એક પુરુષ પિતા બને એટલે તેના જીવનના દૃષ્ટિકોણમાં અકલ્પનીય બદલાવ આવતો હોય છે, પરંતુ એમાં પણ જ્યારે દીકરીનો બાપ બને ત્યારે તો બદલાવ જોઈ શકાય એવો હોય છે
પ્રતીકાત્મક તસવીર
એક પુરુષ પિતા બને એટલે તેના જીવનના દૃષ્ટિકોણમાં અકલ્પનીય બદલાવ આવતો હોય છે, પરંતુ એમાં પણ જ્યારે દીકરીનો બાપ બને ત્યારે તો બદલાવ જોઈ શકાય એવો હોય છે. ધીમે-ધીમે મોટી થઈ રહેલી દીકરીને બદલાઈ રહેલા જમાના વચ્ચે સુરક્ષિત રાખવી અને સાથે જમાના સાથે ચાલવા માટે મનમાં ભય સાથે ફ્રીડમ પણ આપવી એ પિતા માટે કશમકશની ઘડી હોય છે. પોતાની નાનકડી લાડકડી કોઈથી ભરમાઈ ન જાય અથવા તેને કોઈ નુકસાન ન પહોંચાડી જાય એ ભય અત્યારના માહોલમાં ઘણા દીકરીના પિતાના મનમાં અંદરખાને સળવળતો હોય છે. આજના જમાનાના કેટલાક પિતાઓ સાથે આ વિષય પર ફાધર્સ ડે નિમિત્તે ચર્ચા કરી ત્યારે શું જાણવા મળ્યું એ વાંચો આગળ
અલર્ટ થતાં શીખવીએ અને એમ્પાવર કરીએ, બીજું તો શું થઈ શકે? : ૧૧ વર્ષની દીકરીના પિતા પલ્લવ દવે
ADVERTISEMENT
એક જાણીતી કંપનીમાં CEOના પદ પર કામ કરતા પલ્લવ દવેની દીકરી અનન્યા નાની અને દીકરો મોટો છે. ક્યાંક-ક્યાંક પલ્લવભાઈને લાગ્યું પણ છે કે પિતા તરીકે આજે દીકરી હોય કે દીકરો ઉછેર અઘરો બન્યો છે, પરંતુ એ વાત દરેક કાળમાં હતી. એક દાખલો આપતાં તેઓ કહે છે, ‘હું ૩૩ વર્ષનો હતો અને બાઇક લઈને પહેલી વાર રોડ-ટ્રિપ પર લદ્દાખ જઈ રહ્યો હતો ત્યારે મારા પિતાને મારી ચિંતા હતી. પેરન્ટ્સ બન્યા પછી સંતાનોની સેફ્ટીની ચિંતા તો હંમેશાં રહે જ છે; પરંતુ હા, એ વાત પણ સાચી જ છે કે જમાનાના વાંકે દીકરીની સેફ્ટીની ચિંતા વિશેષ થાય. ઘણી એવી ક્ષણો હોય છે જ્યારે ખબર હોય કે આમાં જોખમ છે છતાં બદલાયેલા સમય મુજબ છૂટ આપીને પણ મોટી થઈ રહેલી દીકરીને બંધિયારપણું ન લાગે એનું ધ્યાન રાખવું પડે છે. એક વાત કહીશ કે અમારા ઘરમાં દીકરીને સ્વતંત્રતા ખૂબ છે. જે કરવું હોય એ ઘરમાં રહીને કરવાની પહેલી તક તેને મળે. એનો ફાયદો એ થયો કે ઘણી બાબતોમાં તે પોતે જ હવે જવા નથી માગતી.’
પલ્લવભાઈ પોતાની તકેદારીની વાત કરતાં કહે છે, ‘જમાનો બદલાયો છે, પરંતુ એની સામે તમે પણ નૅરો થઈને ઊભા રહી જાઓ એ નવી પેઢી નહીં સ્વીકારે એટલે તેને જ સબળ કરો. ધારો કે દીકરીની એજ-ગ્રુપના ફ્રેન્ડ્સ મળીને કોઈના ઘરે નાઇટઆઉટ ગોઠવે તો હું તેને સપોર્ટ કરું. તે જેના ઘરે જવાની હોય ત્યાં પણ તેના ફ્રેન્ડ્સના પેરન્ટ્સ જોડે સંપર્કમાં હોઉં. સંતાનોને ફ્રીડમ ફીલ થાય એવું અનુરૂપ એન્વાયર્નમેન્ટ ઘરના લોકો દ્વારા અપાઈ જાય તો ઘણાં ટેન્શન ઘટી જાય.’
ઘણું ન ગમતું હોય, દીકરીની સુરક્ષાને આડે લાગતું હોય તોય ચલાવવું પડે : ૧૭ વર્ષની ટ્વીન્સ દીકરીના પિતા જિગર ભાવસાર
ઘાટકોપરમાં રહેતા અને શૅરબજારનું કામ કરતા જિગર અને પૂનમ ભાવસારની બે દીકરીઓ ટીનેજ અવસ્થામાં છે. તેમને દુર્વા અને દિશ્મા નામની ટ્વીન્સ છે. બે-બે દીકરીઓ હવે યુવાની તરફ આગળ વધી રહી છે ત્યારે પિતાની મનોસ્થિતિ કેવી હોય અને ઘણી વાર કૉન્ફ્લિક્ટ વચ્ચે પણ દીકરીના હિતમાં જરૂરી પગલાં લેવાં પડે એ વિશે વાત કરતાં જિગરભાઈ કહે છે, ‘હા, એ મૂંઝવણ મને થતી હોય છે કે કઈ રીતે અત્યારે દીકરીઓનું ધ્યાન રાખવું. મારે તેમને આગળ વધારવા માટે બને એ બધું જ કરી લેવું છે, પરંતુ એ યાત્રામાં તેમની સેફ્ટી સાથે પણ કૉમ્પ્રોમાઇઝ નથી કરવું. તેઓ ખૂબ આગળ વધે એવું હું ઇચ્છુ છું અને પોતાની મનગમતી જિંદગીને માણે એમાં પણ મને વાંધો નથી, પરંતુ સેમ ટાઇમ તેઓ ક્યાંય કોઈની વાતમાં આવીને ભોળવાઈ ન જાય એનો ભય પણ રહે તો છે જ. આનો કોઈ રસ્તો નથી. આ સમસ્યા કદાચ મારા જમાનામાં આ સ્તરે નહોતી. મારાં મમ્મી-પપ્પા કે મારી વાઇફનાં મમ્મી-પપ્પાએ અમારા જેવી દ્વિધા નથી ભોગવી. મારા પક્ષેથી બને એટલાં પ્રિકૉશન્સ લઉં છું. જેમ કે તેઓ એકલી બહાર હોય તો લાઇવ લોકેશન્સ પાસે હોય. તેમને મોડી રાતે લેવા-મૂકવા માટે હું સાથે હોઉં. સામાન્ય રીતે નવ વાગ્યા સુધીમાં પાછા આવી જવાનો નિયમ રાખ્યો છે. જુઓ, કોઈ મને સંકુચિત ગણે તો ભલે ગણે; પણ હા, અમુક પ્રકારના શૉર્ટ ડ્રેસિસ તેઓ પહેરતી હોય તો મને એનાથી તેમની બમણી ચિંતા થતી હોય છે. મને દુનિયામાં બની રહેલી ઘટનાઓથી મારી દીકરીઓ પ્રોટેક્ટેડ રહે એ જોઈએ છે અને એટલે જ હું કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માગતો હોતો.’
સંતાન સાથે જો રેપો સારો હશે તો ગમે એવી કશમકશનો પણ ઉપયોગી રસ્તો નીકળશે : બે દીકરીના પિતા બિનિત ભાવસાર
થાણેમાં રહેતા અને વેજિટેબલ્સ સપ્લાયનું કામ કરતા બિનિત કીર્તિકુમાર ભાવસારની બે દીકરી છે - કશિશ અને ક્રિષિતા. કશિશ તો હવે મિડિયા ઇન્ડસ્ટ્રીમાં જ કામે પણ લાગી ગઈ છે. બિનિતભાઈ કહે છે, ‘જોકે એ પછીયે કહીશ કે હા, દીકરીની સેફ્ટીનું ધ્યાન રાખવાનું જરૂરી છે અને એની ચિંતા પણ હોય છે. આજકાલની દીકરીઓ સ્ટ્રૉન્ગ છે, પોતે જ પોતાનું ધ્યાન રાખવા સક્ષમ છે અને જાતે જ બધી રીતે તેઓ પોતાનું ધ્યાન રાખી લે છે. ઇન ફૅક્ટ, અમારું ધ્યાન પણ મોટી દીકરી રાખે છે, પરંતુ એ પછીયે કામથી મોડું થવાનું હોય તો તે ઘરે પહેલાં ફોન કરશે. ક્યારેક મારા વારંવાર ફોન જાય તો મૅડમ ઇરિટેટ થાય; પરંતુ મેં સમજાવી દીધું છે કે ફોન તો આવશે જ, ગુસ્સો થાય તો પણ. જ્યારે આપણે દીકરી સાથે સંવાદ રાખ્યો હોય; ઇન ફૅક્ટ, ઓવરઑલ સંતાન સાથે ઘરોબો હોય તો ઘણાં કામ સ્મૂધલી થઈ શકતાં હોય છે. કેટલીક ડિસિપ્લિનની આદત પાડી છે જે હવે બધે જ પળાય છે.
દીકરીને દુનિયામાં ઍડ્જસ્ટમેન્ટ કરવાની ટ્રેઇનિંગ મળે એ ખૂબ જરૂરી : ૯ વર્ષની દીકરીના પિતા ઉજ્જવલ જાની
અગ્રણી ડાયમન્ડ અને ટેક્સટાઇલ કંપનીમાં બૅક ઑફિસનું કામ સંભળતા ઉજ્જવલ જાની આજના પિતાની મૂંઝવણની અવસ્થાને સ્વીકારે છે. તેઓ કહે છે, ‘હજી મારી દીકરી ૯ વર્ષની જ છે; પરંતુ હા, જેમ-જેમ તે મોટી થઈ રહી છે એમ-એમ દુનિયામાં તેની સુરક્ષિતતા અકબંધ રહે એ માટેની ચિંતા મને થાય જ છે. તેના પ્રોટેક્શનની જવાબદારી મારી છે અને સમાજમાં જે રીતે વસ્તુઓ બદલાઈ રહી છે એ જોતાં મનમાં એક ડર તો સતત હોય જ છે.’
આના સમાધાનરૂપે ઉજ્જવલભાઈએ ૯ વર્ષની દીકરીને ધીમે-ધીમે દુનિયાની વાસ્તવિકતા સાથે તેની સમજણ અનુસાર ટ્રેઇન કરવાનું શરૂ કરી દીધું છે. ઉજ્જવલભાઈ કહે છે, ‘આમાં આપણે બાળકને સમજાવી શકીએ અને સાવચેતી રાખી શકીએ. જોકે બહુ સાચી રીતે કહું તો ઓવરઑલ જો બાળકનો ઉછેર વાસ્તવિકતાના પટલ પર કરો તો તેના સ્વભાવને કારણે આવનારા સંકટને રોકી શકાય છે. જેમ કે દીકરીને લાડકોડથી ઉછેરીએ એમાં વાંધો નથી, પરંતુ તે જે માગે એ આપીએ અને તેને જીવનની રિયલિટીનો અણસાર જ ન આવવા દઈએ એ યોગ્ય નથી. અત્યારે પણ અમે અમારી દીકરીને ગુડ ટચ, બૅડ ટચનું નૉલેજ આપીએ છીએ. જોકે બધું જ ધાર્યા પ્રમાણે ન થાય. અમુક ઇચ્છા પૂરી ન પણ થાય અને બધાની સાથે રહેવા માટે ઍડ્જસ્ટમેન્ટ પણ કરવાં પડે. આજકાલની પાપાની પરીઓને પાપા આ ટ્રેઇનિંગ આપવાનું ભૂલી ગયા છે જેના પર કામ થવું જોઈએ. આજની દીકરીઓને પારિવારિક વૅલ્યુઝ અને ઍડ્જસ્ટમેન્ટ કરતાં શીખવવું પણ ખૂબ જરૂરી છે. આ વાત પણ પોતાની દીકરીની સેફ્ટી ઇચ્છતા પિતાઓએ યાદ રાખવા જેવી છે.’

