જો કંઈ ન સૂઝતું હોય તો અત્યંત સરળ અને ખાસંખાસ આઇડિયાઝનો પટારો પ્રસ્તુત છે, જો કંઈ ન સૂઝતું હોય તો અત્યંત સરળ અને ખાસંખાસ આઇડિયાઝનો પટારો પ્રસ્તુત છે
પ્લાન્ટ અને કૉફી ટેબલ
મુંબઈમાં ઘર હોય અને એ ઘરમાં એક નાની તો નાની પણ બાલ્કની હોય તો એ સપનું સાકાર થયા જેવી વાત છે. નાનકડી બાલ્કની ઘરમાં બધાની મનગમતી જગ્યા હોય છે. ત્યાં વહેલી સવારે યોગ અને કસરત કે પછી ચાની ચૂસકીઓ અને ગપ્પાં કે પછી ઠંડી હવા અને ગરમ કૉફીની મજા કે પછી હીંચકા પર મન સાથે મુલાકાત કે એકલા કોઈ પુસ્તકનું વાંચન જેવી કેટલીયે ઍક્ટિવિટીમાં કંઈક મનગમતું કરવું હોય તો આ બાલ્કની સાથી બને છે. બાલ્કની સાથેનો આ સહવાસ હજીયે વધુ રોમાંચક બની શકે જો એને સુશોભિત કરવામાં આવે. આજે એના જ આઇડિયાઝ વિશે વાત કરીએ.
ઘરની નાની બાલ્કનીને ફર્નિચર, શોપીસ, પ્લાન્ટ્સ અને પ્લાન્ટ્સ હૅન્ગિંગ સાથે શણગારી શકાય છે. મનગમતી દરેક પ્રવૃત્તિ માટે સ્પેશ્યલ જગ્યાની ગરજ સારતી બાલ્કનીમાં જગ્યાનો વેડફાટ ન થાય અને ડેકોરેરિટવ લુક મળે એની ટિપ્સ શૅર કરતાં ઇન્ટીરિયર ડિઝાઇનર નિરાલી શાહ કહે છે, ‘મુંબઈ શહેરમાં બાલ્કનીનો આનંદ એક વરદાન સમાન છે અને એને સુંદર શણગારવી જરૂરી છે, કારણ કે એ ઘરના બધા જ સભ્યોની મનગમતી જગ્યા હોય છે. તમારા ઘરના સૌથી સુંદર સ્થળ તરીકે બાલ્કનીને શણગારવા માગતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવું નાનકડી બાલ્કનીમાં વધારે ડેકોરેશન ન કરવું. જેટલું સિમ્પલ રાખશો એટલું સરસ લાગશે. બહુ બધું અને મોટી સાઇઝનું ફર્નિચર કે બહુ બધી ડેકોરેશનની આઇટમ એકસાથે મૂકવી નહીં. બાલ્કનીને સુંદર બનાવવા માટે એની દીવાલ, ફર્નિચર, લાઇટિંગ, રંગો, પ્લાન્ટ્સ અને અન્ય શોપીસ બધું જ પ્રમાણમાં જરૂરી છે.’
ADVERTISEMENT
આ રહી કેટલીક સિમ્પલ ટિપ્સ
બાલ્કની અને રંગો : બાલ્કની નાની હોવાથી એમાં દીવાલ પર બહુ વાઇબ્રન્ટ કે ઘેરા રંગ કરવા નહીં. એ ઘરનો જ ભાગ લાગે એ રીતે ઘરમાં જે રંગ હોય એ જ રંગ બાલ્કનીની દીવાલો પર સારો લાગે છે. કોઈ મોટા વૉલપીસ અને કુશન કવરમાં વાઇબ્રન્ટ રંગો વાપરવા. કલરફુલ ડોરમૅટ મૂકી શકાય. વરસાદ ન હોય ત્યારે રંગીન કાર્પેટ પાથરી શકાય.
બાલ્કની અને પ્લાન્ટ્સ બાલ્કની હોય તો એમાં પ્લાન્ટ્સ તો હોવા જ જોઈએ, લગભગ બધા એવું માને છે. આમ પણ ગ્રીન પ્લાન્ટ્સ અને ચમકતા રંગોનાં ફૂલો વાતાવરણને સુંદર અને જીવંત બનાવે છે. પ્લાન્ટ્સ બાલ્કનીના એરિયાને અનુરૂપ મૂકવા, નાની બાલ્કનીમાં જગ્યા રોકતાં બહુ મોટાં કૂંડાં મૂકવા કરતાં હૅન્ગિંગ પ્લાન્ટ્સ ,વૉલ પર વર્ટિકલ ગાર્ડન કે રેલિંગ પર સ્ટૅન્ડ મૂકી એમાં નાનાં-નાનાં કૂંડાંમાં પ્લાન્ટ્સ ગોઠવવા, જે જગ્યા રોકશે નહીં અને સરસ લાગશે.
સિટિંગ-અરેન્જમેન્ટ : નાની બાલ્કનીમાં બેસવા માટેની વ્યવસ્થા કરવી એક ચૅલેન્જ છે. ઓછી જગ્યા રોકે એવું ફર્નિચર મૂકવું. સૌથી સહેલો ઑપ્શન છે ફોલ્ડિંગ ચૅર અને ટેબલ વાપરી શકાય, જે જરૂર પડે ઉપયોગમાં લઈ પછી ફોલ્ડ કરી એક બાજુ મૂકી શકાય. સિટિંગ એરિયાને યોગ મૅટ પાથરી યોગ એરિયામાં બદલી શકાય. બાલ્કનીની રેલિંગ સાથે ફોલ્ડિંગ ટેબલ અટૅચ કરાવી સાથે હાઈ સ્ટૂલ કે બાર ચૅર રાખી શકાય જે એકદમ સ્ટાઇલિશ લાગે છે. બાલ્કનીના ખૂણામાં L શેપમાં નાનકડી સિટિંગ કરી શકાય. ઝૂલાના શોખીન હો તો નાનકડો ઝૂલો કે ફોલ્ડિંગ ઝૂલો પસંદ કરવો, જૂનો ઍન્ટિક માત્ર સાંકળ અને લાકડાના પાટિયાથી બનતો ઝૂલો સરસ લાગે છે.
બાલ્કની અને વૉલ : બાલ્કનીની દીવાલને તડકો, હવા, વરસાદનું પાણી બધું જ સહન કરવું પડે છે. તેથી સૌથી પહેલાં એને સાફ રાખવી, એને તમે વૉટરપ્રૂફ વૉલપેપર અને રેડીમેડ વૉલ પૅનલથી ઓછા ખર્ચમાં સરસ સજાવી શકો છો. હવે મ્યુરલ ટાઇલ્સ રેડીમેડ મળે છે જેમાંથી તમારી પસંદની ટાઇલ્સ લગાવી પર્સનલ ટચ આપી શકાય છે.
બાલ્કની અને લાઇટિંગ : બાલ્કની ડેકોરમાં લાઇટિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. સરસ રીતે કરેલું લાઇટિંગ ખૂબ જ આકર્ષક લાગે છે. બાલ્કનીની દરેક દીવાલ અને જગ્યાને અજવાળી શકે એવી પ્રૉપર લાઇટ્સ લગાવવી. નાની જગ્યા હોવાથી બહુ મોટી અને હૅન્ગિંગ લાઇટ્સ પસંદ ન કરવી. વૉલ પર કે સીલિંગમાં ફિટ થઇ જાય એવા સ્લિક લૅમ્પ લેવા. સ્પેશ્યલ ઓકેઝન પર વધુ લાઇટ્સ ઍડ કરવા દીવાલ અને સીલિંગમાં હૂકની અને પ્લગ પૉઇન્ટની વ્યવસ્થા કરાવવી, જેમાં મનગમતી લાઇટ્સ લગાડી શકાય.
બાલ્કની અને શોપીસ : સુંદર રીતે સજાવેલી નાનકડી બાલ્કની પોતે જ ઘરનો એક શોપીસ છે. એમાં એકસાથે બહુ શોપીસ રાખવા નહીં. કોઈ આર્ટિસ્ટિક પીસ વૉલ પર લગાવવો કે ડ્રીમ કૅચર કે અન્ય કોઈ હૅન્ગિંગ લટકાવવાં. નાનકડા સુંદર પથ્થર પ્લાન્ટ્સનાં કૂંડાંમાં અને એની આસપાસ ગોઠવી શકાય. હૅન્ગિંગ પ્લાન્ટ્સ માટે સુંદર ફૅન્સી બીડ્સના, જૂટના, દોરીના બનેલાં હૅન્ગિંગ્સ વાપરવાં.