Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ રમીલાનો દીકરો છે

આ રમીલાનો દીકરો છે

24 April, 2024 12:13 PM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

૨૦૧૩માં એકાએક આવેલા હાર્ટ-અટૅકને કારણે નીરવનાં મમ્મી રમીલાબહેન ગુજરી ગયાં એનો તેને જબરો આઘાત લાગ્યો હતો.

નીરવ કોલીની તસવીર

નીરવ કોલીની તસવીર


૧૮ દેશો જેમાં ભાગ લેવાના છે એવી ઇન્ટરનૅશનલ કેટલબેલ મૅરથૉન ફેડરેશનની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે નીરવ કોલી. ૨૦૧૮માં સાઇક્લિંગ દરમ્યાન થયેલા અકસ્માતને કારણે જેને વજન ઉપાડવાની ટોટલી મનાઈ ફરમાવાઈ હતી એ યુવક કેટલબેલ તરીકે જાણીતી રશિયાની રમતમાં નૅશનલ ચૅમ્પિયન કઈ રીતે બન્યો એ જર્ની જાણવા જેવી છે

લોકોના જીવનમાં ક્યારે કઈ ઘટના ટર્નિંગ પૉઇન્ટ બનીને આવી જાય એ કહેવાય નહીં. સાઉથ મુંબઈના માઝગાવમાં રહેતો ૨૪ વર્ષનો નીરવ કોલી એક એવી ગેમમાં નૅશનલ ચૅમ્પિયન છે જેનું નામ પણ આપણામાંથી ઘણાએ નહીં સાંભળ્યું હોય. લોખંડ અથવા તો સ્ટીલના ચોક્કસ વજનના દડા પર જાણે હૅન્ડલ લગાવ્યું હોય એવું ઇક્વિપમેન્ટ ઊંચકીને અમુક રીતે રમાતી રમત કેટલબેલમાં અત્યાર સુધી નૅશનલ અને ઇન્ટરનૅશનલ મેડલ જીતી ચૂકેલા નીરવની જર્ની રોમાંચક છે. 

બન્યું એવું કે...
ફિટનેસ-ટ્રેઇનર તરીકે કામ કરતા નીરવે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે ક્યારેક કોઈ ગેમની અંદર દેશનો ઝંડો લહેરાવી શકે એટલો આગળ નીકળી જશે. અનાયાસ કેટલબેલ તેના જીવનમાં આવી. નીરવ કહે છે, ‘હું પર્સનલ કોચિંગ કરતો. એમાં પોતાને અપગ્રેડ કરવા માટે જાતજાતના કોર્સ કરતો રહેતો જેથી હું મારા ક્લાયન્ટને નવા-નવા પ્રકારનાં વર્કઆઉટમાં હેલ્પ કરી શકું. એમાં જ એક કોર્સમાં કેટલબેલ વર્કઆઉટની ખબર પડી. મેં લૉકડાઉન દરમ્યાન OLXમાંથી સેકન્ડહૅન્ડ કેટલબેલ ખરીદી અને પછી સેલ્ફ-ટ્રેઇનિંગ શરૂ કરી. મને મજા આવતી હતી. ધીમે-ધીમે એમાં વધુ ઊંડો ઊતરતો ગયો અને પછી તો નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલે રમવાનું અને જીતવાનું શરૂ કર્યું.’



અહીં ઉલ્લેખનીય છે કે કેટલબેલ એ રશિયાની રાષ્ટ્રીય રમત છે. આમ તો જિમમાં ઘણા ઠેકાણે સ્ટ્રેંગ્થ ટ્રેઇનિંગ વર્કઆઉટમાં પણ એનો ઉપયોગ થાય છે. જોકે સ્પોર્ટ્સ તરીકે ભારતમાં હજીયે એના વિશે બહુ જાગૃતિ નથી કેળવાઈ. એ પછીયે બે ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રનિધિત્વ કરીને તે ગોલ્ડ મેડલ જીતી લાવ્યો. ગ્રીસમાં યોજાયેલી કેટલબેલ ટુર્નામેન્ટમાં તે બે ગોલ્ડ જીતેલો. એ પછી ૨૦૨૩ના નવેમ્બરમાં દિલ્હીમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં પણ બે ગોલ્ડ મેડલ, એ પછી ડિસેમ્બરમાં યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં પણ તે ગોલ્ડ જીત્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કલકત્તામાં નૅશનલ ચૅમ્પિયનશિપમાં તે ત્રણ ગોલ્ડ મેડલ જીતી આવ્યો છે. હવે ઇન્ટરનૅશનલ કેટલબેલ મૅરથૉન ફેડરેશન દ્વારા ડેન્માર્કમાં યોજાનારી ત્રીજી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મે મહિનામાં નીરવ કોલી ભારતનું પ્રતિનિધિત્વ કરવા જવાનો  છે. આ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ૧૮ દેશો ભાગ લેવાના છે જેમાં અર્ણવ સરકાર નામનો ટ્રેઇનર તેને ટ્રેઇનિંગ આપી રહ્યો છે. 


મમ્મી માટે જીવું છું
૨૦૧૩માં એકાએક આવેલા હાર્ટ-અટૅકને કારણે નીરવનાં મમ્મી રમીલાબહેન ગુજરી ગયાં એનો તેને જબરો આઘાત લાગ્યો હતો. નીરવ કહે છે, ‘મારે માટે એ ડિપ્રેશનની સ્થિતિ હતી. એમાંથી બહાર આવવા જ હું વર્કઆઉટ કરવા માંડ્યો હતો. પહેલાં સાઇક્લિંગ કરતો, પણ એમાં અકસ્માત નડ્યો. ઇન્જરીને કારણે પ્લેટ બેસાડવી પડી. એક વર્ષ માટે પથારીવશ હતો. ડૉક્ટરે વજન ઉપાડવાની મનાઈ ફરમાવી હતી, પણ સાચું કહું તો એ પછી મને કોઈ ડર જ રહ્યો નથી. હવે બસ લડવું છે અને જીતવું છે. મારી કેટલબેલ પર મેં મારી મમ્મીનું નામ લખાવ્યું છે. કેટલબેલમાં દેશનું નામ એટલું આગળ વધારવું છે કે લોકો મારી મમ્મીના નામથી મને બોલાવતા થાય. અત્યારે ભારતમાં આ બહુ જાણીતી રમત નથી. બહુ ઓછા ઍથ્લીટ છે જેઓ ઍડ્વાન્સ લેવલની કેટલબેલના રેકૉર્ડ બ્રેક કરી શક્યા છે. હું એમાંનો એક બનવા માગું છું. મને ખાતરી છે કે એક દિવસ આ રમતને આપણા દેશમાં ઓળખ મળશે અને એની સાથે લોકો પણ મને ‘આ રમીલાબહેનનો દીકરો છે’ એવું કહીને બોલાવશે. એવું જે દિવસે થશે ત્યારે મને મારું જીવન સફળ થયું લાગશે. અત્યારે તો હું આખું વર્ષ આ જુદી-જુદી સ્પર્ધામાં ભાગ લેવા જવા માટે પૈસા ભેગા કરું છું અને નિયમિત ટ્રેઇનિંગ પણ લઉં છું.’ 

કેટલબેલ શું છે?
રશિયામાં ઉદ્ભવેલી ત્યાંની રાષ્ટ્રીય રમત અને હવે દુનિયાભરમાં જાણીતી કેટલબેલ એટલે એક એવું ઇક્વિપમેન્ટ જે લોખંડ અથવા તો સ્ટીલના વજનદાર દડા જેવું હોય જેના પર હૅન્ડલ હોય જેથી એને હાથથી વ્યવસ્થિત રીતે પકડી શકાય. ૧૬ કિલોની કેટલબેલ એક હાથમાં અને ૧૬ કિલોની કેટલબેલ બીજા હાથમાં પકડીને હાથને ૧૦થી ૩૦  મિનિટ સુધી ઉપર-નીચે લઈ આવવાના અને એ પણ એની વિશિષ્ટ ટેક્નિક પ્રમાણે. વજન, મૂવમેન્ટ અને સમયમર્યાદા સ્પર્ધાના નિયમ પ્રમાણે બદલાતા રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2024 12:13 PM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK