વધતી ઉંમરને કારણે ટિફિન બિઝનેસનો વારસો વહુ અને દીકરાને સોંપી દીધા બાદ પણ ૮૫ વર્ષનાં વનિતા મહેતા ફરસાણ, મોહનથાળ, લાડુના ઑર્ડર લે છે અને ફરવાનો શોખ પૂરો કરે છે
૮૫ વર્ષનાં વનિતા મહેતા
મોટી ઉંમર હોવા છતાં પણ પ્રવૃત્ત કઈ રીતે રહેવું અને જીવનને કેવી રીતે માણવું એ સાંતાક્રુઝમાં રહેતાં ૮૫ વર્ષનાં વનિતા મહેતા પાસેથી શીખવા જેવું છે. ટિફિનવાળાં આન્ટી તરીકે ફેમસ થયેલાં વનિતાબહેને ચાર દાયકા સુધી ટિફિન બનાવીને પોતાના હાથની બનેલી સ્વાદિષ્ટ રસોઈનો સ્વાદ સેંકડો લોકોને ચખાડ્યા બાદ આ બિઝનેસનો વારસો તેમનાં પુત્રવધૂને સોંપ્યો હતો. તેમ છતાં તેઓ આજે પણ ફરસાણ, મોહનથાળ અને લાડુના ઑર્ડર લે છે. ટેસ્ટી અને યમ્મી રસોઈ બનાવવાની સાથે વનિતાબહેન ખાવાનાં અને ફરવાનાં પણ શોખીન છે. તેમના કુકિંગનું પૅશન બિઝનેસમાં કઈ રીતે પરિવર્તિત થયું અને એને તેમણે ડેવલપ કઈ રીતે કર્યો એ વિશે વનિતાબહેન પાસેથી જ જાણીએ.
ખાખરાથી થઈ શરૂઆત
ADVERTISEMENT
વનિતાબહેન તેમની કુકિંગ-જર્ની વિશે વાત કરતાં કહે છે, ‘મારાં સાસુ-સસરા ખાવાપીવાનાં શોખીન હતાં, પણ મારાં જેઠાણીને રસોઈ એટલી ફાવતી નહોતી અને મને ફાવતી હતી. મારા હસબન્ડની ઇચ્છા હતી કે હું તેમને સારી-સારી રસોઈ બનાવીને ખવડાવું. મારા માટે પણ રસોઈ થેરપીનું કામ કરતી હતી. મને પણ જાતજાતનાં વ્યંજનો બનાવીને ખવડાવવાં ગમતાં હતાં. આ વાત ૧૯૭૫ની આસપાસની છે. એક વખત મારા પતિ મારા બનાવેલા ખાખરા તેમની ઑફિસમાં લઈ ગયા અને બધાને ટેસ્ટ કરાવીને તેમણે પોતાના સહકર્મચારીઓને કહ્યું કે જો ભાવ્યા હોય તો ઑર્ડર આપજો. પછી શું? તેમની કંપનીમાંથી મને ખાખરાના અઢળક ઑર્ડર્સ મળ્યા અને મારા ખાખરા તો જાણે પૉપ્યુલર થતા ગયા. પછી ટિફિન શરૂ કરવાનો વિચાર આવ્યો. મારા પતિની ઇચ્છા હતી કે મારી રાંધણકળા સારી છે તો એનો ઉપયોગ કરીને બિઝનેસ થાય અને આ બિઝનેસ કરવામાં હું સહમત હોઉં. મને તો ઘરેથી બિઝનેસ કરવામાં કોઈ વાંધો નહોતો તેથી મેં ટિફિન બનાવવાની શરૂઆત કરી, પણ અમે ધાર્યું નહોતું કે આ બિઝનેસ પણ બહુ ચાલશે. લોકોને મારા હાથની રસોઈ એટલી ગમવા લાગી કે હું દિવસનાં સરેરાશ ૬૫ ટિફિન એકલા હાથે બનાવતી હતી અને સાથે ફરસાણના પણ ઑર્ડર્સ લેતી હતી એટલે મારા એરિયામાં હું વનિતા મહેતા કરતાં ટિફિનવાળાં આન્ટી તરીકે વધારે ફેમસ થઈ ગઈ. વધતી ઉંમરની સાથે કામ કરવાની ક્ષમતા ઘટવા લાગી ત્યારે મેં ચાર-પાંચ છોકરીઓનો સ્ટાફ મારા ઘરે જ રાખ્યો હતો. તે મને શાક સમારવામાં અને બીજા નાના-મોટા રસોઈ સંબંધિત કામમાં હેલ્પ કરાવતી અને પછી ફરસાણ બનાવવામાં પણ મારી મદદ કરતી. હું એ સમયે ફરસી પૂરી, મસાલા પૂરી, ચેવડો, ખારા અને મીઠા શક્કરપારા, ગોળપાપડી, મોહનથાળ અને લાડુ પણ ઑર્ડર મુજબ બનાવીને આપતી હતી. મને ખરેખર ઘર અને ટિફિનનો બિઝનેસ સંભાળવાનું બહુ જ ગમતું હતું એટલે બધું જ બહુ જ સારી રીતે મૅનેજ થઈ જતું હતું. અમારી આર્થિક સ્થિતિ સારી હતી તેથી એવું નહોતું કે પૈસાની તંગીને કારણે મેં બિઝનેસ શરૂ કર્યો. મારા પતિએ મારામાં રસોઈની ટૅલન્ટ જોઈ અને એને આગળ વધારવામાં મદદ કરી. એ સમયે ઘર પણ મોટું હતું તો હું બધું જ મારા ઘરેથી હૅન્ડલ કરતી હતી.’
સેલિબ્રિટીઝને ભાવતી રસોઈ
વનિતાબહેનના હાથની રસોઈનો આસ્વાદ ગુજરાતી સાહિત્યકારોએ પણ ચાખ્યો છે. આ વિશે વાત કરતાં વનિતાબહેન જણાવે છે, ‘મારા હાથની રસોઈ ગુજરાતી સાહિત્યકારોએ પણ ચાખી છે. એમાં કુંદનિકા કાપડિયા, મકરંદ દવે અને ધીરુબહેન પટેલ જેવા લોકોનો સમાવેશ થતો હતો. તેમને મારા હાથનું ટિફિન બહુ જ ભાવતું અને ખાસ કરીને ચોખાના લોટનાં ખાટિયાં ઢોકળાં. મારા હાથના બનેલાં ઢોકળાં તો મરાઠી ફિલ્મોની અભિનેત્રી લીલા ચિટણીસ અને જયા બચ્ચને પણ મન મૂકીને ખાધાં હતાં. મારા કામના મૅનેજમેન્ટ અને સારી રસોઈથી પ્રભાવિત થઈને વરલીની એક રેસ્ટોરાંએ મને ત્યાંના સ્ટાફને શીખવવા માટે બોલાવી હતી અને હું ત્યાં ગઈ પણ હતી, ત્યાં મેં એક વર્ષ સુધી કામ કર્યું. મને જીવનના નવા અનુભવોને જાણવા અને માણવાની બહુ જ મજા આવી.’
ટિફિનનો વારસો વહુને સોંપ્યો
વનિતાબહેને ૨૦૦૯માં ટિફિનનો વારસો તેમની વહુને સોંપી દીધો એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારી દીકરી હિના અને દીકરા વાસુનાં લગ્ન થઈ ગયા બાદ પણ મેં ટિફિન કરવાનું ચાલુ રાખ્યું, પણ ઉંમર વધતાં મારાં સંતાનો મને વારંવાર નિવૃત્ત થવાનું કહેતાં હતાં. એવું નહોતું કે મારાથી થતું નહોતું, પણ મને પણ વર્કલોડ ઓછો કરીને મારા શોખ પૂરા કરવા હતા. તેથી ધીરે- ધીરે હું મારી વહુ સપનાને મારું કામ સમજાવતી અને શીખવાડતી. સપનાનું સાચું નામ શુભાંગી છે, પણ જ્યારે તેમનાં લગ્ન થયાં ત્યારે ‘એક દૂજે કે લિએ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. એમાં કમલ હાસન અને રતિ અગ્નિહોત્રીએ વાસુ અને સપનાનાં પાત્ર ભજવ્યાં હોવાથી અમારા માટે શુભાંગી મારા દીકરા વાસુની સપના બની ગઈ. તેને અત્યારે બધા સપનાના નામથી જ ઓળખે છે. તે મારી જેમ રાંધણકળામાં એક્સપર્ટ નહોતી, પણ શીખવાની ધગશ હોવાથી તે શીખી ગઈ. મને જ્યારે વિશ્વાસ બેઠો ત્યારે હું ફરવા જતી. બેથી ત્રણ વાર મેં એવું કર્યું અને તેણે બહુ જ સારી રીતે ટિફિનનું કામ હૅન્ડલ કર્યું હોવાથી ૨૦૦૯માં મેં પૂર્ણપણે ટિફિનના કામમાંથી નિવૃત્તિ લઈ લીધી. મારો દીકરો વાસુ પણ તેની જૉબ છોડીને ફુલટાઇમ આ બિઝનેસમાં જોડાઈ ગયો. અત્યારે મારા ટિફિનનો વારસો દીકરો અને વહુ મળીને સારી રીતે સંભાળી રહ્યાં છે. આજની તારીખમાં હું ફક્ત ફરસાણના જ ઑર્ડર લઉં છું. મેં એકસાથે ૧૫ કિલો જેટલો મોહનથાળ બનાવ્યો છે. એના ઑર્ડર દિવાળીમાં અને લાડુના ઑર્ડર ગણપતિમાં મળે. આજે પણ હું ધીમે-ધીમે એક દિવસમાં ચારથી પાંચ કિલો જેટલો મોહનથાળ અને લાડુ બનાવી લઉં છું. હું અત્યારે એકલી રહું છું તો સવારે અને બપોરે મારી વહુ મને ટિફિન આપે, પણ રાતે તો હું મારા હાથની જ આઇટમ બનાવીને ખાઉં અને ખવડાવું. હું સૅન્ડવિચ, ઢોકળાં, મસાલા પાંઉ, પાણીપૂરી, સેવપૂરી, ભેળપૂરી બનાવું. જ્યારે બનાવું ત્યારે પાડોશી અને દીકરા-વહુ માટે પણ બનાવું.’
ફરવાનાં શોખીન
રાંધવામાં એક્સપર્ટ અને ખાવા-પીવાનાં શોખીન વનિતાબહેનને ફરવાનો અને શૉપિંગનો બહુ શોખ છે. પતિના અવસાન બાદ તેમણે ફરવાનો શોખ પૂરો કરવાનું શરૂ કર્યું. ભારતયાત્રાની સાથે થાઇલૅન્ડ, સિંગાપોર, દુબઈ અને મકાઉની આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પણ વનિતાબહેને કરી છે. ફરવાના શોખની સાથે તેમને શૉપિંગનો પણ શોખ છે. તેમના આ શોખ વિશે વાત કરતાં વનિતાબહેન કહે છે, ‘મને શૉપિંગનો શોખ તો છે પણ હું એમાંથી કંઈ વાપરું નહીં. થોડો સમય એ ચીજો મારી પાસે રહે, પછી હું મારી દીકરી કે વહુને આપી દઉં. હું ભલે કંઈ વાપરું નહીં, પણ શૉપિંગનો શોખ તો ખરો જ.’


