રશ્મિ બંસલે આ જ વાત કહી છે તેની બુક ‘ટેક મી હોમ’માં
રશ્મિ બંસલની બુક ‘ટેક મી હોમ’
જ્યારે ઑન્ટ્રપ્રનર શબ્દ પણ આટલો પૉપ્યુલર નહોતો થયો એવા સમયે મહેનતના આધારે વિશ્વભરમાં નામના કમાનારા અને રશ્મિ બંસલની બુકમાં સમાવેશ થયેલા વીસ જેટલા ઉદ્યોગ-સાહસિકોની વાતો વાંચ્યા પછી લોહી ગરમ પણ થઈ જાય અને હૈયામાં ઝનૂન પણ ભરાઈ જાય
ભારતના નૉન-ફિક્શનલ રાઇટjનું લિસ્ટ બનાવવા બેસો એટલે એમાં રશ્મિ બંસલનું નામ ટોચના દસ રાઇટરમાં આવે. સંઘર્ષ કથાઓ લખવામાં હથરોટી હાંસલ કરી લેનારી રશ્મિ બંસલની લાઇફ પોતે એક ફિક્શન સ્ટોરીથી સહેજ પણ ઓછી કે ઊતરતી નથી. વૈજ્ઞાનિકના ઘરમાં જન્મેલી રશ્મિ માટે એવું જ માનવામાં આવતું હતું કે રશ્મિ પણ પોતાના પપ્પાના પગલે સાયન્સના ક્ષેત્રમાં આગળ વધશે, પણ બધાના આશ્ચર્ય વચ્ચે રશ્મિએ ઘરના સૌને ઝાટકો આપ્યો અને આર્ટ્સમાં આગળ વધી. રશ્મિ કહે છે, ‘એ સમયે બધાને એમ જ હતું કે હું કંઈ ખોટું કરું છું પણ મને ખબર હતી કે ન આવડતા ક્ષેત્રમાં જઈને આગળ વધવા કરતાં બહેતર છે કે ઇન્ટરેસ્ટ હોય એ ક્ષેત્રમાં આગળ વધીને નવી ઊંચાઈઓ જોવી.’
ADVERTISEMENT
યંગસ્ટર્સમાં પૉપ્યુલર હોય એવા રાઇટરની યાદીમાં ફિક્શન રાઇટરમાં ચેતન ભગત અને અમીષ ત્રિપાઠીની તોલે આવે એવી પૉપ્યુલૅરિટી નૉન-ફિક્શન કૅટેગરીમાં ધરાવતી રશ્મિ બંસલે જીવનવૃત્તાંત પર વધારે ફોકસ કર્યું છે. તેણે લખેલી તમામ નૉન-ફિક્શનમાં રિયલ લાઇફ સ્ટોરી છે અને એ તમામ સ્ટોરીમાં સક્સેસને પામવાનો રસ્તો ચીંધવામાં આવ્યો છે. રશ્મિ કહે છે, ‘સક્સેસના બે જ રસ્તા હોય. એક, તમે અથાગ મહેનત કરો અને બીજો, તમે જે કંઈ કરો એ યુનિક હોય. જો આ બન્ને રસ્તા પર તમે આગળ વધતા હો તો તમને સફળતાથી કોઈ દૂર રાખી ન શકે.’
રશ્મિ બંસલની બુક ‘ટેક મી હોમ’નો સાર પણ આ જ છે.
આઇઆઇએમ અને બુક્સ | અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટનો સૌકોઈએ આભાર માનવો જોઈએ, કારણ કે આ આઇઆઇએમ જ એવી સંસ્થા છે જેણે ત્યાં ભણનારાઓને નવી ક્ષિતિજ દેખાડવાનું કામ તો કર્યું જ સાથોસાથ તેમનામાં રહેલા રાઇટરને પણ જગાડવાનું કામ કર્યુ. ચેતન ભગત પણ આઇઆઇએમની દેન છે તો રશ્મિ બંસલ પણ આઇઆઇએમની દેન છે.
મુંબઈની સોફિયા કૉલેજમાં ગ્રૅજ્યુએશન પૂરું કરીને રશ્મિએ આઇઆઇએમમાંથી એમબીએ કર્યું. પોતાના આ માસ્ટર્સ દરમ્યાન જ રશ્મિને ખબર પડી ગઈ હતી કે બુક્સ તેની જિંદગીનો બહુ મૂલ્યવાન હિસ્સો છે. નાનપણથી વાંચવાનો શોખ ધરાવતી રશ્મિનું વાંચન અમદાવાદમાં પણ અવિરતપણે ચાલુ રહ્યું. બાયોગ્રાફિકલ લિટરેચર વાંચવાનો શોખ ધરાવતી રશ્મિને આ જ તબક્કે એવું લાગ્યું કે જે હવે હયાત નથી એ સૌની વાત વાંચવાની સાથોસાથ એ લોકોની વાત પણ વાંચવા મળે જે અત્યારે હયાત છે અને ભવિષ્યમાં દંતકથા ગણાવાના છે તો મજા પડી જાય. રશ્મિ કહે છે, ‘કોઈની શરૂઆતની રાહ જોવાને બદલે મને થયું કે આ કામ મારે જ કરવું જોઈએ અને આઇઆઇએમ દરમ્યાન જ મને આ પ્રકારનો એક વિષય પણ મળ્યો જેમાં મારે એવા લોકોને મળવાનું હતું જેમણે શૂન્યથી શરૂઆત કરી હોય.’
એ જે મીટિંગ અને સ્ટ્રગલ સ્ટોરીની વાત થઈ એ વાતોએ જ ભવિષ્યમાં રશ્મિની પહેલી બુક બનીને બહાર આવી અને એ બુકે રીતસર ઇન્ડિયા પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી દીધી. રશ્મિની એ પહેલી બુક આઠ ભાષામાં પબ્લિશ થઈ અને એ બુકની સાડાત્રણ લાખથી પણ વધારે નકલ વેચાઈ. બસ, રશ્મિને એક મંઝિલ મળી ગઈ અને રશ્મિએ રીતસર એ રસ્તા પર દોટ મૂકી. અફકોર્સ, એ પહેલાં રશ્મિ બંસલે સહજ અને સરળ રીતે પબ્લિકેશન ઇન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લિશ થવાનું કામ કર્યું અને અનુભવ લીધા પછી તેણે પોતાનું પબ્લિકેશન હાઉસ શરૂ કરી આખી ટીમ ઊભી કરી, જે ટીમ રશ્મિ માટે રિસર્ચનું કામ કરવા માંડી. એ જે રિસર્ચ થતું એના આધારે રશ્મિ બંસલ પોતાનો ડેટા ઊભો કરતી અને એ ડેટાના આધારે તે ભારતના કે પછી ઇન્ડિયન ધુરંધરોને મળીને તેમની સ્ટ્રગલ જર્નીને લખતી. રશ્મિ બંસલે પોતાના આ કામમાં એવી તે હથરોટી હાંસલ કરી લીધી છે કે આજે એવી પરિસ્થિતિ છે કે રશ્મિ જેવા અનેક રાઇટર પણ એ દિશામાં કામ કરતા થયા.
એક સમય હતો જ્યારે રશ્મિ એકમાત્ર આ પ્રકારનું કન્ટેન્ટ જનરેટ કરતી હતી પણ આજે હિન્દુસ્તાનમાં હજારો એવા લોકો ઊભા થઈ ગયા છે કે જે સ્થાનિક સ્તર પર આ પ્રકારની કન્ટેન્ટ ઊભી કરે છે અને ઝીરોથી શરૂ કરી નવી ઊંચાઈઓ મેળવનારાઓની સંઘર્ષગાથા સૌની સામે લાવે છે.
સીધી નહીં, આડકતરી રીતે |રશ્મિ બંસલની બુક્સ પરથી સીધી તો કોઈ કન્ટેન્ટ તૈયાર નથી થઈ પણ બંસલે પોતાની બુક્સમાં લીધેલા ઑન્ટ્રપ્રનર વિશે વાંચીને એના જીવનકવનના રાઇટ્સ લેવામાં આવ્યા હોય એવી ઘણી ઘટનાઓ ઘટી છે અને એવું લગભગ ચાલુ જ રહ્યું છે. રશ્મિને એમાં કશું અજુગતું પણ નથી લાગતું. રશ્મિ કહે છે, ‘મારો સીધો ગોલ એક જ હતો કે લોકોને સફળતા સહજ છે એ વાત સમજાવું અને એ પણ સમજાવું કે તમે ધારો તો કોઈ પણ સ્તર કે ઉંમર પર પહોંચીને પણ એ મેળવી શકો છો. હું મારા એ કામમાં ક્યાંક ને ક્યાંક સફળ થઈ છું, જેની મને ખુશી છે.’
રશ્મિની વાતમાં ય અતિશિયોક્તિ નથી. રશ્મિની બુક્સમાંથી પ્રેરણા લઈને સેંકડો ઑન્ટ્રપ્રનર ઇન્ડિયાને મળ્યા છે જેમણે એક અલગ જ રસ્તો ચીતર્યો છે તો અનેક એવા ઑન્ટ્રપ્રનર માટે આ બુક્સ પ્રેરણારૂપ બની છે જે કોઈ ને કોઈ જગ્યાએ તકલીફો વચ્ચે અટવાયા હતા. રશ્મિની બુક્સે એ તકલીફોમાંથી રસ્તો શોધી આપવાનું કામ કર્યું અને રશ્મિ કહે છે એમ, એ જ તેનું ધ્યેય હતું.

