Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે મનાતું કે છોકરીને ભણાવીએ તો તે વહેલી વિધવા થાય

જ્યારે મનાતું કે છોકરીને ભણાવીએ તો તે વહેલી વિધવા થાય

04 February, 2023 03:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૮૪૯ના ઑક્ટોબરની ૨૧મી તારીખથી બે મરાઠી અને ચાર ગુજરાતી છોડીઓ માટેની નિશાળો મુંબઈના કોટ, ધોબી તળાવ, બહાર કોટ અને માઝગાંવ ખાતે શરૂ થયેલી. આ છ નિશાળોમાં બધું મળીને ૬૫૪ છોકરીઓ ભણતી હતી. તેમાંની ૧૩૬ મરાઠી, ૧૨૦ ગુજરાતી અને ૩૯૮ પારસી હતી

૧૮૪૯માં શરૂ થયેલી આ સ્કૂલ આજે પણ ચાલે છે.

૧૮૪૯માં શરૂ થયેલી આ સ્કૂલ આજે પણ ચાલે છે.


અભ્યાસક્રમ પ્રમાણેનું ભણાવી લીધું એટલે ગંગા નાહ્યા એમ માનનારા અધ્યાપકો જ્યારે નહોતા ત્યારની આ વાત છે. અધ્યાપક બીજી કોઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ માટે કરે, કોઈને ભાષણ કરવા બોલાવે કે કોઈ કવિને આમંત્રણ આપે તો મોટું પાપ થઈ જાય એમ પણ ત્યારે મનાતું નહીં. એટલે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કૉલેજ સ્થપાઈ એ પછી બ્રિટનથી આવેલા અધ્યાપકો વિદ્યાર્થીઓના માત્ર અભ્યાસની જ ચિંતા કરતા નહોતા, તેમના વિકાસ અને વિસ્તારને મદદરૂપ થાય એવા પ્રયત્નો પણ કરતા. પોતાના વિદ્યાર્થીઓ સાથે સાંજે દરિયાકિનારે ફરવા જતા અને એ વખતે તેમની સાથે જુદા-જુદા વિષયો પર મુક્ત મને વાતો કરતા. આવી વાતોને પરિણામે સમજાયું કે વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત સમાજ ઉપયોગી કામોમાં જોડવા જોઈએ. આમ કરવાથી બે હેતુ પાર પડે, સામાજિક કામોને પ્રોત્સાહન મળે અને છોકરાઓને જાતઅનુભવ મળે. 

આવા બે સજાગ પ્રોફેસર તે એલ્ફિન્સ્ટન કૉલેજના એ. એમ. પેટન અને આર. ટી. રીડ. એ બંનેએ સાથે મળીને શરૂ કરી સ્ટુડન્ડ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટી. ૧૮૪૮ના જૂનની ૧૩મી તારીખે એની સ્થાપના થઈ. પ્રો. પેટન એના પહેલા પ્રમુખ. શરૂઆતના કેટલાક વરસ એલ્ફિન્સ્ટન કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જ આ સોસાયટીના સભ્યો બની શકતા, બીજાઓ નહીં. ૧૮૪૮માં કુલ ૨૧ સભ્યો હતા. આ સ્થાપક સભ્યોમાં દાદાભાઈ નવરોજી, રાવસાહેબ પ્રાણલાલ મથુરાદાસ, ડોસાભાઈ ફરામજી, મોહનલાલ રણછોડદાસ વગેરેનો સમાવેશ થતો હતો. ૧૮૫૨થી કોઈ પણ સુશિક્ષિત પુરુષ એનો સભ્ય બની શકે એમ ઠરાવવામાં આવ્યું. એટલે ૧૮૫૫માં સભ્ય સંખ્યા વધીને ૧૯૦ થઈ ગઈ. 



આ સોસાયટીની મુખ્ય કામગીરી હિન્દુસ્તાનની સામાજિક સ્થિતિ વિશે લેખો લખીને જાહેરમાં વાંચવા, ભાષણો કરવાં અને એના પર ચર્ચા કરવી એ હતી. હા, શરૂઆતથી જ ઠરાવવામાં આવ્યું હતું કે સોસાયટીના કોઈ કાર્યક્રમમાં રાજકારણ કે ધર્મને લગતી વાત થઈ શકશે નહીં. કોઈક જરૂર મનમાં બોલશે : ‘જોયુંને! અંગ્રેજો કેવા આપખુદ હતા!’ પણ ભલા માણસ આજે પણ એક વ્યક્તિ વિશેની એક પરદેશી ફિલ્મ કોઈ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ જોઈ ન જાય એ માટે સરકાર કેટલા તો ધમપછાડા કરે છે? અને એય તે પાછા પાછલે બારણેથી. જ્યારે આ અંગ્રેજો વધુ નિખાલસ તો હતા! 


આ અધ્યાપકો ચતુર હતા, સુજાણ હતા. થોડા વખતમાં સમજી ગયા કે માત્ર ભાષણો અને લેખોથી આ સમાજ બદલાવાનો નથી. એટલે તેમણે સૌથી પહેલાં કન્યા કેળવણીને મદદરૂપ થાય એવાં કામ કરવાનું વિચાર્યું. એટલે સોસાયટીએ ૧૮૪૯ના ઑક્ટોબરની ૨૧મી તારીખથી બે મરાઠી અને ચાર ગુજરાતી છોડીઓ માટેની નિશાળો મુંબઈના કોટ, ધોબી તળાવ, બહાર કોટ, અને માઝગાંવ ખાતે શરૂ કરી. રોજ સવારે સાતથી દસ વાગ્યા સુધી આ સોસાયટીના ‘પોરિયાઓ’ એક પણ ફદિયું લીધા વગર આ સ્કૂલોમાં ભણાવતા. આ છ નિશાળોમાં બધું મળીને ૬૫૪ છોકરીઓ ભણતી હતી. તેમાંની ૧૩૬ મરાઠી, ૧૨૦ ગુજરાતી અને ૩૯૮ પારસી હતી. અને આશ્ચર્ય અને આનંદની વાત એ છે કે આ છમાંની એક સ્કૂલ હજી આજે પણ ચાલે છે. ગિરગામ રોડ પરના ઠાકુરદ્વાર વિસ્તારની નવરોજી શેઠ સ્ટ્રીટ પર આવેલી આ સ્કૂલ હવે એસ. એલ. ઍન્ડ એસ. એસ. ગર્લ્સ હાઈ સ્કૂલ તરીકે ઓળખાય છે.   
થોડા વખતમાં જ અધ્યાપકોના ધ્યાનમાં એ વાત આવી કે સોસાયટીનું બધું કામકાજ અંગ્રેજીમાં જ થાય છે એટલે વધારે છોકરાઓ એમાં ભાગ લઈ શકતા નથી. આથી ગુજરાતી-મરાઠીમાં બોલવા-લખવાની સગવડ પણ કરવી જોઈએ. એટલે તેમણે સોસાયટીની બે શાખા તરીકે મરાઠી અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી ૧૮૪૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી શરૂ કરાવી. આ મંડળી વિશે મરાઠીમાં અભ્યાસગ્રંથ પ્રગટ થયો છે, પણ આપણા ઘણાખરા જાણકારો પણ આ મંડળીઓ વિશે ભાગ્યે જ કશું જાણે છે. પારસીઓ જોડાક્ષર વગરની કેવી ‘અશુદ્ધ ગુજરાતી’ ભાષા વાપરતા એના ઉપહાસભર્યા નમૂના તરીકે એના સામયિક ‘ગનેઆન પરસારક’નું નામ ઉછાળવા સિવાય આ મંડળી અને એની કામગિરી વિશે ભાગ્યે જ કોઈ લખે-બોલે છે. ગુજરાતી મંડળીમાં પારસીઓ વધુ ઉત્સાહથી ભાગ લેતા એ ખરું, પણ એ કેવળ પારસીઓની મંડળી નહોતી. ૧૯મી સદીના સાહિત્ય અને સંસ્કાર-જગતના પ્રખર અભ્યાસી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કહ્યું છે એમ ‘જ્ઞાન પ્રસારક મંડળી કંઈ માત્ર પારસીઓની સંસ્થા નથી. પરંતુ પારસી, હિંદુ, મુસ્લિમ એ સઘળી કોમોના લાભ માટે સ્થપાયેલી સંસ્થા છે. જે વખતે આ મંડળી સ્થપાઈ એ વખતે પારસીઓ અને હિંદુઓ એકમેક સાથે મળીને અને બહુ જ મળતાવડાપણાથી વર્તતા હતા.’


ગુજરાતી-મરાઠી જ્ઞાનપ્રસારક મંડળીના પ્રમુખો નવરોજી ફરદુનજી અને નારાયણ દીનાનાથ

આ લખનારના સદ્ભાગ્યે સ્ટુડન્ટ્સ સાયન્ટિફિક ઍન્ડ લિટરરી સોસાયટીના ૧૮૫૪થી ૧૮૫૮નાં વરસોના વાર્ષિક અહેવાલો જોવા મળ્યા છે. એમાંની માહિતી પ્રમાણે ૧૮૬૦ના વરસમાં પ્રો. રીડ સોસાયટીના પ્રમુખ હતા. ૧૮૫૨માં એલ્ફિન્સ્ટન કૉલેજના ભાગરૂપે લૉ કૉલેજની શરૂઆત થઈ ત્યારે પ્રો. રીડ એના પહેલા અધ્યાપક બન્યા હતા. મરાઠી જ્ઞાન-પ્રસારક મંડળીના પ્રમુખ નારાયણ દીનાનાથ વેલકર અને ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળીના પ્રમુખ નવરોજી ફરદુનજી સોસાયટીના પણ ઉપપ્રમુખ હતા. આજના ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પુરોગામી ‘બૉમ્બે ટાઇમ્સ’ની શરૂઆત નારાયણ દીનાનાથે ૧૮૩૮માં કરી હતી. જ્યારે નવરોજી ફરદુનજીએ ગુજરાતી ભાષાનું પહેલવહેલું માસિક ‘વિદ્યાસાગર’ ૧૮૪૦માં શરૂ કર્યું હતું. આ ઉપરાંત ત્રણ મંત્રીઓ હતા : રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, ગંગાદાસ કિશોરદાસ અને હોરમસજી દાદાભાઈ. સોસાયટી ગુજરાતી છોડીઓ માટે બે સ્કૂલ ચલાવતી હતી : એક કોટમાં અને બીજી બહાર કોટમાં. બંને સ્કૂલમાં થઈને ૧૦૨ છોડીઓ ભણતી હતી. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, સોની, કણબી વગેરે છોકરીઓ ભણતી હતી. છોકરીઓની ઓછી સંખ્યાનું કારણ આપતાં આ અહેવાલમાં લખ્યું છે કે ઘણી જ્ઞાતિઓમાં એવો વહેમ પ્રચલિત છે કે જો છોકરીને ભણાવીએ તો તે વહેલી વિધવા થાય. બીજી નોંધવા જેવી વાત એ છે કે સોસાયટીની પારસી છોકરીઓ માટેની સ્કૂલો ચલાવવાનો તમામ ખરચ પારસી સખી-દાતાઓ ઉપાડી લેતા હતા. ગુજરાતી છોડીઓ માટેની સ્કૂલો માટે આ રીતે દાન આપવાની જાહેર વિનંતી પ્રમુખ પ્રો. રીડે કરી ત્યારે સૌથી પહેલાં મંગળદાસ નથુભાઈ નામના જાણીતા બૅન્કરે દર વરસે એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. બદલામાં સોસાયટીએ બે સ્કૂલ સાથે મંગળદાસ શેઠનું નામ જોડ્યું હતું.

બીજું, એ અરસામાં મરાઠી અને ગુજરાતી જ્ઞાનવર્ધક સભા સક્રિય હતી. ગુજરાતી સભામાં જેમણે ભાષણ કર્યાં હતાં કે લેખો વાંચ્યા હતા એમાં કવિ નર્મદ, કવિ દલપતરામ ડાહ્યાભાઈ, મહીપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી, ઝવેરીલાલ યાજ્ઞિક, ડૉ. ધીરજરામ દલપતરામ, વગેરેનો સમાવશ થતો હતો. ગુજરાતી જ્ઞાનવર્ધકે ૧૮૪૯ના જુલાઈ મહિનાથી ‘ગનેઆન પરસારક’ નામનું ગુજરાતી માસિક શરૂ કર્યું. એ પછી થોડા જ વખતમાં એનું નામ સુધારીને કરવામાં આવ્યું હતું : ‘જ્ઞાનપ્રસારક’. ૧૮૬૭ના ડિસેમ્બર સુધી આ માસિક ચાલ્યું હતું. એના તંત્રી તરીકેની કામગીરી દાદાભાઈ નવરોજી, અરદેશર ફરામજી મૂસ, એદલજી માસ્તર, કરસનદાસ મૂળજી વગેરેએ સંભાળી હતી. જ્ઞાનપ્રસારક મંડળીમાં પણ ભાષણો અને નિબંધ વાંચનની પ્રવૃત્તિ પહેલેથી જ શરૂ થઈ હતી અને તે છેક ૧૯૫૬-૧૯૫૭ સુધી ચાલુ રહી હતી. 

૧૯૪૯માં ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીની શતાબ્દી ઊજવાઈ ત્યારે એક પ્રદર્શન પણ ભરાયું હતું જેમાં હસ્તપ્રતો, શરૂઆતનાં મુદ્રિત પુસ્તકો અને મુદ્રણની પ્રગતિ દર્શાવતી બીજી કેટલીક સામગ્રી મૂકવામાં આવી હતી. પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતી વખતે આપેલા ભાષણમાં કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કહ્યું હતું : ‘આ મંડળીએ આપણા દેશના ભાઈઓમાં અને ખાસ કરીને ગુજરાતી બોલનારી જુદી-જુદી કોમોમાં જ્ઞાનનો પ્રચાર કરવાનું બીડું ઝડપ્યું અને અનેક જાતની ચડતીપડતી જોઈ એ પોતાની કાયનાત પ્રમાણે જુદી-જુદી રીતે જ્ઞાનનો ફેલાવો કરતી રહી.’
આ ત્રણે સંસ્થાઓની વિશિષ્ટતાઓ તરફ આજે કદાચ આપણું ધ્યાન ન જાય અથવા એ બહુ મહત્ત્વની ન લાગે. પહેલી વાત એ કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ એ પહેલાં આ પ્રયત્ન થયો હતો. બીજું, બ્રિટિશરો અને સ્થાનિક લોકોનો આ સહિયારો પ્રયત્ન હતો. ૧૮૦૪માં એશિયાટિક સોસાયટી શરૂ થઈ એ ફક્ત અંગ્રેજો દ્વારા અને અંગ્રેજો માટે. ૧૮૪૧ સુધી એમાં ‘દેશી’ઓને પ્રવેશ નહોતો. ૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ફક્ત કેટલાક અંગ્રેજોએ ભેગા મળીને શરૂ કરી હતી, જ્યારે સ્ટુડન્ટ્સ સાયન્ટિફિક ઍન્ડ લિટરરી સોસાયટી એ અંગ્રેજો અને ‘દેશી’ઓનો સહિયારો પ્રયત્ન હતો એટલું જ નહીં, એ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો સહિયારો પ્રયત્ન હતો. મુંબઈની સોસાયટી આચરણ અને વિચારણા, બંનેમાં માનતી હતી. એક બાજુ તેણે છોકરા-છોકરી માટે અલગ-અલગ સ્કૂલો શરૂ કરી, જેમાં સોસાયટીના સભ્યો એક પાઈ પણ લીધા વગર ભણાવતા. તો બીજી બાજુ આ સભાએ વિચારોની આપ-લેને, ચર્ચાને પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું. સૌથી મહત્ત્વની વાત તો એ કે આ દેશમાં અને આ દેશ માટે કામ કરવું હોય તો ફક્ત અંગ્રેજી નહીં ચાલે એ વાત અંગ્રેજ સ્થાપકો બહુ જલદી સમજી ગયા અને એટલે બીજી બે પેટા શાખા મરાઠી અને ગુજરાતી માટે શરૂ કરી. તો સાથોસાથ લોકોના મોટા સમૂહ સુધી પહોંચવા માટે ગુજરાતી અને મરાઠીમાં માસિકો શરૂ કર્યાં. 
અહીં સુધીની વાત તો સીધે પાટે ચાલે છે, પણ હવે વાતમાં એક વળાંક આવે છે. મરાઠી અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી ઉપરાંત એક ત્રીજી સભા પણ સ્ટુડન્ટ્સ સાયન્ટિફિક ઍન્ડ લિટરરી સોસાયટી સાથે જોડાયેલી હતી? કે એ સ્વતંત્ર હતી? જો સ્વતંત્ર હતી તો એ કોણે શરૂ કરેલી? ક્યારે? પણ આ બધી વાતો કરીશું હવે પછી.

 

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2023 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK