કુર્ડૂસ નામના નાનકડા ગામમાં કૂવા પર હંડી બાંધીને એને સ્પર્શ કરવાની સ્પર્ધા જામે છે
કૂવાની પાળ પરથી ગોવિંદાને કઈ રીતે ફંગોળવામાં આવે છે અને તે હવાઈ છલાંગ લગાવીને કઈ રીતે દહીહંડીને સ્પર્શે છે એ જુઓ (તસવીરો : કવિતા થાવાણી)
કુર્ડૂસ નામના નાનકડા ગામમાં કૂવા પર હંડી બાંધીને એને સ્પર્શ કરવાની સ્પર્ધા જામે છે, કૂવાની પાળી પરથી છલાંગ લગાવીને ગોવિંદા પાણીમાં ખાબકે છે અને એ જોવાનો લહાવો આઉટ ઑફ ધ વર્લ્ડ છે : આમ તો ગામમાં આવું ૧૯૯૨થી થાય છે, પણ હમણાં-હમણાં એની ખ્યાતિ પ્રસરી રહી છે
મુંબઈમાં આપણે જન્માષ્ટમી વખતે ભારતની સૌથી મોટી દહીહંડી, સૌથી વધુ ઇનામ આપતી દહીહંડી ઘણાં વર્ષોથી જોતા આવ્યા છીએ; પણ મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના કુર્ડૂસ ગામની એક દહીહંડી એની યુનિકનેસને કારણે આખા જગતમાં અલગ તરી આવે છે. આ છે કૂવા પર, વચ્ચોવચ બંધાતી દહીહંડી જેને કૂવાની પાળ પરથી છલાંગ લગાવીને સ્પર્શ કરવાની, તોડવાની હોય છે. અલીબાગની નજીક આવેલા આ ગામમાં પરંપરાગત માનવથર રચીને ફોડવામાં આવતી દહીહંડી તો હોય જ છે, પણ ગામના પાંચ પરિવારોના ખેડૂત યુવાનોએ રોજ જે કૂવામાં ધુબાકા મારતા હતા એના ઉપર દહીહંડી બાંધીને અનોખું સાહસ આદર્યું. આ હંડી ફોડતી વખતે ગામના લોકોનો ઉલ્લાસ અને માહોલ એટલો લાઇવ હોય છે કે એક અલગ જ અનુભૂતિ થાય છે. એક ખાસ વાત, એમાં હજી કમર્શિયલાઇઝેશન પ્રવેશ્યું નથી અને કોઈ રાજકીય રંગ પણ નથી પ્રવેશ્યો એટલે એનો નિર્દોષ આનંદ લેવા મળે છે. હાલના સોશ્યલ મીડિયાના યુગમાં એના ફોટો અને વિડિયો તો ફરી જ રહ્યા છે, પણ એક વાર જન્માષ્ટમીએ કુર્ડૂસ જઈને કૂવા પરની આ હંડીનો આનંદ માણવાનો લહાવો ચૂકવા જેવો નથી.
ADVERTISEMENT
૨૫-૩૦ ફુટનો વ્યાસ ધરાવતા અને ૪૦ ફુટ ઊંડા કૂવાની પાળી પર ચારેબાજુ ગામના યુવાનો બેસી જાય છે. એ પછી ખરેખરી ગેમ શરૂ થાય છે. એક પછી એક યુવાન કૂવાની ઉપર વચ્ચોવચ બંધાયેલી હંડી ફોડવા કૂદકો લગાવે છે. હટ્ટાકટ્ટા યુવાનોના હાથ પર સ્પર્ધક યુવાન ઊભો રહે પછી તેને અન્ય યુવાનો દહીહંડી તરફ ઉછાળે એટલે સ્પર્ધક યુવાને હાથેથી એ દહીહંડી ટચ કરવાની કોશિશ કરવાની. સ્પર્ધક યુવાન ત્યાર બાદ સીધો કૂવામાં જ જમ્પ કરે. આ રીતે આ અનોખી દહીહંડીને ટચ કરવાની હોય છે. પરંપરાગત માનવથર કરતાં આ બહુ જ અલગ દહીહંડી છે. મૂળમાં આગલી મધરાતે પિંગળે પરિવારના ઘરમાં કૃષ્ણજન્મ થાય, રાતે ૧૨ વાગ્યે આરતી-ભજન થાય, પ્રસાદ વહેંચાય અને એ પછી બપોરે ૧૨ વાગ્યે પણ આરતી થાય. ત્યાર બાદ ગામની બધી પરંપરાગત હંડી ફૂટે અને છેલ્લે બપોરે ૧.૩૦ વાગ્યા બાદ અહીં કૂવા પરની દહીહંડી ચાલુ થાય. અંદાજે ૩-૪ કલાક આ દહીહંડી ફોડવાની કોશિશ થતી હોય છે.
મુંબઈ-ગોવા રોડ પર આવેલા નાગોઠણેથી ૧૬ કિલોમીટર અને ફેમસ ટૂરિસ્ટ સ્પ઼ૉટ અલીબાગથી પચીસ કિલોમીટરના અંતરે આવેલા કુર્ડૂસમાં આમ તો ૧૯૯૨થી આ દહીહંડીનું આયોજન કરવામાં આવે છે, પણ થોડાંક વર્ષોથી લોકોને એની જાણ થઈ છે અને હવે તો એના વિડિયો અને ફોટો દુનિયાભરમાં સર્ક્યુલેટ થઈ રહ્યા છે. એને લાઇક કરનારાઓની સંખ્યા પણ લાખો પર પહોંચી ગઈ છે.
આ કૂવા પર બાંધીને ફોડવામાં આવતી દહીહંડી વિશે માહિતી આપતાં કુર્ડૂસના સચિન પિંગળે ‘મિડ-ડે’ને કહે છે, ‘આમ તો ગામમાં ૧૪-૧૫ દહીહંડી હોય છે, પણ અમારી આ અનોખી હંડી છેલ્લે ફોડવામાં આવે છે. અમારું ગામ ખેડૂતોનું અને અમે બધા ડાંગર (ચોખા)ની ખેતી કરીએ છીએ. ૧૯૯૨માં પાંચ ખેડૂત પરિવારના યુવાનોએ કંઈક અલગ કરવાના આશયથી આ કૂવા પરની દહીહંડી ચાલુ કરી. વર્ષો સુધી ગામના લોકો એનો આનંદ લેતા હતા. થોડાંક વર્ષ પહેલાં ABP માઝાના પત્રકાર આશિષ ઘરાતને એની જાણ થઈ અને તેમણે અમારી અલગ દહીહંડીને સૌથી પહેલાં મીડિયામાં પ્રોજેક્ટ કરી. એ પછી મુરુડના ફોટોજર્નલિસ્ટ સુધીર નાગરેએ અમને બહુ જ લોકપ્રિયતા અપાવી, હજી પણ તે અમને એટલો જ સહયોગ આપે છે. અલગ-અલગ મીડિયામાં તે અમારી અનોખી દહીહંડીની માહિતી આપી તેમને અહીં બોલાવે અને એ પછી લોકપ્રિયતા વધતી જાય છે.’
કૂવા પરની દહીહંડી વિશે વધુ જણાવતાં સચિન પિંગળે કહે છે, ‘વર્ષોથી અમારા આ કૂવામાં ગામના છોકરાઓ ધુબાકા મારીને તરતા હોય છે. દહીહંડીમાં ભાગ લેનારા મોટા ભાગના છોકરાઓ-યુવાનો તરવૈયા છે. એમાં ફક્ત ગામના જ લોકો ભાગ લે છે એવું નથી, બહારના યુવાનો-છોકરાઓ પણ એમાં ભાગ લે છે, શરત માત્ર એટલી કે તેમને તરતાં આવડવું જોઈએ. આમાં સાહસ, શારીરિક ફિટનેસ, ફ્લેક્સિબિલિટી સાથે ચપળતા એમ ઘણાબધા ગુણો વિકસે છે. આ હંડી ફોડવા વજન મેઇન્ટેન કરવું પડે, ફ્લેક્સિબિલિટી જોઈએ. અમારું ૧૫૦ જેટલા લોકોનું ગ્રુપ છે, જેમાંથી યુવાનો એમાં કૂદકો લગાવે છે. બાકીના લોકો કૂવાની પાળ પર પગ અંદરની બાજુ રાખીને બેસી જાય છે જે કુશન તરીકે કામ લાગે છે, ભૂલથી પણ જો કોઈ લાંબો કૂદકો લાગી જાય તો તે સ્પર્ધક પાળી સાથે ભટકાય નહીં અને પાણીમાં જ પડે એનું ધ્યાન રાખીએ છીએ. સારા નસીબે આજ સુધી એક પણ ઍક્સિડન્ટ થયો નથી. યુવાનો જ નહીં, મોટી ઉંમરના કેટલાક લોકો પણ ફન માટે ટ્રાય કરી કૂદકો લગાવે છે. હંડીને ટચ કરવી આસાન નથી, એમાં બહુ જ સ્કિલ લાગતી હોય છે. આકાશ પિંગળે નામનો છોકરો છેલ્લાં સાત વર્ષથી સતત હંડી ફોડવામાં સફળ રહે છે. એવું નથી કે એક જ કૂદકામાં તે ફોડી નાખે છે, તેણે પણ ઘણા પ્રયાસ કરવા પડે છે.’