટલે એ નાની જગ્યાને ધ્યાનમાં રાખીને મંદિરની ડિઝાઇન કરવામાં આવી, પણ પછી કોર્ટનો ચુકાદો આવી ગયો એટલે નક્કી કર્યું કે વિશ્વનું સૌથી મોટું મંદિર બનાવીએ. આવું નક્કી કર્યા પછી પહેલો પ્રશ્ન એ આવ્યો કે હવે અગાઉના મંદિરનું કરવું શું? સૌથી મોટી ગડમથલ એ જ હતી કે અગાઉ ડિઝાઇન કરેલું મંદિર પણ અકબંધ રહે અને નવું મંદિર પણ એમાં જ સમાવિષ્ટ થઈ જાય.
તમને ગયા રવિવારે કહ્યું એમ નવનિર્મિત રામમંદિરમાં ત્રણ મજલા છે. એમાં નીચેના મજલામાં રામલલ્લા એટલે કે રામજીનું બાળસ્વરૂપ છે તો ઉપરના મજલા પર રામદરબાર છે. મંદિરમાં પાંચ સભાખંડ છે અને ચાર ખૂણે અન્નપૂર્ણા માતાજી, હનુમાનજી, ગણપતિજીનાં એમ ચાર નાનાં મંદિરો છે તો રામમંદિરની ફરતે અક્ષરધામમાં છે એ પ્રકારનો કૉરિડોર પણ બનવાનો છે. આ કૉરિડોર ૬૦૦ ફુટ બાય ૩૦૦ ફુટનો હશે.
રામમંદિરમાં બંસી પહાડપુરનો પિન્ક પથ્થર વાપરવામાં આવ્યો છે. આ જે પથ્થર છે એ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામેથી મળે છે. આ જે ગુલાબી પથ્થર છે એનો પહેલાંના સમયમાં રાજામહારાજાના મહેલો બનાવવામાં બહુ ઉપયોગ થતો. સોમનાથ મંદિર અને અક્ષરધામ પણ આ પિન્ક પથ્થરમાંથી જ બનાવવામાં આવ્યાં છે. આ જે પિન્ક પથ્થર છે એની સૌથી મોટી ખાસિયત એ છે કે એ વેધરપ્રૂફ છે અને આ જ કારણ છે કે એનો મંદિરોમાં હવે સવિશેષ ઉપયોગ થાય છે.
આ સ્ટોનની બીજી ખાસિયત એ છે કે એ વાતાવરણ કરતાં અવળો વર્તે છે એટલે કે જો બહાર ઠંડી હોય તો પથ્થર જ્યાં વપરાયો હોય એ અંદરના ભાગમાં ગરમાવો મળે અને જો બહાર ગરમી હોય તો પથ્થરનો વપરાશ
થયો હોય એ જગ્યાએ ઠંડક લાગે. મંદિર સાંત્વન આપે, પિન્ક સ્ટોન પણ એ જ કામ કરે છે.

